(૨૮) – ચીમન પટેલ ‘ચમન’


ચીમન પટેલ-૧ચીમનભાઈનો જન્મ ૧૯૩૩ માં બર્મામાં રંગુન શહેરમાં થયો હતો. બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાનના બોમ્બમારાથી બચવા એમનું કુટુંબ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કૈયલ ગામમાં આવી ગયું. એ વખતે એમની ઉમ્મર સાત વર્ષની હતી.

કૈયલની પ્રાથમિક શાળાનો, અને ત્યારબાદ કડીની સર્વવિદ્યાલય હાઈસ્કૂલનો અભ્યાસ પુરો કરી, ચીમનભાઈએ ૧૯૫૨ માં S.S.C. ની પરીક્ષા પાસ કરી. હાઈસ્કૂલ અને કડી બોર્ડીંગ ના સાત વર્ષોમાં નિયમિતતા, શિસ્ત, સ્વાવલંબી જીવન, નાટકોમાં, ચિત્રોમાં, સંગીતમાં, બેન્ડમાં ડ્રમ અને વાંસળી, કસરતમાં લેઝીમ, વોલીબોલ વગેરે અભ્યાસની સાથે મેળવી જીવનનો પાયો ત્યાંથી નંખાયો.

મેટ્રીક પાસ થતાં જ પિતાની પસંદગીની અભણ કન્યા સાથે એમના લગ્ન કરાવી દેવાયા. કન્યા જોવાની માગણી કે લગ્ન વિરોધ કરવા જેવી પરિસ્થિતિ ત્યારે નો’તી!

અમદાવાદની ગુજરાત કોલેજમાં F.Y.Sc. માં દાખલ થયા. પરીક્ષા વખતે માંદા પડ્યા ને પરીક્ષા ન આપી શક્યા! વતન પાસેની એક હાઈસ્કુલમાં નોકરી લીધી અને F.Y.Scની પરીક્ષા આપી પાસ થયા એટલે અભ્યાસ આગળ વધારી Int.Sc. કરીને અમદાવાદની એન્જિનિયર કોલેજમાં પ્રવેશ કર્યો. સામાજિક સમસ્યાઓને કારણે અભ્યાસમાં ચિત્ત ચોટ્યું નહીં અને નાપાસ થયા. એન્જિનિયર કદાચ નહીં થવાય એટલે પાછા ગુજરાત કોલેજમાં Jr.B.Sc થરું કર્યું. એન્જિનિયરની અને Jr.B.Sc ની બંને પરીક્ષામાં પાસ થયા. બીજા વર્ષે ઈલેક્ટ્રિકલને બદલી સિવિલમાં જવાની પરવાનગી ન મળતાં,વલ્લભ વિદ્યાનગરની BVM એન્જિનિયર કોલેજમાં પ્રવેશ મેળવી તેમણે ૧૯૫૯ માં B.E.(Civil) ડીગ્રી મેળવી અને PWD સિંચાઈ ખાતામાં અમદાવાદમાં  લાલ દરવાજે નોકરી શરું કરી.

PWD ની નોકરી દરમ્યાન એમણે વાર્તાઓ લખવાનું શરું કર્યું. પ્રથમ વાર્તા “કળશ”, અમદાવાદથી પ્રકાશિત “ચાંદની” માસિકમાં પ્રગટ થઈ. ત્યાર પછી “ચાંદની”માં “એક પાનાની વાર્તા” શિર્ષક હેઠળ બીજી વાર્તા પ્રગટ થઈ. ત્યાર પછી મુંબઈથી પ્રગટ થતા “નવ વિધાન” માસિકમાં ત્રીજી વાર્તા પ્રગટ થઈ, અને આમ એમની સાહિત્ય પ્રવૃતિની શુભ શરૂઆત થઈ.

આ ગાળામાં નિયંતિકા સાથે અકસ્માતે પરિચય થયો જે ધીરે ધીરે પ્રેમ સ્વરૂપે પાંગર્યો. સમાજ અને સગાંઓને આ પ્રેમ પ્રકરણ ગમ્યું નહીં!

ચીમનભાઈ અને નિયંતિકાબેન

અમદાવાદની નોકરી છોડી, ભાવનગરની ભાવસિંહજી પોલિટેકનીકમાં લેકચરર તરીકેની નોકરી સ્વીકારી. અહીં એમણે શિક્ષણ ઉપરાંત કોલેજના મેગેઝીનના સંપાદન, વાર્ષિક નાટકોનું દિગદર્શન કરી, નાટકોમાં ભાગ લઈ અનેક પ્રવૃતિઓમાં રસ લઈ વિદ્યાર્થીઓમાં પ્રિય પ્રોફેસર થયા.

નિયંતિકાથી દુર રહીને કાગળોમાં કાવ્યો લખવાનો મોકો મળ્યો. ભાવનગરના “સૌરાષ્ટ્ર સમાચારમાં” ૧૧જુલાઈ’૬૫માં ‘ઉકળાટ’ કાવ્ય પ્રકાશિત થયું.

ભારતમાં રહીને પ્રથમ લગ્નનો ઉકેલ લાવવા પાછળ સમય બગાડવા કરતાં ઉચ્ચ અભ્યાસાર્થે જાન્યુ. ૧૯૬૭માં અમેરિકા આવી ગયા. University of Houston માંથી ૧૯૬૮ માં M.S. (Civil) ની ડીગ્રી પ્રાપ્ત કરી અને Fluor Daniel કંપનીમાં નોકરીએ લાગી ગયા.

હ્યુસ્ટનની કોર્ટમાંથી પ્રથમ લગ્નના છૂટાછેડા મેળવ્યા. ૧૯૬૯માં નિયંતિકાને અમેરિકા બોલાવી હ્યુસ્ટનની કોર્ટમાં લગ્ન કરી લીધા.

૩૦ એપ્રિલ,૧૯૭૬માં અમેરિકન સીટીઝન થઈ, બે અનુજ ભાઈઓ અને એક બેનને પરિવાર સાથે અમેરિકા બોલાવી લીધા.

નિયંતિકા સાથેના ૪૨ વર્ષના સુખી સંસાર બાદ ૭ ફેબ્રુઆરી ૨૦૧૧ ના રોજ  નિયંતિકાબેનનું કેન્સરમાં અમદાવાદ ખાતે અવસાન થયું. એમના લગ્નથી બે પુત્રીઓ, એક પુત્ર અને ચાર પૌત્રો હ્યુસ્ટનમાં જ રહે છે.   

૧૯૬૭ માં અમેરિકા આવ્યા બાદ પણ ચીમનભાઇનો સાહિત્યમાં રસ જળવાઈ રહ્યો, બલકે વધ્યો. હ્યુસ્ટનના ગુજરાતી સમાજના મુખપત્ર ‘દર્પણ’માં એમણે દર મહિને હાસ્ય લેખ લખવાના શરૂ કર્યા એટલું જ નહીં પણ એમની ચિત્રકલાની આવડતનો ઉપયોગ કરી, દર્પણના Cover page તૈયાર કર્યા. ૧૯૯૭ માં એમના હાસ્યલેખોને એમના પ્રથમ પુસ્તક “હળવે હૈયે” માં સમાવી લેવામાં આવ્યા.

ચીમન પટેલ-ચમન-ના હાસ્ય લેખોના પથમ પુસ્તક – હળવે હૈયે-નું મુખપૃષ્ઠ

હ્યુસ્ટનના બીજા એક માસિક “ધરા ગુર્જરી” માં એમણે કવિતા અને હાસ્યલેખ લખવા ઉપરાંત માસિકના કલાનિયોજક તરીકેની કામગીરી પણ નિભાવી અને એમના ચિત્રોથી માસિકના મુખપૃષ્ટને શણગાર્યા. ૧૯૮૫ માં એમના આ કાર્ય બદલ એમને “ધરાગુર્જરી એવોર્ડ” અપાયો.

ધરા ગુર્જરી એવોર્ડ

ચીમનભાઈએ બનાવેલું ધરા ગુર્જરીનું મુ્ખપૃષ્ઠ

આ ઉપરાંત એમના લેખો અમેરિકાના કેટલાક માસિકો જેવા કે (૧)નવવિધાન (૨)ગુંજન (૩)ગુર્જરી ડાયજેસ્ટ (૪)ગુજરાત દર્પણ (૫) ગુર્જરી (૬) ગુજરાત લાઈન(કેનેડા) વિગેરે માં પ્રગટ થતા રહ્યા.

ચીમનભાઈની કવિતાઓ અને લેખો “પુસ્તકાલય” વેબ સાઈટ ઉપર પ્રથમ મુકાયા અને ત્યારબાદ ચીમનભાઈએ  પોતાનો બ્લોગ “ચમનકે ફૂલ” શરૂ કર્યો.

વર્ષોથી ચીમનભાઈ હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના સભ્ય છે અને ત્યાં પોતાની રચનાઓ રજૂ કરી સૌને હસાવે છે. એમની બધી રચનાઓ એમણે “ચમન” ઉપનામથી પ્રગટ કરી છે.

મિત્રો અને સગાંઓની વર્ષગાંઠ અને એનીવર્ષરી વખતે ‘હઝલ’ લખી, રજુ કરી પેક્ષકોને હસાવવામાં મોખરે છે. ચીમનભાઈની રચનાઓની ખાસ ખૂબી એ છે કે એમને જે કહેવું હોય તે સીધે સીધું કહી દે છે; ગોળ ગોળ શબ્દોમાં નહિ.

એક ગઝલમાં તેઓ કહે છે;

“વ્યક્તિ ઓળખું કે ન ઓળખાય, તાલી પાડું છું!

ભાષણ સમજાય કે ન સમજાય, તાલી પાડું છું!”

બીજી એક રચનામાં સલાહના રૂપમાં કહે છે,

“કરી રાખ્યું છે ઘન ભેગું આજ સુધી તો ઘણું,   

દઇ દો દાનમાં થોડુ, લેનારા વળી મળે ન મળે!

 કરી છે વાતો તમે ખોટી ઘણી બધી આજ સુધી,

કહિ દો હવે સાચું, સાંભળનાર ફરી મળે ન મળે!

 “જીભ ચાલે છે તો બોલો, બીજાને દુભાવવા તો નહિ!

હાથ લંબાવો તો મદદ માટે, લાફો મારવા તો નહિ!”

એમની  ટેકનોલોજી ઉપર લખેલી “બેસતા કરી દીધા”રચના તો બ્લોગ્સમાં હજુ પણ ફરતી જોવા/સાંભળવા મળે છે,                      

                         “ખાવોનો ચસ્કો બધાનો જુઓ વધતો જાય છે આજે,

                          ‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીધા!

                          કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,

                          કુટુંબો વચ્ચેના ક્લેશો ભઈ, કેમ વધારતા કરી દીધા?

                          સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે?

                         ‘ઈલેક્ટ્રીક’ ભઠ્ઠામાંમડદાં ઝટ બાળતા કરી દીધા!

ચિત્ર-૧

ચિત્ર -૨

ખાસ કરીને ચારકોલ આર્ટમાં એમને સારો મહાવરો  છે. ચિત્ર નંબર-૧ એમની સ્વર્ગસ્થ પત્ની નિયંતિકાનો ફોટોગ્રાફ છે અને ચિત્ર નંબર-૨ માં ચીમનભાઈએ દોરેલું એમનું ચારકોલ ચિત્ર છે. ચિત્રકલા ઉપરાંત ફોટોગ્રાફી પણ એમની એક હોબી છે. અહિ ઘણા વર્ષો સીન્ગલ ટેનીસ રમી, હવે હળવી કસરતોની સાથે ફાસ્ટ ચાલવાનો ક્રમ ચાલુ રાખ્યો છે. રાતના ૯ વાગે સુઈ જઈ સવારે ૪ વાગે ઉઠવાનો ક્રમ આજે ૮૨ વર્ષની વયે પણ ચાલુ છે. સવારના ૨૫ મિનિટમાં યોગ સાથે શરીરુપિયોગી હળવી કસરત કરી નોકરીએ જાય છે અને ફુરસદના સમયમાં શાકભાજીની ખેતી કરી, મકાન ફરતે એવરગ્રીનને માળીની જેમ આકૃતિઓ આપી શોભાવે છે.

ચીમનભાઈ ‘ચમન’ એટલે પોતાની શરતે પોતાનું જીવન વ્યતિત કરતી એક Vibrant પ્રતિભા.

-પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)