(૧૯) – જયકાંત જાની


જયકાંતભાઈનો જન્મ ૧૯૪૬ માં ગોહિલવાડ જીલ્લાના ભાવનગરમાં થયો હતો. એમના પિતા ભાવનગરની એક તાલુકાશાળામાં આચાર્ય હતા. જયકાંતભાઈનું પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં થયું, પણ હાઈસ્કૂલ માટે પાંચ કિલોમીટર ચાલીને જવું પડતું. ૧૯૬૩ માં એસ.એસ.સી. પરીક્ષા પાસ કરી સર પી.પી. ઈનસ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં એડમિશન લીધું. ઈન્ટર સાયન્સમાં પૂરતા માર્કસ ન મળવાથી એંજીનીઅરીંગ કોલેજમાં એડમીશન ન મળ્યું, એટલે બી.એસસી. કોર્સમાં જોડાવું પડ્યું. ૧૯૬૭ માં ફર્સ્ટક્લાસમાં બી.એસસી. ની ડીગ્રી મેળવી.

૧૯૬૮ માં આલફ્રેડ હાઈસ્કૂલમાં સાયન્સના શિક્ષક તરીકે ૪૩૦ રૂપિયાના માસિક પગારવાળી નોકરીમાં જોડાયા. એમને આજીવન શિક્ષક બની રહેવાની ઈચ્છા ન હતી એટલે ૧૯૬૯ માં ૨૧૫ રૂપિયા પગારવાળી નોકરી લઈ એક સ્ટીલ ફાઉન્ડ્રીમાં કેમીસ્ટ તરીકે જોડાયા. અહીં ચીવટ પૂર્વક કામ કરી પ્રોડક્શન મેનેજરની પદવી સુધી પહોંચ્યા. કંપનીએ એમને વધારે સારી ટ્રેનીંગ મળે એટલા માટે જાપાન મોકલ્યા. ૩૫ વર્ષ સુધી આ એક જ કંપનીમાં નોકરી કરી, જયકાંતભાઈ ૨૦૦૪ માં રીટાયર્ડ થયા.

એમને એક વાત સારી રીતે સમજાઇ ગયેલી કે વર્તમાન યુગમાં શિક્ષણ અતિ મહત્વનું છે, એટલે એમની દિકરીને બી.એ. અને દિકરાને ફાર્મસીમાં પી.એચડી. સુધીનું શિક્ષણ અપાવ્યું.

૨૦૦૪ માં એમના નજીકના સંબંધીઓએ એમને અમેરિકાના વિઝા માટે સ્પોનસોર કર્યા એટલું જ નહિં, અમેરિકામાં સ્થાયી થવા માટે જરૂરી મદદ કરી. જયકાંતભાઇએ અમેરિકામાં નોકરી કરવા માટે જરૂરી ટ્રેનિંગ લીધી અને નોકરીએ લાગ્યા. સમય જતાં અમેરિકાના નાગરિક પણ થઈ ગયા. અલબત એમના સંતાનોએ ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું અને ત્યાં રહીને જ સારી પ્રગતી કરી. મોટાભાગે આપણને આનાથી ઉલટું જોવા મળે છે, જ્યાં બાળકો અમેરિકામાં અને મા-બાપ ભારતમાં રહેતા હોય છે.

શાળા-કોલેજના અભ્યાસ દરમ્યાન એમને ગુજરાતી સાહિત્ય પ્રત્યે સારૂં એવું આકર્ષણ હતું. વાંચનની સાથે સાથે લેખનની શરૂઆત શાળામાંથી જ થઈ ગઈ હતી. લેખ, વાર્તા અને કવિતા, આ ત્રણે સાહિત્યના પ્રકાર ઉપર હાથ અજમાવ્યો. ૨૦૦૬ થી બ્લોગ્સમાં એમને રસ પડ્યો અને એમણે નિયમિત રીતે અલગ અલગ બ્લોગ્સમાં એમના લખાણ મૂકવાના શરૂ કર્યા. અત્યાર સુધીમાં ૪૦૦ થી વધારે કવિતા અને પ્રતિ-કાવ્યો લખીને એમણે બ્લોગ્સમાં મૂક્યા છે, જેમા એમને સારો આવકાર મળ્યો છે. અમેરિકાના ઈસ્ટ કોસ્ટથી પ્રસિધ્ધ થતાં માસિક “ગુજરાત દર્પણ”માં પણ એમની કવિતાઓ છપાય છે. એમની કવિતાઓ મુખ્યત્વે બે પ્રકારની છે, એક પોતાના સ્વતંત્ર વિચારોમાંથી સર્જાયલી કવિતાઓ અને બીજા પ્રતિકાવ્યો. મારી બ્લોગ્સમાં મુકાયલી કેટલીક કવિતાના પ્રતિકાવ્યો જયકાન્તભાઇએ લખ્યા હતા. પહેલા પ્રકારની કવિતાઓમાં વતન અને અમેરિકા વચ્ચે મનમા ચાલતી ખેંચતાણ સ્પષ્ટ પણે જોવા મળે છે. એક કવિતામાં જયકાન્તભાઈએ લખ્યું છે,

“બહેન રાખડી બાંધવાની રાહમાં સ્વર્ગવાસી થઈ ગઈ,

બહેનના ભ્રાત્રુપ્રેમથી મોં ફેરવી, અમે દૂર ભાગી આવ્યા.”

બીજી જગ્યાએ પોતે સમાજ માટે ખાસ કંઈ કરી શક્યા ન હોવાનો અહેસાસ વ્યક્ત કરતાં કહે છે,

“હજારહાથે તુંસૌને લુંટાવે છે,

એક હાથે કોઈને ન દેવાય પ્રભુ?”

આજની સમાજ વ્યવસ્થાથી વ્યથિત થઈ, ફરી ઇશ્વરને પૂછે છે,

“સંતાનો હક્ક લઈ, ફરજ ભૂલી જાય છે,

તારાથી એને ન સમજાવી શકાય પ્રભુ?”

અમેરિકામાં રહેતા કેટલાય ભારતિયોની મનની વાત કહેતાં લખે છે,

“ મુંઝારો એવો અનુભવી રહ્યો છું આ ડોલરના દેશમાં,

કે ઉભડક શ્વાસે જીવી રહ્યો છુંઆ ડોલરનાદેશમાં”

પોતાના ગામ ભાવનગરને યાદ કરીને લખે છે,

“ગામ વચ્ચે તખ્તેશ્વર, અનુપમ સામે અંબાજી,

ભીડ ભાંગતા ભીડભંજન, મંદીર મંદીરમાં કાલી,

થાપનાથના ચરણ પખાળે બો-તળાવના નીર..”

એમની બ્લોગ જગતમાં ખૂબ જ જાણીતી એક કવિતા “સારી રીત નથી” માં જયકાન્તભાઈ લખે છે,

“એવુંયે નથી વતન માટે મને પ્રીત નથી,

હું જાણું છું કે અમેરિકા રહેવામાં મારૂં હીત નથી;

ઇચ્છા થાય છે અમેરિકાના અનુભવો લખું તમને,

શું લખું? અહીંયા સંસ્કાર, સંસ્કૃતિ સંકલિત નથી.

સાહિત્ય ઉપરાંત જયકન્તભાઈએ વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના અભ્યાસનો શોખ કેળવેલો. ભારતમાં આ વિષય ઉપર એમના ઘણાં લેખ જાણીતા પંચાંગ અને સમાચાર પત્રોમાં છપાયલા. જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ એમણે ભારતમાં અને અમેરિકામાં કર્યો અને આમાંથી થતી બધી આવકનો ઉપયોગ એમણે ધરમ-દાન માટે જ કર્યો.

ધનની બાબતમાં જયકાન્તભાઈ કહે છે કે “લોકોને કમાતાં, વાપરતાં અને બચાવતાં આવડવું જોઈએ.” વધુમાં એ કહે છે, “ભોગવે તે ભાગ્યશાળી.”

હાલમાં તેઓ ન્યુજર્સીમાં વોલ-માર્ટના ફાર્મસી વિભાગમાં નોકરી કરે છે. ડાયાબિટીસને લીધે એમની નર્વસને નુકશાન થયું હોવાથી તેઓ હવે પહેલા જેવો કોમપ્યુટનો ઉપયોગ કરી શકતા નથી, એટલે હાલમા બ્લોગ્સમાં એમની હાજરી દેખાતી નથી. નજીકના ભવિષ્યમાં જ શેષ જીવન બાળકો સાથે ગુજારવા ભારત પાછા ફરે એવી શક્યતા છે.

આપ જયકાંતભાઈનો સંપર્ક ઈ-મેઈલ દ્વારા jjani1946@gmail.comઅથવા ટેલિફોન દ્વારા ૯૭૩-૪૦૨-૬૭૫૧ માં કરી શકો છો.

-પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)