ચાબખા


નમસ્કાર, મિત્રો.
વળી ઘણાં દહાડે મળ્યા ! સાંભળ્યું છે કે અમારા સ્થાનભ્રષ્ટ (ખુરશીભ્રષ્ટ ! ) થવા વિશે કંઈક અફવાઓ પણ ફેલાયેલી છે ! જો કે મહાન લોકોમાં સમાવેશ થયાની આ નિશાની છે. રાજકારણ હોય, ચલચિત્રજગત હોય, ક્રિકેટજગત હોય કે ઉદ્યોગજગત, અને એમાં હવે બ્લૉગજગત પણ જોડો, એ સઘળે મહાનુભાવોને માટે ‘અફવા’ સામાન્ય બાબત છે ! જેટલી વધુ અફવાઓ, એટલો મોટો માણસ ! અને મોટા માણસો ક્યારેય અફવાઓનું ખંડન-મંડન કરવાનું કષ્ટ લેતા નથી. અમો પણ એમ તો હવે ‘મહાન’ જ છીએ ! માટે, નો કમેન્ટ !! 🙂

એ વાત પછી, આજે તો આપણે વાત કરવી છે ‘ચાબકા’ની. જો કે ‘ચાબખા’ પણ કહેવાય. શબ્દકોશમાં બંન્નેનો અર્થ સમાન છે : ‘શિખામણરૂપે રજૂ થયેલું માર્મિક કટાક્ષ કાવ્ય (એક સાહિત્યપ્રકાર)’. ગઈકાલ, વૈશાખ સુદી પૂનમે આ ચાબકાનાં ધણી ભોજા ભગતનો પ્રાગટ્ય દિવસ હતો. ભોજાભગતને જગતે સંતશ્રી ભોજલરામ એવું બિરદ પણ આપ્યું છે. આજથી આશરે બસો વર્ષ પહેલાં આ સંતપુરુષે કુરિવાજોનાં અંધકારમાં આથડતી પ્રજાને જગાડવા ચાબકાઓ સબોડેલા, આજે પણ એ ચાબકા એટલા જ પ્રાસંગિક અને અસરકારક છે. ભોજા ભગતના ચાબકાઓ ઉપરાંત ‘કીડીબાઈની જાન’ નામક રચના પણ બહુ પ્રસિદ્ધ છે. સંતશિરોમણી જલારામબાપા અને વાલમરામના ગુરૂવર્ય એવા આ ભક્તકવિનાં ચાબકાઓ જાણે મીઠામાં બોળાઈને વિંઝાતા હોય અને ચામડી પર જ નહિ પણ હૃદયમાં ચચરાટ કરાવી જાય છે. બસો બસો વર્ષ વહી ગયા, છતાં આજે પણ આ ચાબકા સમાજના ઘણાં લોકોની ચામડીએ ચચરાવી નથી શક્યા. કેવી જાડી ચામડી હશે ! જો કે આ ચાબકાઓમાં કટાક્ષ છે પણ કડવાશ નથી ભળાતી. અખા ભગત હોય કે ભોજા ભગત. આ જ સમાજે પોતાને સબોડનારાઓનાં પણ સન્માન કીધાં છે. કદાચ શુદ્ધ ધ્યેયને સમાજનો સમજદાર વર્ગ પિછાણી જ લે છે.

T-1સને: ૧૯૦૮માં પ્રસિદ્ધ થયેલાં એક પુસ્તકમાંથી ( બૃહત્‌ કાવ્યદોહન, “ગુજરાતી” પ્રીંટીંગ પ્રેસ, મુંબઈ, સંગ્રહ કરી પ્રગટ કરનાર – ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ) નીચેની રચનાઓ મળી આવી છે. આમ તો વિકિસ્રોત માટે અમે સૌ મિત્રો આવા ખાંખાખોળા કરતા રહીએ છીએ. મિત્ર વ્યોમભાઈ બહુ મહેનતે આ સો વર્ષ જૂનું, એક હજાર પાનાનું, પુસ્તક શોધી લાવ્યા અને એમાંથી આ ચાબકાઓનો હવાલો અમે સંભાળી લીધો ! આપ પણ આ રચનાઓ જાણો, માણો, પિછાણો. પુસ્તક માંહ્યલી વધુ રચનાઓ તો સમયે સમયે વિકિસ્રોત પર માણવા મળશે જ. જો કે આ ચાબકાઓ માંહ્યલી ઘણી રચના નેટજગતે વિદ્યમાન હોવાનું જણાય છે પણ તેમાં ક્યાંક ક્યાંક પાઠભેદ પણ છે. અમોએ અહીં જે ઉતાર્યું છે એ સસંદર્ભ છે. ઉપર ઉલ્લેખાયેલાં પુસ્તકમાં નીચે પ્રમાણેની રચનાઓ મળે છે. આ સાથે મૂળ પુસ્તકનાં પાનાનું ચિત્ર પણ છે.

પદ ૧ લું.
દેસિ સંતતણી લાવીરે, ભેળાં ફરે બાવો ને બાવી. – ટેક.
મોટાં કપાળે ટિલાં કરે ને, વળી ટોપી પટકાવી;
કંથો ને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા લટકાવીરે.  દેસિ.
સંત સેવામાં સુખ ઘણુંને, કરે સેવા મન ભાવી;
તન મન ધન સોંપો એ સંતને, પ્રીતિયો લગાવીરે.  દેસિ.
એવું ને એવું જ્ઞાન દિયે, બહુ હેતે બોલાવી;
ભોજો ભગત કહે રાખ્યા ચાહુમાં, ભેખે ભરમાવીરે.  દેસિ.

પદ ૨ જું.
ભેખ તો ભાવર થકી ભુંડારે, મેલા અંતરમાં ઉંડા. – ટેક.
ટકો પૈસો ટેલ ગામ ગામ નાંખે, વળી ખેતર ખેતર ડુંડાં;
જેની વાંસે ધાય તેનો કેડો ન મેલે, જેમ કટકનાં લુંડારે.  ભેખ.
ત્રાંબિયા સારુ ત્રાગું કરે ને વળી, કામ ક્રોધના ઉંડા;
ધન ધુતવા દેશ દેશમાં ફરે, જેમ મલકમાં મુંડારે.  ભેખ.
ગામ બધાની ચાકરી કરેને, ઘેર રાખે અગન કુંડા;
ભોજો ભગત કહે કર્મની કોટી, પાપતણાં જુંડારે.  ભેખ.

પદ ૩ જું.
જોઇ લો જગતમાં બાવારે, ધર્યા ભેખ ધુતિને ખાવા. – ટેક.
જ્યાં પ્રેમદા ઘણી પાણી ભરે, જ્યાં જાય નિત નિત નાવા;
રાંડી છાંડી નારનો નર ઘર ન હોય ત્યારે, બાવોજી બેસે ગાવા રે.  જોઇ લો.
લોકનાં છોકરાંને તેડી રમાડે, વળી પરાણે પ્રીત થાવા;
ગૃહસ્થની સ્ત્રી રીસાવી જાય ત્યારે, બાવોજી જાય મનાવારે.  જોઇ લો.
રૂપ કરે ને બાવો ધ્યાન ધરે, ભોળા લોકને ભરમાવા;
ભોજો ભગત કહે ભાવેસું સેવે એને, જમપુરીએ જાવારે.  જોઇ લો.

પદ ૪ થું.
ભરમાવી દુનિયાં ભોળીરે, બાવો ચાલ્યો ભભુતી ચોળી. – ટેક.
દોરા ધાગા ને વળી ચીઠ્ઠી કરીને, આપે ગણકારુ ગોળી;
જીવને હણતાં દયા ન આણે, જેમ ભીલ કાફર કોળીરે.  ભરમાવી.
નિત નિત દર્શન નીમ ધરાવે, ઘેર આવે ત્રિયા ટોળી;
માઇ માઇ કરીને બાવો બોલાવે, હૈયે કામનાની હોળીરે.  ભરમાવી.
સઘળા શિષ્યને ભેળાં કરી ખાય, ખીર ખાંડ ને પોળી;
ભોજો ભગત કહે ભવસાગરમાં, બાવે માર્યા બોળીરે.  ભરમાવી.

પદ ૫ મું.
મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલસે મોટો પાણો. – ટેક.
ધાઇ ધુતીને ધન ભેળું કીધું, કોટિધ્વજ કહેવાણો;
પુણ્યને નામે પા જૈ ન વાવર્યો, અધવચેથી લૂટાણોરે.  મૂરખો.
ભર્યા કોઠાર તારા ધર્યા રહેશે, નહિ આવે સાથે એક દાણો;
મસાણની રાખમાં રોળઇ ગયા કઇક, કોણ રંકને કોણ રાણોરે.  મૂરખો.
મંદિર માળિયાં મેલી કરીને, નીચે જઈ ઠેરાણો;
ભોજો ભગત કહે મુવા પુઠે જીવ, ઘણો ઘણો પસ્તાણોરે.  મૂરખો.

પદ ૬ ઠું.
મૂરખો માની રહ્યો મારું રે, તેમાં કાંઇયે નથી તારું. – ટેક.
સાત સાયર જેની ચોકી કરતા, ફરતું નીર ખારું;
ચૌદ ચોકડીનું રાજ્ય ચાલ્યું ગયું, રાવણાદિક વાળું રે.  મૂરખો.
દુઃખને તો કોઇ દેખે નહીં, ને સુખ લાગે સારું;
વેળા વેળાની છાંયડી તારી, વળિ જાશે વારું રે.  મૂરખો.
હરિ ભજનમાં હેત જ રાખો, સ્મરણ કરો સારું;
ભોજો ભગત કહે રાખો હૃદયમાં, પ્રભુનું ભજન પ્યારું રે.  મૂરખો.

પદ ૭ મું.
ભક્તિ શિશતણું સાટુંરે, આગળ વસમી છે વાટુ. – ટેક.
એક દિવસ તો આવી બની, રાજા મૂરધ્વજને માથે;
કાશિએ જઇને કરવત મુકાવ્યું, હરિજનને હાથે રે.  ભક્તિ.
સત્યને કાજે ત્રણે વેચાયાં, રોહિદાસ ને રાણી;
ઋષિને વાસ્તે રાજા વેચાણો, ભરવાને પાણી રે.  ભક્તિ.
પેરો પટોળાં પ્રેમનાં રે તમે, શૂરવિર થઇ ચાલો;
ભોજો ભગત કહે ગુરુ પરતાપે, આમરાપર માલોરે.  ભક્તિ.

પદ ૮ મું.
દુનિયાં દીવાની કહેવાશેરે, ભુંડી ભિતોમાં ભટકાશે. – ટેક.
પાપ જ્યારે એનું પ્રગટ થશે ત્યારે, ભૂવા જતિ ઘેર જાશે;
ધુણી ધુણી એની ડોક જ દુઃખસે, ને લેનારો લેઈ ખાશેરે.  દૂનિયાં.
સ્વર્ગમાં નથી સૂપડું ને, નથી ખાંડણિયો ને ઘંટી;
દુધ ચોખાના જમનારા તમે, કેમ કરી જમશો બંટીરે.  દૂનિયાં.
ઢોંગ કરીને ધુતવાને આવે ત્યારે, હાથ બતાવા સૌ જાશે;
ક્યારે આના કર્મનું પાનુંરે ફરશે, અને ક્યારે પુત્ર જ થાશેરે.  દૂનિયાં.
કીમિયાગર કોઇ આવી મળે ત્યારે, ધનને વાસ્તે ધાશે;
ભોજો ભગત કહે ભ્રમણામાં ભમતાં, ગાંઠની મૂડિ ગમાશેરે.  દૂનિયાં.

(શબ્દો, જોડણી, વાક્યરચના, મૂળ પુસ્તક પ્રમાણે)

B-1B-2

17 responses to “ચાબખા

  1. શ્રી અશોકભાઈ,

    મને હતું જ કે આ અફવા છે.

    ભોજા ભગતના ચાબકા ફટકારતાં રહેજો. બ્લોગજગતમાં તો ભુપેન્દ્રસિંહજીના ચાબખાની આપણાં વિદ્વાન મીત્ર દિપકભાઈને ભારે બીક લાગે છે તેવું જાણ્યું છે.

    જાડી ચામડીના પ્રાણીઓમાં ભુંડ,ગેંડો બે નામ તો તરત યાદ આવ્યાં. હાથી જાડો ખરો પણ ચામડીની જાડાઈ વીશે ખબર નથી. જો કે જાડી ચામડીના માણસ એટલે તો કદાચ ડઠ્ઠર કે નીંભર માણસો એવો અરથ થતો હશે.

    ભોજા ભગતના ચાબખા જેવી રચનાઓ બાપુજીએ ય લખી છે. સંતો કાઈ ઘેર ઘેર જઈને કે પ્રવચનોમાં ચાબખા મારવા ન જાય એટલે આવી રચનાઓ દ્વારા ઈશારાઓ કરી દે.

    અરે આમાં બની બેઠા બાવા – (65)

    Like

  2. અફવા ??? અશોક”જી” તારે તો રાજકારણી થવાની જરૂર હતી ! કુરસી સાથે એમને પણ એટલો પ્રેમ હોય છે !
    વાહ… ભોજાભગત ના ૨૦૦ વર્ષ પહેલા ના “ચાબખા”
    – કીમિયાગર કોઇ આવી મળે ત્યારે, ધનને વાસ્તે ધાશે;
    ભોજો ભગત કહે ભ્રમણામાં ભમતાં, ગાંઠની મૂડી ગમાશે.
    ખરેખર આજ માટે પણ એટલાં અસર કારક જાણે હમણાં લખાયા હોય !

    Like

  3. ભોજા ભગત વિશે વધારે માહિતિ ગુગલ મહારાજના સૌજન્યથી મળી, તેમનો ફોટોએ જોવા મળ્યો.

    http://kathiyawadikhamir.wordpress.com/tag/%E0%AA%AD%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%97%E0%AA%A4/

    Like

  4. બ્લોગજગતમાં તો ભુપેન્દ્રસિંહજીના ચાબખાની આપણાં વિદ્વાન મીત્ર દિપકભાઈને ભારે બીક લાગે છે તેવું જાણ્યું છે. –હહાહાહા મતલબ દીપકભાઈ ગેંડા જેવી ચામડી ધરાવતા નથી. જાડી ચામડીના લોકોને ચાબખાની બીક જરાય લાગે નહિ… ઍવરિજ ભારતીય સમાજ ગેંડા સમાજ. આપણે ક્યાં નવું લખીએ છીએ ભોજા ભગત બરસો વર્ષ પહેલાં લખી જ ગયા છે ને?

    Like

  5. દિપકભાઈ તો ઘણાં સંવેદનશીલ છે તેઓ બીલકુલ જાડી ચામડીના નથી.

    ગેંડાસમાજ ઠેર ઠેર હોય છે. ભારતની ખબર હોય એટલે ભારતીય સમાજ ગેંડાસમાજ લાગે.

    જાડી ચામડીના એટલે કે ભ્રષ્ટ રાજકારણીઓ, ધૂર્ત બાવાઓ, છેતરપીંડી કરનારા વેપારીઓ, અંડર વર્લ્ડના ગુંડાઓ, રક્ષણને બદલે ભક્ષણ કરનારા સુરક્ષાકર્મીઓ, રમતને નામે જુગાર ખેલનારા ખેલાડીઓ અને સટ્ટોડીયાઓ. ટુંકમાં જે કર્તવ્ય હોય તેને બદલે વિપરીત કર્મ કરીને લાભ મેળવવા માટે અન્યને નુકશાન કરતાં ન અચકાય તેવા લોકો.

    આ બધા હવે ચાબખાથી સુધરે તેમ નથી. તેમની ખાધા ખોરાકી બંધ થાય, જાહેરમાં નામોશી થાય અને ભડાકે દેવાય તો જ કશોક ફેર પડે. ન્યાયતંત્ર કાં તો પાંગળું છે અને કાં તો ત્યાંયે ચામડી જાડી થવા લાગી છે. તાળી કાઈ એક હાથે ન પડે. જેવો રાજા તેવી પ્રજા. જેવા શાસકો તેવા નાગરીકો. ભારતમાં જાડી ચામડીના શાસકો ભારતના નાગરીકોએ જ ચુંટેલા છે. સંવેદનશીલ અને જાગૃત નાગરીકોમાંથી કેટલાક તો મતદાન કરવાયે નહીં જતા હોય.

    સમયે સમયે ચાબખાઓ મારનારા થયા છે. ભોજા ભગત જેવા તો ચાબખા સુધારવા માટે મારતા હોય છે જ્યારે અંગ્રેજોએ લોકોને ગુલામ બનાવી રાખવા માટે ચાબખા મારેલા.

    Like

  6. અશોકભાઈ કેમ ગેરહાજર હતા તે વાત છુપાવીને તેમણે મોટામાણસ જ નહીં સસ્પેન્સ લેખક તરીકેય આગળ વધવા ધાર્યું લાગે છે.

    ચામડી હાથીની જાડી પણ સંવેદન જાડું નહીં. એવી જ એની સૂંઢ; ઝાડને હલબલાવી નાખે ને નાનકડો સિક્કો પણ જમીન પરથી ઉપાડી લિયે !

    માનવીની વાત જ નોખી. અખા ભગત હોય કે ભોજા ભગત હોય કે ભુપેન્દ્રસિંહ કે ગોવીંદભાઈ મારુ – જેને સંવેદન જ નથી તેને આ બધા લેખકોના ચાબકા શું કરવાના ?

    પણ વિકિસ્રોતવાળાઓ આવા કિંમતી ખજાના ખોળી લાવીને મફતમાં આપણી સામે મૂકી દિયે ને તોય એનો કોઈ ગણ ન બેસે તો શું કરવું ?

    બ્લૉગજગત આવા ખજાના માટે ખાંખાંખોળાં કરનાર સૌનું ઋણી જ રહેશે.

    Like

  7. સૌથી વધુ જાડી ચામડીનું હોય તો આપણું ન્યાયતંત્ર…આ જાડી ચામડી કેમ થઇ ગઈ? એના માટે શ્રી સુબોધ શાહનું ‘કલ્ચર કેન કિલ’ વાંચવું પડે.

    Like

  8. પ્રથમ ફકરાના વિષયે તો ’નો કમેન્ટ’ લખ્યું જ છે એટલે અહીં કમેન્ટ ચોકઠે નથી લખતો ! (અર્થાત એક આખો લેખ જ લખાશે !! સસ્પેન્સ કથા ?)

    માન.શ્રી.જુગલકિશોરભાઈ, ભુપેન્દ્રસિંહજી, અતુલભાઈ, શકિલભાઈ અને પસંદ કરનાર તથા વાચનાર સૌ મિત્રોનો આભાર. શ્રી.અતુલભાઈએ એક સ_રસ બ્લૉગની કડી આપી આપણ સૌને એથી અવગત કરાવ્યા એ બદલ એમનો વિશેષ આભાર. અને હા, સંતશ્રી ભજનપ્રકાશાનંદજીનું ઉત્તમોત્તમ સાહિત્ય તો એમના બ્લૉગે વાંચવા મળે જ છે, એમાંથી વિષયને અનુરૂપ કડી આપી એ બદલ પણ આભાર. સુંદર અને જ્ઞાનસભર રચના છે. ’ગેંડાસમાજ’ એકદેશી ન જ હોય એ સમજાય છે. અને માત્ર ચાબખાઓથી ન સુધરે એ પણ સમજાય છે. ભડાકે દેવાની વાત મજાની છે પણ પાછું ભડાકે દેવાનો અખત્યાર જેમને સોંપશું એમને કોણ ભડાકે દેશે એ પણ વિચારવા જેવું છે ! (કેમ કે સૌથી જાડી ચામડી તો વળી આ અખત્યાર ધરાવનારાઓની જ જણાય છે.)

    બાપુએ ન્યાયતંત્રને સર્વાધિક જાડી ચામડીનું કહ્યું, સહમત-અસહમતનો તો પ્રશ્ન જ નથી (ઉપર લખ્યું જ છે). પણ એ વાતે મને કેટલાંક નવા વિચારો આપ્યા છે. હું કંઈ આ વિષયનો (ન્યાય વિષય) જાણકાર તો નથી જ પણ ભુપેન્દ્રસિંહજીનાં વાક્યએ થોડું અવલોકન કરવા પ્રેર્યો તેના અંશો આગળ ઉપર આપ સૌ સમક્ષ જરૂર મેલીશ.

    શ્રી.જુગલકિશોરભાઈએ જાડી ચામડીનું સંવેદન પણ જાડું જ હોય તેવું ન માની લેવાની પ્રેરણા આપી. આ વિષયે પણ બ્લૉગરો ધારે તો પાનાઓ ભરીને વિચારી શકે છે. અવલોકનો અને વાસ્તવિક અનુભવોની સરાણે ચઢાવી, આ વિચારને ધારદાર બનાવી શકે છે. હું પણ તેમ કરીશ જ. (રાહ જુઓ ! ’સસ્પેન્સ’ એ પણ જુગલકિશોરભાઈએ વાપરેલો જ શબ્દ છે !!)

    અને હા, મુન્શીજીને જે ચાબખો સૌથી વધુ ગમ્યો જણાય છે તે તેને લાગુ પણ સૌથી વધુ પડે છે !! 🙂 બેટા ! ધનને વાસ્તે ઝાઝું ધાવું નહિ ! (થોડાક જલ્સા પણ કરવા !)

    સૌ સ્નેહીમિત્રોનો હાર્દિક આભાર. શારીરિક વિપદામાં માનસિક શાતા આપનાર સૌ સ્નેહીજનોનો આભાર ન માનું તો હુંયે જાડી ચામડીનો જ ઠરૂં. આભાર.

    Like

  9. આદરણીય શ્રી અશોકભાઇ,

    આપના દ્વારા રજુ કરાયેલી પ્રેરક વાત જાણવા મલી

    ભોજા ભગત સૌરાષ્ટ્રના એક જાણિતા ભક્તરાજ હતા

    એમનું એક ભજ્ન પુરું તો યાદ નથી પણ..

    ” અલ્યા હજુ માનો તો બહુ સારુ ઓ માનવી હજુ માનો તો બહુ સારું

    હાં રે ઉડીજાશે જેમ દેવતામાં દારુ …ઓ માનવી

    બાળપણું તેં તો રમતમાં ખોયું ને જુવાનીમાં જુવતીનું જાળું

    બુઢાપામાં તને હાય ઘણી લાગી, મુર્ખો કહે છે મારું મારું…ઓ માનવી

    ——– ===== ===( યાદ નથી)

    ભોજો ભગત કહે ગુરુ પરતાપે અંતે કરી જશો તમે મોંઢું કાળું…ઓ માનવી

    Like

  10. અશોકભાઈ, અફવા વિષે કહેવાનું કે ” જેવી જેની રાડિયું, તેવી તેની તાળીયું.”
    જાડી ચામડી વિષે કહેવાનું કે “જામડીની જાડાઈ તો સૌની સરખી જ હોય છે પણ દરેક ચામડીનું સ્પેસીફીક રેસીસ્ટંટ R અલગ અલગ હોય છે. 🙂

    Like

  11. ખૂબ સુંદર ભોજા ભગતના ચાબખા.
    તેના સાતત્યથી સામાન્ય જનોને ધ્યેય સુધી પહોંચતા સુધી જાગરણ રહે તો કેટલાક પીડા સહન કરવાની પ્રતિજ્ઞા લઈ તેમના ગાલ, જીભ અને શરીરના જુદા ભાગો વીંધાવી તેમાં ભાલા કે ત્રિશૂળ જેવા ધારદાર પદાર્થો ભરાવી શ્રદ્ધા, આત્મ-સૂચન, પ્રાર્થનાની સર્વોચ્ચ સ્થિતિએ પેરુમલ મંદિરથી નીકળી શ્રી થેન્ડાયુથપાણિના દર્શને જાય છે.
    ત્યારે ચામડી પારદર્શક હોય છે તેવા ગર્ભસ્થ શીશુની મા આ ચાબખા સહન કરે તો બાળકને જાગરણ રહે તેવું વિજ્ઞાનીકો કહે છે! આધુનિક સારવારમા ફ્લોરોસેન્ટ લેમ્પની અલ્ટ્રા વાયોલેટ કિરણોના સંપર્કમાં આવીને જાડી ચામડીને ઓક્સિજન થેરપી થી પ્રોટીનનું ડીએનએ સાથેનું સંયોજન સુંદર બનાવે છે…અમને તોદુઃખને તો કોઇ દેખે નહીં, ને સુખ લાગે સારું;
    વેળા વેળાની છાંયડી તારી, વળિ જાશે વારું રે. મૂરખો.
    હરિ ભજનમાં હેત જ રાખો, સ્મરણ કરો સારું;
    ભોજો ભગત કહે રાખો હૃદયમાં, પ્રભુનું ભજન પ્યારું રે. મૂરખો.
    ચાબખો આનંદદાયક.

    Like

  12. નમસ્કાર!
    આપનો બ્લોગ ”વાંચનયાત્રા” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

    Like

  13. લાગે છે જુનાગઢમાં શ્રાવણ માસનું શ્રવણ ચાલુ હશે.

    Like

Leave a comment