(૧૦) – વિજય શાહ


vijay shah 10વિજયભાઇનો જન્મ ૧૯૫૨ માં એક મધ્યમ વર્ગી કુટુંબમાં, ભરૂચમાં થયો હતો. એમના પિતા સરકારી નોકરીમાં હોવાથી સમયાંતરે થતી બદલીઓને લીધે એમનું શાળાનું શિક્ષણ અનેક શહેરોમાં થયું. આખરે ૧૯૭૫ માં નડિયાદથી એમ.એસસી (માઈક્રો બાયોલોજી) કરી અભ્યાસ પૂરો કર્યો.

૧૯૭૫ માં તેમણે સારાભાઈ કેમિકલ્સમાં નોકરી શરૂ કરી. બે વર્ષને અંતે આ વિજ્ઞાનના અનુસ્નાતકને લાગ્યું કે શેરબજારમાં વધારે પૈસા છે, એટલે ૧૯૭૭ માં એમણે મુંબઈમાં શેરબ્રોકરનું કામ શરૂ કર્યું.

વિજયભાઈને સાહિત્યનો શોખ તો ૧૨ વર્ષની વયે જ લાગી ગયેલો. ૧૯૬૪ માં તેમની બાળવાર્તા “જાદુઇ વાડકો” નૂતન ગુજરાતમાં છપાઈ. ૧૯૭૨ માં વીસ વર્ષની વયે આકાશવાણી સુધી પહોંચીગયા અને “યુવાવાણી” કાર્યક્રમમાં ભાગ લીધો. ૧૯૭૭ માં એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ “હું એટલે તમે” પ્રસિધ્ધ થયો. ૧૯૮૧ માં તેમનું પહેલું નાટક દુરદર્શનમાં પ્રસારિત થયું. બસ પછી તો નવલિકા, નવલકથા, દૈનિકોમાં અને સામયિકોમાં કોલમ્સ, આમ સાહિત્યમાં આગેકુચ જારી રહી.

૧૯૯૬ માં અમેરિકા સ્થિત વિજયભાઈના મોટાભાઇએ તેમને વધુ સારા ભવિષ્ય માટે કુટુંબ સહિત અમેરિકા આવવા આગ્રહ કર્યો, અને એમની વાત માની લઈ વિજયભાઈ કાયમી વસવાટ માટે સહકુટું અમેરિકા આવી ગયા. આ નિર્ણય લેતા પહેલાં એમને ઘણો માનસિક સંઘર્ષ કરવો પડેલો, કારણ કે વયોવૃધ્ધ પિતાને ભારતમાં મૂકી અમેરિકા જવા એમનું મન માનતું ન હતું, પણ આખરે પિતાના આગ્રહ હેઠળ એમને નમતું જોખવું પડ્યું.

અમેરિકામાં પણ એમણે શેર બજારનું કામકાજ જ ચાલુ રાખવા જરૂરી લાયસેંસ મેળવી લઈ, ધંધો શરૂ કરી દીધો. અહીં પણ એમનો સાહિત્ય રસિયો જીવ ક્યાં ઝંપીને બેસવાનો હતો? અમેરિકામાં સ્થાયી થયા કે તરત જ એમણે સાહિત્ય રસિયાઓના સાથ શોધી કાઢ્યા અને એમની પ્રવૃતિઓમાં સક્રીય થઈ ગયા. પ્રિન્ટ મીડિયામાં લખવાનું શરૂ કર્યું. ૧૯૯૬ થી ૨૦૦૨ સુધી આ પ્રવૃતિઓ ચાલુ રહી. આમા ખાસ નોંધવા જેવી વાત તો એ છે કે ‘ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન’ માં તેના માસિક “દર્પણ” નું ૧૯૯૭ થી ૨૦૦૨ સુધી સંપાદન કર્યું. એજ સમય દરમ્યાન સર્જક મિત્રો સાથે મળી “ગુજરાતી સાહિત્ય સરિતા”શરુ કર્યું. 

૨૦૦૨ માં ઈન્ટરનેટમાં ગુજરાતી બ્લોગ્સના પગરણ થયા. વિજયભાઈએ બ્લોગ્સના સંચાલકોનો સંપર્ક કરી, પોતાના લખાણો આ નવા માધ્યમમાં મૂકવાની શરૂઆત કરી. ૨૦૦૬ સુધી આ બ્લોગ્સ યુનિકોડમાં ન હતા, અને બ્લોગ્સમાં ગુજરાતીમાં લખવાનું આજના જેવું સરળ ન હતું. તે છતાં કેસુડા, અભિવ્યક્તિ, ઝાઝી વગેરે બ્લોગ્સ ઝડપથી લોકપ્રિય થવા લાગ્યા હતા. ૨૦૦૬ પછી વિશાલ મોણપરા અને અન્ય વ્યક્તિઓના પ્રયાસોથી સાદા કોમપ્યુટરમાં ગુજરાતી અક્ષરો લખવાનું સહેલું થઈ ગયું, અને બસ ગુજરાતી બ્લોગ જગતમાં તો જાણે ઊભરો આવ્યો. આ ઊભરાની શરૂઆતમાં જ વિજયભાઈએ પોતાના થોડા બ્લોગ્સ શરૂ કરી દીધા. ટેકનોલોજીમાં નિષ્ણાત મિત્રોએ એમને મદદ કરી, તો એમણે અન્ય લોકોને પોત પોતાના બ્લોગ્સ શરૂ કરવા માટે પ્રેરણા આપી અને સક્રીય મદદ કરી. એમની ખાસ નોંધવા જેવી સાહિત્ય પ્રવૃતિ છે “સહિયારૂં સર્જન”. એકથી વધારે લેખકો સાથે મળી એક નવલકથા લખે, અથવા સાહિત્યના અન્ય પ્રકારનું સર્જન કરે; એમના આ વિચારે ગુજરાતી બ્લોગ જગતમાં એક નવું સોપાન સર કર્યું છે. એમના પોતાના લખાણો ગણાવા બેસું તો ઘણાંબધા પાના ભરાઈ જાય.

ગુજરાતી બ્લોગ્સની સંખ્યા જે ઝડપથી વધવા લાગી એને લીધે ગુજરાતી વાંચકોને કયા બ્લોગમાં શું છે અને એને કેમ શોધવા એવી મુશ્કેલીઓ પડવા લાગી. વિજયભાઈએ થોડા મિત્રોની મદદથી એક એવો બ્લોગ બનાવ્યો કે જેમાં બ્લોગની લીંક, બ્લોગના સંચાલકનું નામ અને બ્લોગ વિશે માહિતીનો સમાવેશ કરી લેવામા આવ્યો. એમના પોતાના ખૂબ જાણીતા ત્રણ બ્લોગ્સના નામ છે વિજયનું ચિંતન જગત, ગુજરાતી સાહિત્ય સરિતાઅને સહિયારૂં સર્જન-ગદ્ય.

ભગવદ ગો મંડલ જેવું ઓનલાઇન મુકાયુ ત્યારે બ્લોગર મિત્રોને અજાણ્યા અને અઘરા શબ્દો શોધવાની હાકલ કરી અને અંગ્રેજી ભાષાનો પાયાનો પ્રકાર “સ્પેલ બી” ગુજરાતી શબ્દ સ્પર્ધાનાં નામે વિશાલ મોણપરા, કાંતિભાઇ કરસાલીયા અને હીના બહેન પરીખ જેવા બ્લોગ મિત્રો સાથે તૈયાર કર્યુ

આજે પણ વિજયભાઈ હ્યુસ્ટનમાં સાહિત્ય પ્રેમીઓ દ્વારા વર્ષોથી ગુજરાતી સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરતી સંસ્થા “ગુજરાતી સાહિત્ય સરિતા”ની નિયમિત ભરાતી બેઠકોમાં આગળ પડતો ભાગ લે છે. ભારતમાં અને અમેરિકામાં રહેતા ગુજરાતીઓને લખવા માટે પ્રેરિત કરે છે અને માર્ગદર્શન આપે છે. હું અમેરિકામાં સ્થાયી થવા જાન્યુઆરી ૨૦૧૨ માં આવ્યો ત્યારે મને આવકાર આપતા જે લોકોએ ઈ-મેઈલ મોકલ્યા એમાં વિજયભાઈ પણ સામિલ હતા. હું જ્યારે પણ લેખન પ્રવૃતિમાં ધીમો પડું ત્યારે વિજયભાઈ ધક્કો મારી પાછો મને કામે લગાડી દે છે.

વિજયભાઈના બધા લખાણોને આવરી લેવાનું તો મારૂં ગજું નથી તો પણ એમના ત્રણ પુસ્તકોનો ઉલ્લેખ કર્યા વગર હું ન રહી શકું.

“વસવાટવિદેશે” નામના પુસ્તકમાં વિજયભાઈએ, ભારતથી કાયમી વસવાટ માટે અમેરિકા આવતા લોકોને, અહીંની રહેણી કરણી, અહીં પડતી તકલીફો અને તેના નિરાકરણ અંગે સરસ માહિતી પૂરી પાડી છે. મારા મતે પહેલીવાર અભ્યાસ માટે અમેરિકા આવતા વિદ્યાર્થીઓ અને બાળકો સાથે કાયમી વસવાટ માટે આવતાં મા-બાપ બન્ને માટે આ પુસ્તક એક સરખું ઉપયોગી છે.

“મનકેળવોતોસુખ” પુસ્તકમાં એમણે હકારાત્મક જીવન જીવવાનો કક્કો શીખવ્યો છે.. એક જ વાક્યમાં કહેવું હોય તો Think positive. અનેક લોકોએ અલગ અલગ રીતે આ વાત કહી છે, નરસિંહ મહેતાએ કહ્યું, “સુખ દુખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં” તો નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે, “સંસારની આ ઘટમાળ એવી, દુખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.” અહીં વિજયભાઈનું કહેવું છે “સારૂં વિચારો, દુખનો અહેસાસ આપોઆપ ઓછો થઈ જશે.”

“નિવૃતિની પ્રવૃતિ” પુસ્તકમાં એમણે જીવનના આખરી પડાવ પર આવી પહોંચેલા માણસોને સમજાવ્યું છે ઘડપણ શ્રાપ નથી પણ અનેક સોનેરી તકોથી ભરેલો જીવનનો એક તબ્બકો છે. એને માણો, એનો સદુપયોગ કરો. પોતે આનંદ માણો અને અન્યોને પણ આનંદ આપો. ટુંકમાં તેઓ કહેવા માગે છે કે,નિવૃત્તિના સમયમાં પ્રવૃત્ત રહેવા આર્થિક સ્વાવલંબન જરૂરી છે. નિવૃત્તિ પછીની આર્થિક પરિસ્થિતિ તમારા પ્રવૃત્તિ સમય જેટલી જ સધ્ધર રહે તેવું આયોજન કરો. એટલે કે “When there is silver in your hair, there should be sufficient gold in your purse.” વધુમાં તેમનું કહેવું છે, “આપણા મનની ધરબી રાખેલી ઈચ્છાઓને નિવૃત્તિ સમયમાં સાકાર કરવાનો અવસર મળે છે. તંદુરસ્તીને પ્રાથમિકતા આપો, દુનિયાની ઘટનાઓથી માહિતિગાર રહો, જ્ઞાનવર્ધક, જીજ્ઞાસા સંતોષાય તેવી, આધ્યાત્મિક, ધાર્મિક ચેનલો માણો. શક્ય હોય તો પ્રવાસ યાત્રાઓમાં જોડાવ. વાંચનનો શોખ આવકારદાયક છે, તમને રસ પડે તેવા વિષયોનું નિયમિત વાંચન કરો. જૂના મિત્રોને મળો, સંબંધોમાં તાજગી લાગશે.”

આજે હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાનું સંચાલન બળ એટલે વિજય શાહ અને તેમના જેવા સર્જક મિત્રો છે.સાહિત્યપ્રેમી વ્યક્તિની કલાનું ઉજળું પાસુ જોનાર અને તેની કલાને બહાર લાવવાના કામમાં નિરંતર કાર્યરત વ્યક્તિ એટલે વિજય શાહ. નિસ્વાર્થ ભાવે ભાષા-સેવાનો ભેખ  લઇ બેઠેલ મિતભાષી વ્યક્તિ એટલે વિજય શાહ. માતૃભાષા પ્રત્યેની લગન,તેમના વ્યક્તિત્વનું મુખ્ય પાસુ. અનેક સર્જકોના ગુજરાતી બ્લોગ નેટ પર ખોલી આપવાવામાં તેમનો સક્રિય ફાળો છે. હું કહું છું કે કોઇવાર મોકો મળે તો વિજયભાઈના હ્રદય ઉપર સ્ટેથોસ્કોપ મૂકી જુઓ, એમના હ્રદયના ધબકારા પણ તમને ગુજરાતીમાં સંભળાસે.

માણસોને મળવા હંમેશા ઉત્સુક માણસ એટલે શ્રી વિજય શાહ.

-પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)