(૦૪) – ડૉ. કિશોરભાઈ પટેલ


કિશોરભાઈનો જન્મ ૧૯૫૯મા એક સાધારણ કુટુંબમાં થયો હતો. પિતા મોહનભાઈ માત્ર એક જ ચોપડી ભણેલા હતા આજીવિકા માટે વણાટ ખાતામાં વણકર તરીકે કામ કરતા હતા. માતા ગંગાબેન માત્ર છ ચોપડી ભણેલા હતા પરંતુ તેમને તેમના બાળકોને ભણાવવાની ખુબ જ ઈચ્છા હતી. કુટુંબમા મોહનભાઈના મા-બાપ, પત્ની, બે પુત્ર અને બે પુત્રીઓ આમ આઠ જણનું પરિવાર હતું, અને કમાનાર મોહનભાઈ એકલા હતા. ૧૦ ફૂટ X ૧૦ ફૂટ ની ઓરડીમાં આ આખું પરિવાર સમાઈ જતું. સંતાનો ભણી શકે એટલા માટે મોહનભાઈ લોકો પાસેથી જૂના પુસ્તકો લઈ આવતા. ગંગા બહેન પડોસમાં રહેતા એક પારસી બાઈને ત્યાં રસોઈ કરતા, બદલામાં એમને થોડું ખાવાનું મળતું અને એમના બાળકોને પારસીના ઘરમાં બેસી વાંચવાની સગવડ મળતી. ચારે ભાઈ બહેન પણ નાના મોટા કામની શોધમાં રહેતા અને થોડા ઘણાં પૈસા લાવી ઘરમાં મદદરૂપ થતા.

૧૯૭૧ ની સાલમાં ધોરણ ૮ માં પાસ થઈ, આર્થિક કારણોસર કિશોરભાઈને અધવચ્ચેથી શાળા છોડી દેવી પડી. કુટુંબને મદદરૂપ થવા એમણે ૧૯૭૧ થી નોકરી કરવાનું શરૂ કર્યું, સાથે સાથે ઘરે પુસ્તકો વાંચી ભણવાનું ચાલુ રાખ્યું અને ૧૯૭૮ માં ખાનગી વિદ્યાર્થી તરીકે એસ.એસ.સી.ની પરીક્ષા આપી. ૧૯૭૮ માં એસ.એસ.સી. માં પાસ થયા પછી નોકરીની સાથે સાથે ભણવાનું ચાલુ રાખ્યું. આજે એમની પાસે M.Com., M.A., M.Ed. (Gold Medal) અને Ph.D ની ડીગ્રીઓ છે.

૧૯૮૭ માં એમણે શિક્ષકની નોકરી સ્વીકારી. ૨૦૦૬મા એમને ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક આપવામાં આવ્યું.

૧૯૮૯ માં કિશોરભાઈના લગ્ન થયા, એમના પત્ની સુમિત્રા પણ શિક્ષીકા જ છે. કિશોરભાઈના એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર કુણાલ M.E. ના છેલ્લા સેમિસ્ટરમાં છે અને પુત્રી M.B.B.S. ના બીજા વર્ષમાં છે.

આજે પણ કિશોરભાઈ એક શિક્ષક જ છે. વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થાય એવા અનેક સોફટ્વેર એમણે તૈયાર કર્યા છે. એમના લેખનના શોખના પરિણામે એમના ચાર પુસ્તકો પ્રકાશિત થયા છે, શબ્દનો પડછાયો ( કાવ્ય સંગ્રહ ), શબ્દના શિખરો ( કાવ્ય સંગ્રહ ), મારા શિક્ષણાનુંભવોની યાત્રા (શિક્ષણની સમસ્યા ઉકેલ પર લેખો ), શિક્ષણ સરોવર ( કાવ્ય સંગ્રહ ). એમના કેટલાક કાવ્યો બદલ ગુજરાતના આગળ પડતા નેતાઓ અને પ્રધાનોએ એમને અભિનંદન પત્રો લખ્યા છે.

અનેક સામાજીક કાર્યોમાં કિશોરભાઈએ સક્રીય ભાગ લીધો છે, એમાના થોડાક કાર્યો આ પ્રમાણે છે, બેટી બચાવો અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન, નિર્મલ ગુજરાત અભિયાન, માતૃવંદના અભિયાન, નારી તું નારાયણી અભિયાન, બાળ નિરોગી બારખડી અભિયાન, શિક્ષક દેવો ભવ અભિયાન વિગેરે.

૧૧ મા અને ૧૨ મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એમણે અનેક સોફટ્વેર તૈયાર કર્યા છે. ૨૦૦૯ થી શરૂ કરેલા એમના બ્લોગ “શિક્ષણ સરોવર” નો અનેક વિદ્યાર્થીઓ લાભ લે છે.

માત્ર વિદ્યાર્થીઓને જ નહિં, શિક્ષકોને પણ એમણે અનેક ક્ષેત્રોમાં તાલીમ આપી છે, જેવા કે ચૂંટણીમાં અધિકારી તરીકે કામ કરવાની તાલીમ, વસ્તી ગણત્રી કરવાની તાલીમ, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની તાલીમ વગેરે વગેરે.

શ્રી કિશોરભાઈને અત્યાર સુધીમાં મળેલા સન્માનોની યાદી પણ જોવા જેવી છે. જ્યારે M.Ed. મા ઉત્તિર્ણ થઈ સુવાર્ણ ચંદ્રક મેળવ્યો ત્યારે ગુજરાતના ગવર્નર શ્રી સુંદરસિંહ ભંડારી અને મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમનું સન્માન થયું. ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષક મળ્યું ત્યારે તે સમયના ગવર્નર શ્રી નવલકિશોર શર્માના હાથે, અને શિક્ષામંત્રી શ્રીમતિ આનંદીબહેન પટેલના હાથે તેમનું સન્માન થયું. સુરત શહેરના વિકાસ માટે તેમના લેખને પ્રથમ સ્થાન આપી મેયર શ્રી ભીખાભાઈ બોઘરાના હાથે અહે કમિશ્નર શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રના હાથે તેમનું સન્માન થયું. પર્યાવરણ બચાવો વિષય પર લખેલા તેમના કાવ્ય માટે મેયર શ્રીમતિ સુષ્માબેન અગ્રવાલના હાથે સન્માન થયું.

આમ સામાન્ય પરિસ્થિતિમાંથી ઉપર ઉઠી, સમાજમાં પોતાનું સ્થાન અંકિત કરવાવાળાઓમાં કિશોરભાઈનું માનભર્યું સ્થાન છે.

કિશોરભાઈ કહે છે, “ ભગવાને અમારી પ્રમાણિકતાનો બદલો અપેક્ષા કરતાં વધારે આપ્યો છે. આજે અમે ખૂબ સુખી છીએ. આપ જેવા મિત્રોનો પ્રેમાળ સહયોગ મળ્યો છે.”

કિશોરભાઈનો યુવાનોને સંદેશ છે, “ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પ્રમાણીકતા ન છોડશો, ભગવાન તમારી મદદે જરૂર આવશે.”

–પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)