આઝાદી અમર રહો


મિત્રો, નમસ્કાર.
સૌને સ્વતંત્રતા દિનની હાર્દિક વધાઈ. સાથે સાથે ઈદની મુબારકબાદી.
તાજા સમાચાર એ આપવાનાં છે કે, તા:૧૫-૮-૨૦૧૩ના, રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અમોએ પણ એક કાર્યક્રમનું આયોજન કરેલું. ભારતી આશ્રમ, ભવનાથ, જૂનાગઢ ખાતે વિશ્વના દેશોનાં રાષ્ટ્રધ્વજનું એક સુંદર અને જ્ઞાનપ્રદ પ્રદર્શન યોજવામાં આવેલું. આપ સૌને વિદિત હશે જ કે, અમેરિકા વસતા શ્રી.ગોવિંદભાઈ પટેલ (સ્વપ્ન જેસરવાકર-પરાર્થે સમર્પણ) સુરજબા મેમોરિયલ પબ્લિક ટ્રસ્ટ નામક પોતાની સંસ્થાના નેજા તળે રાષ્ટ્રભક્તિ અને શિક્ષણની સેવા પ્રવૃતિઓ કરે છે. તેઓશ્રીએ આ સંપૂર્ણ પ્રદર્શન અમોને પણ મોકલાવેલું હતું. લગભગ બે વર્ષથી વિવિધ શાળા-સંસ્થાઓ દ્વારા આ જ્ઞાનપ્રદ પ્રદર્શનનો લહાવો વિદ્યાર્થીઓને મળે છે. જો કે સ્વતંત્રતા દિવસ નિમિત્તે આ વર્ષે પ્રથમ વખત જ એનું જાહેર પ્રદર્શન ઉપરોક્ત સ્થળે યોજવામાં આવ્યું હતું. ભારતી આશ્રમ અને જૂના અખાડાનાં મહંત, મહામંડલેશ્વર પ.પૂ.ભારતીબાપુએ તેમજ સંચાલકશ્રીઓએ અનેરો ઉત્સાહ દર્શાવ્યો અને આ પ્રદર્શન યોજવા માટે સઘળી સગવડ પ્રાપ્ય બનાવી. પૂ.ભારતીબાપુએ પ્રદર્શન નિહાળી આશીર્વચન પાઠવ્યા. શાળાનાં બાળકો અને અન્ય લોકોએ ઉત્સાહભેર આ પ્રદર્શન નિહાળ્યું. સમાચાર માધ્યમોએ પણ ઘણો રસ દાખવ્યો. અહીં આ પ્રદર્શનની એક ઝલક આપની સમક્ષ.

દિવ્ય ભાસ્કર સમાચાર

દિવ્ય ભાસ્કર સમાચાર


  સમાચાર ચેનલનો રિપોર્ટ

સ્વતંત્રતા દિવસની સાંજે વળી અન્ય એક યાદગાર કાર્યક્રમમાં હાજર રહેવાનું સદ્‍ભાગ્ય સાંપડ્યું. ઈદ હજુ હમણાં જ ગઈ, કેટલાંક મુસ્લિમ મિત્રો દર વર્ષે ઈદ નિમિત્તે એક સ્નેહમિલનનો કાર્યક્રમ ગોઠવે છે. જેમાં ધર્મ વગેરેનાં ભેદ વગર સૌ મિત્રોને સાદર આમંત્રિત કરાય છે. જૂનાગઢનાં જાણીતા ડૉ.પટીવાલા સાહેબ યજમાન હતા. મિત્ર શકીલ મુન્શીના મોટાભાઈ, મહમદઅલીભાઈ, ભાવેશભાઈ તથા શહેરનાં ઘણાં ગણમાન્ય વકીલો, ડૉક્ટરો, શિક્ષકો આ સ્નેહમિલનમાં ઉપસ્થિત હતા. ડૉ.પટીવાલા સાહેબે ઇસ્લામ વિષયે, ખાસ તો રમજાન માસ, રોજા અને ઈદનાં મહત્વ વિશે સુંદર સમજણ આપી. તેઓશ્રી ઉમદા વ્યક્તિત્વનાં ધણી ઉપરાંત સારા કવિ અને વક્તા પણ છે. મિત્ર ભાવેશભાઈ અને અન્ય બે-ત્રણ મિત્રોએ પણ સુંદર વક્તવ્ય આપ્યાં. એકંદરે બન્ને ધર્મનાં લોકો દ્વારા એકમેકને સમજવાનો, સંવાદ સ્થાપવાનો આ સ્નેહમિલનનો હેતુ હતો જે સફળ થયો. અંતે યજમાનશ્રી દ્વારા સૌને ખીરખુરમા ખવડાવી ઈદની ઉજવણી કરાઈ. મને તો વળી બે સુંદર પુસ્તકો પણ ભેટરૂપે મળ્યા. (એ પુસ્તકો વિશે પણ વંચાઈ રહ્યે લખીશ ખરો) અને સૌથી મોટો ફાયદો તો એ થયો કે મહમદઅલી જેવા મિત્રને બહુ સમય પછી રૂબરૂ મળવાનો લહાવો મળ્યો. આપણાં મુન્શીજીને પેટભરીને યાદ કર્યા ! (એટલે કે શબ્દશઃ પેટભરીને પછી જ !!) આમ આપણી ૧૫ ઓગસ્ટ બહુ ધામધૂમથી ઊજવાઈ. રહી વાત મારા મણકાનાં દુખાવાની, તો એણે પણ સદ્‍ભાવના દાખવી અને એક દિવસ પૂરતી મને આઝાદી આપી ! (એ સંબંધે તો વળી એક આખું પુરાણ રચાયું છે, આપની નજરે જરૂર કરાશે અને આપ સૌને એ વાંચી દુઃખી થવાનો મોકો પણ અપાશે !)

આઝાદી અમર રહો

10 responses to “આઝાદી અમર રહો

  1. ઘણે દાડે ઝળક્યા! વિડિયોમાં જોઈ ટાઢક વળી.
    વિગતે સમાચારની રાહ જોઈએ છીએ.

    Like

  2. આઝાદી અમર રહો…બરોબર વાંચ્યું, બધા જીવંત ફોટા જોયા.

    દેશ દેશના રાષ્ટ્રધ્વજ અને એ પ્રદર્શન હોલ, બધા વીદ્યાર્થીઓ, સંચાલકગણ, શીક્ષકગણ, કાર્યકરોને અભીનંદન.

    ઈદની ઉજવણી પણ વાંચી.

    આવા મણકા ફોટા સાથે ચાલુ રાખજો….

    Like

  3. ફોન પર ઘણી વખત સાંભળ્યા પરન્તુ મણકાના દુ:ખાવાએ પોરો ખાધો તેથી તમને સદેહે વીડીયોમાં જોઈ/સાંભળીને આનન્દ…
    67 માં સ્વાતંત્ર્ય દીવસ અને ઈદની સૌમીત્રોને હાર્દીક શુભેચ્છાઓ…..

    Like

  4. જય માતાજી અશોકભાઈ,
    ૧૫ ઓગષ્ટ, ૨૦૧૩નાં રોજ સ્વતંત્રપર્વની ઉજવણીને સાધુ-સંતો અને વિધાર્થીઓ સાથે ઉજવીને દેશભકિતને સાર્થક તમે કરી છે. બીજુ ખાસ તો એટલા માટે આનંદ થયો કે, ન્યુઝપેપર અને ન્યુઝચેનલમાં આપના દર્શન થાય તો અમારા માટે એથી રૂડુ બીજુ શું હોય શકે! દરેક ક્ષેત્રમાં આપ આગળ વધો તેવી ભગવાન પાસે પ્રાર્થના. તમે રાજકોટનાં આંગણે પધારો તેવી મારી ઈચ્છા છે. જય માતાજી..

    Like

  5. આઝાદી અમર રહો.
    very nice efforts. Keep it up. Yes, I remember, you made very nice presentation about flag collection with the help of Parrthe samarpan.
    ———

    Like

  6. આદરણીય શ્રી અશોકભાઇ,

    દુરભાષ યંત્ર દ્વારા ઘણી વાર વાતો થૈ છે પણ પરમ પ્રગટ થૈ ને સદેહે મિત્ર મંડ્ળ

    સાથે સંબોધન કરતા ચલચિતર્ની માફક નિહાળી ખુબ આનંદ થયો.

    ધ્વજ પ્રદર્શન નીહાળ્યુ. પરમ પુજય ભારતી બાપુ મારા ગામમાં મારી ભગવત સપ્તાહમાં

    ૧૬ ડીસેમ્બર ૨૦૦૬ના રોજ પધાર્યા હતા.

    Like

  7. આદરણીય શ્રી અશોકભાઇ,

    દુરભાષ યંત્ર દ્વારા ઘણી વાર વાતો થૈ છે પણ પરમ પ્રગટ થઇ ને સદેહે મિત્ર મંડ્ળ

    સાથે સંબોધન કરતા ચલચિત્રર્ની માફક નિહાળી ખુબ આનંદ થયો.

    ધ્વજ પ્રદર્શન નીહાળ્યુ. આપે અનન્ય ઉતસાહ સાથે અથાગ પરિશ્રમ દ્વારા અનેરી

    માહિતિ પ્રદર્શિત કરી છે .ખુબ ખુબ ધન્યવાદ

    પરમ પુજય ભારતી બાપુ મારા ગામમાં અમે યોજેલ ભાગવત સપ્તાહમાં ૧૬ ડીસેમ્બર

    ૨૦૦૬ના રોજ પધાર્યા હતા.

    જેના વ્યાસશને અમેરિકાના રાધા કૃષ્ણ મંદિરવાળા શ્રી ભરતભાઇ રાજ્ગોર હતા

    ટાઇપિંગની મોટી ભુલ તરફ ધ્યાન દોરવા બદલ આદરણીય શ્રી વી.કે.વોરા સાહેબનો ખુબ જ આભાર

    Like

Leave a comment