(૧૩) – વિનોદભાઈ પટેલ


વિનોદભાઇનો જન્મ બર્માના રંગુન શહેરમાં ૧૯૩૭માં થયો હતો. બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાને જ્યારે રંગુન ઉપર સખત બોમ્બમારો કર્યો ત્યારે એનાથી બચવા વિનોદભાઈનું કુટુંબ ૧૯૪૧માં કમાયેલી મિલકતો ત્યાં છોડીને પોતાના મૂળ વતન, મહેસાણા જીલ્લાના ડાંગરવા ગામમાં આવી ગયું હતું .ગામમાં કુટુંબનો વ્યવસાય ખેતીનો હતો . ડાંગરવામાં આવ્યાના થોડા મહિનાઓમાં જ વિનોદભાઈને સખ્ત તાવ આવ્યો અને ગામમાં ચાલતા પોલીયોના વાયરસમાં ઝડપાઈ ગયા .આ પોલીયોની અસરથી એમનો જમણો હાથ અને ડાબો પગ જીવનભર માટે નબળા પડી ગયા .

વિનોદભાઈનું છ ધોરણ સુધીનું શિક્ષણ ડાંગરવામાં જ થયું. ૧૯૫૦ માં ગુજરાતમાં જાણીતી કડીની સંસ્થા સર્વ વિદ્યાલયમાં સાતમા ધોરણમાં દાખલ થયા અને ત્યાંથી ૧૯૫૫ માં એસ.એસ.સી. પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. પોતાની શારીરિક ક્ષતિ ભણતરમાં બાધારૂપ ન થાય એટલા માટે વિનોદભાઈએ પોતાની જાતને મનાવી કે;

“ભગવાન જ્યારે એક દ્વાર બંધ કરે છે ત્યારે બીજું દ્વાર પણ ખોલી આપે છે.કુદરતે મારી શારિરિક ખોટની મને બૌધિક શક્તિની ભેટ આપીને પૂરી કરી છે, જેના બળે મારો જીવન રાહ હું સરળ બનાવી શક્યો છું .”

કડીની શાળાના અભ્યાસ દરમ્યાન વિનોદભાઈ સ્કુલના વિશાળ પરિસરમાં જ આવેલ પાટીદાર વિદ્યાર્થી આશ્રમ નામની બોર્ડિંગમાં રહેતા. ૪૦૦ છાત્રોવાળા આ ગાંધી મૂલ્યોને વરેલ આશ્રમમાં ગુરુઓ સાથે રહેવાથી એમનામાં બાહ્ય દુનિયાની ઘણી સમજદારી આવી ગઈ હતી .શાળાના આચાર્ય સ્વ. નાથાભાઈ દેસાઈ અને ગુજરાતીના શિક્ષક જાણીતા સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલ એમના માટે ખુબ

પ્રેરક બન્યા.એમણે વિનોદભાઈમાં સાહિત્યનો અને પુસ્તક વાંચનનો પ્રેમ જગાડ્યો. આશ્રમમાં ગૃહપતિ ગુરુઓ સાથે સ્ટેજ ઉપર બેસી સવાર-સાંજની પ્રાર્થના ગવડાવતી વખતે એમનો આત્મવિશ્વાસ વધતો કે શારીરિક અડચણ હોવા છતાં જીવનમાં હું પણ કંઈક કરી શકું એમ છું. ૧૯૫૫માં એસ.એસ.સીમાં પ્રથમ વર્ગમાં ઉતીર્ણ થયા બાદ વિનોદભાઈએ અમદાવાદની એચ.એલ.કોમર્સ કોલેજમાંથી ૧૯૫૯માં બી.કોમ. ની પરીક્ષા પાસ કરી. રંગુનની જાહોજલાલી જોયા પછી ગામમાં પિતાને ચાર દીકરા અને ત્રણ દીકરીઓના બહોળા કુટુંબનો ખેતી,દૂધ અને ગામમાં નાના વેપારની ટૂંકી આવકમાંથી નીભાવ કરવાનો હોવાથી પિતાને આર્થિક રીતે સંકળામણ રહેતી હતી.આ સંજોગોમાં કોલેજના અભ્યાસ માટે વિનોદભાઈને સંસ્થાઓ તરફથી સારા માર્ક ઉપર અપાતી સ્કોલરશીપ ઉપર આધાર રાખવો પડેલો, એટલે બી.કોમ.માં પાસ થયા બાદ તરત જ એમણે મહિલાઓની એક સેવાભાવી સંસ્થા વિકાસગૃહમાં હિસાબનીશ અને સેક્રેટરી તરીકે ૧૪૫ રૂપિયાના માસિક પગારની નોકરી સ્વીકારી હતી . પગારનો પહેલો ચેક મળતાં એમને અને પિતાને ખુબ આનંદની લાગણી થઇ હતી .

અહીં આઠેક મહિના જોબ કર્યાં પછી એમને એમના પિતા જ્યાં નોકરી કરતા હતા એની નજીકમાં કઠવાડા ,અમદાવાદમાં નવી સ્થપાતી કમ્પની સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ ઓફ ઈન્ડીયા લીમીટેડમાં એકાઉન્ટ ક્લાર્ક તરીકેની નોકરી મળી ગઈ . આ કમ્પનીમાં જોબ કરતાં કરતાં એમણે ૧૯૬૦માં બી.એ. , ૧૯૬૨માં એમ. કોમ. ,૧૯૬૯માં એલ.એલ.બી. સુધીની પરીક્ષાઓ પાસ કરી .સાથે સાથે કમ્પનીની મેનેજમેન્ટ દ્વારા એમની મહેનત અને વફાદારીની કદર થતી રહી અને એમના હોદ્દાઓમાં અને વેતનમાં વૃદ્ધિ થતી રહી . ૧૯૭૩ થી ૧૯૭૬, ત્રણ વર્ષ અમેરિકા સ્થિત એમના પિત્રાઈ ભાઈઓની વડોદરા નજીક નંદેસરી ખાતેની ફોર્મલડીહાઈડ કેમિકલ બનાવવાના નવા પ્રોજેક્ટ સીમાલીન કેમિકલ્સને શરૂ કરવા માટે સખત મહેનત કરી. ૧૯૭૬માં અમેરિકા રહેતા ત્રણ ભાઈઓએ એમને અમેરિકા ફરવા માટે બોલાવ્યા.આ ચાર મહિનાના અમેરિકાના રોકાણ દરમ્યાન કેલીફોર્નીયા નજીકના આઠ સ્ટેટમાં તેઓ ભાઈઓ સાથે જોવા જેવાં સ્થળોએ કેમ્પરમાં ખૂબ ફર્યા. ત્યાંના કુદરતી સૌંદર્યથી અને અમેરિકાના પ્રથમ અનુભવથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.

અમેરિકાથી પાછા ફર્યા બાદ જ્યાં પ્રથમ કામ કરતા હતા એ સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ લિમિટેડે દેશમાં ન બનતું કેમિકલ ઇથીલીન એમાઈન્સ વડોદરા ખાતેની ફેક્ટરીમાં બનાવવા માટે પ્રમોટ કરેલ નવી કમ્પની ડાયામાઈન્સ એન્ડ કેમિકલ્સની અમદાવાદ ઓફિસમાં કંપની સેક્રેટરી અને ફાઈનાન્સ મેનેજર તરીકે ૧૯૭૬થી ફરી જોડાઈ ગયા. આ ઓફિસમાં રહી નવા પ્રોજેકટના પબ્લિક ઇસ્યુથી માંડી પ્રોજેક્ટ શરુ થયો ત્યાં સુધીના ફાઈનાન્સ, માર્કેટિંગ અને અન્ય વહીવટી પ્રશ્નો અને એના ઉકેલનો બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો .અમદાવાદની કેમિકલ બનાવતી એક પ્રાઈવેટ લીમીટેડ કમ્પનીએ વિનોદભાઈના ધંધાકીય જ્ઞાન અને અનુભવોને લીધે એમના ડિરેક્ટરોના બોર્ડમાં એક ડિરેક્ટર તરીકે એમની ૧૫ વર્ષ સુધી નિમણુંક કરી હતી .

ઉપરની બે મોટી ગ્રુપ કંપનીઓમાં મેનેજમેન્ટ કેડરમાં અગત્યના હોદા સંભાળી, સળંગ ૩૪ વર્ષની સેવાઓ આપી ૧૯૯૪ માં વિનોદભાઈએ છેલ્લે કમ્પનીના સીનીયર એક્ઝીક્યુટીવના પદે રહીને નિવૃતિ લીધી .નિવૃતિ બાદ ભાઈઓના આગ્રહથી વિનોદભાઈ ગ્રીનકાર્ડ લઈ કેલીફોર્નીયામાં રહેતાં સંતાનો અને અન્ય પરીવાર જનો સાથે કાયમી વસવાટ માટે ૧૯૯૪માં માતા અને પિતાને લઈને અમદાવાદથી અમેરિકા આવી ગયા .

વિનોદભાઈનાં લગ્ન ૧૯૬૨ માં કુસુમબહેન સાથે થયાં હતાં . ત્રીસ વર્ષના સુખી લગ્ન જીવન બાદ ૧૯૯૨ માં ૫૪ વર્ષની વયે જ કુસુમબહેનનો દુખદ સ્વર્ગવાસ થયો. એમના બે પુત્રો અને એક પુત્રી હાલમાં કેલીફોર્નીયા, અમેરિકામાં જ છે. ૧૯૬૨માં વિનોદભાઈના લગ્ન બાદ કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધરી હતી .એમનાથી ત્રણ નાના ભાઈઓ એક પછી એક એમ અમેરિકા ભણવા ગયા અને ત્યાં જ સ્થાયી થયા. પહેલાં ભાડાના મકાનમાં રહેતા એના બદલે નારણપુરામાં મોટા બે માળના મકાનમાં માતા પિતા સાથે સહકુટુંબ રહેવાનું શક્ય બન્યું .અહીં આ મકાનમાં જ અમેરિકાથી આવીને એમના ત્રણે ય નાના ભાઈઓએ લગ્ન કર્યાં હતાં અને પરત અમેરિકા ગયા હતા .

ભૂતકાળમાં કુટુંબના ઉત્કર્ષ માટે જેઓએ ખુબ સંઘર્ષ અને ત્યાગ કર્યો અને જીવનભર વિનોદભાઈની સાથે રહ્યાં અને એમને અઢળક પ્રેમ આપ્યો એ વિનોદભાઈના જીવનનાં ત્રણ મુખ્ય પ્રિય પાત્રો — ૧૯૯૨માં જીવન સાથી કુસુમબેન ,૧૯૯૫માં માતા શાંતાબેન અને ૨૦૦૭માં પિતાશ્રી રેવાભાઈ એમને છોડીને વિદાય થયાં છે,એનું એમના મનમાં દુખ છે પરંતુ આ ત્રણ દિવ્યાત્માઓનું સ્મરણ એમને હંમેશાં પ્રેરણા આપતું રહે છે .

અમેરિકામાં રહીને ૨૦૦૬ થી ૨૦૧૧ સુધીમાં વિનોદભાઈ એ એમનામાં વર્ષોથી પડેલા સાહિત્યના રસને તાજો કર્યો અને સર્જનની પ્રવૃતિમાં લાગી ગયા. એમના લેખ, વાર્તા, કાવ્ય વગેરે અમદાવાદથી પ્રસિધ્ધ થતા માસિક “ધરતી” માં છપાતા. આ માસિકમાં એમની પહેલી વાર્તા “પાદચિન્હો” ૧૯૯૬માં છપાઈ હતી .એજ રીતે અમેરિકામાં ન્યુયોર્ક અને ન્યુજર્સીથી પ્રગટ થતા સાપ્તાહિક “ગુજરાત ટાઈમ્સ” માં એમનાં લખાણો નિયમિત રીતે પ્રગટ થતાં રહ્યાં .

વિનોદભાઈએ ૨૦૧૧માં કોમપ્યુટરમાં ગુજરાતીમાં કેમ લખાય એ શીખી લીધું અને “વિનોદ વિહાર” નામે બ્લોગ શરૂ કર્યો. બ્લોગની પ્રવૃત્તિ વિષે વિનોદભાઈ કહે છે:

“નિવૃતિમાં સારી રીતે સમય પસાર કરવાનું બ્લોગ ઉત્તમ સાધન છે . યોગ: કર્મશુ કૌશલમની જેમ બ્લોગીંગ એક મેડીટેશનની ગરજ સારે છે. બ્લોગીંગ માટે જરૂરી અવનવી ટેકનીકોનું જ્ઞાન આપવા તેમ જ સતત માર્ગ દર્શન આપી પ્રોત્સાહિત કરવા માટે મારા આત્મીય મિત્ર શ્રી સુરેશ જાનીનો હું આભારી છું .વિનોદ વિહારના માધ્યમથી કદી નજરે જોયા કે મળ્યા ન હોય પણ મળવા ગમે એવા ઘણા સહૃદયી નેટ મિત્રો સાથે આત્મીય સંબંધ બંધાય છે . મિત્રો સાથે બ્લોગના માધ્યમથી તેમ જ ઈ-મેલોથી સતત સંપર્ક અને વિચાર વિનિમયથી મન સતત આનંદમાં રહે છે .

બાળપણની શારીરીક ક્ષતિ અને ૭૮ વર્ષની ઉંમરે શરીર ભલે બરાબર સાથ નથી આપતું પણ મારું મગજ આ ઉંમરે પણ ખુબ તેજ દોડી રહ્યું છે . હજુ કામ આપતા એક જ હાથે ટાઈપ કરીને મારા બ્લોગની પોસ્ટ તૈયાર કરી તમારા જેવા અનેક મિત્રો /ચાહકોને શક્ય એટલું સંસ્કારી સાહિત્ય હજુ પીરસી શકું છું એથી મનમાં ખુબ આનંદ અને સંતોષની લાગણી થાય છે.આવી શક્તિ ચાલુ રાખવા માટે ભગવાનનો હું આભાર માનું છું .”

વિનોદભાઈની જીવનની ફીલોસોફી વિશે તેઓ કહે છે કે;

“જીવનમાં ગમે એટલા વિપરીત સંજોગો આવે પણ હિંમત ન હારવી,મન મજબુત રાખવું અને સંતોષી જીવન જીવવા પ્રયત્નશીલ રહેવું .જે પળ જીવતા હોઈએ એને ઉત્સાહ અને જોશથી જીવી લેવી. ગીતાનો આ સાર મનમાં હંમેશા યાદ રાખવો….जो हुआ वह अच्छा हुआ ,जो हो रहा है ,वह अच्छा हो रहा है ,जो होगा ,वह भी अच्छा होगा .

આંતરિક હિમ્મત, દિલી પુરુષાર્થ, સકારાત્મક અભિગમ, ભગવાન ઉપર શ્રધા અને એની કૃપા જ્યારે ભેગા થાય એટલે જીવન યાત્રાનો રસ્તો સરળ બની જાય છે. “

–પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)