(૧૬) – પ્રવીણ શાસ્ત્રી


Pravin Shastriપ્રવીણભાઈનો જન્મ ૧૯૩૯ માં સુરતમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમના દાદા ઘેલાભાઈ શાસ્ત્રી કર્મકાંડી બ્રાહ્મણ હતા અને એક મધ્યમવર્ગી સંયુક્ત કુટુંબના વડા હતા. પ્રવીણભાઈના પિતા મગનલાલભાઈનું કુટુંબ અને કાકા મોહનલાલભાઈનું કુટુંબ બધા એક જ ઘરમાં સંયુક્ત કુટુંબ તરીકે રહેતા. પિતા અને કાકા એમ બન્ને કુટુંબો વચ્ચે પુત્ર સંતાનમાં માત્ર પ્રવીણભાઈ જ હોવાથી એમને ખૂબ લાડકોડમાં ઉછેરવામાં આવ્યા. કુટુંબ એમના પ્રત્યે કાયમ over protective રહ્યું, જે ક્યારેક ક્યારેક એમની પ્રગતિ માટે બાધારૂપ બની જતું. પિતા અને કાકા બન્ને શિક્ષક તરીકે શાળામાં નોકરી કરતા હોવાથી,મર્યાદિત આવકમાં કુટુંબનું ગાડું ચાલતું.

ધાર્મિક અને સંસ્કારી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હોવાથી, નાની વયે જ રામાયણ, મહાભારત અને ભાગવતની વાતો બા અને દાદા પાસેથી સાંભળવા મળેલી. પિતાએ નાનપણમાં જ જીવનની વાસ્તવિકતાના પાઠ ભણાવેલા અને કાકાએ સંગીતમાં રસ લેતા કરેલા. શાળાના ભણતરમાં કોઈ મુશ્કેલી ન જણાઈ. શાળામાં અભ્યાસ સાથે સાથે વક્તૃતવ કળા, અભિનય, ચિત્રકળા અને લેખન કળા, વગેરેમાં પણ આગળ પડતો ભાગ લીધો. નવમા ધોરણમાં આવ્યા બાદ નીચલા ધોરણના વિદ્યાર્થીઓને ટ્યુશન આપી કમાવાનું પણ શરૂ કરી દીધું. નાનપણથી વાંચનનો શોખ કેળવેલો. કોઈપણ એક લેખક પસંદ કરી એમના બધા પુસ્તકો વાંચી લેવાની આદત એમણે નાનપણથી કેળવી. એ સમયની જ્ઞાતિની પ્રથા અનુસાર ૧૬ વર્ષની વયે, ૧૯૫૫ માં, એમનું વેવિશાળ યોગીની સાથે કરવામાં આવ્યો, અલબત ભણવાનું ચાલુ જ રહ્યું. ૧૯૫૭ માં એસ.એસ.સી.ની પરિક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. એ જ વર્ષે એમની પહેલી નવલિકા “પાગલની પ્રેયસીઓ” નવવિધાન માસિકમાં એમના ફોટા સાથે પ્રગટ થઈ, અને ત્યારબાદ એક પછી એક વાર્તાઓ સાપ્તાહિક અને માસિકોમાં પ્રગટ થતી રહી.

૧૯૫૭ માં પિતા નિવૃત થયા અને કાકાને લકવો થઈ ગયો. આવી કઠીન પરિસ્થિતિમાં પણ એમણે ફ્રીશીપ મેળવી લઈ અને ટ્યુશનો કરી, આગળ ભણવાનું ચાલુ રાખ્યું. એમનો વધુ પડતો સાહિત્ય શોખ, વિજ્ઞાનના વિષયોવાળા ભણતરમાં નડતર રૂપ થયો, અને પ્રવીણભાઈ ઈન્ટર સાયન્સમાં નાપાસ થયા. એમણે નક્કી કર્યું કે આ સાહિત્યનો છંદ એમને પોષાય એવો નથી, અને એમણે લખવા-વાંચવાનું બંધ કરી અભ્યાસ ઉપર જ ધ્યાન કેંન્દ્રીત કર્યું. આખરે ૧૯૬૨ માં બી.એસસી. કરી જે સ્કૂલમાં ભણેલા ત્યાં જ શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. સમયનો તકાદો હતો કે કુટુંબને પાછું આર્થિક રીતે પગભેર કરવા વધારે આવકવાળી નોકરી શોધવી. સુરતની બહાર વલસાડની અતુલ અને વડોદરાની સારાભાઈમાં ૧૬૦-૧૮૦ રૂપિયા પગારવાળી નોકરી મળતી પણ હતી, પણ કુટુંબનો એકનો એક દિકરો એકલો બહારગામ કેમ રહી શકે? વળી ત્યાં બીજું ઘર ભાડે રાખીને રહેવું પડે તો બે કુટુંબનું ભરણ-પોષણ આટલી રકમમાં શી રીતે થાય? આખરે ૧૯૬૩ મા લગ્નબાદ ઉધનામાં બરોડા રેયોનમાં નોકરી સ્વીકારી પત્ની સાથે ઉધના રહેવા ગયા. ૧૯૬૪ માં પુત્રી દિપ્તી અને ૧૯૬૬માં પુત્ર કર્મેશનો જન્મ થયો.

જીવનમાંપ્રગતિ કરવાનો તલસાટ મનમાં કાયમા રહેતો હોવાથી, ૧૯૬૭ માં ઈંગ્લેન્ડમાં Employment Voucher માટે અર્જી કરી અનેતે મંજૂર થઈ ગઈ, પણ કુટુંબ રજા નહિં આપે એવી ખાત્રી હોવાથી બે મહિના સુધી ચુપચાપ બેસી રહ્યા. દરમ્યાનમાં એમના એક સગા યુ.કે. થી આવ્યા હતા, એમને આ વાતની જાણ થઈ. એમણે કહ્યું કે આ વાઉચર તારી જગ્યાએ બીજાને મોકલનારા એજંટો તને આના દસ હજાર રૂપિયા આપીને ખરીદી લેશે. કુટુંબને આ વાતની જાણ થઈ અને કાકાની દરમ્યાનગીરીથી એમને ત્રણ-ચાર વર્ષમાં પાછા આવી જવાની શરતે યુ. કે. જવાની રજા આપી. એ નક્કી પાછા આવી જાય એટલા માટે એમના દિકરી અને દીકરાને ભારતમાં જ રોકી લીધા.

૧૯૬૮ માં પ્રવીણભાઈ એમની પત્ની સાથે લંડન ગયા અને સદભાગ્યે એમને બ્રીટીશ રેલ્વેની રીસર્ચ લેબમાં નોકરી મળી ગઈ. આ નોકરીમાં, Perks તરીકે, વર્ષમાં યુરોપ પ્રવાસ માટે પાંચ પાસ મળતા. બે વર્ષમાં એમણે લગભ આખું વેસ્ટર્ન યુરોપ ફરી લીધું. એમણે જોયું કે જીવનમાં પ્રગતિ કરવા માત્ર બી.એસસી. ની ડીગ્રી પૂરતી નથી. એમણે નોકરી કરતાં કરતાં Wandsworth Technical College, London માં Advance Spectrology નો કોર્ષ કર્યો, જે એમના શબ્દોમાં એમને જીવન-ભર દાળ-રોટલા માટે કામ લાગ્યો.

કદાચ ઈંગ્લેંડ કરતાં અમેરિકામાં સફળતા માટે વધારે અવકાશ હોય એમ વિચારી એમણે અમેરિકાના વિઝા માટે અરજી કરી. તે સમયે Professional Third Preference Visa મળતા હતા. રેલ્વેમાં રીસર્ચના અનુભવને લક્ષમાં લઈને એમને વિઝા મળી ગયા, અને ૧૯૭૦ માં પ્રવીણભાઈ અમેરિકા આવ્યા. આવીને બે દિવસમાં જ એક ટેકનીશીયનની નાની નોકરી શોધી કાઢી. અમેરિકામાં તો જોવા જેવું ઘણુંબધું છે, એટલે એમણે ૩૦૦ ડોલરમાં તદ્દન ભંગાર જેવી કાર ખરીદી, અને શનિ-રવિની રજાઓમાં નજીકના સ્થાનો જોવાના શરૂ કરી દીધા. તેમને યાદ હતું કે ચાર વર્ષમાં ભારત પાછા આવી જવાનું મા ને વચન આપીને ભારત છોડ્યું હતું, એટલે વચન પાળવા ચાર વર્ષને અંતે ભારત પાછા ફર્યા. પાછા ફરતાં નક્કી કર્યું કે ભવિષ્યમાં અમેરિકામાં સ્થાયી થઈશ તો તે કુટુંબ અને સ્વજનોના હિતમાં જ હશે.

થોડા સમયમાં જ પત્ની અને બાળકો સાથે પ્રવીણભાઈ અમેરિકા પાછા ફર્યા. નાની મોટી લેબોરેટરીઓમાં નોકરી કરી, ભાગીદારીમાં કારોબાર પણ કરી જોયો પણ ખાસ કાંઈ ગાંઠે પડ્યું નહિં, માત્ર ગુજારો થયો. નશીબ જોગે એમને Engelhard Corporation માં R & D Lab માં સારી નોકરી મળી ગઈ. પગભેર થતાં જ કુટુંબને થાળે પાડવાનું શરૂ કર્યું. ૧૯૭૬ માં બા ગુજરી ગયા એટલે પિતાશ્રીને અમેરિકા લઈ આવ્યા. પછી તો સિલસિલો શરૂ થઈ ગયો, મોટી બહેન અને એના બે દિકરા, સાસુ-સસરા અને ત્યારબાદ અનેક કુટુંબીઓ સ્વકલ્યાણ અર્થે અમેરિકા આવ્યા. આ બધા સ્થાયી થાય ત્યાં સુધીની જવાબદારી પ્રવીણભાઈએ નિભાવી. બસ જાણે કે એમના જીવનનો એ એક લક્ષ્ય જ ન હોય? આ જવાબદારી નિભાવવા સ્થાયી નોકરી ખૂબ જરૂરી હોવાથી Engelhard Corporation ની નોકરી ચીવટપૂર્વક જાળવી રાખી આખરે ૨૦૦૯ માં ૭૦ વર્ષની ઉંમરે નિવૃત થયા.

આટ આટલા સ્વજનોને પગભેર થવામાં મદદ કર્યા બાદ આજે પ્રવીણભાઈ મહેસુસ કરે છે કે “સ્વજનો આવ્યા અને અંગત વિકાસ માટે વિખરાતા ગયા. સ્વજનોની શૃંખલા સર્જાતી રહી અને વિખરાતી રહી, હવે હું ઘણાં મોટા ટોળામાં એકલો છું” એમની આ લાગણી માટે હું આજના સમયમાં આવેલા સામાજીક પરિવર્તનને કારણભૂત ગણું છું.
નિવૃતિએ એક શૂન્યાવકાશ ઊભો કર્યો. ઈન્ટર સાયન્સમાં નાપાસ થવાથી પોતાની પ્રિય સાહિત્ય પ્રવૃતિને એમણે ત્યાગી દિધેલી એ પાછી મનમાં સળવળાટ કરવા લાગી. ૪૦-૪૫ વર્ષથી ન તો ગુજરાતીમાં વાંચ્યું હતું કે ન લખ્યું હતું. અરે કોઈ ગુજરાતી નાટક કે સિનેમા, હોલમાં કે ટી.વી. માં, પણ જોયા ન હતા. ભારતના ૪૦-૪૫ વર્ષાના ઈતિહાસથી પણ લગભગ અપરિચિત થઈ ગયા હતા. કંઈક વાંચવાની ઈચ્છા થતાં નજીકમાં આવેલી “ગુજરાત દર્પણ” માસિક દ્વારા ચાલતી લાયબ્રેરીમાં ગયા. “ગુજરાત દર્પણ”ના તંત્રી શ્રી સુભાષભાઈ શાહ સાથે અનાયાસે મુલાકાત થઈ. વાતચીતમાં સુભાષભાઈએ જાણી લીધું કે પ્રવીણભાઈ યુવાનીમાં વાર્તાઓ લખતા. એમણે આગ્રહ કર્યો, “ફરી લખો, હું છાપીસ.” બસ થઈ ગઈ શરૂવાત. ઓક્ટોબર ૨૦૦૯ થી શરૂ થયેલી આ યાત્રા આજે ૨૦૧૪ માં પણ વણથંભી આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત દર્પણમાંજ લગભગ ૮૦ વાર્તાઓ પ્રગટ થઈ ચૂકી છે. દરમ્યાનમાં એમની એક નવલકથા “શ્વેતા” ૨૦૧૧ માં પ્રગટ થઈ ચૂકી છે. “ગુજરાત દર્પણ” સિવાય “તિરંગા ઈન ન્યુ જર્સી” માસિકમાં પણ એમની વાર્તાઓ નિયમિત રીતે પ્રગટ થાય છે.

૨૦૧૨ માં એમણે બ્લોગ્સની વિશાળ પહોંચ વિષે વિચારીને પોતાનો એક બ્લોગ શરૂ કર્યો, અને પોતાની વાર્તાઓ અમેરિકા બહારના ગુજરાતિઓ સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. (http://pravinshastri.wordpress.com/). ૨૦૧૩ માં એમના બ્લોગમાની એમની એક વાર્તાથી પ્રભાવિત થઈ, એમને ટેલીફોન કર્યો. વાચચીત દરમ્યાન એમની નમ્રતા અને એમના Downt to earth વર્તનથી પ્રભાવિત થઈ મેં એમની સાથે મિત્રતા વધારી. આજે મારા મિત્રવર્ગમાં એમનું નામ જડાઇ ગયું છે.

પ્રવીણભાઈની વાર્તાના પાત્રો એટલા વાસ્તવિક છે કે મને એ જ સમજાતું નથી કે ૪૦-૪૫ વર્ષ ગુજરાતથી બહાર રહ્યા છતાં એ ગુજરાતના સામાન્ય ઘર અને ગામનું આટલું આબેહૂબ વર્ણન કેવી રીતે કરી શકે છે? પ્રવીણભાઈ તો કહે છે કે, “બે તૃતિયાંશ જીવન અમેરિકામાં વીત્યું છે. અમેરિકામાં આપણા ભારતીય સમાજના રંગો નિહાળ્યા છે અને અનુભવ્યા છે. મારી મોટાભાગની વાર્તાઓ આપણી જ જૂદી જૂદી પેઢી ના અમેરિકન જીવનશૈલી પર સર્જાયલી છે. બસ એ વાસ્તવિકતા ના માનસિક રૂપરંગ બદલાતા જાય. કાલ્પનિક પાત્રો અને ઘટનાઓ માનસપટ પર સર્જાય. હું દરેક પાત્ર ભજવતો બહુરૂપીઓ બની જાઉં અને જે અનુભવું તે વાત કે વાર્તા બની જાય. “

પ્રવીણભાઈ કહે છે કે તેમની ૨૦૦૯ પછીની લેખન પ્રવૃતિના આડકતરા લાભ તરીકે એમને અનેક મિત્રો મળ્યા છે, જેમાં એ મારો પણ સમાવેશ કરે છે.” હું પ્રવીણભાઈની અદેખાઈ એટલા માટે કરૂં છું કે મારી પાસે એમની કલ્પના શક્તિના દસમાં ભાગની પણ કલ્પના શક્તિ નથી.

–પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)