Category Archives: autobiography

૩૦ સપ્ટેમ્બર અને ૨ ઓક્ટોબર (અયોધ્યા અને ગાંધીજી)

|| Happy Birth Day || બાપુ

પ્રિય મિત્રો, નમસ્કાર.
તા: ૩૦-૯-૨૦૧૦, રામ જન્મભૂમિ-બાબરી મસ્જીદ વિવાદ સંદર્ભે એક આવકારદાયક ચુકાદો આવ્યો. આજે ૨-૧૦-૨૦૧૦, ભારતનાં રાષ્ટ્રપિતા અને સમગ્ર વિશ્વએ જેને એકી અવાજે યુગપુરુષ માન્યા તે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. બે દિવસથી મોટા મોટા મહાનુભાવોથી માંડી અને નાનામાં નાનો માણસ ૩૦ સપ્ટેમ્બરનાં ચુકાદા બાબતે પોતાનું મંત્વ્ય રજુ કરે છે. અમને થયું કે ગાંધીજીએ આ બાબતે પોતાનું મંતવ્ય આપવાનું થયું હોત તો શું આપત ? અને દિવસભર ગાંધીજીના વિવિધ લખાણોના સુંદર સંગ્રહરૂપ પુસ્તક ” સત્ય એ જ ઈશ્વર છે” (નવજીવન પ્રકાશન – ૧૯૫૭) માંથી તારવેલા અને મને આ સંદર્ભે યોગ્ય લાગ્યા તેવા વિચારો અહીં રજુ કરૂં છું. કદાચ આ પરથી સૌ તારવી શકે કે ગાંધીજીનું મંતવ્ય શું રહ્યું હોત. આમ તો ગાંધીને સમુદ્ર ગણો તો અહીં રજુ થયું તે અમારા ખોબાની ક્ષમતા જેટલું જ સમજવું. આશય માત્ર આ બહાને ગાંધીજીના વિચારોનું ચિંતન કરવાનો અને સૌ દેશવાસીઓને સદ્‌ભાવના અને ભાઇચારાનો આ ગાંધીસંદેશ આપવાનો જ છે. આભાર.
  
# “જ્યારે જ્યારે કોઇ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓને સારુ છે એટલે મુસલમાનો તેમાં કેમ જોડાઇ શકે, ત્યારે મને મનમાં હસવું આવે છે. તો મુસલમાનોનો એક ખુદા છે અને હિંદુ, ખ્રિસ્તી કે પારસીનો બીજો છે ? ના, સર્વસમર્થ અને સર્વવ્યાપી ઈશ્વર એક જ છે. તેનાં નામો અનેક છે. આપણને જે સૌથી વધારે જાણીતું નામ હોય તે નામથી આપણે તેને ઓળખીએ છીએ.”

“મારો રામ, કે જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ, અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઈતિહાસમાં થઇ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે, તે કદી જન્મ લેતો નથી, અને તેના જેવો બીજો કોઇ નથી. હું એક તેને જ ભજું છું, એક તેની જ સહાય માગું છું. તમે પણ તેમ જ કરો. તે સૌનો છે. તેના પર સૌનો સરખો હક્ક છે. તેથી, તેનું નામ લેવામાં મુસલમાને કે કોઇએ શા સારૂ વાંધો ઉઠાવવો જોઇએ તે મારી સમજમાં આવતું નથી. પરંતુ બેશક, મુસલમાને કે બીજા કોઇએ માત્ર રામનામથી જ ઈશ્વરને ઓળખવો એવી જબરદસ્તી ન હોય. જેને જે રુચે તે નામ લે, અલ્લાનું નામ લે કે ખુદાનું નામ લે પણ ધૂનના સંગીતને કોઇ ન બગાડે.”  (હરિજનબંધુ ૫-૫-૧૯૪૬)  

# “જગતમાં સ્થાઇ શાંતિ સ્થાપવી અશક્ય છે એમ માનવું એ મનુષ્ય સ્વભાવમાં દૈવી અંશ નથી એમ માનવા બરોબર છે. અત્યાર સુધી જે ઇલાજો અજમાવવામાં આવ્યા છે તે એળે ગયા છે એનું કારણ એ છે કે જેમણે પ્રયત્ન કર્યો છે તેમના મનમાં ઊંડી સાચી દાનતનો અભાવ રહ્યો છે. એ અભાવનું ભાન થયું નથી. જેમ સર્વ આવશ્યક તત્વો એકઠાં થયા સિવાય કોઇ રાસાયણિક સંયુક્ત દ્રવ્ય તૈયાર થઇ જ ન શકે, તેમ શાંતિને માટે આવશ્યક શરતોમાંની થોડીક જ પળાઇ હોય તો તેથી શાંતિની સ્થાપના ન થઇ શકે..”  (હરિજનબંધુ ૧૯-૬-૧૯૩૮)  

# “આપણે સર્વ મનુષ્યો તત્વચિંતક નથી હોતા. આપણે માટીના માનવી છીએ, ધરતી પર વસનારા રહ્યા એટલે આપણાં મન ધરતીમાં જ રમે છે, ને આપણને અદૃશ્ય ઈશ્વરનું ચિંતન કરીને સંતોષ નથી થતો. ગમે તેમ પણ આપણને એવું કંઇક જોઇએ છે જેનો આપણે સ્પર્શ કરી શકીએ, જેને આપણે નરી આંખે જોઈ શકીએ, જેની આગળ આપણે પગે પડી શકીએ. પછી ભલે એ વસ્તુ કોઇ ગ્રંથ હોય, કે એકાદ પથ્થરનું ખાલી મકાન હોય, કે અનેક મૂર્તિઓથી ભરેલું પથ્થરનું મકાન હોય. કોઇને ગ્રંથથી સમાધાન થશે, બીજા કોઇને ખાલી મકાનથી તૃપ્તિ થશે, તો વળી બીજા ઘણાં એ ખાલી મકાનોમાં કંઇક ચીજ સ્થપાયેલી નહીં જુએ ત્યાં લગી એમને સંતોષ નહીં થાય. વળી હું તમને કહું છું કે આ મંદિરો વહેમનાં ઘર છે એવો ભાવ મનમાં રાખીને તમે ત્યાં નહીં જતા. મનમાં શ્રદ્ધા રાખીને આ મંદિરમાં જશો તો તમને જણાશે કે તમે દરેક વખતે ત્યાં જઇ આવી શુદ્ધ થશો, ને જીવતાજાગતા ઈશ્વર પરની શ્રદ્ધા વધતી જશે.”  (હરિજનબંધુ ૨૪-૧-૧૯૩૭)  

# “બધા ધર્મો એક જ બિન્દુ તરફ દોરી જનારા જુદા જુદા રસ્તા જેવા છે. આપણે આખરે એક જ લક્ષ્ય પર પહોંચતા હોઇએ તો જુદા જુદા રસ્તા લઇએ તેથી શું? સાચું જોતાં જેટલા માણસો છે તેટલા ધર્મો છે.”  (હિંદ સ્વરાજ (૧૯૪૬))  

# “ધર્મ એક જ હોય એ વાતની આજે જરૂર નથી; આજે જરૂર એ વાતની છે કે જુદા જુદા ધર્મ પાળનારા પરસ્પર આદર રાખે ને સહિષ્ણુ થાય. આપણને મરણની જડ એકતા નથી જોઇતી, વિવિધતામાં એકતાની સ્થિતિને આપણે પહોંચવા માગીએ છીએ. જૂની પરંપરાઓને, વંશપરંપરાને, આબોહવાને અને આજુબાજુના સંજોગોને કારણે કેળવાયેલા ગુણોને જડમૂળથી ઉખેડી કાઢવાનો કોઇ પણ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા વગર રહેશે નહીં એટલું જ નહીં, જાણીબૂજીને પવિત્ર વસ્તુ પર ઘા કરવા જેવું થશે. ધર્મમાત્રનો આત્મા એક જ છે પરંતુ તેણે અનેક રૂપ ધરેલાં છે. એ બધાંયે રૂપો કાળનાં અંત સુધી રહેવાના છે. ડાહ્યા માણસો આ બહારનાં આવરણને અવગણીને અનેકવિધ આવરણોમાં વસતા એક જ આત્માને ઓળખ્યા વગર રહેશે નહીં.” (યંગ ઇન્ડિયા ૨૫-૯-૧૯૨૫)  

# “આપણે બધા કદી એકસરખી રીતે વિચાર કરવાના નથી અને જુદી જુદી બાજુએથી સત્યના કેવળ અંશોને જોવા પામીશું તેથી આચારનો સોનેરી નિયમ એવો હોય કે આપણે પરસ્પર સહિષ્ણુ થઇએ. દરેકને માટે અંતઃકરણ એક જ વસ્તુ નથી. એટલે અંતઃકરણનો અવાજ વ્યક્તિગત આચારને માટે સારો માર્ગદર્શક હોય પણ સૌ કોઇને માથે તેવો આચાર ફરજીયાત લાદવાથી બાકી હરેકની પોતાની અંતઃકરણના અવાજને અનુસરવાની સ્વતંત્રતામાં અસહ્ય જુલમી દખલ થયા વગર રહેતી નથી.”  (યંગ ઇન્ડિયા ૨૩-૫-૧૯૨૬)  

# “મૂર્તિપૂજક અને મૂર્તિભંજક એ બે શબ્દોનો સાચામાં સાચો અર્થ હું જે કલ્પું છું તે અર્થમાં હું તે બંને છું. મૂર્તિપૂજાના ભીતરમાં રહેલી ભાવનાની હું ભારે કિંમત આંકું છું. માણસજાતને ઊંચે ચડાવવામાં તે મહત્વનો ફાળો આપે છે. અને આપણી આ ભૂમિને પાવન કરનારાં હજારો મંદિરો વગેરે પુણ્યધામોને મારા જાનના જોખમે બચાવવાની શક્તિ મારામાં હોય એવું હું ઇચ્છું છું.” 

“ઈશ્વરને ભજવાની પોતાની રીત સિવાયની બીજી કોઇ પણ રીતમાં કશીયે સાર્થકતા જોવાનો ઇન્કાર કરવાવાળા ધર્મઝનૂનના સૂક્ષ્મ સ્વરૂપની મૂર્તિપૂજાને હું તોડું છું તેટલા અર્થમાં હું મૂર્તિભંજક છું.”  (યંગ ઇન્ડિયા ૨૮-૮-૧૯૨૪)  

# “ઇસ્લામનો ’અલ્લા’, ખ્રિસ્તીઓનો ’ગોડ’ અને હિંદુઓનો ’ઈશ્વર’ એક જ છે. જેમ હિંદુ ધર્મમાં ઈશ્વરનાં સહસ્ત્રાવધિ નામ છે તેમ ઇસ્લામમાં પણ અલ્લાનાં અનેક નામ છે. એ નામો જુદા જુદા વ્યક્તિત્વનાં નહીં પણ જુદા જુદા ગુણનાં સૂચક છે, અને અલ્પ માનવીએ નમ્રભાવે ઈશ્વરમાં ગુણોનું આરોપણ કરીને તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ ઈશ્વર તો ગુણદોષથી પર છે, અવર્ણનીય છે, અચિંત્ય છે, અપ્રમેય છે. આ ઈશ્વરને વિશે જીવતીજાગતી શ્રદ્ધા હોવી એનો અર્થ એ કે મનુષ્યમાત્રને ભાઇભાંડુ માનવાં. એનો અર્થ એ પણ થાય કે સર્વ ધર્મ વિશે સરખો આદર રાખવો.”  (હરિજનબંધુ ૧૫-૫-૧૯૩૮)

વધુ વાંચન :  સત્યના પ્રયોગો – પ્રસ્તાવના   (વાંચનયાત્રા પરનો પ્રથમ લેખ)