Tag Archives: દાંપત્ય

દશેરાનો ડાયરો

નમસ્કાર મિત્રો,
સૌને દશેરાની હાર્દિક શુભકામનાઓ. ગત દશેરાએ પણ અમે અમારું ટાયડું ઘોડું દોડાવેલું, જરાતરા ચાલેલું પણ ખરું ! (આપ એ લેખ અહીં વાંચી શકો છો) બાકી મોટાભાગે તો દશેરા ટાણે જ ઘોડા દોડતા નથી ! (આ કહેવત છે)  સૌને અનુભવ હશે (જેને ન થયો હોય તે ભાગ્યશાળી !) નોરતાં-દશેરા, દિવાળી આવે એટલે ઘરમાં નવું શું લેવું તે વિચારવિમર્શ શરૂ થાય જ (અથવા અગાઉથી જ ભંગાઈ આવેલા પાસ પડોશીઓ દ્વારા કરાવાય !). અમારે નોરતાંમાં ગરબાને બદલે વધુ તો ઘરમાં શું શું હવે જુનું થયું, બિલકુલ ચાલે તેમ નથી અને ભંગારમાં કાઢવાની જરૂર છે તેની વાતો સંભળાઈ ! સર્વાનુમતતો મારા વિશે હતો પણ બહુ પ્રયત્ને અને લાં….બા અનુભવે એ નક્કી હતું કે મેન્ટલી હું બદલાઉં તેમ નથી અને ફિઝિકલી મારા કોઈ દાળિયાએ ના આલે ! એ કરતાં એક ફ્રીઝ અને એક ઘરઘંટી બદલવામાં ઝંઝટ ઓછી નડે તેમ હતું (ઈવડા ઈ ઘરનાઓને ! મુજ ગરીબને તો ગજવામાં ગોબો પડ્યો !!). જો કે આવા સમયે મને અમારા એક સંબંધી વડીલ જરૂર યાદ આવે, તેઓશ્રી પાસે એક રાજદૂત હતું (પહેલાં એ નામનું એક બાઈક આવતું, કહે છે હાલનાં બાઈક્સની સરખામણીએ ક્યાંયે વધુ ખડતલ આવતું).  બહુ વર્ષના વપરાશે સાવ ખખડેલ લાગતું અને વખતો વખત કાકી (એવનનાં ઈવડા ઈ !) કહે કે આ બાઈક બહુ જુનું થયું, સાવ ખખડી ગયું છે અને હવે છોકરાઓ પણ તમારી કંજૂસાઈ પર હસે છે તો ભલા થઈ બદલાવો ! ત્યારે વડીલનો પ્રત્યુત્તર સાંભળવા (કે સમજવા !) જેવો રહેતો, વડીલ માત્ર એટલું જ કહેતા, ’આ બાઈક હજુ આપણા લગ્ન પછી ખરીદેલું છે !! બોલ શું વિચાર છે ?!’ (ડાયરો સમજદાર છે ! સમજી ગયો !!)

મોરલ ઑફ ધ સ્ટોરી, મારે ખીસ્સે ૩૨kનું ગાબડું પડ્યું ! (ગભરાશો નહીં, આમાં કશી ફાળો કરવાની દાનત નથી જ 🙂 છતાં કોઈના દિલમાં દયાની સરવાણી ફૂટે તો અમે કોઈનું દિલ દુભવવામાંએ માનતા નથી !) અહીં ખાસ ધ્યાનાકર્ષક બાબત અન્ય એક પણ છે, પેલો શો રૂમ વાળો મારો મિત્ર (જેને જરાએ દયા ન આવી !) હજુ તો વોશિંગમશીન, ડીશવૉશર, પેલું કચરો વાળવાનું મશીન વગેરે વગેરે ઘણું પધરાવવાના પેંતરામાં હતો. મને કહે હજુ થોડા વધુ ખર્ચી નાંખો તો ભાભીને સાવ આરામ ! (ભાભીનો દીકરો !! આવડા આઓને ભાભીના આરામની ચિંતા ફાટી પડે છે પણ આ ભાઈ ટાંટિયા ઘસડી ઘસડીને ફાટી પડ્યો હોય તેનું કંઈ નહીં ?!) પછી મેં તેને મારું પર્સનલ લોજિક સમજાવ્યું કે, મોટા ! તું કહે છે તેટલામાં તો બીજું ઘર થઈ જાય ! પછી ભાભીને આરામ જ આરામ 😉 😉

જવા દો, આવા લોજિક નબળા હ્રદયનાં મિત્રોએ લડાવવા નહીં, અને લડાવો તો પોતાની જવાબદારી અને જોખમે લડાવવા ! અમારે એક નાગાભાઈ છે, (નાગા=દિગંબર એમ અર્થ ના કરવો ! કાઠિયાવાડમાં આવા નામ હોય છે) જરા ખૂનખરાબે વાલે ખાનદાન સે હૈ એટલે હિંમત તો વારસાગત મળેલી છે. એક દહાડો છાપામાં ફ્રિજની ઍક્સ્ચેન્જ ઑફરની જાહેરાત જોઈ જેમાં એક ફ્રિજ અને બાજુમાં સુંદર મોડેલ ઊભી દેખાડે છે, તે ઘરખાટલો લઈને ઉપડિયા સીધા શોરૂમ પર. જઈને કહે, ’પેલી ઍક્સ્ચેન્જ ઑફરમાં આપણને રસ છે, બોલો ઉપરીયામણમાં શું આપવાનું !’  શોરૂમ વાળો કહે, ’કાઢી નાખવાનો દાગીનો જોયા પછી વળતર કેટલું મળશે તે ખબર પડે.’ તો આવડો આ કહે, ’ફ્રિજ ઘરે આવી જોઈ જાજો અને આવડી આ તો ભેળી જ છે !!!’

હવે બહેનો બધી મને ઢિકાવવા લે એ પહેલાં ક્ષમા માંગી લઉં, આ તો શું કે નવ નવ દહાડા શક્તિના ગુણગાન કર્યા તો આજે દશેરાને દહાડે અમને પણ થોડી છૂટ મળવી જોઇએ ! અમે નવ નવ દિવસ સહન કર્યું આપ એક દિવસ ખમૈયા કરજો, માં કાળી મટી કલ્યાણી થજો ! કેટલાક તો બચારા સવાર સવારમાં બામની શીશીયુ લઈ દોડાદોડી કરતા નજરે પડતા હતા ! રાતે રાતે ગોરી ગરબે ઘુમતા અને દહાડો આખો આવડા આ પગે બામ ચોળંચોળ કરતા 🙂 (આ બધા કંઈ સ્વાનુભવો નથી ! પરણ્યા ભલે ન હોઈએ, જાનમાં તો ગયા હોઈએને ?!)

ફરીથી કહું, જવા દો ! જોગમાયાઓને બહુ વતાવવામાં સાર નહીં, આપણે ફરી ખરીદીની વાત જ કરીએ ! આ વેળા તો શોરૂમ વાળો મિત્ર હતો તેથી વાંધો ના આવ્યો બાકી થોડા વરસ અગાઉના દશેરાએ અમને નવા બાઈકની લેણ ઊપડેલી ત્યારે જબ્બર (રાબેતા મુજબ જ !) ફજેતી થયેલ. મને તો રંગેરૂપે આપ સૌ જાણો જ છો, ખરીદી માટે સાથે અમારા માલદેભાઈને લીધેલ, ખાસ્સા પ્રભાવશાળી દેખાય પરંતુ મારી સાથે જોઈને લોકોને લાગે કે આ ખોરડું તો ખાનદાન હશે પણ ભૂખનું ભાંગી ગયું લાગે છે !! ગયા બેઉ બાઈક ખરીદવા, ત્યાં વળી એક સુંદર (ખરેખર જ !) યુવતી અમ જેવાના માર્ગદર્શનાર્થે ઉપસ્થિત હતા. અમારા, ખાસ તો મારા, આસાર જોઈ અને તેને બહુ ભરોસો ના બેઠો છતાં ફરજ એટલે ફરજ એમ સમજી એકાદ બે મોડેલ બતાવ્યા અને કહે આથી નીચેની રેન્જમાં આ કંપનીની કોઈ ગાડી મળશે નહીં (આડવાત: અમારી બાજુ સાઇકલથી માંડી બોઈંગ સુધીના વાહનોને ’ગાડી’ જ કહેવાનો રિવાજ ! બહારનો કોઈ સમજી ના શકે કે આવડા આની ’ગાડી’ એટલે સાઈકલ સમજવી કે બી.એમ.ડબલ્યુ ??)  એ કરતાં તમે કોઈ મોપેડના શોરૂમમાં જાઓ તો બજેટમાં ફીટ બેસે તેવી ગાડી મળી જાય ! ઓઈ તારી !! મેં ભોળા ભાવે કહ્યું કે અમારે ક્યાં ગાડીને બજેટમાં ફીટ બેસાડવી છે ! અમે ગાડી પર ફીટ બેસી શકીએ એ મહત્વનું છે !! પછીની વાત તો અમારી હુંશિયારાઈથી ભરેલી હોય જવા દઉં છું પણ સરવાળે અમે ’ગાડી’ ખરીદીને આવ્યા ખરા.

આ ગાડીની વાત નીકળી તો વળી એક દશેરાની ખરીદી યાદ આવી. અમારા જેઠાભાઈને વળી ફોરવિલ (આ અમારે બહુ પ્રચલિત અને ખાસ્સો મોભાદાર ગણાતો એક નવો શબ્દ !) લેવાની ચાનક ચઢેલી પણ ઈમાનદાર નોકરિયાત માણહ તે એટલાં બધા રોકડા નીકળે નહીં. છાપાઓમાં વાહનલોનની જથ્થાબંધ જાહેરાતો વાંચી વાંચી કહે ચાલ એકાદા ફાયનાન્સમાંથી લોનનો મેળ કરી ગાડી લઈએ. બન્ને જણા ગામમાં હતી તેટલી ફાઇનાન્સ કંપનીઓમાં ફરી વળ્યા, પ્રથમ તો નોકરિયાત છે તે જાણી લોન આપવા ઉત્સાહ બતાવે પણ જેવા કયા ખાતામાં નોકરી કરો છો એ પ્રશ્નનો જવાબ આવે એટલે સવિનય ગલ્લાંતલ્લાં કરી, હાલમાં અમારો ક્વૉટા ખલાસ છે, થોડો સમય પછી જાણ કરીશું, વગેરે વગેરે કહી રસ્તો દેખાડી દે ! મેં કું આવડા આ બધાને સાલું પેટમાં શું દુખે છે ? અંતે એક જગ્યાએ તો અમે પણ બરાબર તંત પકડીને બેઠાં કે એકબાજુ જાહેરાતો આપો અને પાછાં કહો કે હમણાં લોન નથી આપતા તો આમાં રહસ્ય શું છે ? તો મેજ પાછળ બેઠેલો માણસ મને ચીંધી અને કહે, આ ભાઈ શું કરે છે ? હું એ રખડીને ખાસ્સો થાકેલો તે કહ્યું, ભંગારની રેંકડી કાઢું છું ! (અને પેલો તુરંત માની પણ ગયો બોલો !) એ કહે, ‘જેઠાભાઈ, આ ભાઈને (એટલે કે મને !) જોઇતી હોય તો લોનપેપર્સ તૈયાર કરાવી આપું પણ તમને લોન નહીં મળે ! તમારી નોકરી જ એવા ખાતામાં છે કે કોઈ લોન નહીં આપે !!’ એ દહાડે મને ખરે જ મારી જાત પર ગર્વ થયો અને જેઠાભાઈને મારી ઈર્ષા !!! (હવે કોઈ એ ન પૂછશો કે એ નોકરી કયા ખાતામાં કરે છે 🙂 )

લ્યો ત્યારે આજે આટલું જ, સૌને દશેરાની હાર્દિક શુભકામનાઓ અને હા, મીઠાઈઓ ધરાઈને ખાજો. જેનાં જમવામાં મીઠાઈ તેના જીવનમાંએ મીઠાશ. જય હો.

તા.ક. – આગળ વાત થઈને કે ’ઘરમાં નવું શું લેવું તે વિચારવિમર્શ’ પડોશીઓ દ્વારા પણ શરુ કરાવાય છે, આ માલદેભાઈ અમારા પડોશી, આ લેખ અટકાવી તેની સાથે જવું પડ્યું, મોટું બધું LCD TV લાવવા માટે ! માર્કેટિંગનાં અધકચરાં નિષ્ણાતો ખોટા ભ્રમમાં છે કે ટી.વી. કે છાપાઓમાં જાહેરાતના મારા દ્વારા બજાર તેજીમાં રહે છે. આ દેશમાં જ્યાં સુધી બે પડોશણો વચ્ચે વાતચીત કરવાનો પ્રેમભાવ (જેવા અમે ખર્ચાયા તેવા તમે પણ ખર્ચાવ, કે આની સાડી મારા કરતાં વધુ સફેદ કેમ ?) હશે ત્યાં સુધી વેપારીઓને મંદી આવશે જ નહીં !!