Tag Archives: સુખ

ચોકલેટી જન્મદિન

મિત્રો, નમસ્કાર.

ગઈકાલે, એટલે કે તા: ૯ મે, ૨૦૧૩નાં રોજ મારો જન્મદિન હતો. મુજ ગરીબને આદરણીય મિત્રો શ્રી.જુગલકિશોરભાઈ અને શ્રી.ગોવિંદભાઈ (જેસરવાકર)એ આગોતરો જ પ્રેમે નવડાવી મેલ્યો ! એમ લાગ્યું જાણે ગ્રીષ્મની બળબળતી બપોરે વર્ષાનું ઝાપટું વરસ્યું. આંખ અને હૈયું બંન્ને ભીના ભીના થઈ ગયા. બંન્ને મિત્રોનો હાર્દિક આભાર. આપે હજુ ન માણી હોય તો નીચેની કડીઓ પર ક્લિકી અને એ ભીની ભીની સુગંધ જરૂર માણશોજી.

* અશોક મોઢવાડીયાને જન્મદીવસે…. (NET-ગુર્જરી)

* અશોકે કર્યા છેંતાલીસ ગોલ …જન્મ દિન વધામણાં..કાવ્ય   (પરાર્થે સમર્પણ)

અને હા, પરમમિત્ર શ્રી ભુપેન્દ્રસિંહજીએ (કુરુક્ષેત્ર) પણ મિત્રદાવે અમોને ઘણાં પ્રેમથી વધાવ્યા. એમની રચના સાભાર પ્રગટ કરૂં છું.

અશોક તું

દીપકને અજવાળે બેઠો, જુગલને સથવારે બેઠો,

ચિરાગની વાટ સંકોરતો મુનશીની ગોઠડીએ બેઠો અશોક તું.

પ્રજ્ઞાજુના વડલે બેઠો વહાલપની છાયામાં બેઠો,

વેબગુર્જરીને ખોળેરમતો રમતો જહેમત કરતો અશોક તું.

વિચારયાત્રામાં હાસ્ય વેરતો ને લાસ્ય વેરતો બેઠો,

મિહિરભોજનો રણબંકો નરબંકો ને મહેર બંકો અશોક તું.

માતૃભાષાની સેવામાં કૈ કેટ કેટલે મૂક બની બેઠો,

માબોલીના ચરણ પખાળી ધવલજુગલબંધી કરતો અશોક તું.

મિત્રોના હૈયામાં બેઠો ડણકંતો જાણે હાવજ બેઠો,

અમને ગરવ છે નથી ધરવ કે મિત્ર અમારો અશોક તું.

તો વળી અન્ય સૌ સ્નેહીમિત્રોએ ઉપરોક્ત રચનાઓનાં માધ્યમે, વિજાણુ માધ્યમે અને રુબરુ પણ ઢગલાબંધ શુભકામનાઓ પાઠવી. સૌ મિત્રોનો હાર્દિક ધન્યવાદ.

સાથે સાથે એકાદ ‘મિત્ર’એ એવી પણ ઇચ્છા જાહેર કરી કે, આ @$%નો જન્મદિન દર મહિને આવવો (એટલે કે ઉજવાવો !) જોઈએ ! હું સમજી શકું છું એ મિત્રની શુભદાનત ! પણ…..જવા દો. આ જ તો ખરો મિત્રપ્રેમ છે !

સાંજે ઘરનાં સૌ મોટી બધી ચોકલેટો લાવ્યા. સૌએ સાથે મળી ખાધી. ચોકલેટની મજા એ હોય છે કે, એ ગમે ત્યારે ખાઈ શકાય છે. ગમે તે આકારમાં ઢાળી શકાય છે. એક જ સમયે મીઠો અને કડવો બંન્ને સ્વાદનો અનુભવ કરાવે છે ! અને લગભગ સૌને અને સૌથી વધુ ભાવે છે. હું મિત્રતાને ચોકલેટ સાથે સરખાવીશ. પાંચ પૈસાથી માંડીને પાંચસો કે પાંચ હજાર સુધીની ચોકલેટો મળતી હશે. ટૂંકમાં, શું ગરીબ કે શું અમીર, સૌને પોતાની સોંજ પ્રમાણે ચોકલેટ પામવાનો લહાવો પ્રાપ્ય બને છે. જો કે કોઈ કોઈ વિઘ્નસંતોષીજનોનું કહેવું છે કે ચોકલેટ ખાવાથી દાંત બગડે છે ! પણ અમોને એવી વાતોમાં ઝાઝો વિશ્વાસ નથી ! આવું કહેનારાં મહદાંશે એ લોકો હોય છે જેને ચોકલેટ ખાવા મળતી નથી ! (પોતાનાં લખણે જ સ્તો !!)

આપણે સૌ તો ચોકલેટીજનો છીએ. એકમેવને તાણ કરી કરીને, પ્રેમભર્યો આગ્રહ કરી કરીને, ચોકલેટો ખવડાવનારા. મિત્રતાની કદર કરનારા. મિત્રના સુખે સુખી અને દુઃખે દુઃખી થનારા. ક્યારેક ડારો તો ક્યારેક દિલાસો દેનારા. પણ સદા બ્લૉગજગતે હળીમળી રહેનારા. સૌને સદા જિંદગીમાં, પ્રચુરમાત્રામાં, વિધવિધ સ્વાદ, વિધવિધ આકારની, ચોકલેટ પ્રાપ્ત હો એવી અભ્યર્થના. ફરી એક વખત, આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવનાર સૌ આદરણીય મિત્રોનો હાર્દિક આભાર.