Tag Archives: ખેડૂત

ડાયરો – કેશુના બાપનું કારજ

પ્રિય મિત્રો, નમસ્કાર.
આ દૂકાળીયા વરહમાં પેટ ભરવું કે ડાયરા ઈ હમજાતું નથ ! એટલે હમણાં તો વાર-તે‘વાર મળવાનું બનશે. સૌ પરથમ તો આવું કથોરું મથાળું બાંધ્યું ઈ કો‘કને ખૂંચે તો ચોખવટ કરી દઉં કે હમણાં અમે સૌ મિત્રો, વિકિસ્રોત પર, મેઘાણીની નવલિકાઓ (ખંડ ૨)નું શબ્દાંકન કરવામાં મંડ્યા છીએ. આ કાર્ય દરમિયાન મારા ભાગે આવેલી નવલિકામાંની એક એ આ “કેશુના બાપનું કારજ”.  આ આખી નવલિકા (અને ટૂંક સમયમાં પુસ્તકની બધી જ નવલિકા પણ) આપને વિકિસ્રોત પર વાંચવા મળશે. તેની લિંક લેખને અંતે આપી જ છે. પણ વાત તો આપણે મથાળાની કરતા હતા ! એવું છે કે આ શબ્દાંકન, વિજાણુકરણ (ડિજીટાઈઝેશન), કાર્યમાં સૌથી મોટો લાભ એ થાય છે કે, સંપૂર્ણ કૃતિ, અક્ષરશઃ, બે-ત્રણ વખત આંખ અને મગજ સામેથી પસાર થઈ જાય છે. લખતા લખતા (ટાઈપ કરતાં) મગજમાં તે કૃતિને અનુલક્ષીને તરેહવારનાં વિચારોનું ઘમ્મરવલોણું પણ વલોવાતું રહે છે. જો કે એ માંહ્યલાં કેટલાંક તુરંત વરાળ થઈ જાય તો કેટલાંક મનમાં જ સંઘરાયેલા રહે અને કેટલાંક ભાગ્યશાળી વિચારોને આપ સુધી પહોંચવાનો લાભ પણ પ્રાપ્ત થાય. આ એવા ભાગ્યશાળી વિચારો હશે ! પણ અમારું વિચારવલોણું ડાયરાની તરેહ પર ચાલે છે. હવે આપ સૌને ડાયરા વિષયે ઝાઝું સમજાવવાની તો જરૂર નથી જ. આમાં પણ અમારી પેલી તાજી ફૂટેલી બોગનવેલની જેમ એક ડાળીમાંથી બીજી બે ફૂટે અને એ બેમાંથી વળી ચાર ! પણ થડ તો એક જ રહે ! અને અહીં આ નવલિકા થડ છે, જેની આજુબાજુ ફૂટેલી ડાળીઓ પર ડાયરો હીંચકો બાંધી અને લે‘રથી હીંચકશે !

મેઘાણી જેવા સમર્થ લેખકની કૃતિનો રસાસ્વાદ કરાવવો કે વિશ્લેષણ કરવું  એ અમ જેવાનું તો ગજું નહિ. આ માત્ર વાંચન વેળા અમારા મનમાં ઊઠતા તરંગોનો આલેખ સમજવો. આ નવલિકાનો સમયગાળો તો લગભગ લખાઈ એ કાલખંડ જ હશે તેમ જણાય છે. (૭૦-૮૦ વર્ષ પહેલાનો સમયગાળો ગણી શકો) કેમ કે, એમાં ગામ જવા માટે રેલવેનો ઉપયોગ છે, પચીસ-પચાસ રૂપિયામાં તો નાતવરો થઈ શકે છે અને દસ હજાર રૂપિયાનો ધણી તો આજનાં કરોડપતિ સમો તાલેવંત જણાય છે. સ્થળ વિષે તો પાકું જ છે કે ઈ અમારા મલકની વાત છે ! કેમ કે, કથા જૂનાગઢ આસપાસનાં કોઈક ગામડામાં આકાર લે છે. કથામાં કેશુને જો ક્યાંયથી એકાદ બે રૂપિયાનો જોગ થાય તો માંદી પત્ની સારુ નજીકના જૂનાગઢ શહેરથી મોસંબી લાવવાની વાત આવે છે. અને કથાનાં પાત્રો વળી ઉજળિયાત, મહાજન વરણનાં હોવામાં પણ સંદેહ નથી. કેમ કે, તેમાં ખેડુ વરણ (ઉકા પટેલ)ની વાડીએ આશરો લેનાર મુખ્ય પાત્ર કંકુમાની ન્યાતમાં ગિલા થવા લાગે છે કે, ડોશી હલકા વરણમાં રહેવા ગયાં !

અહીં કથા માધ્યમે મૂળે તો લેખક એ સમયમાં (અને ક્યાંક ક્યાંક હાલ પણ) પ્રચલિત કુરૂઢિઓ, કુરિવાજો, કુપ્રથાઓ અને એથી જનસામાન્યના લાભાલાભ (!) પર પ્રકાશ કર્યો છે. ભલે આપણને એમ લાગતું હોય કે આપણે જ અબીહાલ સુધર્યા છીએ. (અને પેલાં નવા ભૂવાની માફક બહુ ધૂણીએ પણ છીએ !) પણ સાહિત્યરૂપી લેખિત દસ્તાવેજોમાં આ સમાજ સૂધારણાની નિરંતર ચાલી આવતી પ્રક્રિયા સચવાઈને પડી હોય છે. બસ વાંચનારા જોઈએ. અહીં કોઈક મોટા શહેરમાં રોટલો રળવા ગયેલાં કુટુંબના મોભીનું અવસાન થાય છે અને ન્યાતરુઢિ પ્રમાણે, સોંજ હોય કે ન હોય છતાં, ખાસ તો પોતાની શાખ જાળવી રાખવા ખાતર, મૃતક પાછળ થતી પરંપરાગત ક્રિયાઓ (જેને સૌરાષ્ટ્રમાં ’કારજ’ કહે છે) કરવી પડે છે. અને તે માટે શારીરિક, આર્થિક, માનસિક એમ બધી જ પ્રકારની વિટંબણાનો સામનો કરવો પડે છે. ઘરનાં, સગાં, ન્યાતીલાં, ગ્રામજનો, હિત ધરાવતા લોકો, સૌની માનસિકતા આ પ્રસંગે ખુલ્લી પડાઈ છે.  મૃતકનો દીકરો, જેના પર વૃદ્ધ માતા અને નાના ભાઈ બહેનો ઉપરાંત કસુવાવડમાં પડેલી અશક્ત પત્ની એમ સૌની જવાબદારી છે, એ ’કેશુ’ આમ તો ક્રાંતિકારી પાત્ર હોવાનું વખતો વખત જણાય છે. જે કુરૂઢિઓ, કુરિવાજો પાછળ થનારા ખોટા ખર્ચાનો વિરોધ કરવા પણ પ્રયત્નશીલ છે. પરંતુ પોતાની ઘરડી માતાનું મન રાખવા તેને કહુલે (ધરાર !) ઢસડાવું પણ પડે છે. અહીં મને બુલેશા નામક સૂફી કવિની રચના યાદ આવે છે. ’બેશક મંદિર મસ્જિદ તોડો….પર પ્યાર ભરા દિલ કભી ન તોડો..’ હવે આપણને અરધું પરધું સમજવાની આદત પડી ગઈ છે ! મંદિર મસ્જિદ તોડવા વિષે તો આપણે હોંકારા પડકારા કરતા પહોંચી જઈએ છીએ (તો જ સુધરેલા કહેવાઈએ ને !) પણ ક્યારેક પ્યાર ભરા દિલને ન તોડવા ખાતર મંદિર મસ્જિદ બાંધવા પણ પડે છે એ વાત સગવડ પૂર્વક બાજુ પર મેલી દઈએ છીએ !! કેમ, શાહજાહાંએ પ્યાર ભરા દિલને સાચવવા તાજમહાલ ન બાંધવો પડ્યો ?! પણ આ બધી સગવડની વાત છે. બાંધવામાં બહુ મહેનત હોય છે, બહુ જફાનું કામ છે, અને એ જફામાં પડવા કરતાં આ ’તોડવા’નું કામ સહેલું ! વગર જફાએ ક્રાંતિકારીઓમાં નામ પણ આવી જાય !!

અહીં ગામડેથી કોઈ વડીલનો પત્ર આવ્યો છે જે વાંચી સંભળાવવા કંકુમા કેશુને કહે છે ત્યારે બાવીસ વરસના એ દીકરાનો મિજાજ ફાટી જાય છે અને તે કહે છે : ’બીજું શું લખ્યું હોય ! ભાઈજીને અને ગામની ન્યાતને તો ઝટ મારા બાપના લાડવા ખાવા છે. હજુ ચાર દિ‘ થયા. હજુ ચિતા તો બળે છે મારા બાપની, ત્યાં તો સૌના મોંમાં પાણી છૂટ્યાં છે કારજ ખાવાનાં !’ બોલો આ છોકરો એ જમાનામાંએ કારજ જેવી કુરૂઢીઓના લાભાલાભ સમજતો હતો ને ? અમારે ઘણાં લોકસાહિત્યકારો કહે છે કે, દુઃખ તો સમજણાનું હોય, અણસમજુનું તો વળી દુઃખેય શાનું કરવું. અહીં પણ આપણી ચોટલી ખીટો એ વાતે જ થઈ જાય છે કે આવડો આ કેશુ બધું સમજતો છતાં ખરચાના ખાડામાં ઊતર્યો અને ઘરબાર વનાનો થયો ઈ કેવી સમજણ ? પણ પછી એમ પણ થાય કે સમજદારની સમજણ ઠેરની ઠેર પડી રહે અને સમજવા છતાં અણસમજાઈ કરવી પડે ત્યારે જ તો કથા રચાય છે. બાકી અણસમજુનાં તો ઓરતાયે શા કરવા ! (ઓરતો કરવો = દુ:ખ લગાડવું) જુઓને દુર્યોધન સમજતો જ હતો ને કે આ હું કરું છું એ અધર્મ છે, પણ સમજવા છતાં છોડી નથી શક્યો ત્યારે તો મહાભારત રચાયું ! માત્ર સમજદારી કંઈ કામ નથી આવતી, સાથે સંજોગ પણ થવો જોઈએ. પણ મહદંશે જોવા એવું મળે છે કે સમજદારી હોય ત્યાં સંજોગ નથી થતો અને સંજોગ હોય ત્યાં સમજદારી ફરકતી નથી ! આ પ્રકારે કરવા પડતાં કામોને કાઠિયાવાડીમાં “કહુલે” (પરાણે; વગર ઇચ્છાએ; નછૂટકે. – ભ.ગો.મં.) કરાતું કામ કહે છે. અને ભાઈ, અમે તો ભલે દિવાળીયુ ઝાઝી ન જોય હોય પણ વખાના માઇરા ફટાકડા બવ ફોઇડા છે ! ઘણાંક શૂરવીરોને વખત આઇવે આઠડા થઈ જતા જોયા છે !!

અમારે એક વેપારી વડીલ, વાતુમાં કોઈને પૂગવા ન દ્યે. છાપાંમાં સમાચાર વાંચે કે આજે સાવજે બે બળદનાં મારણ કીધાં ને આજે સાવજે એક ખેડુ પર હુમલો કરી ઘાયલ કીધો. તી આ વડીલ સવારમાં ચા નો કપ ચઢાવીને તોરમાં આવી જાય કે, ’શું ગાંગલી ઘાંચણ જેવા થઈ ગ્યા છો ! અરે ઈવડું ઈ સાવજડું વળી શું જોર કરે, કાનસોરીયેથી પકડીને ન તગેડી મેલાય ? માળા આ ખેડુય બધાય સાવ નમાલાં પડ્યા છે !’ તી અમારા મિત્ર રામભાઈ, આપણાં હિમ્મત આતા જેવા હિમ્મતવાળા જણ, એક દા વાડીએથી આવતા‘તા ને મારગમાં કાળો ભમ્મર કાળોતરો ભાળી ગયા. ઝપટ મારીને કબજે કર્યો ને નાંખ્યો સ્કૂટરની ડેકીમાં. દુકાને આવીને ઈવડા ઈ ને કીધો ડેકીમાંથી છૂટો ! વડીલને કહે : ’બાપા, સાવજ તો ગામમાં આવવા ન મંડાણો આ ઝીણહુરું પરડકું (નાના સાપને પરડકું કહે છે, બોલાય ’પરળકું’ કે ’પૈળકું’) હાથ આવ્યું છે ! આને કાન તો ન હોય પણ પૂંછડીથી ઝાલીને મેલી દ્યો પાછું મારા સ્કૂટરની ડેકીમાં ! તી તમારોય હરખ પૂરો થઈ જાય !’ પણ વડીલ માંડ્યા હળમાન ચાલીસા યાદ કરવા ! એટલે તો કીધું છે ને કે; વાતું થાય, બાકી જરાક અમથાં ધગતા તવેથાની ધાર અડી જાય તોય ’ઓય..મા !’ કરીને વાંભ એકનો ઠેકડો મારે ઈને પેટ શિવાજી ને રાણો પ્રતાપ ન પાકે ! ઈ તાં પાદર પાનનાં ગલ્લે ઊભા ઊભા મોંમાં ફાકીયુને ગુટકાનાં ડુચા ઘાલી બેનુ દીકરીયુંની ઠઠ્ઠા ઠોળ્ય કરવા વાળા જ પાકે !

આવી તો ઘણીક વાતુ છે, પણ અટાણે તો લ્યો વળી થડિયું ઝાલીએ; કેશુને કહુલે પોતાના બાપદાદાને ગામ જઈ અને બાપનું કારજ કરવું પડે છે. પૈસોટકો તો છે નહિ, પણ ગામમાં ચર્ચા એવી હતી કે કેશુના બાપ પાસે દસ હજાર રૂપિયાનો જોગ હતો ! આ કેશુને ય ભણેલી ગણેલી (ચાર ચોપડી !) વહુ મળી એ એજ દસહજારી હોવાના ’ભરમ’ને કારણે ! હવે એનો બાપ એક હિસાબની ચોપડી રાખતો અને એમાં સઘળો નાણાં વહીવટ લખ્યો રહેતો એની જાણ કેશુ અને ગંગામાને હતી તો ખરી પણ બાપનાં મૃત્યુનાં સમયગાળામાં જ એ ચોપડી ક્યાં ગુમ થઈ ગઈ એ સદાને માટે અણઉકેલાયું રહસ્ય બની રહે છે. જો કે આપણને એ વાતનો અંદેશો તો આવે છે કે આ દસ હજાર વાળી વાત તમાચો મારીને ગાલ રાતો રાખવા જેવી હોય તો પણ ના નહિ ! જમાનો ત્યારનો હોય કે અત્યારનો, ’એક નૂર આદમી, હજાર નૂર કપડે’ એ કહેવત તો બધે જ લાગુ પડે છે. બીજી એક કહેવત પણ યાદ આવી, ’નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ’. અડધો ડઝન છૈયાં છોકરાંઓને વરાવવા પરણાવવા હોય તો દસ હજારીયા દેખાવું પણ પડે ! પણ એમાં આ કેશુ જેવા કો‘ક હલવાઈ મરે ! બાપના કારજમાં ધામધૂમ ન કરે તો કે‘વાય કે દીકરો કપાતર પાક્યો, બાપ ખાંડી એક રૂપિયા મેલી ગયો પણ આ કપાતરે બાપ પાછળ ફદિયુંયે વાપર્યું નહિ ! અને ધામધૂમ કરે તો, ક્યાંથી કરે ??   

અને આ ગંગામાને પણ પોતાના ધણી હાર્યે કૂતરા-બિલાડા જેવો સ્નેહસંબંધ હતો ! પણ છતાંય એ બિચારાં કેશુના બાપની સદ્‌ગતિ સારુ મથે છે !! આ કેશુની વહુ ચાર ચોપડી ભણેલી ખરી પણ વે‘વારુ ગણતર કંઈ ના મળે ! કારજના ખરચ સારુ બા (ગંગામા) વહુના અંગ માથે ઓપતી એકમાત્ર મગમાળા માગી લેવાનું કહે છે અને કેશુ વહુ કને ઈ માગવા જાય છે ત્યારે કેશુનાં મનમાં પ્રબળ ઇચ્છા હોય છે કે પોતાની વહુ ઈ મગમાળા ઉતારી આપવાની ચોખ્ખી ના ભણી દે ! પણ વહુ તો અંદરના ઓરડે બેઠી બાની વાત સાંભળી ચૂકી હોય છે ને અગાઉથી જ મગમાળા ઉતારી કેશુને આપવા તૈયાર ઊભી હોય છે. (હવે કદાચ આવી, ગણતર વગરની, વહુઓ નહિ થતી હોય !) કેશુને પોતાની વહુની આ અવાચક અધીનતા કરુણ લાગે છે. આગળ આ જ પ્રસંગમાં એ વહુને કહે છે કે : ’તારાથી એકાદ માસનો આ કુટુંબવાસ સહન થશે ? તને રોતાં કૂટતાં આવડશે ?’ ત્યારે વહુ ફિક્કા મોં એ જવાબ આપે છે : ’મહેનત કરીશ’. અહીં રોવા કૂટવાના રિવાજને કુરિવાજમાં કેમ ખપાવવો પડે છે તેનો સહેજસાજ ચમકારો મળી રહેશે. પોતાનું સ્વજન ચાલી ગયાનું સહજ દુઃખ તો કોને ન થાય ? અને કોણ એવું કઠોર હોય જેની આંખમાં પાણી ન આવે ? અરે જ્યારે પણ એ સ્વજનની યાદ તાજી થાય ત્યારે આંખમાં પાણી આવે. આ સહજધર્મ છે. એમ ન થાય એમ કહેનારો દંભી છે, કાં ખોટાડો છે, અને કાં અનાસક્તિ યોગનું જ્ઞાન પૂરેપૂરું પચાવીને બેઠેલો કોઈ સંત છે ! આપણે તો સામાન્ય માણસો છીએ. રડવું, કકળવું એ બધી એક સહજ અને સ્વાભાવિક ઘટના છે. જો કે ક્યાંક કોઈ બુદ્ધિશાળી જનને એમાં પણ ગમારપણું દેખાય ! હોય એ તો, પણ અહીં એ રોવા કૂટવાની વાત છે જેના માટે “મહેનત” કરવી પડે છે ! આ રડવું, આ કૂટવું, એ કુરિવાજ નહીં તો બીજું શું ? મેં સાંભળ્યું છે કે ક્યાંક ક્યાંક તો આવું રોવા કૂટવા માટે ભાડેથી સ્ત્રીઓને બોલાવવામાં પણ આવતી. (એક ચલચિત્ર ’રુદાલી’ આ વિષય પર સારો પ્રકાશ પાડે છે) અહીં આ કથામાં આપને આ કુરિવાજ અને તેના લાભાલાભ વિશે ઘણું જાણવા મળશે.

ડાયરાને એક ચોખવટ, આ “લાભાલાભ” શબ્દ મેં બીજી કે ત્રીજી વખત વાપર્યો, પણ સમજીને વાપર્યો છે. કેમ કે, કોઈ પણ પ્રથા જો માત્રને માત્ર અલાભકર્તા હોય તો ટકી કેમ રહે ? ચાલો માન્યું કે એ પ્રથા, એ કુરુઢી, એ કુરિવાજ, ઘણાંને માટે હાનિકારક હશે, પણ થોડા (કે ઘણાં) એવા પણ હશે જેને માટે લાભકારક હશે ! આ કારજમાં મીઠાઈ ખાવા મળશે એનો આનંદ ગામનાં બૈરાંઓને, પુરુષોને અને ખાસ તો છોકરાંઓને કેટલો છે એ પણ આપ આ કથામાં વાંચશો. અને નિશાળિયાવને તો વળી જો કારજ રજાના દિવસે ન રખાય તો એક દહાડાની છુટ્ટી મળશે એવો બમણો હરખ ! મને યાદ છે કે હું ભણતો ત્યારે અમે રાહ જોઈને બેસતા કે દેશનો કોઈ મોટો નેતા મરે ને કાં ગામનો કોઈ મોટોમાણહ મરે, છેલ્લે કંઈ નહિ તો નેંહાળનો એકા‘દો માસ્તર મરે તો ભારે મજા પડે ! એક દહાડાની છુટ્ટી !! આ કારજનું ખાવા ન જાવું ઈવો વળી અમારા અણસમજુ વડીલોએ પાડેલો કુરિવાજ, તે અમને કારજ ખાવાના લહાવા તો ન મળે !!! બસ આ છુટ્ટીની ઝંખના ખરી ! શાસ્ત્રો તો બહુ પછી કંઈ કંઈ જાણ્યા, પણ મૃત્યુને (કો‘કનાં !) મજાક સમજવાની કે ઉત્સવ ગણવાની આદત તો આમ ભણતા ઈ જમાનાથી પડી ગઈ ! હવે તો પાકી ખાત્રી થઈ ચૂકી છે કે સરકાર મહાનુભાવોની પુણ્યતિથિની જાહેર રજાઓ રાખે છે કે કોઈ મહાનુભાવનું દુઃખદ અવસાન (અહીં એક ન સમજાતી વાત, અવસાન આગળ દુઃખદ લખવું ફરજિયાત છે ? કદાચ કોઈ કોઈ અવસાન સુખદ પણ હોતાં હશે ને ?) થાય ત્યારે રજા પાડી દેવી વગેરે પાછળ મૂળ ઉદ્દેશ તો એ જ કે, વિદ્યાર્થીકાળથી જ સૌને શાસ્ત્રોનું ગહન જ્ઞાન પ્રાપ્ત થાય !

ખેર, હવે લાંબી કથા નથી કરવી. આપને એમ થતું હોય કે જાણે મેં આખી કથાનો સાર અહીં કહી જ દીધો છે, તો ખતા ખાવ છો ! મેં તો અહીં દશમાં ભાગનુંએ નથી ચરચયું, બાકીનું નવ ભાગનું તો આપે વાંચી અને વિચારવાનું છે ! તો, લિંક નીચે આપી જ છે. અને સૌથી સારી વાત એ છે કે વિકિસ્રોત પર “પ્રતિભાવ” જેવી કોઈ પ્રથા (કુપ્રથા !) રાખી જ નથી ! એટલે આપે વાંચ્યા પછી વખાણ કરવાની મહેનત નહિ લેવી પડે ! પણ અહીં તો પ્રતિભાવનું ચોકઠું છે જ ! બર્નાડ શૉ એ કહેલું તેમ, સાચા નહિ તો ખોટેખોટા, પણ વખાણના બે શબ્દો લખશો ખરા !  🙂 (અરે ભ‘ઈ નવલિકાના નહીં, અમારાં !) ધન્યવાદ.

* કેશુના બાપનું કારજ –  (સંપૂર્ણ નવલિકા, વિકિસ્રોત પર)

* મેઘાણીની નવલિકાઓ (ખંડ ૨)   (પુસ્તક, વિકિસ્રોત પર)