(૦૮) – વલીભાઈ મુસા


વલીભાઈનો જન્મ ૧૯૪૧ માં આવેલા બનાસકાંઠા જીલ્લાના કાણોદર ગામમાં થયો હતો. કાણોદર એ સમયમાં ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગળ પડતું હતું. વલીભાઈના પિતા પણ ટેક્ષટાઈલના ધંધામાં હતા. વલીભાઈના માતા-પિતા અભણ હતા, પણ એમણે પોતાના બધા બાળકોને સારૂં શિક્ષણ અપાવ્યું. આજે એમના પરિવારના બધા સભ્યો અલગ અલગ વિષયોમાં પારંગત છે, જેમાં એંજીનીઅરીંગ અને મેડિકલ નો પણ સમાવેશ થઈ જાય છે.

વલીભાઇ શાળામાં હતા ત્યારે તેમના અભ્યાસક્રમના એક પાઠમાં William Tell ની વાર્તા હતી, તેથી વલીભાઈના મિત્રોએ તેમનું હુલામણું નામ વિલિયમ પાડી દીધું. આજે પણ એમના કેટલાક મિત્રો એમને વિલિયમ નામથી જ બોલાવે છે.

વલીભાઈ ૧૯૫૯ માં મેટ્રીક પાસ કરનાર કુટુંબના પહેલા સભ્ય હતા. ૧૯૬૬ માં એમણે બી.એ.(ઓનર્સ) ગુજરાતી, અંગ્રેજી અને સોશ્યોલોજી વિષયો સાથે કર્યું. નાની વયથી એમને સાહિત્યમાં રસ પડતો.

વલીભાઈ માત્ર ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. ત્યારથી જ વલીભાઈ ઉપર બહોળા કુટુંબનું નેતૃત્વ કરવાની જવાબદારી આવી પડી, જે છેલ્લી અર્ધી સદીથી તેઓ સંભાળી રહ્યા છે. આજે એમના માર્ગદર્શન હેઠળ કુટુંબના સભ્યો, ભણતર, ખંત અને ઈમાનદારીથી ઓટોમોબાઈલ, હોટેલ્સ, મેડિકલ ફેસીલીટીસ વગેરે અનેક ધંધાઓમાં પ્રગતિ કરી રહ્યા છે.

ગુજરાતી સાહિત્ય રસિકોમાં વલીભાઈનું નામ જાણીતું છે. ૧૯૬૬ માં તેમની પહેલી વાર્તા “જલસમાધી” એક ગુજરાતિ સામયીકમાં પ્રસિધ્ધ થઈ, ત્યાર બાદ વલીભાઈએ કદી પાછું વળીને જોયું નથી.

૨૦૦૭ માં કેનેડા સ્થિત એમના પુત્ર સમાન ભત્રીજાએ એમને બ્લોગ્સની સમજણ આપી, અને એમણે પોતાના બ્લોગ “William’s Tales” ની શરૂઆત કરી. આ બ્લોગમાં શરૂઆતમાં તેઓ માત્ર અંગ્રેજીમાં જ લખતા, પણ પાંચ વર્ષના ગાળા બાદ એમાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં લખવાની શરૂઆત કરી. આજસુધીમાં વલીભાઈએ અનેક લેખ, વાર્તાઓ અને હાયકુ લખ્યા છે અને બ્લોગ્સ દ્વારા ગુજરાતીઓને આપ્યા છે.

ખૂબ નાની વયથી જ વલીભાઈ ગાંધીવાદી ધારાથી પ્રભાવિત થયા હતા. “જીવો અને જીવવા દો” મંત્ર નાનપણથી જ એમણે આત્મસાત કરી લીધો છે. જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે અને રવિશંકર મહારાજ ની સામાજીક ન્યાયની પ્રવૃતિઓથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલા. તેઓ કહે છે, “ક્યાં પણ લડાઈ ઝગડા થાય, માણસ માણસને મારી નાખે તો મને ખૂબ જ માનસિક પીડા થાય છે. આજે દુનિયામાં પર્યાવરણની રક્ષા અને માણસાઈ ભર્યા કાર્યો કરવાવાળાની સંખ્યા ઝડપથી ઘટવા લાગી છે. સામાજીક ન્યાય અને શાંતિની વાતો કરનારાનું કોઈ સાંભળતું નથી. કોઈપણ એક ધર્મ બીજા ધર્મ કરતાં વધારે સારો કે ખરાબ નથી, બધા ધર્મ એકબીજા સાથે સદભાવથી રહેવાનું શીખવે છે, કોઈનો તિરસ્કાર કરવા કે કોઈને નુકશાન પહોંચાડવાની વાત કોઈપણ ધર્મમાં કહેલી નથી. સૌથી મોટો ધર્મ તો માનવ ધર્મ છે.”

વલીભાઈ કહે છે, “ વલીનો અર્થ આમ તો સંત થાય છે, પણ હું કોઈ સંત નથી. હું આ દુનિયાના અનેક લોકોની જેમ દુન્યવી જરૂરતોથી ઘેરાયલો સામાન્ય માણસ છુ. આ તો ઈશ્વરની કૃપા છે કે આટલા વર્ષો સુધી મારૂં સંયુક્ત કુટુંબ ટકી રહ્યું છે, કુટુંબીઓ વચ્ચે સદભાવના અને પ્રેમ ટકી રહ્યાં છે. આજે આ કુટુંબ ભાવનાને લીધે અમે આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે અને આવતી પેઢીને પ્રેરણા આપી છે.”

આજે વલીભાઈ નિવૃત જીવન ગાળે છે. કુટુંબમાં એમનાથી નાની વયના સભ્યોએ કારોબાર સંભાળી લીધો છે. વલીભાઇની આજે મુખ્ય બે પ્રવૃતિઓ છે, સાહિત્ય સર્જન અને મહેમાન ગતિ. મને એક દુહો યાદ આવે છે,

“એકવાર કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન,

થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા.”

બસ વલીભાઈ પણ પોતાના મિત્રોને કંઈક આવું જ કહે છે. વલીભાઈની મહેમાનગીરી માણવાની તક મેં હજી ઝડપી નથી, પણ એમની મહેમાનગીરી માણી આવેલા લોકોની પાસેથી એની વાતો સાંભળી છે. મારા એક બ્રાહ્મણ મિત્ર એમની મહેમાનગીરી માણી આવ્યા છે અને એમણે મને કહ્યું, એ તો બાહ્મણનો પણ બ્રાહ્મણ છે.”

વલીભાઈ વિશે લખવું એ એમના મિત્રોને સૂરજને અરિસો દેખાડવા જેવું લાગસે.

–પી કે. દાવડા

મિત્રો,
મારી “મળવા જેવા માણસ” લેખમાળાના સંદર્ભમાં શ્રી વલીભાઈ મુસા એ મને મોકલેલા એક ઈ-મેઇલમાંથી હું થોડાક અંશ અહીં એમના શબ્દોમાં જ રજૂ કરૂં છું. મેં તો સહેજ ભાવે લખવાનું શરૂ કર્યું, પણ એની અસર વિશે વાત કરી શ્રી વલીભાઈએ મને એક વેંચ ઊંચો કરી દીધો.Smile

“મનોવિજ્ઞાનની પરિભાષામાં કે કોઈપણ વ્યક્તિ પરત્વેનું નકારાત્મક વલણ તેની નકારાત્મકતાને બહેલાવે છે અને તેમ જ વાઈસ વર્સા સમજવું રહ્યું. આપણા પરિચયમાં આવેલાઓ જ્યારે આપણા ગુણોને બિરદાવે છે ત્યારે બેઉ પ્રકારે તેનાં સુખદ પરિણામો નિપજતાં હોય છે.આપણે દાંભિક રીતે સારા ગણાતા હોઈશું, તો આપણો અંતરાત્મા કકળશે કે ‘અરેરે, મને જેવો સમજવામાં આવે છે, તેવો હું તો છું જ નહિ’; અને આમ વાસ્તવમાં સારા થવા માટેની પ્રેરણા મળી રહેશે. હવે આપણે ખરે જ સારા હોઈએ અને કોઈની પ્રશંસા પામીએ તો આપણે માત્ર આપણા સારાપણાને જાળવી રાખવાનો પ્રયત્ન જ નહિ કરીએ, પણ વિશેષ સારા થવા થવાની દિશામાં આગળ વધતા રહીશું.

હવે પ્રશંસા બે રીતે થતી હોય છે, જેને આપણે ‘ખુશામત’ અને ‘સન્માન’ એવી ભાવનાઓએ સમજવી પડે. આ બંને વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. ખુશામત સામેવાળાને બહેકાવશે, જ્યારે સન્માન તેને સજાગ અને સભાન બનાવશે અને પોતાની સન્માનપાત્રતાને જાળવી રાખવાનું પ્રેરકબળ મેળવશે. “

મિત્રો, આવા વિચારો માટે જ તો મેં શ્રી વલીભાઈને “મળવા જેવા માણસ” કહ્યા છે.

-પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)