(૦૯) –જીગ્નેશ અધ્યારૂ


અત્યાર સુધીમાં જે મળવા જેવા માણસો વિશે મેં લખ્યું છે તે બધા જીવનના છ દાયકાથી વધારે વય પસાર કરી ચુકેલા લોકો છે. આજે હું જેમના વિશે લખું છું એ માત્ર ૩૪ વર્ષના જ છે. મારી આ લેખમાળાનો એક ઉદ્દેશ એવો છે કે જે લોકોએ પ્રતિકુળ પરિસ્થિતિઓનો સામનો કરી, જીવનમાં પ્રગતિ કરી છે અને સમાજને ઉપયોગી થયા છે એમની જાણ મારા મિત્રોને કરી શકું.

જીગ્નેશનો જન્મ ૧૯૮૦ માં પોરબંદરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમના દાદા કર્મકાંડી બ્રાહ્મણ હતા. તેમના યજમાનોમાં ખારવાઓ અને કોળીઓ જેવા ગરીબ લોકો હતા. ગુજરાન ચલાવવા આ બ્રાહ્મણવૃતિ પૂરતી ન હોવાથી એમણે ટ્યુશનો કર્યા પણ ગરીબ માબાપના છોકરાઓ એમને ફી આપી શકતા નહિં. ફરસાણની દુકાન પણ ચલાવી જોઈ પણ સ્વભાવે ઉદાર હોવાથી સગાં-સંબધીઓ પાસેથી પૈસા માગતા અચકાતા, જેથી ખાસ નફો ન થતો.

ગરિબ પિતાના પુત્ર હોવાથી જીગ્નેશના પિતા પણ બહુ અભ્યાસ કરી શક્યા નહિં. ૧૯૭૬ માં એમને ૨૫ રૂપિયાના માસિક પગારે પ્લેનમાં કચરો ભેગો કરવાની અને સામાન ઉપાડવાની, તેને ગોઠવવાની નોકરી મળી. લગ્નબાદ પત્નીના આગ્રહને વશ થઈ એમણે દસમા અને બારમા ધોરણની પરિક્ષાઓ આપી અને પરિણામે એમને હેલ્પર તરીકે બઢતી મળી. તેમની બદલી વડોદરા ખાતે થઈ. અહીં એમણે જીગ્નેશને બાળકોને ઓછી ફી ને લીધે સરકારી શાળામાં દાખલ કર્યો. શાળા ઘરથી સાત કીલોમીટર દૂર હતી અને પગે ચાલીને જવું આવવું પડતું, તેમના મમ્મી રોજ તેમને મૂકવા અને તેડવા આવતા. આવું અપ-ડાઊન બે વર્ષ ચાલ્યું..

શાળાના ભણતર દરમ્યાન એમની વકૄત્વકળા અને ગીત ગાવાની કળાઓ સારી રીતે ખીલી. અનેક સ્પર્ધાઓમાં એને ઈનામો મળ્યા. ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાથી હંમેશાં ખૂબ સારા માર્કસ આવતા, પણ દસમા ધોરણની પરીક્ષામાં પેપર તપાસવાની ભૂલને લીધે એમને સમાજવિજ્ઞાનમાં ૧૬ માર્કસ જ આવ્યા. આ પરિક્ષામાં તેમને ગણિતમાં ૯૮ અને વિજ્ઞાનમાં ૯૦ માર્કસ હતા અને સરેરાસ ૭૬ ટકા માર્કસ હતા. ફરી પેપર્સ તપાસવાની અર્જી કર્યા બાદ એમને ૧૬ ની જગ્યાએ ૬૭ માર્કસ આપવામાં આવ્યા.

આવી કઠોર પરિસ્થિતિમાં પણ જીગ્નેશે ૨૦૦૧ માં બી.ઈ. (સિવીલ)ની પરિક્ષા પાસ કરી. ૨૦૦૧ થી ૨૦૦૩ સુધી નોકરી કરી અને ત્યારબાદ વધુ અભ્યાસ માટે નોકરી છોડી, એમ.ઈ. ના કોર્સમાં એડમિશન લીધું. ૨૦૦૫ માં એમ.ઈ.(જીઓટેકનીકલ)ની ડિગ્રી મેળવી.

૨૦૦૫ થી એમણે પિપાવાવ બંદરમાં Docks & Harbours ને લગતા બાંધકામ ખાતામાં નોકરી સ્વીકારી. આ નોકરી વિષે તેઓ કહે છે, “૨૦૦૫થી દરીયાઈ બાંધકામના ક્ષેત્રમાં ઝંપલાવ્યુ અને ઈશ્વરકૃપાથી આજે આઠ વર્ષથી વધારેનો, આ ક્ષેત્રનો નસીબદારને જ મળે એવો અનુભવ મળ્યો છે. બે જેટ્ટી, Ship Building માટેનો વિશ્વનો ત્રીજા નંબરનો વિશાળ ડૉક, રસ્તા, પુલ અને ગરનાળાં બાંધવાનો અનુભવ મળ્યો. દરિયામાં જહાજને આવવા જવા માટે ચેનલ બનાવવા ડ્રેજીંગનું કામ કંપનીએ મારી કાબેલિયત પર ભરોસો રાખીને મારા માટે તદ્દન નવું આ ક્ષેત્ર મને આપેલું. એ પ્રયાસમાં કંપની માટે છ મહીનામાં લગભગ અગીયાર કરોડની બચત કરી આપવા બદલ ૧૪ ઓગસ્ટ ૨૦૧૩માં પીપાવાવ પોર્ટ અને શિપયાર્ડ તરફથી મને પ્રશસ્તિપત્ર અપાયું.”

ચણતરના કામને તો જીગ્નેશભાઈ સંપૂર્ણ ન્યાય આપે જ છે પણ સાથે સાથે ગુજરાતી સાહિત્યના ઘડતરનું કામ પણ તેઓ બહુ સારી રીતે કરે છે. તેઓ કહે છે, “ સ્વભાવે હું જીઓટેકનિકલ (સિવિલ) એન્જિનિયર છું એટલે લેખન મારા માટે ધરતીના પેટાળમાં ઊતરવા જેવી અંતર્મુખ પ્રવૃત્તિ છે.” ૨૦૦૭ થી બ્લોગ જગતમાં તેઓ સક્રીય રહ્યા છે. અક્ષરનાદ નામના એમના બ્લોગમાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચિન સાહિત્યનો સમાવેષ થાય છે. વિષયમા વિવિધતા અને ઉચ્ચ કક્ષાનું સાહિત્ય એ એમના બ્લોગની ખાસ ખાસિયત છે. જીગ્નેશભાઈની પોતાની કલમમાં કેટલી તાકાત છે એના દાખલા આપું તો, અખંડ આનંદમાં છપાયેલ એમના મદુરાઈના ક્રિષ્ણન વિશેના લેખને લીધે ક્રિષ્ણનને ઘણી આર્થિક મદદ મળી હતી. અખંડ આનંદમાં છપાયેલ સાંટીયાભાઈના ગાંડાઓના આશ્રમ વિશેના લેખને લીધે આશ્રમને ઘણી આર્થિક મદદ મળી રહી હતી. નવનીત સમર્પણમાં છપાયેલ એમના સવાઈપીર દરગાહ વિશેના અને ત્યાંની જરૂરતો વિશેના લેખને લીધે ઈંગ્લેન્ડથી પોરબંદર આવેલા એક એન.આર.આઈ ભાઈએ વિશેષ પીપાવાવ આવી, એમની સાથે સવાઈબેટની મુલાકાત લીધી હતી અને ત્યાં મદદરૂપ થાય એવી સામગ્રી તેઓએ આપી.”

આજે એમનો બ્લોગ “અક્ષરનાદ” ગુજરાતી બ્લોગ જગતમાં ખૂબ જ લોકપ્રિય છે. ખૂબ જ જવાબદારીવાળી નોકરી કરતાં કરતાં આવા બ્લોગને ચલાવવા માટે એમને રાતપાળી કરવી પડતી હશે. તમને જાણીને નવાઈ લાગશે કે પોતાના પગારની આસરે સાત ટકા જેટલી રકમ આ બ્લોગના રખરખાવ અને પુસ્તકોની ખરીદી પાછળ ખર્ચે છે. બ્લોગની પ્રવૃતિ દરમ્યાન એમણે ‘૧૫૧ અનોખી અને ઉપયોગી વેબસાઈટ્સ’ નામના ઈ-પુસ્તકનું સંપાદન કર્યું છે. આ ઉપરાંત એમણે શિયાળબેટ ઉપર એક ડોક્યુમેંટરી પણ બનાવી રહ્યાં છે. ‘ગાંધી વર્સિસ મોહનીયો’ નામની શોર્ટ ફિલ્મમાં તેમણે ગાંધીનું પાત્ર ભજવ્યું છે.

જીગ્નેશભાઈને કુદરત પ્રત્યે અતિશય આકર્ષણ છે. એક જગ્યાએ એમણે લખ્યું છે, “સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસે મને જમીન સાથે જોડ્યો છે, તો મહુવા પાસે આવેલા પિપાવાવ પોર્ટેની નોકરીએ મને દરિયાનું સાનિધ્ય પૂરું પાડ્યું છે. પાસે આવેલા ગીર વિશે તો મારે શું કહેવું ? ગીરનું ભ્રમણ એ મારો શોખ જ નહીં, સ્વભાવ બની ગયો છે. ગીરના અડાબીડ જંગલોમાંથી દેખાતા મધ્યરાત્રિના આકાશે જાણે પોતાની છાતી ચીરીને મને બ્રહ્માંડદર્શન કરાવ્યું છે. નેસમાં વસતા ભોળા માણસોની દુનિયા અને જગતથી અલિપ્ત એવા નાદાન બાળકોનું સ્મિત મને સતત એમની તરફ ખેંચતા રહે છે. હું હંમેશા ત્યાં દોડી જવા માટેની તક શોધતો હોઉં છું. કુદરતના ખોળે વહેતા ઝરણાં, શીતળ ધોધ, ચોમાસામાં ગિરે ઓઢેલી લીલી ચાદર, વહેલી સવારે સંભળાતો સિંહોના ડૂકવાનો અવાજ, ઝાડી પાછળ દેખાતી દિપડાની તગતગતી આંખો – આ બધું જાણે મને કોઈ અનોખી અગોચર દુનિયામાં મૂકી દે છે. “

એમના જીવનનું તત્વજ્ઞાન છે, “એક હકારાત્મક મન અનેકોને પ્રેરે છે. એવી જ હકારાત્મકતા સાથે આનંદ કરો અને આનંદ કરાવો.”

–પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)