મારા પ્રતિભાવો – કૃષ્ણતત્ત્વ ગર્ભ દરમીયાન કે પછી ? (via NET-ગુર્જરી)


સહયોગીઓ !

આજે એક મુંઝવણભર્યો સવાલ મુકી રહ્યો છું –

“કૃષ્ણતત્ત્વ માતાના ગર્ભમાં જ પ્રવેશ્યું હતું કે જન્મ બાદ બાળકના શરીરમાં પ્રવેશ્યું હશે ?”

(વધુ વાંચો: કૃષ્ણતત્ત્વ ગર્ભ દરમીયાન કે પછી ? (જુગલકીશોરભાઈ) )

મારો પ્રતિભાવ:

અશોક મોઢવાડીયા :

શ્રી.જુ.ભાઈ, ઘણો અઘરો પ્રશ્ન કર્યો. જ્ઞાનીજનો જવાબ આપી શકે. મારા જેવાને આવા અઘરા પ્રશ્નોના જવાબ તો ન સૂઝે. છતાં, હું ખોટો હોઉં એવી આશંકા સાથે, શાસ્ત્ર અજ્ઞાનનાં અંધકારમાં, માત્ર સામાન્ય સમજનાં આછેરા ઉજાસમાં, નમ્ર પ્રયાસ કરીશ.

લોકવાણીમાં કહેવાય છે કે, ગૂનેગારો માં ના પેટમાંથી જન્મતા નથી ! આ વાત મહાપુરૂષોને પણ કેમ લાગુ ન પડે ?! સંગ તેવો રંગ, અન્ન તેવો ઓડકાર, દેશ તેવો વેશ વગેરે અર્થની કહેણીઓ સામાન્ય સમજ એવી બનાવે છે કે, જેવા સંસ્કાર મળશે તેવું વ્યક્તિત્વ પાકશે (અહીં કૃષ્ણતત્ત્વ વાંચો). વિજ્ઞાન પાસે મા-બાપનાં રંગસૂત્રોના સમન્વય અને સંસ્કારને લગતા અઢળક પુરાવાઓ હશે. સાચા પણ છે. પણ તે ભૌતિક (કદ, કાઠી, રંગ, દેખાવ વગેરે વગેરે) બાબતોને માટે. વાત ’તત્ત્વ’ની હોય તો એ રંગસૂત્રોથી બનતું હોય તેવું મારી અલ્પ સમજમાં તો બેસતું નથી. કેમ કે, તો પછી હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ જન્મે કે અમારા એક અતિસજ્જન શિક્ષકને ત્યાં પાક્કો બદમાશ, હિસ્ટ્રીશિટર જન્મે એવું કેમ બને ?! કૃષ્ણમાં એવું કયું રંગસૂત્ર હશે ? તેનાં પૂર્વજોમાં કે પછીના વંશમાં પણ બીજો કૃષ્ણ કેમ ના થયો ? વળી ’રામ’, ’બુદ્ધ’, ’જીસસ’, ’મહાવીર’ વગેરેમાં પણ આ પ્રમાણે જ સમજવું. દેવ કે દાનવ, જન્મતા નથી.

હવે બીજી રીતે વિચારીએ. આપે ’કૃષ્ણતત્ત્વ’ કહ્યું, હું માની લઉં કે આપનો અર્થ દિવ્યતા કે પરમશક્તિ એવો છે. તો, લાખો કરોડો ગર્ભને છોડીને એ દિવ્યતત્ત્વને માત્ર દેવકીના ગર્ભને પસંદ કરવાનું શું કારણ ? કેમ કે, અકારણ કશું કરવાનો એનો સ્વભાવ નથી એવું શાસ્ત્રો વદે છે. પણ આપણે વળી શાસ્ત્રોને તો વચ્ચે લાવવા જ નથી. (એ પર પણ કદાચ મનુષ્યનિર્મિતતાનો દોષ હોય !) કૃષ્ણનો ઉછેર મામા કંસને ત્યાં થયો હોત તો કદાચ તેનામાં આ ’કૃષ્ણતત્ત્વ’ પ્રગટ્યું હોત કે કેમ એ શંકા પણ રહેશે. ટૂંકમાં, મારી સામાન્ય સમજ એમ કહે છે કે; એનામાં કૃષ્ણતત્ત્વ પ્રગટ્યું કારણ કે એ કૃષ્ણ હતા !! કૃષ્ણતત્ત્વના પ્રવેશની કોઈ એક ક્ષણ હશે એવું માનવું આપણને ગમે ભલે પણ એવું જ માનવું જરૂરી ન પણ હોય. ઉત્ક્રાંતિવાદ જેને ક્રમિક વિકાસ કહે છે એ ક્રમિક વિકાસ આ કૃષ્ણતત્ત્વને પણ કેમ લાગુ ન પડતો હોય ?! એના કયા માત્ર એક કાર્યને કારણે એનામાં ’કૃષ્ણતત્ત્વ’ હોવાની ધારણા બંધાય છે ?! ઉલટું, જન્મથી લઈ મૃત્યુ સુધી, અનેકાનેક ક્રિયાઓમાં આ તત્ત્વ પ્રગટતું દેખાય છે (આ શબ્દો તો જુઓ, ’કાર્ય’,’ક્રમ’, ’ક્રિયા’, ’કર્મ’ ! કંઇક તો સંધાન હશે ને, જન્મ મહોત્સવના ’કાર્યક્રમ’ થી ગુજરી ગયાનાં ’ક્રિયાકર્મ’ વચ્ચે !). બહુધાર્મિકોની ક્ષમા માંગીને કહું તો, ’એ’ કૃષ્ણતત્ત્વનાં પ્રાગટ્યને કારણે દિવ્ય કાર્યો કરી શક્યા એમ માનવા કરતાં ’એ’ દિવ્ય કાર્યો કરી શક્યા એટલે એનામાં ’કૃષ્ણતત્ત્વ’નું પ્રાગટ્ય થયું એમ માનવું વધુ યોગ્ય (મારી દૃષ્ટિએ) રહેશે. ન ગર્ભમાં, ન બાલ્યાવસ્થામાં, દિવ્યતત્ત્વ તો કાર્ય, કર્મ અને ક્રિયામાં ક્રમે ક્રમે પ્રગટતું રહ્યું છે. ’કાર્યક્રમ’થી ’ક્રિયાકર્મ’ વચ્ચે અવિરત પ્રગટતું રહેલું આ દિવ્યતત્ત્વ કૃષ્ણતત્ત્વ બની રહ્યું.

આપે આધારભુત માહીતી માગેલી છે જે મારી ક્ષમતા બહારનું કામ છે, કોઈક વિદ્વાનજન પ્રયાસ કરે તેવી પ્રાર્થના. મેં તો માત્ર સામાન્ય સમજમાંથી ઉત્પન્ન થયેલો વિચાર જણાવ્યો. પણ આપ આવા અઘરા પ્રશ્નો કરતા તો રહેજો જ. આ બહાને કંઈક વિચારવા મળે અને અન્ય જાણકાર મિત્રો કનેથી કંઈક નવું જ્ઞાન પણ મળે. ધન્યવાદ. (આ તો માત્રને માત્ર ’ધન્ય’ કરતો ’વાદ’ જ છે !)


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.