Tag Archives: લગ્ન

હમ સાત-સાત હૈ !

પ્રિય મિત્રો, નમસ્કાર.
હાથમાં ઉપાડેલો ધોકો એક તરફ રાખી દો ! મેં ભૂલથી ’સાથ-સાથ’ને બદલે ’સાત-સાત’ નથી લખ્યું ! બે-ચાર દહાડા પહેલાં સમાચાર હતા કે હવે વિશ્વની વસ્તી સાત અબજને આંબી ગઈ છે. ઓ….હો….! તો વસ્તીની વાત છે ! રોકો…રોકો…! વળી એક વખત આપની ધોકાબાજીને રોકો !! અરે ભાઈ અમે તો માત્ર બે ભાઈઓ જ છીએ ! આ તો વસુધૈવ કુટુંબક્‌મની ભાવનાથી પ્રેરાઈ અમે એલાન કર્યું કે હમ સાત-સાત (અબજ) હૈ ! (વે આ કુટુંબક્‌મ અટક ધરાવતા વસુધૈવભાઈની ભાવના સાથે અમારો જાહેર-ખાનગી શો સંબંધ હશે તેની ચિંતામાં દૂબળા થતા નહીં 🙂 )

તો હવે જરા ગંભીર બનો, (આઠ-આઠ થવા બાબતે નહીં, આ લેખ વાંચવા બાબતે !) સૌને, ભણ્યા-ગણ્યા છીએ તે પ્રમાણે, આ વસ્તીવધારાના ભયાનક પરિણામો બાબતે થાય તેવી ચિંતા અમને પણ થવા લાગી હતી. જો કે આ સાત અબજમાં મારો ફાળો (મારો કહેતાં અમ બેઉનો એમ ગણવું ! આવા કામ ગમે તેવા ભડભાદરથી પણ એકલે હાથે તો થાય નહીં 😉 ) માત્ર ૦.૦૦૦૦૦૦૦૨૮૫ % જ છે ! (ભેજાનું દહીં કરવું જ હોય તો સૌએ પોતપોતાનો જાહેર-ખાનગી ફાળો ગણી કાઢવો ! જો કે હવે બરડ થયેલાં હાડકાંઓની સલામતી માટે, જાહેરાત માત્ર જાહેર ફાળાની જ કરવી 🙂 ) પરંતુ આમ જ વસ્તીવધારો થતો રહ્યો તો આ ધરતી પર પગ મુકવાનીએ જગા નહીં બચે, અરે આટલાં લોકોને ખાવા માટે અન્નનો દાણોએ ભાગે નહીં આવે, આ ફાટફાટ થતી વસ્તીને શ્વાસમાં લેવા જેટલો પ્રાણવાયુ ક્યાંથી આવશે ? આમ ચિંતાઓની તડાપીટ વરસવા લાગી. કિંતુ, પરંતુ, યંતુ…ભલું થજો કેટલાંક વિદ્વાનોનું જેમણે ચિંતાની આવી ચાલુ ગાડીમાં ચઢી બેસવાને બદલે જરા હટકે વિચાર્યું, અને અમારા તપ્ત મનને શાતા પ્રદાન કરી ! હવે જે આંકડાઓ કે માહિતીઓ આપને સંભળાવીશ તે તાજેતરનાં ટાઈમ્સ ઑફ ઈન્ડીયામાં આવેલા મજાના ઈન્ફોગ્રાફિક્સને આધારે, સાભાર, લીધેલાં છે. (હઓ…આપણે ઘેરે TOI બી આવે છે, અંગ્રેજીમાં જ વળી !!) જો કે બહુ ગંભીરતાથી ના લેવું છતાં આંકડાશાસ્ત્રની રીતે તારણો એકદમ સાચા જ છે. તો આપે TOI ના વાંચ્યું હોય તો બે ઘડી આ હટકે તારણોની મજા પણ લૂંટો (અન્યથા લેખને થોડો ફાસ્ટ ફૉર્વર્ડ કરી નાંખો !)

* એક માણસને હેલ્લો કરતાં (કે રામરામ, નમસ્કાર, સલામ, કેમ છો વ.વ.) સરેરાસ એક સેકંડ લાગે તેમ ગણો તો જગતના તમામ લોકોનું અભિવાદન કરતાં લગભગ ૨૨૨ વર્ષ લાગશે ! એ પણ વચ્ચે જરીએ અટક્યા વગર ! (માંડી વાળો 🙂 એ કરતાં તો આપણી રીતે ’એ…ડાયરાને રામરામ’ કરી દેવું વધુ સહેલું પડશે !)

* બીજી પણ એક ઝડપી રીત છે, ધારો કે સઘળા લોકોના ઈ-મેઇલ એડ્ડ્રેસ છે અને આપ સઘળા લોકોને મેઇલ દ્વારા ’હેલ્લો’નો સંદેશ મોકલવા માંગો છો તો ભારતમાં સામાન્ય રીતે ૧ GBનો ૫૦ રૂ. ચાર્જ ગણતાં અને ૧ GB લગભગ આવા એક લાખ મેઇલને ન્યાય આપી શકે છે તે ધ્યાને રાખતાં આપને રૂ. ૪૩,૦૦૦નો ખર્ચ થશે !

* હવે આ સાત અબજને શ્વાસમાં ભરવા જોઈતાં પ્રાણવાયુની વાત જોઈએ તો, સામાન્ય રીતે એક મીનીટમાં સરેરાસ માણસને ૮ લીટર વાયુ શ્વાસ ભરવા જોઈએ. અર્થાત્ એક દિવસનો ૧૧,૫૨૦ લીટર. તો જગતના તમામ મનુષ્યને માટે રોજનો ઓછામાં ઓછો ૮૦.૬ ટ્રિલિયન (૮૦૬,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ – આઠ હજાર સાંઈઠ અબજ – ૮૦૬ ખર્વ – ૮.૦૬ નીલ કે નિખર્વ ) લીટર પ્રાણવાયુ જોઈશે. એક હેક્ટરનું સામાન્ય જંગલ લગભગ ૧૯ લોકોને પૂરતો પડે તેટલા પ્રાણવાયુનું સર્જન કરી શકે છે. આ ગણતરીએ વિશ્વના તમામ લોકોને પ્રાણવાયુ પૂરો પાડવા માટે ૩૬,૮૪,૨૧,૦૫૨ હેક્ટર જંગલ જોઈએ. આ વિસ્તાર લગભગ આપણાં રાજસ્થાન રાજ્ય જેટલો થયો !

* એક સાથે એકનો હાથ પકડી અને (સાથી હાથ બઢાના !) જગતના તમામ લોકો માનવશૃંખલા રચે તો તે લગભગ ૭૦ લાખ કિમી. લાંબી બને ! અર્થાત્, વિષુવવૃતને ૧૭૫ આંટા મારી જાય કે પછી પૃથ્વી અને ચંદ્ર વચ્ચે નવ વખત ગોઠવી શકાય કે પછી મંગળ ગ્રહ જ્યારે પૃથ્વીની સૌથી નજીકનાં બિંદુએ હોય ત્યારે તેનાં અંતરનાં પાંચમાં ભાગના અંતર સુધી પહોંચે ! (છેક મંગળ સુધી ’સાથી હાથ બઢાના’ કરવા માટે હજુ પાંચ ગણી મહેનતની આવશ્યક્તા છે !!)

* થોડું રહેવાસ બાબતે પણ જોઈએ. ધારો કે હાલ મનિલા શહેરની વસ્તીની ગીચતાને ધોરણે સહુ એક મોટું નગર સ્થાપી અને રહેવા લાગે તો ભારતનાં ઓરિસ્સા રાજ્ય જેટલા પ્રદેશમાં સૌનો સમાવેશ થઈ જાય. કદાચ મુંબઈ જેટલી ગીચતાવાળું નગર બનાવો તો રાજસ્થાન જેટલો પ્રદેશ જોઈએ. અને પેરિસ જેવું નગર રચો તો આપણાં મહારાષ્ટ્ર રાજ્ય જેટલી જગ્યા રોકશે. અને બહુ જાહોજલાલી અને મોકળાશ ધરાવતા ઝ્યુરિચ શહેર જેવું શહેર બનાવો તો લગભગ અડધા ભારત જેટલા પ્રદેશમાં સમાવેશ થઈ જશે ! (અર્થાત્ જગ્યાની કોનું કમી નહીં !!)

* વાત ખાવાપીવા માટેની પણ જોઈ લઈએ. સામાન્ય સમઝમાં એવું રહે કે વધતી વસ્તીને કારણે ખોરાકની અછત પણ વધતી રહેશે પરંતુ આંકડાઓ એ વાત ખોટી ઠરાવે છે ! અંદાજે ૫૦ વર્ષ પહેલાં જગતની વસ્તી ૩.૨ અબજ હતી ત્યારે ઉત્પાદિત ખાદ્યસામગ્રી ૮૪.૭ કરોડ ટન હતી અર્થાત્, માથાદીઠ વાર્ષિક ૨૬૯ કિ.ગ્રા. ખાદ્યસામગ્રી ભાગમાં આવતી. આજે ૭ અબજની વસ્તીએ ખાદ્યસામગ્રીનો વાર્ષિક જથ્થો ૨.૨૪૧ અબજ ટન છે જે જોતાં માથાદીઠ વાર્ષિક ૩૨૦ કિ.ગ્રા. ભાગમાં આવે છે. અર્થાત્  વસ્તી અડધી હતી ત્યારે ભાગમાં આવતી ખાદ્યસામગ્રી કરતાંએ અત્યારે વધુ ખાદ્યસામગ્રી ભાગમાં આવે છે ! (માથાદીઠ વર્ષે ૩૨૦ કિલો ખોરાક સામાન્ય રીતે પૂરતો ના ગણાય ? જો કે યુવાઓની ખપત વધુ હોય તો બાળકો,વૃદ્ધો પ્રમાણમાં ઓછી ખપત કરતા હોય. માટે ખાઓ-પીઓ એશ કરો !!)

* હવે વસ્તીવધારાની પ્રગતિનાં થોડા આંકડાઓનું અધ્યયન કરીએ. ઈ.સ. ૧૮૦૫માં જગતની વસ્તી એક અબજના આંકડે પહોંચી. ૨૦મી સદીની શરૂઆતે ૧.૬૫ અબજ અને ઈ.સ. ૧૯૨૭માં ૨ અબજે પહોંચી. આમ પ્રથમ એક અબજને બેવડાતાં લગભગ એક સદી લાગી (ભારે ધીરા !!). ત્યાર પછીનો એક અબજ ઉમેરાયો ઈ.સ. ૧૯૫૯માં અને ૩ અબજની વસ્તી થઈ. એટલે કે લગભગ ૩૨ વર્ષમાં એક અબજની વસ્તી વધી. ઈ.સ. ૧૯૭૪માં ૪ અબજ જે માત્ર ૧૪ વર્ષમાં એક અબજનો વધારો અને ૪૦ વર્ષમાં બમણી વસ્તી સૂચવે છે. ઈ.સ. ૧૯૮૭માં પાંચ અબજ, જે ૧૩ વર્ષમાં એક અબજનો વધારો દર્શાવે છે. (ઝડપ પકડી ખરી 🙂 ) હવે આવે છે ઈ.સ. ૧૯૯૯, વસ્તી ૬ અબજ, જે ૧૨ વર્ષમાં એક અબજનો ઉમેરો અને ફરી ૪૦ વર્ષમાં વસ્તી બમણી. અને આજે ૨૦૧૧ના અંત ભાગે ૭ અબજ, જે ૧૦ વર્ષમાં એક અબજનો ઉમેરો બતાવે છે ! (પ્રથમના એક અબજના ઉમેરા કરતાં દશ ગણી ઝડપ થઈ ! માટે જ તો આ યુગ ’જેટયુગ’ કહેવાયો 🙂 )

* હજુ નથી થાક્યા ? અરે ભાઈ હું લેખ વાંચવાની વાત કરું છું 😉 તો લો એકાદ બે સરખામણી હજુ પણ જુઓ. ધારોકે કોઈ વેસ્ટર્ન ટાઈપનાં ભવ્ય સંગીત સમારોહમાં વિશ્વભરના લોકોને આમંત્રણ આપીએ તો, કેલિફોર્નિયાનાં પ્રો.હર્બર્ટ જેકૉબ્સની પ્રાથમિક ભીડ ગણતરી પ્રમાણે, ભારે ભીડ વાળા કાર્યક્રમમાં પ્રતિ માણસ ૪.૫ ફીટ જગ્યા જરૂરી ગણતાં તેમને સમાવવા દિલ્હી કરતાં બમણો વિસ્તાર ધરાવતું સ્ટેડિયમ જોઈએ. આ બધા લોકોનું પરિવહન કરવા માટે બોઈંગનાં નવા ૭૮૭ ડ્રીમલાઈનર હવાઈજહાજે ૨.૮ કરોડ ખેપ મારવી પડે અથવા ૨.૮ કરોડ હવાઈજહાજની જરૂર પડે ! (હવાઈજહાજોની કંપનીનાં શેર લીધા જેવા હોં !! એક ગુજરાતી વિચાર !)

* અને અંતે આપણા મુકેશભાઈ (અંબાણી જ સ્તો !) પોતાની સઘળી સંપતિને લોકકલ્યાણનાં કામમાં લગાડવાનું વિચારે (વિચારવામાં કશો વાંધો નહીં !!) તો અહલુવાલિયાજીની (હવે ડાયરો આ ભાઈને ના ઓળખતો હોય તો જનરલ નૉલેજનાં વર્ગો ભરવા માંડવા !) ઓછામાં ઓછી જરૂરિયાતની વ્યાખ્યાને ધ્યાને રાખતાં વિશ્વનાં તમામ લોકોને પુરા પાંચ દહાડા નભાવી શકે ! જેમાં બે વખતનું ભરપેટ જમવાનું અને કદાચ થોડો ચા-નાસ્તો પણ આવી જાય ! તે ઉપરાંત ભારત સરકાર પોતાનું ચાલુ વર્ષનું સંરક્ષણ બજેટ આ લોકોને દક્ષિણારૂપે વહેંચે તો દરેકને રૂ. ૨૩૫ રોકડાની દક્ષિણા પણ પ્રાપ્ત થાય ! (એટલે તો ક્રોપૉટ્‌કિનના હવાલાથી અમે અહીં બરાડવાનું ચાલુ કર્યું છે કે ભાઈ હળીમળીને રહો, ફાયદામાં રહેશો 🙂 )

તો આ વાત થઈ થોડા આંકડાઓની, આમે અમુક શાસ્ત્રો એવા હોય છે જે આપણને ગમે તેમ કાન પકડાવી શકે આથી બહુ ભરોસે ના રહેવું. ભગવાનને ભરોસે રહેનારા અંધશ્રદ્ધાળુ ગણાય છે અને આંકડાઓની માયાજાળમાં અટવાનારા વિજ્ઞાનપ્રેમી ગણાય છે !! પણ સમજદાર માણસ બન્ને ઠેકાણે પ્રશ્નો કરી શકે છે. પેલાં માલ્થસને તો આપ ઓળખતા જ હશો, ૧૮મી સદીમાં થયેલો મહાન અર્થશાસ્ત્રી હતો જેમણે વસ્તીવધારા વિષયક બહુ પ્રસિદ્ધ સિદ્ધાંત તારવેલો જે ’લોકવસ્તીનો સિદ્ધાંત’ નામે ઓળખાયો. સિદ્ધાંત એમ હતો કે; ગુજરાનનાં સાધનો જેટલા પ્રમાણમાં વધે છે તેના કરતાં વસ્તી વધારે વેગથી વધે છે. ખોરાક સરવાળાની રીતે એટલે કે, ૨-૩-૪-૫ એમ વધે છે જ્યારે વસ્તી ગુણાકારની રીતે એટલે કે, ૨-૪-૮-૧૬ એમ વધે છે. (An Essay on the Principle of Population, CHAPTER 2) પરિણામે ગુજરાનનાં સાધનો માટે માણસ-માણસ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલે છે અને લગ્નો પર અંકુશ મૂકીને કે અન્ય ઉપાયે વસ્તીને વધતી અટકાવવામાં નહીં આવે તો માનવજાતિનો નાશ થશે. જો કે આજે આપણે સાત અબજે પહોંચ્યા અને માલ્થસનો ભય સાચો ઠર્યો નથી ! (આગળ આપણે ખોરાક અને વસ્તીવધારાનાં આંકડાઓ જોયા જે હજુ સુધી તો માલ્થસને ખોટો ઠરાવે છે). ડાર્વિન પણ ૧૮૩૮માં આ સિદ્ધાંત વાંચ્યા પછી જીવનકલહના પોતાના સિદ્ધાંત બાબતે વિશેષ સંશોધન કરવા પ્રેરાયો હતો. ક્રોપોટ્‌કિન અને ટોલ્સ્ટૉય બંન્નેએ માલ્થસના આ સિદ્ધાંત પ્રત્યે શંકા ઉત્પન્ન કરેલી. (’what to do’ માં ટોલ્સ્ટૉયે ટીપ્પણી કરેલી છે !)  જો કે આ વાત અહીં કરવાનો મારો આશય એ નથી કે વસ્તીવધારો ચિંતાજનક ના ગણાય, ગણાય ! પણ જગતના બુદ્ધિશાળી લોકો સઘળી સમસ્યાઓની જડ આ વસ્તીવધારાને ગણાવે રાખે છે (અને ખરા જવાબદારો હાથ ખંખેરી નિરાંતવા બેસી પડે છે) તે શંકાસ્પદ છે. આપણે આગળ જોયું તે આધારે કહી શકાય કે સમસ્યા માત્ર વસ્તી વધારાને કારણે જ નથી પરંતુ સંસાધનોની અન્યાયી વહેંચણીને કારણે પણ છે. આ વિષય ઘણી ગંભીરતાથી ચર્ચવા વિચારવા યોગ્ય હોય આગળ ’સહાયવૃતિ’ શ્રેણીમાં આપણે જોઈશું જ. અત્યારે તો તેને અહીં જ વિરામ આપી આગળ વધીએ.

તો હવે આપણે માલ્થસ કેમ સાચો ના પડ્યો તેના એકાદ કારણની ટૂંકમાં ચર્ચા પણ લઈએ. કુદરતે દરેક પ્રાણીને ટકી રહેવામાં મદદરૂપ એવું શસ્ત્ર પણ ફાળવ્યું છે, માનવપ્રાણીને કોઈ દેખીતું શસ્ત્રતો નથી ફાળવ્યું (જેમ કે નહોર, શિંગડાં, ઝેર, ઝડપ વગેરે વગેરે) પરંતુ એ બધાને આંટી જાય તેવું મગજ ખોપરીના પોલાણમાં ફાળવ્યું છે ! આ મગજના યોગ્ય ઉપયોગ દ્વારા માનવ પેટ ભરવાના જરૂરી સ્રોત પ્રાપ્ત કરતાં કે વધારતાં શીખ્યો. બટાટાથી લઈ બાજરા સુધીની કેટલીયે ખાદ્યસામગ્રી તેણે મગજના ઉપયોગ દ્વારા પોતાના ખોરાકમાં ઉમેરી. હરિતક્રાંતિ, શ્વેતક્રાંતિ જેવી કંઈ કેટલીયે ક્રાંતિ તેમને પેટ ભરવાને મદદરૂપ બની. એક એક માછલું પકડવાથી લઈ જાળ બનાવી જથ્થાબંધ માછલાં પકડતાં તે શીખ્યો. આ સઘળો પ્રતાપ પણ તેમના મગજ દ્વારા પમાયેલા વિજ્ઞાનનો જ. હજુ પણ કંઈ છેડો નથી આવ્યો, આગળ આપણે કેટલાયે, હાલમાં અજાણ એવા, ખોરાકનાં સ્રોત શોધી કાઢીશું. પ્રથમ એક કે બે મજલાના મકાનમાં રહેતો માનવ આજે એટલી જ જગ્યામાં સ્કાયસ્ક્રેપરો ચણીને પચાસ ગણો કે સો ગણો વધુ સમાવેશ કરી શકે છે. અને હજુ તો આ વિશાળ પૃથ્વીનો પટ પણ પુરો ખેડાયો નથી, જરૂર પડશે તો ચંદ્ર અને મંગળ પર વસાહતો સ્થાપવા સુધીનો વિકાસ તો માનવમગજે સાધી લીધો છે ! ટૂંકમાં, એકાદો જબ્બર લઘુગ્રહ પૃથ્વી સાથે ન અથડાય ત્યાં સુધી ચિંતામાં દૂબળા થવાની જરૂર નથી !  

તો ચાલો થોડા હળવા બનો અને આપણે હવે સાત અબજ છીએ એ વાત યાદ કરી જરા હિંમતમાં આવો ! (કહ્યું છે ને કે ’એક સે ભલે દો’ તો આ તો સાત અબજ છે !) વિદ્વાનો કહે છે કે માણસાઈ એ માણસનો સામાન્ય ગુણ છે, તો માણસ વધે તેમ માણસાઈ પણ વધશે જ ને ? હવે માણસાઈ વધારવી એ તો આપણાં હાથની વાત છે, માણસાઈ હશે તો સાત શું સીતેર અબજ લોકોનો સમાવેશ પણ આ પૃથ્વીના પટ પર થઈ જશે ! બાકી તો બારસો ચો.ફીટનાં બંગલામાં બે જણ પણ નથી સમાતા !! જો કે જેમને સદા ચિંતાતુર જ રહેવું છે તે હવે વસ્તીવધારાનાં કારણો ??? શોધવામાં લાગી જશે. મને પેલી વાત યાદ આવી; કોઈકે પૂછ્યું કે છૂટાછેડાનું કારણ શું ? જવાબ મળ્યો: લગ્ન !!! આપણે પણ ક્યાંક સાંભળેલો એક જોક્સ વાંચીએ, બને કે વાંકદેખુઓને વસ્તીવધારાનું એકાદ કારણ તેમાંથી મળી આવે 🙂

સાંજના સમે ગાર્ડનમાં ૮૦-૮૫ વર્ષને આંબેલી આયુવાળું વૃદ્ધ કપલ બેઠું હતું. દાદાજીને આંખે સાવ ધબડકો હશે તે દાદીજી ચશ્મા ચઢાવી અખબાર વાંચી સંભળાવતા હતા. અચાનક તેમની નજર એક ’બ્રેકિંગ ન્યૂઝ’ પર પડી, કહે: ’ આલે લે ! આ અમેરિકામાં ૯૦ વર્ષના વૃદ્ધ દંપતીને ત્યાં બાબલાનો જન્મ થયો !’ દાદાજી પોતાની વોકિંગ સ્ટિક ફંફોળતા ઊભા થયા અને કહે: ’લે હેંડ ત્યારે, આપણે પણ ઘર ભેળા થાયે !!!’