અખાની વાણી (૧)-નિવેદન


નમસ્કાર,

ગુજરાતી ભાષા જાણતું ભાગ્યે જ કોઇ અખો અને અખાના છપ્પાથી અજાણ હશે. અહીં ’સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’ દ્વારા સં.૧૯૮૧, ઇ.સ. ૧૯૨૪ માં પ્રકાશિત અને ભિક્ષુ અખંડાનંદજી દ્વારા સંપાદિત પુસ્તક “અખાની વાણી” માંથી થોડી કૃતિઓ સાભાર રજુ કરીશ. આગળ ઉપર પણ આ પુસ્તકની વિચારણીય કૃતિઓ રજુ થશે. આ પુસ્તક ૪૫૦ કરતાં પણ વધુ પાના ધરાવે છે. જેમાં ૭૪૬ છપ્પાઓ અને અખાની અન્ય ઘણી કૃતિઓ છે. આજે પુસ્તકનાં સંપાદક એવા અખંડાનંદજી દ્વારા પુસ્તકની શરૂઆતમાં કરાયેલા નિવેદનનાં અમુક અંશો જોઇએ. અહીં આપણને અખંડાનંદજીના આક્રોશ તથા કટાક્ષની પાછળ છુપાયેલો તેમનો સાહિત્ય પ્રત્યેનો અનહદ પ્રેમ તુરંતજ દેખાઇ આવશે.  આ પુસ્તકનું નિવેદન વાંચ્યા પછી, મને ગુજરાતી વિકિસ્રોત પર, આજ પુસ્તકના આધારે, અખાનાં છપ્પાઓ મુકવાની પ્રેરણા મળી. હજુ પણ ત્યાં આ કામ ચાલુ છે. જીજ્ઞાસુ મિત્રો ત્યાં વાંચી શકે તે માટે જરૂરી કડી (લિંક) લેખને અંતે આપેલી છે.

પ્રથમ આવૃત્તિનાં નિવેદનનો સાર – ભિક્ષુ: અખંડાનંદ સં. ૧૯૭૧ પોષ માસ

અખાની હજી કોઇ તરફથી છપાઇ નથી એવી હસ્તલિખિત વાણી જેમની જેમની પાસે હોઇને જેઓ લોકહિતાર્થે પ્રક્ટ કરવા માટે તેની નકલ ઉતારવા માટે દઇ શકે તેમ હોય તેમને તેમ કરવા સવિનય પ્રાથના છે.

મહાત્માઓ પોતાની વાણી સર્વ લોકોના કલ્યાણ અર્થેજ રચતા હોવાથી તેનો અધિક પ્રચાર થાય એમાંજ તેમના હેતુની સફળતા હોય છે. વળી પાછળથી તેમની વાણી જેના પણ હાથમાં ગઇ હોય છે, તેને પણ તે વાણી તે મહાત્માના અનુગ્રહથી અથવા કોઇ અન્યની ઉદારતાથીજ પ્રાપ્ત થયેલ હોય છે. આમ છતાં પોતાની માલિકીની વસ્તુ માની લઇને તેને વધુ ફેલાતી અટકાવનાર તરફ તે મહાત્માઓ {અહીં એકાદ શબ્દ ફાટેલ છે..અશોક} કૃપાદ્દષ્ટિ (!) થી જોતા હશે, તે તો તેવા મનુષ્યોએજ પોતાના ભલા માટે વિચારી લેવું જોઇએ. આવી ઉત્તમ વાણીને એકાદ મજબુત દોરી કપડામાં તાણી બાંધીને અંધારા ઓઅરડામાંના એકાદ જુના પટારામાં ગોંધી રાખનારા મનુષ્યોની મુર્ખતાપર વર્ષોનાં વર્ષ નિ:શ્વાસ નાખ્યા પછી એ ઉત્તમ વાણીને આખરે જ્યારે ઉંદર-ઉધૈના જઠરાગ્નિની આહુતિરૂપે હોમાવું પડતું હશે, ત્યારે એ મહાડહાપણભરેલા (!) મહાયજ્ઞ બદલ તેના માલિકોને કેટલું બધું પુણ્ય પ્રાપ્ત થતું હશે ? જેમને ત્યાંની વાણી હજી આવી મોક્ષાવસ્થા (!)એ ન પહોંચી હોય, તેઓ હજી પણ સમજે તો આ મહાપાતકમાંથી બચી શકે તેમ છે; અને અનેક પ્રકારની ઉત્તમ વાણી જનસમાજમાં પ્રચલિત થઇ શકે તેમ છે.

અખંડાનંદજીના નિવેદનનાં આ અંશો વાંચ્યા પછી, હવે આ જ પુસ્તક બાબતે એક સરસ વાત આપ સૌ શાથે કરવા ઇચ્છુ છું. આજથી લગભગ છ એક વર્ષ પહેલા, મારા મિત્ર અને પોલીસની નોકરી કરતા શ્રી જેઠાભાઇ ઓડેદરા, કે જેઓ પાછા વાંચનનાં ગજબનાં રસિયા છે !! (પોલીસ અને વાંચન !!  સમુદ્રને કાંઠે બેઠા જુઓ તો ભલે ખારો કે નકામો લાગે, ડુબકી મારો ત્યારેજ તેમાંથી મોતી મળે છે, સારા માણસો બધે જ હોય છે,  કદાચ પોલીસમાં સૌથી વધુ હશે. જો કે વિષયાંતરના ભયે, આ બાબતે ફરી ક્યારેક…). તેઓએ એક પસ્તી વાળાને ત્યાં આ પુસ્તક જોયું, લગભગ જીર્ણશિર્ણ હાલતમાં હતું, પરંતુ પારખુ નજરે તુરંત તેનું મહત્વ આંકી લીધું અને ખરીદી (ખરેખર જ!!!) પણ લીધું. અમે બન્નેએ (એક પોલીસ અને બીજો વેપારી ! “સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી ચાલ્યો ઘેર આપ”-અખો 🙂 ) ઘણા વરસ સુધી, સમય મળ્યે આનું વાંચન-અભ્યાસ કર્યો ત્યારે માંડ થોડું સમજાયું. પ્રથમ તો લાગ્યું કે અખાને સમજવો બહુ અઘરો છે, કારણકે ભાષા અને સ્થળકાળ માં આપણે અને અખાને ઘણું અંતર પડી ગયું છે. પણ જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ રસ વધતો ગયો, શાથે થોડી સમજણ પણ વધી! તો  આવા સુંદર પુસ્તક શાથે પરિચય કરાવવા બદલ જેઠાભાઇ નો આભાર પણ માની લઉં છું.

આ શાથે વધુમાં એક નિવેદન સૌ મિત્રોને કરવા માંગુ છું કે, જે કોઇ મિત્રો ગુજરાતી વિકિસોર્સ પર અખાના છપ્પાઓ ચઢાવવામાં મદદરૂપ થવાની (અને એ રીતે આપણો આ અમુલ્ય વારસો લોકો સુધી પહોંચાડવાની) ઇચ્છા ધરાવતા હોય, તો જરૂર જાણ કરે. આ પુસ્તકનાં પાનાઓની ફોટોકોપી તેમને મોકલતા મને આનંદ થશે.  ફક્ત, શક્ય તેટલું મુળ લખાણને વળગી રહેવાની સાવધાની રાખવી તેટલી વિનંતી કરીશ.  આભાર.

(નોંધ: વિકિસ્રોત પર અખાના છપ્પાનું કાર્ય હવે પૂર્ણ થયેલું છે. સંપૂર્ણ છપ્પાઓ ત્યાં વાંચી શકાશે. તા:૨૨-૯-૨૦૧૩)

અખાના છપ્પા સહીતની અન્ય કૃતિઓ અહીં વાંચો :

* વિકિસ્રોત-અખાની રચનાઓ

* વિકિપીડિયા-અખો

3 responses to “અખાની વાણી (૧)-નિવેદન

  1. પિંગબેક: અખો | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. 1 થી 746 છપ્પાની યાદીમાં એકાદ પાનું અપલોડ કરવાનું રહી ગયેલ છે.

    Like

Leave a comment