Category Archives: પ્રતિભાવો

પ્રતિભાવ ગમ્યો ? કરો ‘લાઈક’ (Reblog)

મિત્રો, નમસ્કાર.

અગાઉ આપણે વર્ડપ્રેસ પર લેખને ‘Like’ કરવાની અને એના માધ્યમે રિબ્લૉગ કરવાની રીત વિશે જાણ્યું હતું. હવે જો કે રિબ્લૉગ માટે વર્ડપ્રેસ દ્વારા અલાયદું બટન પણ આપી દેવાયું છે. એ સગવડ શરૂ કરાઈ ત્યારે એની ઉપયોગીતા અંગે આપણે અવઢવમાં હતા પણ સરવાળે એ સગવડ ઘણી ઉપયોગી નિવડી. જો કે આપણાં કેટલાંક મિત્રોને એ સગવડ સામે ફરિયાદ કરવાપણું પણ હતું ! કેમ કે, એ લાઈક સેવાનો ઉપયોગ હાજરીપત્રક તરીકે થવા લાગ્યો ! આપણે બ્લૉગજગતે એ વિશે ઘણી મજા અને મજાકો પણ માણી છે. ખેર, હવે આ પ્રકરણને વર્ડપ્રેસ દ્વારા થોડું આગળ વધારાયું છે.

લેખ-ક ને તો લાઈક દ્વારા ખબર પડે કે કોણ કોણ હાઉકલું કરી ગયું, પણ એ લેખ પર – મહા મહેનતે – પ્રતિભાવ આપનારા પ્રતિભાવકને પણ ખબર પડવી જોઈએ ને કે આપણો પ્રતિભાવ કેટલેક પહોંચ્યો છે ! અને આમ પ્રતિભાવકોના લાભાર્થે, અને પ્રતિભાવનો પ્રતિભાવ ન આપી માત્ર હાજરી પુરાવવા કે નોધ લીધી એવું જણાવવા ઈચ્છતા મુમુક્ષુઓના લાભાર્થે, વર્ડપ્રેસ દ્વારા પ્રતિભાવો પર પણ ‘લાઈક’ની સેવા ચાલુ કરાઈ છે.

આ સેવાનો લાભ લેવા ઈચ્છતા બ્લૉગરમિત્રોએ નીચે પ્રમાણે ફેરફાર કરવાનો રહેશે.

* ‘સંચાલન’ પેનલ પર ‘સેટિંગ્સ’ ટેબ પર ક્લિકી અને ‘શેરિંગ’ પર જાઓ. (જુઓ ચિત્ર ૧)

ચિત્ર ૧

ચિત્ર ૧

* આ પાને સાવ છેવાડે ‘Comment Likes are’ સામેના ચોકઠાંને ટીક કરી દો. (જુઓ ચિત્ર ૨)

ચિત્ર ૨

ચિત્ર ૨

* સેવ કરી લો. બસ…!

હવે આપનાં બ્લૉગના બધાં પ્રતિભાવના અંતે Like સંકેત આવી જશે જે પર ક્લિક કરીને કોણે કોણે તે પ્રતિભાવ પસંદ કર્યો (કે કોણે નોંધ લીધી !) તેની યાદી પણ દેખાશે. (જુઓ ચિત્ર ૩)

ચિત્ર ૩

ચિત્ર ૩

આ ઉપરાંત તમને લાગે કે કોઈ પ્રતિભાવકને (કે સ્પામરને) ‘લાઈક’નો (ગેર)લાભ લેતા અટકાવવો/વી છે તો એ સગવડ પણ પ્રાપ્ય છે. પણ એ આપે જાતે ખોળી કાઢવાની છે ! (આ આટલું ગૃહકાર્ય સમજવું !)

અને હા, પ્રતિભાવકને પોતાનો જે તે પ્રતિભાવ કોઈક દ્વારા પસંદ કરાયાની જાણ ઈ મેઈલ દ્વારા આપોઆપ થઈ જશે.  આમ જે તે પ્રતિભાવને, યોગ્ય પ્રત્યુત્તરો નહિ તો છેવટે યોગ્ય લાઈક્સ પણ મળશે તો, સાવ વાસિંદામાં સાંબેલું ગયા જેવું લાગશે નહિ ! અને પ્રતિભાવકને પ્રોત્સાહન મળશે. આ મેં ફાયદાઓ વર્ણવ્યા. હજુ વધુ ફાયદા ધ્યાને ચઢે, કે કોઈ ગેરફાયદા પણ ધ્યાને ચઢે, તો નીચે પ્રતિભાવચોકઠું ખુલ્લું જ છે. લખો, લાઈક તો મળશે જ !

વધુ જાણકારી માટે વર્ડપ્રેસ પરનો લેખ, Comment Likes વાંચી જવા વિનંતી.

જાણકાર મિત્રો પાસે આ બાબતે વધુ કશી તકનિકી જાણકારી હોય તો લોકહિતાર્થે પ્રસિદ્ધ કરવા વિનંતી. આભાર.