Tag Archives: શૃંગાર

પ્રેમનો રંગ, રાધાને સંગ – ગીતગોવિંદમ્‌ (૪)

Image from giirvaani.net

મિત્રો, નમસ્કાર.
આગળ આપણે ગીતગોવિંદમ્‌ના પાંચ સર્ગ (પ્રકરણ) વાંચી ગયા. આજે છઠ્ઠા સર્ગથી શરૂઆત કરીએ. જેમાં બારમા ગીતનો સમાવેશ છે.
अथ ताम् गन्तुमशक्ताम् चिरमनुरक्ताम् लतागृहे दृष्ट्वा ।
तच्चरितम् गोविन्दे मनसिजमन्दे सखी प्राह॥ ६-१
ચિરકાળથી કૃષ્ણમાં અનુરક્ત, અનુરાગ ધરાવતી હોવા છતાં, કૃષ્ણ સુધી જવા અસમર્થ (કદાચ વિરહવેદનાજનિત ક્ષીણતાને કારણે) રાધાજીને લતાગૃહમાં જોઈ અને સખી કૃષ્ણને કહે છે;

અને અહીં બારમું ગીત પ્રારંભ થાય છે. આ છઠ્ઠા સર્ગનું નામ ધૃષ્ટ વૈકુંઠ છે.
पश्यति दिशि दिशि रहसि भवन्तम्। तदधरमधुरमधूनि पिबन्तम्।
नाथ हरे हरे जगन्नाथ हरे। सीदति राधा वासगृहे ॥ अ प १२-१
કહે છે, હે નાથ, જગન્નાથ, હે હરે, રાધા પોતાના આવાસગૃહે, આપની પ્રતિક્ષામાં, અત્યંત દુઃખી અવસ્થામાં છે. સ્વઅધરનું જ મધૂર પાન કરતી, સકલ દિશાઓમાં જોતી, આપની રાહ જોઇ રહી છે. બાલબોધિનીમાં ટીકાકારે तदधरमधुरमधूनि पिबन्तम्નો એક અર્થ, આપના ચરિત્રની મધૂર વાતોનું સપ્રેમ શ્રવણ-પાન કરી રહી છે તેમ પણ કર્યો છે.

मुहुरवलोकितमण्डनलीला ।
मधुरिपुरहमिति भावनशीला॥ अ प १२- ४
ગીતમાં આગળ પણ, આપના માટે શૃંગાર સજે છે, કમલપુષ્પોનાં આભૂષણો સજ્યા છે, હું જ સ્વયં મધુરિપુ કૃષ્ણ છું તેવા ભાવમાં રાચતી આપના આભૂષણો અલંકારોને જોતી રહે છે. પોતાના સ્ત્રીસહજ અલંકારો ત્યજી આપના આભૂષણો અલંકારો ધારણ કરે છે. આમ વિરહગ્રસ્ત શ્રીરાધાના મનોભાવનું સુંદર વર્ણન છે. અહીં પ્રેમમય રાધા-કૃષ્ણ એક બની જતા હોવાનો ભાવ છે.

श्लिष्यति चुम्बति जलधरकल्पम् ।
हरिरुपगत इति तिमिरमनल्पम्॥ अ प १२-६
મેઘવાદળ સદ્દશ ઘનઘોર અંધકારને ’હરિ આવ્યા’ એમ સમજી આલિંગન ચુંબન કરવા લાગે છે. કૃષ્ણ ઘનશ્યામ છે એ વાત અહીં દર્શાવાઈ છે.

भवति विलम्बिनि विगलितलज्जा ।
विलपति रोदिति वासकसज्जा॥ अ प १२-७
અને જ્યારે રાધાને બાહ્યજ્ઞાન થાય છે કે તે આપ નથી ત્યારે પોતાના આ કૃત્યથી લજ્જિત થઈને મોટે મોટેથી રુદન કરવા લાગે છે.

અહીં આ ગીતમાં વર્ણન છે તે ’વાસકસજ્જા’ નાયિકાનું વર્ણન ગણાય. ‘વાસકસજ્જા’ નાયિકા એ છે જે મિલનસ્થાનમાં (સંકેતસ્થાનમાં) ઉત્સાહપૂર્વક, કુંજને (સ્થાનને) અને તેમાં શય્યા (અહીં પુષ્પ-શય્યા) અને પોતાને પણ શણગારી આતુરનયને નાયકની પ્રતીક્ષા કરે છે, તથા જરા જેટલો પણ વિલંબ થતાં વારંવાર કોઈ દૂત (કે દૂતી)ને નાયક પાસે મોકલે છે.

ગીત પછીના શ્લોકમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને આ સર્ગનું નામ ધૃષ્ટ વૈકુંઠ કેમ રખાયું તેનો પણ નિર્દેશ છે. અહીં નાયકને ધૃષ્ટ, શઠ તરીકે સંબોધાયો છે ! કદાચ તે હજુપણ સંકેતસ્થાને જવામાં વિલંબ કરે છે તે કારણે જ ! જુઓ આ શ્લોક;

विपुलपुलकपालिः स्फीतसीत्कारमन्तः
जनितजडिमाकाकुव्याकुलम् व्याहरन्ती।
तव कितव विधत्तेऽमन्दकन्दर्पचिन्ताम्
रसजलधिनिमग्ना ध्यानलग्ना मृगाक्षी॥ ६-२
સખી કહે છે: હે શઠ, અતિરોમાંચયુક્ત, પ્રેમોન્માદ, કન્દર્પોન્માદથી પિડીત મૃગનયની રાધિકા તમારા સ્પર્શ-આલિંગનના રસસાગરમાં ડુબેલી તમારા ધ્યાનમાં મગ્ન થયેલી છે. અતિશય આનંદને કારણે રોમાંચિત અને સિસકારતી, અસ્ફુટ શબ્દોચ્ચાર કરતી, આકુળવ્યાકુળપણે કોઇ પણ રીતે પોતાના પ્રાણ ટકાવી રહી છે. અહીં मृगाक्षी કહેતાં એક અર્થ મૃગલી એટલે કે હરણી જેવા સરળ, ઋજુ ચિત્તવાળી, ગભરુ એવો પણ થાય છે જે રાધાજીના સ્વભાવને દર્શાવે છે. નાયક માટે શઠ, ધૃષ્ટ, ધૂર્ત્ત સંબોધન कितव શબ્દથી મળે છે.  

એક આડવાત, આમે કૃષ્ણ એકમાત્ર એવું વ્યક્તિત્વ છે જેને કદાચ જગતભરનાં સારાં-નઠારાં બધાં જ સંબોધનો થયા હશે ! કદાચ આ દ્વારા એમ સુચવાતું હોય કે પરમાત્માપદ પામનારને પણ આ લોકનિંદાથી મુક્તિ નથી ! અને છતાં એની પરવા ન કરતાં પોતાના ધર્મમાં (ફરજમાં) મગ્ન રહેવું અને સમતા ધારણ કરવી એ મહાપુરુષોનું લક્ષણ છે. કૃષ્ણએ કેટકેટલી ટીકાઓ, ઉપાલંભ, પદવીઓ લોકમુખે મેળવ્યા એ વિષયે ક્યાંક સ્વતંત્ર સંશોધન થઈ શકે છે. આગળ વધીએ.

किम् विश्राम्यसि कृष्णभोगिभवने भाण्डीरभूमिरुहि
भ्रात र्याहि नदृष्टिगोचरमितस्सानन्दनन्दास्पदम्।
रधायावचनम् तदध्वगमुखान्नंदान्तिकेगोपतो
गोविन्दस्यजयन्ति सायमतिथिप्राशस्त्यगर्भागिरः॥ ६-४
ષષ્ટમ્‌સર્ગનો આ અંતિમ શ્લોક છે. કૃષ્ણ પાસે ગયેલી સખી આવવામાં વિલંબ કરે છે તેથી વ્યાકુળ રાધા એક દૂતીને વટેમાર્ગુના વેશમાં કૃષ્ણના ભવન પર મોકલે છે. સાંજ સમયે વટેમાર્ગુના વેશમાં દૂતી કૃષ્ણભવનમાં આવી અને રાધાજીનાં શિખવ્યા શબ્દોમાં કહે છે કે; રાધાએ મને કહ્યું કે હે ભાઈ, અહીં આ વટવૃક્ષ તળે શા માટે વિશ્રામ લેવા બેઠા છો ? અહીંયા તો કૃષ્ણ રહે છે ! (અહીં મજા જુઓ ! કૃષ્ણ કહેતાં રાધાજીએ અહીં કાળોતરો નાગ એવું સુચન કર્યું છે ! સુચવે છે કે અહીં એક કાળોતરો નાગ રહે છે ! એક વધુ પદવી !!) એ કરતાં સામે આવેલા આનંદદાયક નંદભવનમાં ચાલ્યા જાઓ, ત્યાં તમારો આતિથ્યસત્કાર થશે.  પથિકના મોંએ આવા સંકેતાત્મક શબ્દો સાંભળી અને કૃષ્ણ તો વાત સમજી જાય છે (કે હવે રાધાજી બરાબરનાં ગુસ્સે ભરાયા છે !) પણ પિતા નંદરાજ ક્યાંક વાત જાણી ન જાય તે માટે પથિકને પ્રસંશાયુક્ત વાક્યો કહી, ધન્યવાદ કહે છે. (એટલે કે વાતને આગળ વધતી અટકાવે છે !)

મિત્રો, આ સર્ગ વાંચી મને અદ્‌ભુત વિચારો આવવા લાગ્યા છે. આડેપાટે ચઢતો લાગીશ પણ ધ્યેયચૂક તો નથી જ થતો એટલી ખાત્રી સાથે થોડા વિચારો રજુ કરૂં. અહીં સમયસર સંકેતસ્થાને ન પહોંચેલા નાયક પ્રત્યે નાયિકા, અને તેની સખી પણ, પ્રેમભર્યા છણકાઓ કરે છે તે  દૃષ્ટિગોચર થાય છે. વિચારવંત, બુદ્ધિશાળી, નરપુંગવો! આવા પ્રેમભર્યા છણકાઓમાં, ઉપાલંભમાં, રહેલો પ્રેમ જાણી શકે છે. (અને બાકીનાઓ ’તારાથી મને આમ કહેવાય જ કેમ ?’ એવો હુંકાર કરી દાંપત્યની કે પ્રેમપ્રકરણની પથારીઓ ફેરવે છે 🙂 ) ખરેખર તો અહીં પુરુષોત્તમ પણ આ ઉપાલંભનથી ન બચી શક્યા તો આપણે કઈ વાડીના મુળા ! એવું જ્ઞાન આ કથામાંથી લાધવું ન જોઈએ ?

સ્ત્રીઓનો સ્વભાવ હોય છે જરા જેટલી વિપરીત સ્થિતિમાં છણકાટ કરવાનો ! કોઈ કોઈ પુરુષોનો પણ હોય છે !! (એથી તેને સ્ત્રૈણ પુરુષ કહેવાતો હશે ?) આ છણકાઓમાં સદા દુર્ભાવ જ નથી હોતો, મહદ્‌અંશે તો પ્રેમ જ હોય છે. અમારે ગામડાની સ્ત્રીઓ વાત વાતમાં ’મારા રોયા’, ’નખ્ખોદિયા’, ’મરી ગ્યા’, ’મારા પીટ્યા’ જેવા સરપાવોથી, માત્ર પતિદેવને જ નહીં, ક્યારેક સંતાનોને પણ, વધાવતી હોય છે. સદા તેનો અર્થ શબ્દશઃ જ નથી હોતો એ લોકવાર્તાકારો કે લોકજીવનના અભ્યાસુઓ (અને માંહે પડેલા, ભોગવનારા બધા તો ખરા જ !!) સુપેરે જાણતા હોય છે. ટુંકમાં આ ભાષાશાસ્ત્રનો ન રહેતાં સમાજશાસ્ત્રનો વિષય બને છે. સુશિક્ષિત બહેનો સાવ આવા ખરબચડા ઉપાલંભો ન આપતા જરા સહ્ય અને અલંકૃત ઉપાલંભો કરતી હશે ! જેની મિઠાશ પણ અનેરી તો હોય જ છે ! આથી હવે, મારી મતિ અનુસાર (એટલે કે માન્ય રાખવું, ન રાખવું એ આપના વિવેકની વાત છે !), આપણી લાયકાત પર વિશ્વાસ કરી અને ગૃહિણીએ ઓફિસથી વળતા શાકભાજી લાવવાનું સોંપ્યું હોઈ, આપણે સદાની ટેવ અનૂસાર ભુલી ગયા હોઈએ અને જમવા ટાણે કઢીનાં દર્શન થતાં ફરી ટેવવશ ’શાક ના બનાવ્યું ?’ એમ પૃચ્છા થઈ જાય તો… ’શાક શેનું બનાવું, તમારા બાપાના કપાળનું ?’ (સન્નારીઓ કદાચ શિષ્ટ ભાષામાં જણાવે કે; શાક શાનું બનાવું, આપના પરમપૂજ્ય પિતાશ્રીના ભાલપ્રદેશનું ? 🙂 ) તો બાપાના કપાળ પર જોખમ થયાનું ન સમજતાં માત્ર ’પ્રિયે, હવે પછી તારૂં સોંપેલું કામ ભૂલું તો કહેજે ! આ વખતે માફ કરી દે !!’ (જો કે પાછું યાદ રાખવાની ભૂલ ના કરવી 🙂 ) એટલું કહેતાં બીજા જમણમાં શિરો મળવાનાં ચાન્સ રહેશે ;-). અન્યથા પડોશીઓનું મફત મનોરંજન તો થશે જ ! સાથે પિતાશ્રીનાં તો નહીં પણ આપણાં ભાલપ્રદેશ પર પુરૂં જોખમ રહેશે !! આ પ.પૂ.ધ.ધૂ. અનંત શ્રીવિભૂષિત અશોકાચાર્યજી મહારાજનું અનૂભવસિદ્ધ કથન છે 🙂 (પ્રેમવશ ચિંતાતૂર મિત્રોએ અનૂભવસિદ્ધનો ખોટો અર્થ કરી ભાલપ્રદેશ પર મજાનાં ઢિંમણા વાળું અમારૂં ચિત્ર શોધવા વ્યર્થ પ્રયાસ ન કરતાં ’ભલે પરણ્યા ન હોઈએ પરંતુ જાનમાં તો ગયા હોઈએ ને !’ એ ઉક્તિ યાદ રાખવી !) મજા આવી ? મને ખબર છે, પારકા ઝઘડામાં કોને મજા ન આવે ?! પણ, અમ વિત્યુ તમ વિતશે, ધીરી બાપુડીયા !!!!!

આ પછીનો સપ્તમ સર્ગ, સુંદર મજાના ચાર ગીત ધરાવતો, જરા લાંબો છે તેથી તેને હવે પછીના લેખમાં જ ન્યાય આપીશું.
આભાર.