(૦૩) – શરદ શાહ


પ્રસિધ્ધિથી દૂર રહેવા માગતા આ મળવા જેવા આ માણસ, શ્રી શરદ શાહ, વિષે હું કંઈપણ લખું એના કરતાં મારા આગ્રહને વશ થઈ એમણે મને ઈ-મેઈલ દ્વારા જે જણાવ્યું, એ જ અહીં re-produce કરૂં છું.

પ્રિય દાવડાજી,

પ્રેમ,

સ્વપરિચયના પ્રયત્નમાં છું.બાકી જે શરીરને બધા શરદના નામે ઓળખે છે તેનો જન્મ ૪થી સપ્ટેમ્બર ૧૯૫૨ના રોજ બ્રાહ્મણ પરિવારમાં થયો. પરિવારતો બ્રાહ્મણ હતો પણ દાદાના સમયથી જ સંસ્કારોમાં ક્રાંતિ આવી ગઈ હતી. દાદાએ વૈષ્ણવ ધર્મી બાળવિધવા સાથે લગ્ન કરેલાં અને જ્ઞાત બહાર મુકાયેલાં. નાત-જાતના ભેદભાવોથી પરિવાર પર હતો. દાદાએ ભર યુવાનીમાં ઉપાસની મહારાજનુ શિષ્યત્વ સ્વિકારી સંસાર ત્યાગ કરેલ ત્યારે મારા પિતાની ઊંમર ફક્ત ચાર વર્ષની હતી. દાદીએ કઠીનાઈઓ વેઠી મારા પિતાનો ઊછેર કર્યો. મેટ્રીક્યુલેટ અને સંગિત વિશારદ(વોકલ) નો અભ્યાસ પિતાએ કરેલો.

અમે ચાર ભાઈબહેનો(ત્રણ બહેન અને હું). હું સૌથી નાનો. મારી સાડા ત્રણ વર્ષની ઉંમરે મારી માતાએ શરીર છોડી દીધું. બાળપણની પરવરિશ દાદીએ કરી. આઠ વર્ષ પછી પિતાએ બીજા લગ્ન કરતાં, બીજી માતાના હાથે શેષ પરવરિશ થઈ. જીવનના ઘણાં પાઠ બાળપણમાં જ શીખી લીધા, જે મોટાભાગના લોકોને મોડા શીખવા મળે છે. પરિણામ સ્વરુપ ઘડતર એવું થયું કે ગમેતેવી વિપરીત પરિસ્થિતી પણ વિચલિત ન કરી શકે; જે આજે સન્યાસ આશ્રમ જીવન સ્વિકાર્યા પછી ખુબ ઉપયોગી સાબિત થઈ રહી છે.

ભણતરમાં, કોમર્સ ગ્રજ્યુએશન અમદાવાદમાં રહી ગુજરાત યુનિવર્સિટિથી કર્યું અને પોસ્ટગ્રેજ્યુએશન (માર્કેટિંગ અને મેનેજમેન્ટ) ભવન્સ કોલેજ મુંબઈથી કર્યું. ટ્યુશનોથી શરુ કરેલ વ્યવસાયિક કારકિર્દી, ૩૧માર્ચ ૨૦૧૩માં રીટાયર થયો ત્યારે સિનિયર પ્રોજેક્ટ કન્સલટન્ટ તરીકે ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ અને ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઈઝેશન લિમિટેડ (જીટકો લિમિટેડ) માં થયો.

૧૯૭૧માં આચાર્ય રજનીશના પરિચયમાં આવ્યો અને ૩જી નવેમ્બર ૧૯૭૮ ના રોજ તેમના હાથે સન્યાસ લીધો. ૧૦ ડિસેમ્બર ૧૯૭૮ના રોજ લગ્ન કર્યા અને કાળક્રમે બે પુત્રોનો પિતા થયો. મોટાં પુત્ર પાર્ષદ નો જન્મ ૧૯૭૯માં થયો અને નાનો પુત્ર (પૂર્ણ)નો જન્મ ૧૯૮૨માં થયેલો. મોટાં પુત્રએ એમબીએ(માર્કેટીંગ) કર્યું. હાલ આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ તરીકે અમદાવાદની કંપનીમાં છે. નાના પુત્ર સી.એ. કર્યા પછી હાલ ફ્લીપ કાર્ટ નામની કંપની, બેંગ્લોરમાં, મેનેજર ફાઈનાન્સ છે. મોટા પુત્રને ત્યાં પુત્ર(રાહીલ) અને નાના પુત્રને ત્યાં પુત્રી (વૈશ્વી) છે, આમ હું હવે દાદા બની ગયો છું.

રીટાયર્મેન્ટ પછીનું શેષ જીવન અમારા ગુરુ જેમનું નામ સ્વામી બ્રહ્મવેદાંતજી છે અને જેમનો આશ્રમ માધોપુર(ઘેડ)માં છે ત્યાં રહી ગુજારવાનો નિર્ણય કરેલ છે. ૧૯૮૬મં સ્વામી બ્રહ્મવેદાંતના પરિચયમાં આવ્યો અને ત્યારથી તેમના આશ્રમમાં જતો આવતો.

હું વિચારું છું કે મને શું યાદ રહી જાય છે અને હું શું ભુલી જાઊં છું? મનનીવૃતિઓ કેમ કાર્ય કરે છે ? હવે ભિતર જોઊં છું તો સમજાય છે કે કોઈએ મેણું માર્યું, ટીકા કરી અપમાન કર્યું તો એ બધું મગજ માં કોતરાઈ જાય છે, પરંતુ કોઈએ પ્રેમ કર્યો, સ્વાગત કર્યું, ભોજન બનાવી પીર્સ્યું તે યાદ નથી રહેતું. આવા નેગેટીવ મનની વૃત્તિઓમાંથી કેમ છુટવું?

મેં જોયું છે કે ઘણીવાર વ્યક્તિ, એક યા બીજી સાધના કરતાં હોય ત્યારે એવી ભ્રમણામાં પડી જાય છે કે હું અદકેરો સાધક છું અને અન્ય બધા તુચ્છ જીવો છે. તેમનો ક્યારે છુટકારો થશે? તેની ચિંતા પણ કરતો હોય છે.

હું વિચારું છું કે હું દુખી ક્યારે થાઉં છું? શાને કારણે થાઉં છું? આનંદિત શાને કારણે થાઉં છું? હવે થાય છે કે મારા સુખ દુખનુ કારણ બહાર હોય તો હું તો પરવશ છું, ગુલામ છું. તો મારે મારા સ્વયંના સ્વામી બનવા શું કરવું? બહાર દુખ હોય અને છત્તાં ભિતર આનંદમાં કેમ રહેવું? બસ આજ કળા ગુરુ ચરણે બેસી શીખી રહ્યો છું.

ધાર્મિક અને આધ્યામિક પ્રવાસની વ્યાખ્યાઓ દૃષ્ટિ સાથે ફરી જાય છે. એક સમયે મંદિરે દર્શન કરવા જતો તો તે ધાર્મિકતા હતી. હવે મંદિરે દર્શન કરવા જાઉં ત્યારેની મનોદશા, ભાવદશા અને વિચારદશા કેવી છે તે ઓળખવી તે ધાર્મિકતા છે.એક સમયે આધ્યાત્મિકતા ઓશોના પુસ્તકો વાંચવા, ધ્યાનની વિધીઓ કરવી તે હતું, આજે સમજાય છે કે આ ક્ષણમાં જીવતાં આવડૅ તે જ આધ્યાત્મિકતા છે. જે શિખી રહ્યો છું.

મારો અનુભવ છે કે અહીં દરેક વ્યક્તિ પછી તે હિન્દુ હોય કે મુસલમાન, ખ્રિસ્તી હોય કે પારસી, જૈન હોય કે બૌધ્ધ, કે અન્ય કોઈપણ માર્ગે હોય. અરે! ગુંડો હોય કે દારુડીયો, કે ચોર હોય કે લુંટારો કે અન્ય કોઈ. બધા જ મનુષ્ય અહીં સુખ અને આનંદની શોધમાં જ છે તમે તેને પરમાત્મા કહી શકો. કારણકે પરમાત્મા આનંદ સ્વરુપ છે (સત-ચિત્ત આનંદ).

કોઈને આનંદ ધનમાં દેખાય તો કોઈને સત્તામાં, તો કોઈને સુંદર સ્ત્રીમાં કે દારુના નશામાં..પરંતુ ભ્રામક સુખ-આનંદ અલ્પજીવી હોય છે અને વહેલાં મોડાં એ દરેક વ્યક્તિને સમજાઈ જાય છે. સુખ- આનંદનુ લેબલ મારેલ બોટલોમાં પણ દુખ અને પીડાઓ ભરેલી હોય છે, અને જેમ જેમ એ નકલી દારુ પીવાતો જાય તેમ તેમ પીડાઓ વધતી જાય. પછી જેવી જેની સહન શક્તિ અને બુધ્ધિમતા, એ મુજબ સમય નક્કી થાય.પરંતુ એક વાત નક્કી છે કે દરેક જીવ શિવમાંથી આવ્યો છે અને પાછો શિવમાં ભળી જશે. આ પરમાત્મા અને પ્રકૃતિની એક રમત માત્ર છે. રમત રમતની રીતે રમો તો જીવનમાં પણ આનંદ આવે છે અને રમતમાં તણાઈ જઈએ તો પીડા.
હવે દેખાય છે કે અહીં મિત્ર અને શત્રુ જેવું કાંઈ નથી. આજે જે મિત્ર છે તે કાલે શત્રુ બની શકે છે અને આજે જે શત્રુ છે તે કાલે મિત્ર બની શકે છે. એટલે બહાર મિત્ર શોધવા કરતાં ભિતર મિત્રતાનો ભાવ શોધવો વધુ જરુરી છે.

શેષ જીવન હવે ગુરુનિશ્રામાં અને ગુરુના માર્ગદર્શન હેઠળ જીવવું એવી ઈચ્છા છે. હરી ઈચ્છા શું છે તે ખબર નથી.”

પ્રભુશ્રીના આશિષ.
શરદ.

–પી.કે.દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)