(૧૪) – ડો. ચંદ્રવદન મિસ્ત્રી


ચંદ્રવદનભાઈનો જન્મ ૧૯૪૩ માં નવસારી જીલ્લાના વેસ્મા ગામમાં એક પ્રજાપતિ કુટુંબમાં થયો હતો. ચંદ્રવદનના મોટાભાઈ છગનભાઈના જન્મ પછી બીજા ચાર ભાઈ બહેનનો જન્મ થયો હતો પણ એ ચારેનું બાળવયે જ અવસાન થયું હતું. આમ છગનભાઈ ચંદ્રવદનથી ૧૮ વર્ષ મોટા હતા. ચંદ્રવદન છગનભાઈને પિતાતુલ્ય માનતા. ૧૯૪૫ માં ચંદ્રવદનની ઉમર માત્ર બે વર્ષની જ હતી ત્યારે એમના પિતા આફ્રીકા વ્યાપાર અર્થે જતા રહ્યા. ચંદ્રવદનનો ઉછેર દાદી, માતા અને મોટાભાઈ અને ભાભીની દેખરેખમાં થયો.

પાંચ વર્ષની વયે એમને ગામની શાળામાં દાખલ કરવામાં આવ્યા. અહીં પાંચ ધોરણનો અભ્યાસ પૂરો કરી, ૧૯૫૪ માં ચંદ્રવદનના પિતા ભારત આવેલા ત્યારે તેઓ ચંદ્રવદનને પણ આફ્રીકા તેડી ગયા. આફ્રીકામાં એમના પિતા અને મોટાભાઈનું કુટુંબ પેમ્બા ગામમાં રહેતું હતું, જ્યાં કોઈ શાળા ન હતી એટલે દુર આવેલા “લીવીન્ગટન” શહેરમાં એક પટેલ મિત્રના પરિવારના ઘરે રહી પ્રાઈમેરી શાળા ( ૧૯૫૫-૧૯૫૮) અને ત્યારબાદ, સાઉથ રોડેશીયામાં એક કેથોલીક શાળામાં ( ૧૯૫૯-૧૯૬૧) હાઈસ્કુલ પુરી કરી. અહીંનું શિક્ષણ અંગ્રેજી ભાષામાં હોવાથી એમને રાત-દિવસ મહેનત કરી અંગ્રેજી શીખી લેવું પડ્યું. ખૂબ મુશીબતોનો સામનો કરી ચંદ્રવદન આફ્રીકામાં શાળાનો અભ્યાસ પૂરો કરી, કોલેજનો અભ્યાસ કરવા૧૯૬૨માં ભારત આવ્યા. ૧૯૬૪ માં મુંબઈની ભવન્સ કોલેજમાંથી Inter Science માં ઉત્તિર્ણ થઈ, મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા ઓરિસાની કટક મેડિકલ કોલેજમાં દાખલ થયા અને ૧૯૬૮ માં અહીંથી MBBS ની ડિગ્રી મેળવી. કાયદા પ્રમાણે એમને એક વર્ષની Internship કરવાની હતી તે તેમણે થોડી ભારતમાં અને થોડી ઝાંબિયામાં પૂરી કરી આખરે ૧૯૭૧ ના જાન્યુઆરીમાં MBBS ની ડીગ્રી મેળવી.

૧૯૭૦ માં ચંદ્રવદનના ભારતમાં કમુબહેન સાથે લગ્ન થયા, અને ૧૯૭૧ માં એમની પહેલી પુત્રીનો જન્મ થયો. થોડો સમય આફ્રીકામાં નોકરી કર્યા બાદ એમણે વધારે અભ્યાસ કરવા ઈંગ્લેંડ જવાની ઈચ્છા વ્યક્ત કરી. ૧૯૭૩ માં મોટાભાઈની રજા લઈ, પોતાની પત્ની અને પુત્રીને મોટાભાઈ પાસે મૂકી ચંદ્રવદન ઈંગ્લેંડ ગયા. ત્યાં છ માસ સુધી નોકરી કરતાં કરતાં આગળ ભણવાની તૈયારી કરતા હતા, ત્યારે જ એક કાર accident માં મોટાભાઈનું મૃત્યુ થવાના સમાચાર આવ્યા. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ચંદ્રવદન લુસાકા પહોંચી ગયા, ત્યાં મોટાભાઈના કામકાજની, તેમના કુટુંબની અને પોતાના કુટુંબની જવાબદારી ત્રણ વર્ષ સુધી સંભાળી. આટલી મુશીબતો વચ્ચે પણ એ ડોકટરી કારકીર્દીને ભૂલ્યા ન હતા. ત્યાં રહીને એમણે જાન્યુઆરી, ૧૯૭૬ માં Ec.F.M.G. ની પરીક્ષા આપી. આ પરીક્ષામાં પાસ થનારને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળી શકે એમ હતું. આમા એક શરત એવી હતી કે પાસ થનારે ડિસેમ્બર ૧૯૭૬ સુધીમાં અમેરિકામાં પહોંચી જવું જોઈએ. ડૉ. ચંદ્રવદન આ પરિક્ષામાં પાસ થઈ, લુસાકાની જવાબદારી ભત્રીજાને સોંપી, ૧૯૭૭ની શરૂઆતમાં જ અમેરિકા પહોંચી ગયા.

અમેરિકામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી, ચાર વર્ષ સુધી સખત પરિશ્રમ કરી, જરૂરી પરિક્ષાઓ પાસ કરી અને ટ્રેઈનીંગ લઈ, ડોકટર તરીકે કામ કરવાનું લાઈસેંસ મેળવ્યું. ૧૯૮૧ માં લોસ એંજીલીસ કાઉન્ટીની લેન્કેસ્ટરની હોસ્પીટલમાં કાયમી નોકરી શરૂ કરી. અહીં ૨૫ વર્ષ કામ કરી ૨૦૦૬ માં નિવૃતિ લીધી. આ ગાળા દરમ્યાન, ૧૯૮૯ માં ડો. ચંદ્રવદનને હ્રદયરોગના એક મોટા હુમલાનો સામનો કરવો પડ્યો. ટ્રીપલ બાયપાસ સર્જરીથી એમનું જીવન બચી ગયું, પણ આ હુમલાએ એમના જીંદગી વિશેના ખ્યાલો બદલી નાખ્યા. કુટુંબ વત્સલ અને સંસ્કારી ચંદ્રવદનમાં ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા અને સમાજ પ્રત્યેની જવાબદારીમાં ખૂબ જ વધારો થયો. પોતાના ભાગનું દુખ તો પોતે વેઠી લીધું, પણ પોતાના ભાગના સુખને અન્ય લોકો સાથે વહેંચવાનું નક્કી કર્યું. એમણે કાર્યક્ષેત્રો તરીકે જ્ઞાતિ અને ગામની પસંદગી કરી.

૧૯૯૩માં માતાપિતાની યાદગીરીમાં ગામમાં એક ધર્માદા આર્યુવૈદીક દવાખાનાની શરૂઆત કરી…અને ત્યારબાદ વેસ્મામાં થયેલ સાર્વજનિક હોસ્પીતાલે માતાની યાદમાં દાન આપી મેટરનીટી વોર્ડ શરૂ કરવા સહાય કરી. જ્ઞાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક મદદ અને ગામ માટે સમાજને ઉપયોગી થાય એવી સંસ્થાઓના નિર્માણમાં એમણે વિશેષ રૂચી દર્શાવી. ગામમાં વિવિધ પ્રવૃતિઓ માટે હોલના બાંધકામ, શાળાનો વિસ્તાર, મંદિરોના નિર્માણ કે જીર્ણોધ્ધાર, ગામ માટે લાયબ્રેરી વગેરે માટે સમયે સમયે ફાળૉ આપતા રહ્યા છે.

૨૦૦૬ માં નોકરીમાંથી નિવૃત થયા પછી ડો. ચંદ્રવદને એક મિત્ર શ્રી વિજય શાહની મદદથી ચંદ્રપૂકાર નામના બ્લોગની શરૂઆત કરી. આ બ્લોગમાં પ્રજાપતિ સમાજ, ઘર, પરિવાર, વ્યક્તિગત જીવન, ટુંકી વાર્તાઓ, કવિતાઓ, લેખો અને ભક્તિ સાહિત્ય નિયમિત રીતે મૂકવાનું શરૂ કર્યું. આજે પણ આ બ્લોગનું પોતાનું એક Captive વાંચક વર્ગ છે.

નિવૃતિ બાદ સમાજ વિશે વિચારવા અને સમાજ માટે કંઈક કરી છૂટવા માટે વધારે સમય ઉપલબ્ધ થયો. એમણે આર્થિક મદદ સાથે આર્થિક ઉત્થાન ઉપર ધ્યાન કેંદ્રિત કરી, બીલીમોરા અને બારડોલીમાં મહિલાઓ માટે શિવણ-ભરત-ગુંથણના વર્ગો, ત્યાંની સ્થાનિક સંસ્થાઓની મદદથી શરૂ કર્યા. એક મિત્રના સહકારથી પાલનપૂરમાં એક સ્વાસથ્ય કેંદ્ર શરૂ કર્યું. આવા કામોની વણજાર હજીપણ વણથંભી ચાલી રહી છે. જન્મભૂમીને યાદ કરી કંઈક ઋણ ચુકાવવા કાર્યો કર્યા એટલું જ નહિં પણ અમેરીકા યાને “કર્મભૂમી” ને યાદ કરી લેન્કેસ્ટરમા હાઈસ્કુલ અને કોલેજમાં શિક્ષણ ઉત્તેજન માટે યોજનાઓ કરી અને એક ચેરીટેબલ ફંડ શરૂ કરી “રેડ ક્રોસ”, “અમેરીકન વેટર્ન્સ” તેમજ “યુનીસેફ” અને વર્લડ ફુડ પ્રોગ્રામ” જેવી સંસ્થાને હંમેશ સહકાર આપ્યો.

મેં થોડા સમય પહેલા એમની પાસેથી થોડી ડોકટરી સલાહ માંગેલી. એમણે મને કહ્યું, “પહેલા તો એ સ્વીકારી લો કે હું બિમાર છું, આ વાતમાં આનાકાની કરવામાં કોઈ ફાયદો નથી. Why me? આવો પ્રશ્ન નિર્થક છે. દુનિયામાં લાખો માણસો અલગ અલગ બિમારીઓથી પીડાય છે. બીજી વાત દવા લેવા પ્રત્યે અણગમો ન દર્શાવો. દવા તમારા ભલા માટે છે, જેમ તમારા માટે ખોરાક ઉપયોગી છે તેમ દવા પણ ઉપયોગી છે. આમ બિમારી અને દવા બન્નેનો સ્વીકાર કરવો એમાં જ તમારી ભલાઈ છે.” થોડા દિવસ સુધી મેં એમની સલાહ ઉપર વિચાર કર્યો, મને એમા રહેલું પાયાનું તત્વજ્ઞાન સમજાઈ ગયું. આજે હું પણ અન્ય લોકોને આ સલાહ આપતો થઈ ગયો.

જેનું વિશ્વના ચાર ખંડો(એશિયા, આફ્રીકા, યુરોપ, અમેરિકા) માં ઘડતર થયું છે એવા ડૉ. ચંદ્રવદન, ૭૧ વર્ષની વયે પણ Active છે. એમની ચાર દિકરીઓ પરણીને સુખી સંસાર ચલાવે છે, ડોકટર અને એમના પત્ની કમુ બહેન, આ બીજી અને ત્રીજી પેઢી સાથે પોતાની વધતી વયમાં આનંદપૂર્વક જીવન પસાર કરે છે.

-પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)