(૨૧) – રમેશ પટેલ


Ramesh patelરમેશભાઈનો જન્મ ૧૯૪૮ માં ખેડા જીલ્લાના મહુધા તાલુકાના મહિસા ગામમાં થયો હતો. પિતા ઝવેરચંદભાઈ અને માતા કાશીબાના કુટુંબની ગણત્રી ગામના મોભાદાર મુખી કુટુંબમાં થતી. આઝાદીના આંદોલનમાં રંગાયલા આ સંસ્કારી કુટુંબમાં રમેશભાઈનો ઉછેર થયો હતો. આમ તો પિતાનો વ્યવસાય ખેતી હતું, પણ માતા-પિતા બન્ને શિક્ષિત અને શિક્ષણ પ્રેમી તથા વાંચનના શોખીન હતા. આઝાદી સંગ્રામના તાલુકા-જીલ્લાના આગેવાનો સાથે પિતા ઝવેરભાઈને નજીકનો ઘરોબો હતો.

રમેશભાઈનું શાળાનું શિક્ષણ ગામની જ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં થયું હતું. અભ્યાસમાં તેજસ્વી રમેશભાઈએ બારમા ધોરણ સુધી અભ્યાસની સાથે સાથે હિન્દી, સંસ્કૃત, ડ્રોઈંગ વગેરેના અભ્યાસમાં પણ રસ લીધો. શાળાજીવન દરમ્યાન એમના વાંચનના જબરા શોખને લીધે, એમણે રામાયણ-મહાભારત ઉપરાંત સ્વામી વિવેકાનંદ, અને ઝવેરચંદ મેધાણીના પુસ્તકો વાંચેલા. એમના ઘરમાં જ એક નાનું પુસ્તકાલય હતું, જેનું સંચાલન રમેશભાઈ જાતે કરતા. ગામમાં પૂજ્ય રવિશંકર મહારાજની મુલાકાત દરમ્યાન એમણે કરેલા પ્રવચનની રમેશભાઈના જીવન ઉપર ઊંડી અસર થયેલી. બારમાં ધોરણમાં સારા માર્કસ મેળવી, વલ્લભ વિદ્યાનગરની બિરલા એન્જીનીઅરીંગ કોલેજમાં દાખલ થયા અને ૧૯૭૧ માં પ્રથમ વર્ગમાં પાસ થઈ B.E.(Electrical) ની ડીગ્રી મેળવી. ૧૯૭૨ માં રમેશભાઈના લગ્ન સવિતાબહેન સાથે થયા અને આ સાથે એમના વ્યવસાયિક અને સાંસારિક એમ બન્ને જીવનની શરૂઆત થઈ ગઈ.

નોકરીની શરૂઆત એમણે ૧૯૭૨માં ગુજરાત વિદ્યુત બોર્ડ સબડિવીઝનમાં, કપણવંજ મુકામથી, ફિલ્ડવર્ક દ્વારા કરી. ગ્રામ્ય વિદ્યુતકરણની તે વખતે શરુઆત હતી. પોતે તો ફાનસના અજવાળે ગામમાં ભણેલા, તેથી આ કામને ઉમળકાથી વધાવી લીધું. ગામોના કાચા ધૂળિયા રસ્તા, ખેતરો, વાત્રક અને મહોર નદીઓની કોતરોમાં ભર ઉનાળે બળબળતા બપોરે સર્વે માટે તેઓ ખૂબ ઘૂમતા. ગામડામાં ઘરોમાં વીજળી પહોંચાડવા અને ગામની ધરતીને પંપદ્વારા પાણી પહોંચાડી હરિયાળી બનાવવા, સાત વર્ષો સુંધી તેમણે મહત્વનું યોગદાન આપ્યું. એમના શબ્દોમાં કહું તો,

“આજથી ૪૫ વરસ પહેલાં ગામડાઓમાં.વીજળી, રસ્તા, ટેલિફોન અને દવાખાનાઓની પાયાની જરુરિયાતોનો અભાવ વરતાતો હતો.લોકો તે માટે અધીરા હતા. ધૂળિયા રસ્તામાં પગપાળા સર્વે કરી.વિદ્યુત લાઈનો ઉભી કરાવવી, અને આખા ગામને ખેતીવાડી માટે વિદ્યુત જોડાણ આપવું, એ કપરી મહેનતનું કામ હતું. શહેરી જીવડાઓને તો તે ફાવે તેવું ન જ હતું.”

રમેશભાઈની મહેનત રંગલાવી સાત વર્ષમાં તાલુકાની રોનક ફરી ગઈ. ધરોમાં વીજળીના દીવા અને લીલાછમ લહેરાતા પાક જોઈ રમેશભાઈને આત્મસંતોષ મળતો.
રમેશભાઇની કારકિર્દીનું બીજું અગત્યનું સોપાન એટલે વણાકબોલી થર્મલ પાવર સ્ટેશન. આધુનિક સ્ટીમ જનરેટર માટે તોતીંગ ૨૨૦ ફૂટ ઊંચા બોયલરોના નિર્માણ માટે ૧૯૭૯માં તેમનું પોષ્ટીંગ થયું. શરૂઆત મહિસાગરની વેરાન કોતરોને સમતળ બનાવવાથી કરી. અહીં નિર્માણ કાર્ય તબક્કાવાર આગળ વધવાનું હતું. રહેવા, જમવા અને ફેમીલી સાથે રહેવા માટે સગવડ થવાની વાર હતી. મોટાભાગે ફક્કડ ગિરિધારી જેવો સ્ટાફ, પણ પાયાના પથ્થરો જેવા આ સ્ટાફ સાથે તેઓ એકલવીર બની યજ્ઞમાં જોડાઈ ગયા. એક પછી એક, ૨૧૦ મેગાવૉટની ક્ષમતા વાળા મહાકાય યુનિટો, ઊભા કરી, અડધા ઉપરાંત ગુજરાત રાજ્યને પહોંચે એટલું વીજ ઉત્પાદન કરી, સતત ૨૧ વર્ષ ત્યાં ફરજ બજાવી. આ કાર્યને લીધે તેઓ એક નિષ્ણાત વીજ ઈજનેર તરીકે પ્રખ્યાત થયા. ગુજરાત સરકારે કદર રૂપે,ચીફ બોયલર ઈન્સ્પેક્ટર અને મેમ્બર ઓફ બોર્ડ ઓફ એક્ઝામીનર્સ તરીકે અને મોર્ડન હાઈ પ્રેશર બોયલરના પ્રેક્ટીકલ નિષ્ણાત તરીકે, ત્રણ વર્ષ માટે (૧૯૯૯-૨૦૦૧) નીમણૂક કરી. વીજ નિગમોના ટેકનિકલ પ્રશ્નો ઉકેલવાની સમિતિમાં રહી, ફોરેન કંસલ્ટીંગ ટીમો સાથે, ઈક્વીપમેન્ટોમાં દૂરોગામી ફેરફારો કરી, લાખોટન રીઝેક્ટમાં જતા કોલસા બચાવી, દેશની સંપત્તિ માટે એક આગવો ફાળો આપ્યો. તેમના આ યોગદાનની, કેન્દ્ર સરકારની થર્મલ પ્લાન્ટ બનાવતી, બીએચએલ કંપનીની ડિઝાઈનીંગ ટીમે નોંધ લીધી. તેમણે ૫૦૦ મેગાવૉટના યુનિટોના સ્પેસીફીકેશનમાં ફેરફાર કર્યા. આ ફેરફારે, અનેક રાજ્યોના નિગમોને આર્થિક ફટકામાંથી બચાવી લીધા, આ રમેશભાઈની કોઇ નાનીસુની સિધ્ધી ન કહેવાય. ત્યારબાદ એમણે ગાંધીનગર થર્મલ પ્લાન્ટ ખાતે એક્ઝીક્યુટીવ એંજીનીઅર તરીકે સેવા આપી. આ દરમ્યાન એમણે અનેક તજજ્ઞ સમિતીઓનું નેતૃતવ કર્યું. તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ એમને મળવા બોલાવેલા.

આ બધી વાતોથી તમને લાગશે કે રમેશભાઈ માત્ર એક નિષ્ણાત વીજ-ઈજનેર જ છે. ના ભાઈ ના, એવું નથી. રમેશભાઈ એક સારા કવિ પણ છે. સન ૨૦૦૦ની આસપાસ તેઓ મેઘાવી સાહિત્યકાર શ્રીદોલતભાઈ ભટ્ટના સંપર્કમાં આવ્યા અને તેમની પ્રેરણાથી કવિતાઓ લખવાનું શરૂ કર્યું. “આકાશદીપ” ઉપનામથી ગુજરાત સમાચાર દૈનિક અને ગુજરાત સરકારના ‘ગુજરાત’ પાક્ષિક દ્વારા કવિતાઓ પ્રગટ કરી, ‘આકાશદીપ’ ઝગમગવા લાગ્યા. સાહિત્યકારોના સત્સંગથી, અને વિશાળ વાંચનથી..સુંદર રચનાઓ કરી, ત્રણ કાવ્ય સંગ્રહ ,’સ્પંદન’, ‘ઉપાસના’ અને ‘ત્રિપથગા’ પ્રસિધ્ધ કર્યા. સાથે સાથે, જીઈબી ગાંધીનગરની લાયન્સ ક્લબના તેઓ ફાઉન્ડર મેમ્બર બની તરીકે અનેક સામાજિક કાર્યોમાં સહભાગી બન્યા.

છેલ્લા દશકાથી , અમેરિકામાં કેલિફોર્નીઆથી, શ્રી સુરેશભાઈ જાનીના માર્ગદર્શનથી શરૂ કરેલા ‘આકાશદીપ’ બ્લોગ થકી , બ્લોગ જગતમાં માનીતા થઈ ગયા છે. ‘કાવ્ય સરવરના ઝીલણે’ નામે ૪૦૦ ઉપરાંત રચનાઓની પ્રથમ ઈ બુક અને ‘ઉપવન’ નામે કાવ્યોની બીજી ઈ-બુક વેબમાં મૂકી એમણે એમનો કવિ તરીકેનો પરિચય દઈ દીધો છે. યુ.કે. સ્થિત શ્રી દિલીપભાઈ ગજ્જર અને રોશનીબેન શેલતના મધુર કંઠે ગવાયેલી , તેમની દેશ પ્રેમની એક રચના, સાચે જ યશકલગી સમાન છે. http://leicestergurjari.wordpress.com/2012/01/25/તારી-શાન-ત્રિરંગા-શ્રી-
આ લીન્ક વાપરી તમે એ ગીત સાંભળી તેમને અભિનંદન આપ્યા સિવાય રહી શકશો નહીં.

રમેશભાઇની રચનાઓનો પરિચય આ નાનકડા લખાણમાં આપી શકાય નહિં. માત્ર નમુનો જ આપું તો,

“નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું ,
મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું.”

એમની અનેક ઉત્તમ રચનાઓ માણવા તો તમારે એમના બ્લોગ ની આ લીંકનો ઉપયોગ કરી મુલાકાત લેવી પડશે. http://nabhakashdeep.wordpress.com/
એમના પરિ્વારમાં ત્રણ સુશિક્ષિત દીકરીઓ શ્વેતા, મેનકા ને વિતલના સુખી પરિવારની મહેક માણતા, ધર્મપત્નિ સવિતા સાથે રહી, કવિતા દ્વારા સૌને મળતા જ રહે છે.

-પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)