(૦૨) – આતા


૯૩ વર્ષની વયના મારા મિત્ર શ્રી હિમતલાલ જોષીને વધારે લોકો તેમના હુલામણા નામ “આતા” કે “આતાઈ” થી ઓળખે છે. મારા પ્રત્યેક ઈ-મેઈલનો તરત જ જવાબ લખનારા આ આતા સદા આનંદિત રહે છે. તેઓ પોતાનો “આતાવાણી” નામે બ્લોગ ચલાવે છે, અને બીજા અનેક બ્લોગ્સની મુલાકાત પણ લેતા રહે છે. વેબ ગુર્જરી દ્વારા સન્માનિત આતાની વાત એમના શબ્દોમાં જ વાંચો.

“મારો જન્મ ૫ મી એપ્રિલ ૧૯૨૧ ના દિવસે દેશીંગામાં થયો હતો. દેશીંગા જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. મારા પિતા જેઠા બાપા દેશીંગામાં માસિક રૂપિયા ૧૨/- ના મબલખ પગારથી પોલીસ પટેલ તરીકે નોકરી કરતા. હું દેશીન્ગાની નિશાળમાં ગુજરાતી પાંચ ધોરણ સુધી ભણ્યો; કેમકે વધારે ધોરણ હતાં નહીં. પછી દેશીંગાથી અર્ધો ગાઉ દુર મરમઠ ગામમાં અંગ્રેજી વિના સાત ધોરણ પાસ કર્યા. મારી ભણવાની બહુ હોંશ હોવા છતાં, મારા બાપાની ગરીબીએ મને આગળ ભણતો અટકાવ્યો. પછી મને બીલખામાં શ્રી નથુરામ શર્માનાં આશ્રમમાં સંસ્કૃત ભણવા મુક્યો. આશ્રમ માં ભણતો હતો ત્યારે મને પંજાબના ઉદાસી સંપ્રદાયના સાધુનો ભેટો થયો. આ સાધુ પાસેથી હું ઉર્દુ લખતા, વાંચતા શીખ્યો. અહી મેં આશ્રમના એક ક્લાર્કને લાકડીથી માર્યો હતો, અને આ કારણે મને આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યો.

આશ્રમમાંથી કાઢી મુક્યા પછી હું ઘરે આવ્યો, અને પછી મેં ખાંડ, કેરોસીન વગેરે વસ્તુ કાળાબજારમાં વેચવાનો ધંધો શરૂ કર્યો, પણ એમાં જોખમ હોવાથી મારી માએ આવો ધંધો ન કરવાનું કહ્યું.

આ વખતે બીજું વિશ્વ યુદ્ધ જોરશોરથી ચાલી રહ્યું હતું. હું આર્મીમાં ભરતી થઇ ગયો. ૧૯૪૨ થી ૧૯૪૭ સુધી આર્મીમાં કામ કર્યું. બીજું વિશ્વયુધ્ધ પૂરૂં થઈ જવાથી મને સેનામાંથી છુટો કર્યો. ત્યાર બાદ, હું અમદાવાદ પોલીસ ફોર્સમાં જોડાયો. ૧૯૪૭ થી ૧૯૭૪ સુધી પોલીસ ખાતામાં કામ કર્યું. અમદાવાદમાં હું એક એવો પોલીસ હતો કે D.S.P. સુધીના માણસો મને અંગત રીતે ઓળખે. એનું કારણ એ કે, હું કાળા નાગને કોઈ પણ જાતના સાધન વગર મારા ખુલ્લા હાથથી પકડી લેતો. હું મારા આવા સરપ પકડવાના ધંધાને લીધે છાપે ચડ્યો હતો . અમદાવાદનો સુભાષ બ્રીજ બની રહ્યો હતો ત્યારે એના ચીફ એન્જીનીઅર બી. કુમાર હતા. તે એક વખત સિનેમા જોઈ ઘરે આવ્યા અને પથારી પાસે ગયા ત્યારે, ત્યાં ગુંચળું વાળીને બેઠેલા નાગદેવતાએ ફૂફાડો મારીને એમને ડરાવ્યા. એટલે એ તો હડી કાઢીને બંગલાની બહાર નીકળી ગયા. આ વખતે લોકોનું ટોળું પણ ભેગું થઇ ગયેલું. પણ મજાલ છે કે, કોઈ બંગલા નજીક જાય! પણ એક ભડનો દીકરો ભૈયો હતો તે દરવાજા પાસે હાથમાં લાકડી અને ટુવાલનો ડૂચો લઈને બેઠો હતો. મને બોલાવવામાં આવ્યો. હું ગયો એટલે ભૈયાએ મને ચેતવ્યો કે,

“साब! आप साथ कुछ नहीं लाए। यह साप बड़ा खतरनाक है।”

મે તો મારા હાથમાં લાકડી હતી; એ પણ દુર મૂકી દીધી; અને પથારી પાસે ગયો. એટલે મને ડરાવવા નાગ દેવતાએ ફેણ માંડી, અને ફૂફાડો માર્યો. હું સૌને સંભળાવવા બોલ્યો –

” નાગબાપા! આ તમે જુઓ છો એ માંયલો માણસ હું નથી.”

એમ બોલી ફેણ માથે હાથ મૂકી નીચે કરી દીધી. પછી એના ગુંચળા નીચે મારા બે હાથની હથેળીઓ ઘાલી નાગદેવતાને ઊંચા કરી મારા નાક સામે ફેણ મંડાવી; અને પછી ચાદરમાં મૂકી દીધા.

કોઈક બોલ્યું કે આને કૈંક ઇનામ આપવું જોઈએ. બી.કુમારે મને વીસ રૂપિયા આપવાનું કર્યું. મેં તેમને કહ્યું કે મારાથી સીધું ઇનામ ન લેવાય. તમે મને મારા ખાતા મારફત આપો.

પછી તો છાપાંવાળાઓને ઈન્સ્પેક્ટરે બોલાવ્યા. મારો ઈન્ટરવ્યુ લેવડાવ્યો; અને હું તો છાપે ચઢી ગયો. મુંબઈના ‘જન્મભૂમિ’ છાપામાં આ મારા સર્પ પકડવાની વિગત પણ છપાણી. મારો જીવતા સાપ પકડવાનો આ શોખ, એક વાર નાગના કરડવા છતાં, આજસુધી કાયમ છે.

પોલીસ ફોર્સમાંથી વહેલો નિવૃત થઈ અને મારા નાનાભાઈના તેડાવવાથી ૧૯૭૪ માં અમેરિકા આવ્યો. છ દિવસ આરામ કર્યાં પછી નોકરીની શરૂઆત કરી. ૧૯૮૫ સુધી પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરી કમાયો અને એરિઝોનામાં પોતાની કમાણીથી ઘર ખરીદ્યું. છાપાઓમાં લેખો લખ્યા. લેખોએ મને ઘણી પ્રસિદ્ધિ અપાવી. ડો. કનક રાવલ (જાણીતા ચિત્રકાર રવિશંકર રાવલના સુપુત્ર) જેવા મિત્રો મળ્યા. શ્રી સુરેશ જાની (બ્લોગ જગતના જાણીતા સુરેશદાદા) એ મારો ઉત્સાહ ખુબ વધાર્યો.

અમેરિકા આવ્યા બાદ સાહિત્યમાં રસ કેળવાયો અને ઉર્દુ અને અરબી ભાષા શીખ્યો. ૧૯૯૬ સુધી ન્યુ યોર્ક રાજ્યમાં અને ત્યારબાદ એરિઝોના રાજ્યમાં રહ્યો. ૪૦ વર્ષથી અમેરિકામાં રહેવા છતાં હજી અમેરિકાની નાગરિકતા સ્વીકારી નથી.

૨૦૦૭ માં મારી પત્નીના પરલોક ગયા પછી હું બહુ ઉદાસ રહેતો હતો; પણ મને પોતાના દાદાથી અધિક ચાહતી અને મને મારી પોત્રી જેટલી જ વહાલી, ગોરી અમેરિકન લિયા એ મારી ઉદાસીનતા દુર કરી.”

હાલમાં આતાજી સવારે વહેલા તૈયાર થઈ, સરકાર દ્વારા ચાલતા Senior Citizen Centre માં પહોંચી જાય છે, ત્યાં મિત્રોને મળે છે, કોમપ્યુટર ઉપર કામ કરે છે, વાંચન કરે છે, લેખ અને શાયરીઓ લખે છે. બપોરે ઘરે આવી થોડો આરામ કરે છે, ત્યાર બાદ ઘરના બાગમાં થોડું કામ કરે છે, લોકોને હળે મળે છે, અને આનંદમાં જીવન વ્યતિત કરે છે. એમને જીવન પ્રત્યે કોઈ ફરિયાદ નથી.

–પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)