Tag Archives: આત્મકથા

ક્યાં ખોવાયા છો ? (વિકિસ્રોત અને ગાંધીજી)

પ્રિય મિત્રો, નમસ્કાર.
થોડા દહાડાથી ખોવાઈ ગયેલ તે બદલ ક્ષમાપ્રાર્થી છું ! ખોવાઈ જવાનાં ગળે ઊતરે તેવા અને ન ઊતરે તેવા પણ અનેક કારણો ગણાવી શકું છું ! કિંતુ મુખ્ય મુખ્ય કારણો ગણાવું તો પરીક્ષાઓ (બાળકોની સ્તો !), લગ્નગાળો, તાજી તાજી શરૂ થયેલ ગરમી વગેરે વગેરે ગણાય. ન ગણાવી શકાય તેવા કારણો વિષે માત્ર ખુલાસો કરીશ કે સચિન જેવો સચિન પણ દરેક મેચમાં સદી ના કરી શકે તો આપણે પણ, ભલે ૨૦-૨૨ વર્ષના અનુભવી હોઈએ, દરેક વખતે મસ્તકની સીધમાં આવતો પ્રહાર ન ચૂકવી શકીએ (વેલણનો જ સ્તો !!) 🙂

પરંતુ માત્ર બહાનાબાજી ન કરવી હોય તો કહીશ કે એક નક્કર, અને વળી આપણે ગુજરાતી ભાષાનાં ચાહકો માટે ગૌરવપ્રદ એવું,  કારણ એ છે કે વિકિપીડિયાનાં ઘણાં મિત્રોની નિષ્ઠા અને ત્રણ ત્રણ વર્ષનાં અથાક પ્રયત્નને કારણે તા:૨૭-૩-૨૦૧૨નાં રોજ આપણું અલાયદું ગુજરાતી વિકિસ્રોત મળ્યું. (વિકિસ્રોત વિષયે માહિતી આપતો એક અગાઉનો લેખ વાંચનયાત્રા પર છે. વિકિસ્રોત (Wikisource) ગુજરાતી” ) હમણાં સુધી સૌ મિત્રોએ વિકિસોર્સનાં બહુભાષી પ્રોજેક્ટનાં એક ભાગરૂપ એવા ગુજરાતી સાહિત્ય સ્રોતનાં વિભાગ પર કામ કરવું પડતું હતું. જે પ્રોજેક્ટ અંતર્ગત, જેમાં બહુ સાહિત્ય ન ચઢાવાયું હોય કે ન ઉપલબ્ધ હોય તેવી, નાની નાની ભાષાઓ પોતાનું સાહિત્ય સહિયારું ચઢાવે છે. સમૃદ્ધ સાહિત્ય વારસો ધરાવતી ગુજરાતી ભાષાનાં પ્રતિનિધિઓ તરીકે આ વાત સૌ મિત્રોને ખૂંચે તે પણ સ્વાભાવિક છે. હવે ગુજરાતીમાં “વિકિસ્રોત” તરીકે અલાયદી ઓળખ મેળવવી હોય તો વિકિનાં જે નિર્ધારિત નિયમો, શરતો છે તેને પૂર્ણ કરવી પડે. વિકિસ્રોત પર કાર્ય કરતાં મિત્રોએ આંખોમાં તેલ આંજી, માથાની ચોટલી બાંધી, આ કાર્ય સુપેરે પાર પાડ્યું. સૌ મિત્રો ખરે જ અભિનંદનનાં અધિકારી છે. આ એ લોકો છે જે કશી બૂમરાણો કર્યા વગર, પોતાની નામના થાય તેવો કોઈ મોહ રાખ્યા વગર, બસ પોતાનાથી બનતું કાર્ય કર્યે જાય છે. તો હવે મિત્રોનાં વખાણ બહુ થયા ! પણ હજુ આપને હું ક્યાં ખોવાયો હતો એ જાણવા તો ન જ મળ્યું ને ?!!! (લાગે છે કે ૨૦૧૪માં અમારે માટે ઊજળી તક રહેલી છે ! ચલો દિલ્હી ! 🙂 )

મજાક મસ્તી બહુ થઈ, વધારે જાણકારી માટે મિત્ર ધવલભાઈનો આ લેખ વાંચવા ભારપૂર્વક ભલામણ કરું છું. જરૂરી બધી જ માહિતી ત્યાં મળી રહેશે.

તો, આપને પણ આ પરિયોજનામાં રસ પડે તો સાદર આમંત્રિત છો. ખાસ તો આમાં કોઈ આગ્રહ નથી, માત્ર ને માત્ર સ્વૈચ્છીક કાર્ય છે. એક પ્રકરણ, પાંચ પ્રકરણ કે પચાસ પ્રકરણ ! જે પ્રમાણે આપણે અનુકૂળતા હોય તે પ્રમાણે પોતાનું યોગદાન આપી શકાશે. (અને આપણે ગુજરાતીઓ માટે રસપ્રદ ગણાય તેવી વાત કહું તો; સાવ મફત ! 🙂 અર્થાત આપને ટાઈપિંગ પ્રૅક્ટિસ થશે અને ગાંધીજીની આત્મકથા વાંચવા, વિચારવા મળશે તે લાભનો કશો ચાર્જ લેવામાં નહીં આવે !) છે ને રસપ્રદ વાત ?!

તો ચાલો હવે આટલા દહાડામાં તો અમારા મિતાબહેને, બાપુએ, ગોવિંદભાઈ અને ગોવીંદભાઈએ, કિશોરભાઈ સાહેબે, આતાએ અને હાદ તો ખરું જ ! એમ સૌ મિત્રોએ કેટકેટલી સુંદર રચનાઓ પ્રસિદ્ધ કરી છે તે વાચવા (અને ડહાપણ ડહોળવા !!) પહોંચી જાઉં. આભાર.

તા.ક: હમણાંથી વર્ડપ્રેસનાં લગભગ બધા જ બ્લોગ પર મારા દ્વારા અપાયેલા પ્રતિભાવ “સ્પામ” માં જતા હોવાનું જણાય છે. ’મને એ જ સમજાતું નથી કે આમ શા ને થાય છે ?’ કોઈ સલાહ સૂચન ? અને હા, આગોતરો આભાર !