Category Archives: autobiography

સત્યના પ્રયોગો – પ્રસ્તાવના

આજે તા: ૩૦ જાન્યુઆરી,  ભારતનાં રાષ્ટ્રપિતા અને વિશ્વમાનવ મહાત્મા ગાંધીનો નિર્વાણદિન. પૂ.બાપુને શ્રદ્ધાંજલિ અર્પવા શાથે આજે હું તેમના પૂસ્તક “સત્યના પ્રયોગો અથવા આત્મકથા” ની પ્રસ્તાવનામાંથી થોડા અંશો સાદર રજુ કરીશ. 

વિશ્વની શ્રેષ્ઠત્તમ પ્રસ્તાવનાઓમાંની એક એવી આ પુસ્તકની પ્રસ્તાવના, ગાંધીજીનાં વિચારો અને શૈલીને સુંદર રીતે રજુ કરે છે.

(સત્યના પ્રયોગો અથવા આત્મકથા – નવજીવન પ્રકાશન – ૧૩મી આવૃત્તિ – મે ૧૯૭૧)

” મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક; ધર્મ એટલે નીતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. એટલે જે વસ્તુઓનો નિર્ણય બાળકો, જુવાન અને બુઢ્ઢાં કરે છે અને કરી શકે છે તે જ વસ્તુઓનો આ કથામાં સમાવેશ થશે. આવી કથા જો હું તટસ્થભાવે, નિરાભિમાન પણે લખી શકું તો તેમાંથી બીજા પ્રયોગો કરનારાઓને સારુ કંઇક સામગ્રી મળે.

આ પ્રયોગોને વિષે હું કોઇ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો જ નથી. વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે. છતાં તેમાથી નિપજાવેલાં પરિણામોને તે છેવટનાં ગણાવતો નથી, અથવા તો એ એનાં સાચાં જ પરિણામ છે એ વિષે પણ સાશંક નહીં તો તટસ્થ રહે છે. તેવો જ મારા પ્રયોગોને વિષે મારો દાવો છે. મેં ખુબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકેએક ભાવને તપાસ્યો છે, તેનું પૃથ્થકરણ કર્યું છે. પણ તેમાંથી નીપજેલાં પરિણામ એ સહુને સારુ છેવટનાં જ છે, એ ખરાં છે અથવાતો એ જ ખરાં છે, એવો દાવો હું કોઇ દિવસ કરવા ઇચ્છતો નથી”

જો મારે કેવળ સિદ્ધાંતોનું એટલે તત્વોનું જ વર્ણન કરવાનું હોય તો આ આત્મકથા હું ન જ લખું. પણ મારે તો તેનાં ઉપર રચાયેલાં કાર્યોનો ઇતિહાસ આપવાનો છે, અને તેથી જ મેં આ પ્રયત્નને ’સત્યના પ્રયોગો’ એવું પહેલું નામ આપેલું છે. આમાં સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જશે. પણ મારે મન સત્ય જ સર્વોપરી છે અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઇ જાય છે. આ સત્ય તે સ્થૂલ – વાચાનું -સત્ય નહીં. આતો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ચિરસ્થાઇ સત્ય; એટલે કે પરમેશ્વર જ.

 સત્યની શોધનાં સાધનો જેટલાં કઠણ છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુધ્ધા તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.

ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.

મારા લેખોને કોઇ પ્રમાણભૂત ન ગણે એમ હું ઇચ્છું છું, એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટાંતરૂપે ગણી ને સહુ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઇચ્છા છે. 

આશ્રમ, સાબરમતી,  માગશર શુ. ૧૧, ૧૯૮૨         

“Generations to come, it may well be, will scarce believe that such a man as this one ever in flesh and blood walked upon this Earth.” 
          ——   Albert Einstein, statement on the occasion of Mahatma Gandhi’s 70th birthday(1939)

વધુ વાંચન અને સંપૂર્ણ ’પ્રસ્તાવના’ માટે અહીં જુઓ:

* ગાંધીજી વિશે વધુ અવતરણો

* સત્યના પ્રયોગો /પ્રસ્તાવના (અંગ્રેજી)

* સત્યના પ્રયોગો/પ્રસ્તાવના (હિન્દી)