ગાદીપુરાણ – પ્રથમોધ્યાય


(ખાસ સૂચના : આ લેખમાળામાં ઉલ્લેખીત વૈદકીય બાબતોને ગંભીરતાથી કે સંદર્ભ તરીકે ન લેતા માત્ર હળવા હાસ્ય પ્રયોજનાર્થે જ લેવા વિનંતી. લખનાર શરીર વિજ્ઞાન કે વૈદકશાસ્ત્રોનો જરા પણ જાણકાર નથી.)

નમસ્કાર, મિત્રો.
અનિવાર્ય (દરકાર રાખી હોત તો કદાચ નિવારી શકાત) સંજોગોને કારણે આશરે ત્રણેક માસથી ભાગ્યે જ આપની નજરે થઈ શક્યો એ બદલ ક્ષમાપ્રાર્થના. જો કે અગાઉ હાદજનોને તો એ બ્રેકિંગન્યુઝ (તોડફોડ ખબર !) મળી જ ચૂક્યા હતા કે અમો ભફ થઈ ગયા ! અર્થાત્‌ ગાદીનશીન હતા તેને બદલે ગાદીભ્રષ્ટ થયા ! પણ હવે જરા કળ વળી છે તો આ આખું ગાદીપુરાણ આપની નજરે કરીશું. વેબગુર્જરીના શ્રી.જુગલકિશોરભાઈ અને દીપકભાઈએ જો કે આ ભાંગેલા જણને ધરાર ડાળીએ વળગાડ્યો અને “વર્ષાવૈભવ”ની રચનામાં જોડ્યો ! જલ્દી સાજા થવાનું એ એક કારણ પણ ખરૂં !! (ઈ બેય ઘયડાવ (?) ધોડે, ને હું જવાનમાટી થૈને ઓઈ..માં, ઓઈ..માં કરતો બેઠો રહું તે શરમો ના આવે !! ) તો લ્યો, વાંચો…

‘અથઃ શ્રી વાંચનયાત્રા બ્લૉગે ગાદીપુરાણે પ્રથમોધ્યાય’

મૂલતઃ ગાદીભ્રષ્ટ થવું એ આવનારા સમયનું સાંકેતિક દર્શન હોય છે. અમો ગાદીથી ખસ્યા એને માત્ર ઘટના ગણો તો અમારી ગાદી ખસી એને ભયંકર દુર્ઘટના કહી શકાય ! અને આ પુરાણનો મહિમા અહીંથી જ સમજાય છે. “ગાદી”, પછી એ પીઠની હોય કે ધર્મપીઠની, કરોડનાં મણકાની હોય કે ‘કરોડો’ની કોઈ સંસ્થા કે કંપનીની, કોઈ નેતાની હોય કે કોઈ નાના મોટા સંગઠનનાં હોદ્દાની, જ્યારે ખસે છે ત્યારે પારાવાર દુઃખ આપે છે ! અમારો અંગત અનુભવ તો એમ જ કહે છે કે, ગાદી યોગ્ય ઠેકાણે હોય કે આપણે યોગ્ય ઠેકાણે ગાદી પર હોઈએ, સુખ જ સુખ છે. એનું ખસવું (કે એના પરથી આપણું ખસવું) એ દુઃખનું કારણ છે (ભલે એકમાત્ર કારણ નહિ, પણ અનેકોમાંનું એક તો ખરું જ).

તો, અમો ગાદીએથી ખસ્યા એ અમારી ગાદી ખસવાની પ્રથમ અને દૃશ્ય દુઃખદ ઘટના હતી. કહો કે આ તો હજુ શરૂઆત હતી. ગાદી ખસવી એ સ્વયં તો દુઃખદ ઘટના ખરી જ, પરંતુ એની પાછળ વળી અનેક દુઃખોની વણજાર (‘વણજાર’ જ લખ્યું છે ! વાંચનારે ઘરના કાના-માતર ઉમેરવા નહિ !!) પણ આવે છે. જો કે ન્યાય ખાતર કહેવું પડે કે જેમ દરેક સિક્કાને બે બાજુ હોય છે તેમ જગતનું કોઈ દુઃખ માત્ર દુઃખ જ નથી હોતું, એની સાથે કેટલાંક અદૃશ્ય સુખ પણ હોય છે. હોવા પણ જોઈએ. આપણે આ ગાદીપુરાણનાં માધ્યમે એ દુઃખ અને સુખ પર શક્ય એટલું ચિંતા અને ચિંતન કરીશું. (એટલે કે ચિંતન હું કરીશ, ચિંતા આપ કરશો કે, આ માળો ગાદી ખસ્યા પછી પણ આટલો લવારો કરે છે તો ફરી ગાદીનશીન થઈને તો શું નું શું કરશે ?!)

ચક્કર આવવા, બી.પી. ઘટી જવું, બેઠાં બેઠાં અચાનક બેભાન થઈ ગબડી પડવું, પછી બી.પી.ની સારવાર, માંડ થોડું સરાડે ચઢ્યું ત્યાં જમણા હાથનું હડતાલ પર જવું, ગરદન, પીઠ, ખભો અને હાથમાં અસહ્ય દુખાવો, વળી દાક્તર, ક્ષ ને જ્ઞ ને એવા કંઈક કિરણોની મદદથી હાડકાંઓમાં ડોકિયું અને ચુકાદો, Cervical Radiculitis. Spondylosis પણ કહે છે. ભલે તકનીકી રીતે સાવ સાચું ન હોય પણ દેશી લોકો આ બધાં દરદને એક જ નામે ઓળખાવે, ગાદી ખસી ગઈ !! વાસ્તવમાં ગરદનનો ચોથો અને પાંચમો મણકો એકમેકનાં પ્રેમમાં પડ્યા હોવાનું જણાવાયું ! હવે એમનાથી વિયોગ સહન થતો નથી, વચ્ચે કોઈ અડચણ પસંદ નથી, એકમેકને ભેટવા આતુર બન્યા છે. અને પ્રેમની તાકાત તો આપ સૌ વિદ્વાનો જાણતા જ હશો ! (ન જાણતા હોય તો ચિંતા ન કરવી, સુખી હશો !!) બે પ્રેમીઓને તો જગતની ઊંચી ઊંચી દીવાલો પણ રોકી શકી નથી તો અહીં તો વચ્ચે છે મામૂલી, નરમ નરમ, “ગાદી”. એને ખસેડીને (કે દબાવીને !) બે પ્રેમીઓનું મિલન થતાં કેટલી વાર ? પણ જેમ પાડે પાડાની લડાઈમાં ઝાડનો ખો નીકળે એમ આ મણકાઓનાં પ્રેમમાં વચ્ચે રહેલાં જ્ઞાનતંતુઓનો ખો નીકળી ગયો ! બે પ્રેમીઓનું સુખદ મિલન બાકીના શરીર માટે દુઃખદ બની ગયું ! બે પ્રેમીઓનું સુખદ મિલન જેમ બાકીનાં સમગ્ર સમાજ માટે દુઃખદ બની રહે છે તેમ ! (આ ઘટનાને શરીરથી બહાર કાઢીને ઘર, કુટુંબ, ગલી, મહોલ્લો, શહેર, રાજ્ય, દેશ અને સમગ્ર જગત સુધી વિસ્તારો. પરિણામ તો એ જ રહેશે !)

કહે છે ને કે, ઇતિહાસ સદા પુનરાવર્તન પામતો રહે છે. બે પ્રેમીઓમાં મિલનની પ્રબળ ઉત્કંઠાનું જાગવું અને ગાદીનું ખસવું એ ઇતિહાસનાં પાનાઓમાં ભર્યું પડ્યું છે. પૃથ્વીરાજે સંયુક્તાને પામવા પાછળ ગાદી ગુમાવી. ઇંગ્લૅન્ડનાં કુંવરે પ્રેમિકાને પામવા ગાદી ત્યાગી, પ્રાચીનથી લઈ અર્વાચીન સમય સુધી આપને આવા હજારો ઉદાહરણ મળી રહેશે. આમ અમારી ગાદીનું ખસવું એ પણ ઘણી ઐતિહાસિક ઘટનાઓના પુનરાવર્તન સમાન ઘટના બની ગઈ ! કહેવાનું તાત્પર્ય એ છે કે, અમો પણ આવા ગૌરવશાળી ઇતિહાસના ભાગ (ભોગ ?) બન્યા ! અને એ દૃષ્ટિએ પ્રાચીનકાળથી જ મહિમાવંત એવા આ ગાદીપુરાણનાં હવે પછીના અધ્યાયોમાં ગાદી ખસવાના કારણો, દુઃખો, સુખો, ઉપાયો વગેરેનાં વર્ણન અને વિચાર પ્રસ્તુત કરાશે.

જે ભક્તજન આ ગાદીપુરાણનું ભક્તિભાવે પઠન-પાઠન-પ્રચાર કરશે તેની અને તેની સાત પેઢીની ગાદી યથાસ્થાને ટકી રહેશે. ગાદી હટેલી હશે તો યથાસ્થાને પુનઃસ્થાપિત થશે અને એ પુણ્યાત્મા ગાદી પર યથાસ્થાને ગોઠવાશે એવો આ ગાદીપુરાણનો મહિમા છે ! કહે છે કે, ભરતખંડ મધ્યે આજથી આશરે એકાદ સદી પહેલાંના કાળમાં એક ભક્તજને આ ગાદીપુરાણનું ભક્તિભાવે પઠન પાઠન કર્યું હતું, આજે એની પાંચમી પેઢી પણ ગાદીયોગ ભોગવતી હોવાનું જણાય છે. (આમ બગાસાં ન ખાવ ! શાસ્ત્રાજ્ઞા પ્રમાણે હજુ બે પેઢીનો લાભ તો બાકી છે !!)

‘ઇતિ શ્રી વાંચનયાત્રા બ્લૉગે ગાદીપુરાણે પ્રથમોધ્યાય’

15 responses to “ગાદીપુરાણ – પ્રથમોધ્યાય

  1. jya hu j jav chu ane avu chu, to gadi takavava karta, apne apna sanshkar jode bhavishy ane deshne tkavie to j apne tkishu jode apna yuvko ugo ugo sudhu jivshe, etli to faraj nibhavi joie

    Like

  2. ‘અમો’ આટલી સિરિયસ વાતને આટલી હળવાશથી લઈ શકે છે – જૂનાગઢના સાવજની ઉપમા બરાબર નીકળી.
    વધુ વાત હવે ફોન પર.

    Like

    • દાદા,
      મને એમ કે આપ રૂબરૂ જ પધારશો ! ખેર, હાલ તો ફોનથી પણ ચલાવી લઈશું. આપણાં સૌ સન્માનનીય હાદજનો મજામાં હશે. (અમો ઘેરહાજર હતા, બેવડી સજામાં હતા, એટલે એ સૌ તો મજામાં હોવાનાં જ !) મનેય અહાંગરો તો ભારે લાગે છે, પણ ગાદીભ્રષ્ટ માણસનો ’દરબાર’માં જતાં પગ (કિ-બોર્ડના સંદર્ભે હાથ !) કેમ ઉપડે ? હવે (હાસ્ય) દરબારે ડાયરામાં સામેલ કરશો તો ખરા ને ?
      ધન્યવાદ.

      Like

    • આ અમો તો હજુ ચિંતાતુર હતા કે હાદ મધ્યે અમ ગાદીભ્રષ્ટને હવે સ્થાન અપાશે કે કેમ ?! ત્યાં ધ્યાન ગયું કે, દિલદાર હાદજનોએ તો અમો માટે ત્યાં સિંહાસન ગોઠવી જ મેલ્યું છે ! આને કહેવાય દોસ્તી ! અંતરથી આભાર દાદા, આભાર હાદજનો.

      Like

  3. ગાદીપતિ જ્યારે ગાદીપતીત થાય ત્યારે ઘણુંબધું બની જતું હોય છે….રાજકારણની ને મઠોની ગાદી ગાડી વિનાની હોતી નથી. ગાદી સ્થિર ગણાય છે ને ગાડી સદા ચલિત ગણાય છે. ગાદી જ્યારે ચલિત થાય ત્યારે શું થાય તે અંગે અ.મો. ઘણું કહેવા શક્તિમાન છે, ને કહેવાના છે. પણ વચ્ચે એમણે કાનામાતર સંદર્ભે જે ઈશારો કરી દીધો તેમાં કેટલાય ઈશારાઓ ગાદીસંદર્ભે થઈ શકે છે પણ અ.મો.ની ગાદીનું પુરાણ –એમની શારીરિક વેદનાઓના શમન પછી હવે – આપણને નિર્ભેળ આનંદ આપનાર હોઈ તેમની ગાદીનો ચલિતાર્થ આપણે સૌ એમની (નેટજગતે હવે તો સાબિત/સિદ્ધ થઈ ચૂકેલી) વિશિષ્ટ શૈલી સાથે માણીએ…..એમની ગાદીનું ચલિત થવું તો કોઈ હિસાબે અભિનંદનીય ન હોય છતાં તેમનું આ ગાદીપુરાણ અત્યંત આનંદપ્રદ હોઈ અભિનંદનીય પણ છે જ……તમારું, ગાદીપાતીત્ય અ.મો; તમોને ત્વરિત રાહત આપનારું બની રહો અને લેખનક્ષેત્રનું તમારું ગાદીપતિત્વ અખંડ રહો !

    Like

    • શ્રી.જુગલકિશોરભાઈ,
      ’ગાદીપાતીત્ય’…વાહ !
      આ ’ગાદીપુરાણ’નો વિચાર જ આપની સાથે ફોન પર વાત વખતે આવેલો એ યાદ છે ને ? એ સમયે આપણે ખડખડાટ હસેલાં અને એ ખડખડાટ હાસ્યની કિંમતરૂપે બીજાં બે-ચાર મણકા પણ ખસેડવાની આપણી તૈયારી છે ! (જો કે એનો અર્થ એમ નથી કે કોઈ મિત્રએ ધોકો લઈ અમોને મદદરૂપ થવા તત્પરતા દર્શાવવી ! 🙂 ) હાલ વધુ નથી લખવું, અન્યથા પેપર ફૂટી જશે ! આભાર.

      Like

  4. પિંગબેક: ગાદીપુરાણ | હાસ્ય દરબાર

  5. ઓહો !!!! નાહકની આટલી બધી વીધી કરી.

    હવે નેટ ઉપર રામના વારસદારો, કૃષ્ણના વારસદારો, ગુરુ વેદ વ્યાસના વારસદારો, બધા માટે કાલસર્પ વીધી મફતમાં જોવા મળે છે.

    અંધશ્રદ્ધા નીર્મુલનનો કાયદો બને એ પહેલાં એ વીધી થઈ જવી જોઈએ.

    પાછળની સાત પેઢી સાથે અગાઉ સાત પેઢીમાં કોઈનું પણ અકાળે કે ભુખમરાથી કાળ થયો હોય એના માટે પણ આ સારો કાળ છે અને આ આગળ પાછળ સાથે મીત્રો શુભેચ્છકોની સાત સાત પેઢી ઉમેરવી.

    દુખની વણજાર હોય, વણજારો હોય કે વણજારા અને લોકગીતમાં… કરમે નીકળ્યા કથીર હોય.

    મફતની વીધી નેટ ઉપર. હવે તો રેશનીંગ કાર્ડની બધી વિગતો નેટ ઉપર જોવા મળશે. બે રુપીયે કીલો ઘંઉ અને ત્રણ રુપીયે કીલો ચોખાનો સાદો હીસાબ નેટ ઉપર.

    અન્ન પુરવઠા વીભાગની વેબ સાઈટ પર. બધા વણજારા જીઓ હજારો સાલ…બધા માટે

    Like

    • અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો ક્યારે અમલમાં આવશે એ પ્રશ્નનો ૧૫૦ % ગેરંટેડ, સચોટ, ઉત્તર જાણવા માટે કે આ કાયદો ઝડપથી અમલમાં આવે તે માટેની વિધિ કરાવવા માટે, મળો યા લખો :
      બાબા બેકારીયા, મૂઠ, ચોટ, તંત્ર, મંત્ર, કાલાજાદુ, પીલાજાદુ વગેરેમાં ગોલ્ડમેડાલિસ્ટ.
      (પરિણામ ન મળે તો ભોગ તમારા !)

      આભાર, વોરાસાહેબ.

      Like

  6. એ બહાને કોમેન્ટ લખવાનો મોકો મળ્યો….શરીર વીજ્ઞાન અને વૈદકશાસ્ત્રો.. વીધીઓનો..

    Like

  7. આમ લખતા રે’શો; તો મજામાં ને મજામાં દુઃખ હળવું થૈ જાહે.

    Like

  8. આદરણીય શ્રી અશોકભાઇ,

    ગાદી ખસવાના પ્રત્યક્ષ અનુભવે આપે તો ગાદી પુરાણાનો અનેરો મહિમા ગાયો છે

    હાલ ઘણાની ગાદી ખસી છે .ઘણા બીજાની ગાદી કેમ ખસે ને પોતાની બેસે એ માટે

    બેબાકળા થઇ ગાંડાની જેમ બબડવા ને ઘુમવા લાગ્યા છે.

    સચોટ વાતને હળવાશથી રજુ કરી. ધન્યવાદ

    Like

  9. પિંગબેક: ગાદીપુરાણ – દ્વિતીયોધ્યાય | વાંચનયાત્રા

Leave a comment