જ્ઞાન-વિજ્ઞાનની સફર


મિત્રો, નમસ્કાર.
અમોએ તો વિજ્ઞાન વિષયમાં કોઈ એવું નોંધપાત્ર શિક્ષણ કે ડિગ્રી મેળવેલાં નથી છતાં વારે તહેવારે વિજ્ઞાન વિષયે બે વાત કરવા જેટલી લાયકાત તો ધરાવીએ જ છીએ. આજે વાત આ આછેરી લાયકાત પ્રાપ્તિમાં સહાયક એવા કેટલાક સદ્‍ગુરુઓની.

શ્રી.રજનીભાઈએ થોડા દહાડા પૂર્વે ’એક ઘા બે કટકા’ પર એક પુસ્તક ’આસાન અંગ્રેજી’નો પરિચય કરાવ્યો. અને અમે યાદો તાજી કરી. સૌ પ્રથમ આ લેખમાળા ’સફારી’માં પ્રગટ થતી હતી. પછી પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ. અત્યુત્તમ કાર્ય. પણ રજનીભાઈનાં એ પરિચય લેખે વિજ્ઞાન પ્રકાશનો સાથેની પુરાતન મિત્રતા તાજી કરાવી.

કબાટ ખોલ્યો. સંગ્રહમાં ગુજરાતી સ્કોપ, સફારી, વેવલેન્થ, વિજ્ઞાનદર્શન, ધૂમકેતુ, અંકુર અને અંગ્રેજીમાં સાયન્સ ટુડે તથા ૨૦૦૧ નામક પ્રકાશનો, જે અમો બહુ જિજ્ઞાસાપૂર્વક વાંચતા અને હજુ વાંચીએ છીએ, દર્શન દે છે. ’વેવલેન્થ’ નામક વિજ્ઞાન સામયિકનો નવેમ્બર ૧૯૮૮માં પ્રથમ અંક પ્રકાશિત થયો. કુલ ૨૨ અંક બહાર પડેલા. ૨૨મો અંક જુલાઈ ૧૯૯૨નો દેખાય છે. આ બધાં અંક સંગ્રહમાં છે. ’સફારી’ વાળા શ્રી.નગેન્દ્ર વિજયજી પ્રથમ ’સ્કોપ’ નામે ઘણું જ ઉમદા વિજ્ઞાન સામયિક પ્રકાશિત કરતા. તેનો બીજો અંક ડિસેમ્બર, ૧૯૭૭માં બહાર પડેલો. પ્રથમ અંક સંગ્રહમાં નથી પણ પછીથી મે, ૧૯૮૫માં તેનું પુનર્મુદ્રણ થયેલું તે દેખાય છે. સ્કોપનાં કુલ ૩૬ અંક બહાર પડેલા. ૩૬મો અંક નવેમ્બર, ૧૯૯૩માં બહાર પડેલો. જો કે મારા સંગ્રહમાં ૧૦ અંક નથી (અંક: ૩ થી ૭, ૯ થી ૧૧, ૧૬ અને ૨૮ નથી). એ જ પ્રમાણે અન્ય વિજ્ઞાન સામયિકોનાં સઘળા નહિ પણ કેટલાંક અંકો સચવાયેલા પડ્યા છે. સૌથી વધુ અંકનો સંગ્રહ થયો હોય તો એ છે ’સફારી’. કેમ કે, તેનાં કુલ ૨૨૫ અંક પ્રકાશિત થઈ ચૂક્યા છે (પ્રથમ અંક ઓગસ્ટ ૧૯૮૦ અને ફેબ્રુ. ૨૦૧૩માં ૨૨૫મો અંક). એમાંના અંક: ૧ થી ૬, અને ૧૭ એમ સાત અંકોને બાદ કરતાં અન્ય સઘળા અંક સંગ્રહમાં દેખાય છે. ખેર આજકાલ તો ગુજરાતીમાં એકમાત્ર સફારી સિવાય અન્ય કોઈ આવું સામયિક પ્રકાશિત થતું હોવાનું જાણમાં નથી. આ એકમાત્ર સફારીએ સુખેદુઃખે સાથ જાળવી રાખ્યો છે એ એમને માટે તો ગૌરવની વાત છે જ પણ વાંચવામાં પૈસા ન ખરચતા હોવાની તદ્દન ખોટી છાપ ધરાવતા ગુજરાતીઓ માટે વિશેષ ગૌરવની વાત છે. આમ તો સફારી એટલે જ જ્ઞાન ઉપાર્જનની યાત્રા. એક સમે ભૌગોલિક અને પ્રાકૃતિક જ્ઞાન મેળવવા માટે જે સાહસ સફરો થતી તે સફારી કહેવાતી. આવી સફર કરનારા એટલે સફરી અને એ સફરીઓ વળી જે ખાસ પોશાક પહેરતાં એ પણ કહેવાયોDSC08365b સફારી ! આપણે તો રાજેશ ખન્નાનાં જમાનામાં આવા સફારી સૂટ બહુ પ્રખ્યાત થયેલાં. પરણવા ઊપડતા વરરાજા માટે તો આ સફારી સૂટ ફરજિયાત ગણાતો. કદાચ લગ્ન એ પણ એક પ્રકારે સહજીવનની સાહસ સફર જ ને ?! (કે પછી, આ સાહસ કરવા જેવું નહોતું એવા જ્ઞાનપ્રાપ્તિની સફર !) લો આપણે પણ ક્યાં આડીઅવળી કેડીએ ચઢ્યા ! ચાલો પાછાં મુખ્ય મારગે.

જે જમાનામાં કૉમ્પ્યુટર તો ઠીક કૅલ્ક્યુલેટર પણ અમોને માટે દૂરની કોડી હતાં, ગુગલ કે વિકિ મહારાજનું હજુ ગર્ભમાં અવતરણ પણ નહોતું થયું, ત્યારે આ બધા જ્ઞાનવિજ્ઞાન સામયિકોનાં વાંચનનો શોખ અમારી ગણતરી વિદ્વાનોમાં કરાવતો ! (ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન !). વધુમાં આમાં દેશ વિદેશનાં લેખકોની કેટલીક બાળવિજ્ઞાનકથાઓ અને સાહસકથાઓની ચોપડીઓ પણ ગણવી. જો કે આ સામયિકો તો વાર્તા નહિ પણ નક્કર વાતો જણાવતા. એમાંયે શ્રી. નગેન્દ્ર વિજયજીનાં લખાણ-સંપાદનમાં અઘરા વિષયને સરળ કરી ગળે ઉતારી દેવાની જે કલા રહી છે તે તો અદ્ભુત છે. મારી જાણકારી ખોટી ન હોય તો, તેઓશ્રીનાં પિતાશ્રી, આદરણીય લેખકશ્રી વિજયગુપ્ત મૌર્યજી પણ પોરબંદરનાં. (આ ગામે વિશ્વને પથ્થરથી માંડી અણમોલ રતન સુધીનો ખજાનો આપ્યો છે.)

તો હવે, હસ્તકંકણને આરસી શું, અને ભણેલગણેલને ફારસી શું ? નીચેના ચિત્રો પર પણ નજર નાંખી લો. કબાટનું આ ખાનું, આટલું જ ઠસાઠસ, ’નોટો’ વડે ભરેલું હોત તો ? કદાચ અમો ગમે ત્યાં હોત પણ આપ સમા ગુણીજનો વચ્ચે તો ન જ હોત ! છટ્‍ ! એવો ખોટનો ધંધો ગાંધીનાં ગામનો આ ’દોઢવાણિયો’ ન જ કરે !!

જ્ઞાન વિજ્ઞાનનો ખજાનો

’સફારી સંગ્રહ’, જ્ઞાન વિજ્ઞાનનો ખજાનો

વધુ જ્ઞાન અર્થે આ જરૂર વાંચો:

સફારી (વિકિપીડિયા)
વિજયગુપ્ત મૌર્ય (વિકિપીડિયા)
સફારી વેબસાઇટ
સફારી સૂટ વિષયક લેખ (ધ નૅશનલ)

39 responses to “જ્ઞાન-વિજ્ઞાનની સફર

 1. હાઈલા…અશોકભાઈ, આપણે બે આ બાબતે સરખ હોં! સમજો કે….મારો પણ આવો જ એક સંગ્રહાયેલો ખજાનો સાબુત છે….જેની પર યાદોની મજ્જાની ધૂળ ચીટકાયેલી છે.

  Like

  • આવ ભાઈ સરખા, આપણ બેઉ હરખા ! (હરખ્યા !)
   સાહેબ, એ મજ્જાની ધૂળ ખંખેરો (મજ્જા નામનો એક પદાર્થ મગજ સાથે પણ સંકળાયેલો છે જે મજ્જાતંતુ નામે ઓળખાય છે) અને એમાં સંગ્રહાયેલા જ્ઞાનનો પ્રવાહ અમ જેવાઓ તરફ વહેતો કરો. જો કે આપ એ જ તો કરો છો, પણ આ ખજાનાનું સાંભળીને અમારી તરસ વધવા લાગી છે.
   ધન્યવાદ, મુર્તઝાભાઈ.

   Like

 2. તારો સંઘરો વખાણવા જેવો કહેવાય તારા આવા શોખને લીધે તારી ગણતરી વિદ્વાનોમાં મારા જેવા કરે છે .

  Like

 3. કિશોર કાળની યાદ તાજી થઈ ગઈ.
  નાગેન્દ્ર વિજયનો પરિચય બનાવી દો તો?
  વિજયગુપ્ત મૌર્યનો અહીં પણ છે …
  http://sureshbjani.wordpress.com/2011/07/15/%E0%AA%A8%E0%AA%97%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AFnagendravijay/

  Like

 4. પોસ્ટ લખનારે મેનત કરી જે માહીતી આપી છે એ હીસાબે એ પ્રકાશનોની મહેનત પણ દાદ આપવી જોઈએ…

  ગુજરાતી સ્કોપ, સફારી, વેવલેન્થ,વીજ્ઞાનદર્શન, ધુમકેતુ, અંકુર અને અંગ્રેજીમાં સાયન્સ ટુડે સલામ સલામ…..

  Like

 5. આજે ખાત્રી થઈ કે અમને પ્રથમ નજરે જ તમારા માટે માન થયું હતું તે બહુ જ વાજબી હતું.

  તમે ઈલેક્ટ્રીકલ સાધનોની દુકાન ચલાવતાં ચલાવતાં પ્રવાસ, વાચન, સંપર્કો, નવીનવી પ્રવૃત્તીઓ, સંશોધનો, પ્રસારાત્મક કામગીરીઓ, રસોઈ, મહેમાનગતી, પ્રાણી અને વનસ્પતીપ્રેમ, કુટુંબપ્રેમ….વગેરે વગેરે વગેરે કેટલાં ક્ષેત્રોમાં પથરાયેલા છો !!

  વિકિપ્રવૃત્તીમાં તમે અને ધવલભાઈ ઘણું કરી શકશો ને ગુજરાતીભાષાને તમારી મદદ યાદ રહેવાની.

  Like

  • ધન્યવાદ, જુ.ભાઈ.
   મારો નાનો ભાઈ, જે ’માસ્ટર’ (માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન) છે એ મને ’jack of all trades, master of none’ તરીકે ઓળખાવે છે ! ઈવડો ઈ મને વખાણે છે કે વખોડે છે એ મને હજુ સમજાયું નથી 🙂

   આપ સમા મિત્રોનું માર્ગદર્શન સદાય મળતું રહ્યું છે એ મૂળ વાત છે. આભાર.

   Like

 6. હવે મારો કઈક કહેવાનો 😉 . . . હું સફારીને રવાડે ! ચડેલો , કઈક રહસ્યમય ચિત્રકથાને કારણે [ નામ યાદ નથી ] . . . અને પછી , તે દિવસ બાદ . . . જે ધબધબાટી બોલાવી છે , સફારીના જુના અંકો મેળવવાની તે . . . . હજીયે ભેગી કર્યે જ રાખું છું . . . 1 થી 30 સુધીના કેટલાક અંકો તો 100 રૂપિયામાં લીધેલ છે અને એક દિવસ , તે પસ્તીવાળા ભાઈ પાસે , પ્રથમ અંક પણ હતો . . . પણ તે તેના ખુબ જ ભાવ કહેતા હતા . . અને મેં વિચાર્યું બીજે દિવસે આવીને થોડી લમણાઝીંક કરીને લઇ જઈશ . . . પણ , બીજે દિવસે અંક ગાયબ 😦 . . .

  ” સફારી ” કદાચ , એક જ એવું મેગેઝીન હશે કે જે જેમ જુનું થાય તેમ તેના ભાવ વધ્યે રાખે 🙂 . . . મારા , પ્રથમ જ્ઞાનગુરુ ને પ્રણામ . . . કોઈક દિવસ તેંનું ઋણ ફેડીશું [ એવી ત્રેવડ તો નથી , પણ પ્રયત્ન જરૂર કરીશું 🙂 ] . . . .

  હવે તો ખાનામાં સફારી રાખવાની પણ જગ્યા નથી રહી ! અને , હા પપ્પા પાસેથી સ્કોપનો બેથેબેઠો ખજાનો મળેલ . . . કે જે હજી મસ્ત સાચવી રાખ્યો છે 🙂 . . . ખરેખર તો , ગુજરાતી પાઠ્યક્રમમાં , સફારી ને ફરજીયાત કરવું જોઈએ . . . એ બહાને શિક્ષકો થોડું શીખશે 😉

  અને મુખ્ય તો , ત્રણ ત્રણ પેઢીથી જે અદભુત જ્ઞાનરથ ચાલે છે . . . વિજયગુપ્ત મૌર્ય , નગેન્દ્ર વિજય , હર્ષલ પુષ્કર્ણા [ તેમના , સફારીમાં આવતા તંત્રી લેખો તો બસ જબરદસ્ત હોય છે . ] , એનો કોઈ જવાબ જ નથી . Mind blowing Legacy .

  Like

  • નિરવનેય ધન્યવાદ….બાકી આતાની વાતમાં ઉમેરો કરવાનો કે પ્રથમ જ પરીચયે મને અશોકમાં ઝબકારો જોવા મળેલો…..

   Like

  • “ખરેખર તો , ગુજરાતી પાઠ્યક્રમમાં , સફારી ને ફરજીયાત કરવું જોઈએ . . . એ બહાને શિક્ષકો થોડું શીખશે” એકદમ સાચી વાત કરી નિરવભાઈ તમે. આવું થાય ની તતી જરૂર છે, ગુજરાતી માધ્યમના બાળકોને માથે જે કલંક છે, તે કદાચ ભૂંસાશે જે એમ થાય તો… પણ, એ તો દિવાસ્વપ્ન જ છે…

   Like

   • સાચી વાત છે ધવલભાઈ . . . મને કહેવા દો કે , રાત્રે ઓશિકા નીચે જો સફારી રાખીને સુતા હોઈએ તો , સપના પણ લોજીકલ આવે 💡

    તેમના જ પ્રકાશનો સિવાય , કોઈ જાહેરાત નહિ . . . માત્ર ને માત્ર વિષયને જ વળગી રહેવાની ટેવ . . . દરેક વિષયોના અલગ નિષ્ણાતો . . . કાગળની ઉતમ ગુણવત્તા . . . અદભુત કોયડાઓ . . . ” એક વાર એવું થયું . . . ” અને છેલ્લે આવતી , જબરદસ્ત ‘ સુપર ક્વીઝ ‘ . . . અને એવું તે કેટલુંયે સ્વર્ગીય અનુભૂતિ કરાવી દે તેવું વૈવિધ્ય 🙂

    Like

   • ધવલજી, દિવાસ્વપ્ન પછી આંખ ખુલે તો અજવાળું દેખાય ! લાગતા વળગતાઓની આંખ વહેલાસર ખુલે અને ગુજરાતી માધ્યમનાં બાળકો જ્ઞાનનાં ઉજાસમાં નહાય એવી અભ્યર્થના. ધન્યવાદ.

    Like

  • ધ..ધ..ધ..ધ..ધન્યવાદ, નિરવભાઈ.
   ઓશિકે સફારી રાખીને સપનાઓને લોજીકલ બનાવવાનો વિચાર પણ ઓશિકે સફારી રાખ્યા પછી જ આવ્યો હોવો જોઈએ !! 🙂
   પાઠ્યક્રમમાં સફારી તો કદાચ વ્યવહારૂ બને કે ન બને પણ પાઠ્યક્રમ તૈયાર કરવામાં સફારીની નિપુણતાનો સાથ લેવાય તોયે ઘણો ફરક પડે. આભાર.

   Like

 7. આપે ‘ વાંચનયાત્રા ‘ દ્વારા ગુજરાતી સમાજનું દિલમાં ખાસ જગ્યા બનાવી દીધી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.

  સુંદર જ્ઞાનનો ખજાનો,
  આપ દિલના છો, મજાના

  Like

 8. સ્કોપના છેલ્લા કેટલાક નથી, બાકીના છે, મેળ પડશે તો તમારુ કલેક્શન પુરુ થઈ જશે.
  પણ આ સફરમાં તમે ‘જુલે વર્ન’ ને ભુલી જાઓ તે ન ચાલે. એણે કલ્પેલી રોકેટ ટેકનોલોજી, સબમરીન એ બધું પાછળથી વાસ્તવિક બન્યું.
  કલેક્શન માટે અભિનંદન.

  Like

  • ’તમારુ કલેક્શન પુરુ થઈ જશે.’ – આપનાં મોં માં ઘી-સાકર !
   જુલે વર્નનું નામ ન લખ્યું એ સાચું પણ ’દેશ વિદેશનાં લેખકોની કેટલીક બાળવિજ્ઞાનકથાઓ અને સાહસકથાઓ’માં તેઓને પણ સામેલ ગણવા. જો કે જુલે વર્નનાં એક પુસ્તકને બાદ કરતાં અન્ય સઘળાં લાઇબ્રેરીમાંથી લાવીને વાંચેલા એટલે સંગ્રહમાં દેખાતા નથી. બે દહાડા પહેલાં એક મિત્રએ જણાવ્યું કે ગામમાં ચાલતા પુસ્તક મેળામાં જુલે વર્નનાં ઘણાં પુસ્તકો છે. હવે ઓછામાં ઓછું બાળકોને ભેટ આપવાનાં બહાને લાવીને સંગ્રહ મધ્યે શોભાયમાન કરીશ.

   ધન્યવાદ, જગદીભાઈ.

   Like

 9. સારું થયું તમે આ પોસ્ટમાં મને યાદ કર્યો… શાહબુદીન રાઠોડ પેલા સિંહ અને વાંદરાની વાત કરે છે એમ કો’ક દી ઇતિહાસમાં આ રજની અગ્રાવત નામના વાંદરાને યાદ કરાશે કે (અશોક) સિંહ એ આમનું નામ લીધેલું.. (એનાથી તમારી ક્રેડીટ ઘટે તેની (બે)જવાબદારી મારે શિરે નહીં !)

  Like

  • શ્રી.રજનીભાઈ, આપને કારણે તો મારે આ કબાટ ખોલવો, ઝાપટવો, ફોટા પાડવા, લખવું વગેરે વગેરે મહેનત કરવી પડી ! અને હવે આપ જ આમ છટકાવી જાવ તે કેમ ચાલે ? 🙂 હું તો હજુ આપને આ ’મજુરી’નું બીલ મોકલવાનું વિચારતો હતો !! પણ હવે આપે પ્રતિભાવરૂપે પારિશ્રમિક ચૂકવી આપ્યું એટલે મામલો રફેદફે.

   આ તો જરા મજાક કરી, પણ આપે અમોને ઘણી વખત અને ઘણાં વિષય-પુસ્તક વાંચવા પ્રેરણા આપી છે. આપનો હાર્દિક ધન્યવાદ તો કરવો જ ઘટે. ધન્યવાદ.

   Like

 10. Bhai shri,i am living in small village Thanapipli.i am reading safari since 2003,when i was study at kalwa chowk ,Gurukul.i am big fan of you and safari.

  can i meet you in junagadh?

  Like

 11. અશોક”જી” ! બસ એક “જી” કાફી છે !
  (ક્ષમા, આ પ્રતિભાવનું બાકીનું લખાણ સંપાદન દ્વારા હટાવ્યું છે ! આપ સમજી શકો છો કે ભાઈ શકિલે એમાં મારી કેવી ધોલાઈ કરી હશે ! 🙂 –અમો.)

  Like

 12. નમસ્કાર
  મારી પાસે પણ સફારીમાસિક નો સંગ્રહ છે।
  નીચેના અંક ખૂટે છે, તેમના જે અપની પાસે હોઈ તો તેની ક્ષેરોક્ષ આપવા વિનંતી કરું છું,
  જે કઈ રકમ ખર્ચ થશે તે તમોને મોકલાવી આપવા સંમત થ્હાવ છું,
  1 2 3 4 5 6 7 8 9 13 15 18 22 23 25 27 28 29 30 31 32 33 34 36 37 38 અને 160
  આ પછી ના દરકે અંક મારી પાસે છે . તમારે ખૂટતા અંક જોતા હોઈ તો મને કહેજો અપને ક્ષેરોક્ષ મોકલાવી આપીશ
  ઉપરોક અંકો સફારી ની ઓફિસમાં માં પણ નાથ્હી .

  વિનોદ દવે

  Like

  • શ્રી.વિનોદભાઈ, સ્વાગત અને આભાર.
   હું ખૂટતા અંકોની ભરપાઈ થઈ શકે તેવા શક્ય પ્રયાસો કરીશ. મેઇલ દ્વારા આપનો સંપર્ક કરીશ. (જો કે ક્ષમા કરશો, તા:૧૮/૨/૨૦૧૩ સુધી હું અંગત કાર્યક્રમોમાં રોકાયેલો છું એટલે એ પછી અવશ્ય આપનો સંપર્ક કરીશ અને અંકો મોકલાવીશ.) ધન્યવાદ.

   Like

 13. જુલે વર્નની પહેલી ઓળખાણ અમદાવાદનાં મા.જે. પુસ્તકાલયમાં શ્રી મુળશંકર ભટ્ટના અનુવાદીત પુસ્તકો વડે થયેલી. અને આજે પણ યાદ આવે છે કે સાત આઠ વર્ષની ઉંમરે વાંચેલ વિજયગુપ્ત મૌર્યની ‘ચંદ્ર પર ચડાઇ”, “પાતાળ પ્રવેશ” જેવાં પુસ્તકો ગુજરાતી બાળમાનસને આધુનિક અને વિજ્ઞાન વિષયક અભિગમ કેળવવામાં કેવું અભૂતપૂર્વ યોગદાન. થોડા સમય પહેલાં શ્રી હર્ષલ પુષ્કરણાની વૅબસાઈટ પરથી જાણવા મળ્યું કે વિજયગુપ્ત મૌર્યનાં પુસ્ત્કો હવે ફરીથી મળવાં તેમણે શકય બનાવ્યાં છે.
  અશોકભાઇએ મારાં બાળપણની વાતો તો યાદ કરાવી આપી. તે સાથે ગુજરાતનાં આજનાં બાળકોમાટે આજે પણ આ પ્રકારનાં આધુનિક અને વૈશ્વિક જ્ઞાનની બારીઓનાં સરનામાં યાદ કરાવી આપ્યાં છે.

  Like

  • બહુ ઓછી જાણીતી વાત છે કે, મૂળશંકરભાઈ મો. ભટ્ટ જેને અમે સૌ કોઈ ‘ભાઈ’ કહીને સંબોધતા તેમણે અનુવાદો શરુ કર્યા તેની પાછળનું મહત્ત્વનું કારણ એ હતું કે વીદ્યાર્થીઓને વાર્તા કહેવા માટે કશુંક આપવું જોઈએ તેમ લાગતાં તેમણે આ બધા અનુવાદો કર્યા !!
   છાત્રાલયના વીદ્યાર્થીઓને સારી વાર્તા કહેવા માટે શરુ કરેલું આ અભીયાન ગુજરાતીભાષાને ઉત્તમ ભાષાંતરો આપનારું બની રહ્યું ! તેઓએ ગુજરાત વીદ્યાપીઠમાં મુખ્ય વીષય સંગીત રાખેલો…સીતાર તેમનું વાદ્ય હતું….પરીક્ષા વખતે પરીક્ષા લેનારને ખબર પણ ન રહી અને મળેલા ગુણનો સરવાળો કર્યો તો સોમાંથી એકસો ઉપર ગુણ થતા હતા !
   એમનું સીતારવાદન અમને છાત્રાલયમાં અવારનવાર સાંભળવા મળતું….(તેહિનો દિવસા: ગતા: !)

   Like

 14. મહાભારત યુદ્ધની શરુઆતમાં અર્જુન બધા સગાવહાલાઓને જોઈને રથની પાછળ બેસી ગયો હતો એમ બજેટ સીઝન વખતે આ અશોકભાઈ બ્લોગ વર્કમાં વ્યસ્ત અથવા બીઝી થઈ ગયા લાગે છે….

  Like

  • એવું નથી વોરાસાહેબ. આ લગ્નગાળામાં બહુ લાડવા ઝાપટ્યા તે હવે આફરો ઉતારુ છું ! ગુજરાતી વિકિસ્રોતને એક વર્ષ પૂર્ણ થવામાં છે તેની ધમાકેદાર ઉજવણીનો કશોક કાર્યક્રમ ઘડવાની તૈયારી ચાલે છે. બસ હમણાં મગજ એમાં રોકાયું છે. આપે અમોને યાદ કર્યો, આપનાં પ્રેમ બદલ હાર્દિક ધન્યવાદ.

   Like

 15. વહાલા અશોક તારા જેવો જ્ઞાન મેળવવાનો ઉત્સુક અને ઉત્તમ સાહત્ય ધરાવતો અને એનાં માટે હમેશ ભુખ્યો રહેતો માણસ મેં સાંભળીયો નથી .તારી જીજ્ઞાસા વૃતિ અમર રહે

  Like

 16. નવી બધી પોસ્ટ જોઈ ગયો. કોમેન્ટ લખવાનું બંધ હતું એટલે અહીં કોમેન્ટ લખી છે…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s