બોધકથા-પાપ પુણ્ય


(મિત્રો, નમસ્કાર. નવરાશે ડાયરો મળે એટલે અવનવા વિષય પર ચર્ચા થાય. ક્યારેક એકાદ જણ, કર્ણોપકર્ણ વહેતી, લોકજીભે ચઢેલી, બોધકથા ગણાય તેવી વાર્તા પણ પોતાની વાતનાં પક્ષમાં માંડે. ગત ધૂળેટીને દિવસે મિત્ર જેઠાભાઈનાં મોંએ સાંભળેલી આવી એક બોધકથા, તેમની જ ભાષામાં, આપ સમક્ષ મેલવા પ્રયાસ કર્યો છે. સાંભળેલું લખવાનો ઝાઝો મહાવરો નથી તેથી ઘણી ક્ષતિઓ જણાશે. ન સમજાય તેવા ગામઠી શબ્દો અને અમારી ક્ષતિઓ પ્રત્યે ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે. આભાર.)

*
એક ગામ હતું, ગામમાં એક ફક્કડ માણહ રહે. આમ તો ખાસ કંઈ કામધંધો કરતો નહિ, પણ ફરતલ ખરો ને દુનિયાનો ખાધેલો. બહુ કંઈ ભણેલો તો નઈ હોય પણ ભાટકી ભાટકીને ગણતર આવડી ગયેલું ! થોડોક રાહીએ ખરો તે ગામમાં રાઈડ પણ ફટવે. હવે એક દા કરવું તે આ ગામમાં કોઈ સાધુ પધાર્યા, સાધુએ આમ તો ખડીયા પલટણ ! (માગી ખાવું ને મસીદે સુવું એવા સાધુને આ ગમા ખડીયા પલટણ કહે છે) ગામ હારે ગોઠી ગયું, ખાવા મળી ર્‌યે અને સાંજ પડે ગામના ચોરે સઘળા ભેળા મળીને બેહે અને મા‘રાજ આવડે એવી ધરમધ્યાનની વાતુ હંભળાવે.

આપણો આ ફક્કડ ગીરધારી વળી સાવ નવરો ધુબાક તી ચોરે પડ્યા પાથર્યા રેતા મા‘રાજની હારે સત્સંગ કરે રાખે. આમને આમ ઘણાક દિ નીકળી ગ્યા, મા‘રાજની વાતુ હાંભળી હાંભળીને આવડો આ ફક્કડ મનમાં મુંજાયે રાખે કે માળું આ મા‘રાજ જેને પાપ ગણાવે છે એવાં જ કામા મેં તો જીંદગીભર કીધાં છે. કો‘કનું જટી લેવું, કો‘કને ધોલધપાટા કરવા, ચોરીગારીને બાધણાં તો રોજનાં થ્યા ! માળું આપણને કંઈ ગનાન બનાન નમરે ને અણહમજાઈમાં ઝાઝાં પાપ કરી દીધાં ! હાલ્ય હવે આ ગનાની મા‘રાજનાં જ પગ પકડું, એનો ચેલો થઈ જાંવ, કંઈક ધરમધ્યાન થાહેં ને થોડાંક પાપ ધોવાહે !
તી મા‘રાજને ક્યે કે, મારાજ ગમે ઈ થાય મને તમારો ચેલો કરો તો જ હા !
મા‘રાજનેય વળી ક્યાં વાંહે કંઈ રાજપાટ પડ્યું તું ! ક્યે કે એક કરતાં બે ભલા ! માગીનેં જ ખાવું છે ને !! કર્યો ચેલો ! અને આમે આંહી હવે ઝાઝા દિ થ્યા તી ઉપડ્યા કો‘ક બીજે ગામ !

ફરતા ફરતા એક ગામના પાદરમાં પહોંચ્યા ત્યાં બરાબર વાળુટાણું થાવા આવ્યું, પાદરમાં પુછાણ કર્યું કે ગામમાં કોઈ ભગતનું ઘર ખરૂં ? અમ બાવાસાધુને રોટલો ખવરાવે એવો કોઈ પુણ્યાત્મા ખરો ? તી બે‘ક જણાએ ગામને છેવાડે પડુંપડું થતાં ભીંતડાવાળું એક ઘર ચીંધ્યું કે ન્યાં પુગો, બે ય ભગત-ભગતાણી જ છે, તમ જેવા બાવાવનો ન્યાં જોગ થાહે !
આવડા આ તો પુગ્યા ભગતની ડેલીએ, જય સીતારામ કર્યા ને ક્યે કે, ભગત રોટલાનો જોગ થાય તો ભગવાન તારૂં ભલું કરે ! ભગત-ભગતાણી તો બીચારાંને જાણે હૈયે હરખ ઉપડ્યો પણ જેમ લગભગ ભગતોનું હોય એમ આહીં પણ તાવડીમાં તારો ને કાથરોટમાં મારો ઈ હાલ તો ખરા જ !! બેય માણહે સનહ કરી લીધી કે આંગણે આવેલાનું પેટ ભરવું ઈ ધરમ. આપણે એક ટક છાંડીયે તો ક્યાં મરી જાવાનાં છીએ ! બેય બાવાવને ઓશરીમાં બેહાડ્યા, આગતા સ્વાગતા કરી. ઘર ધણીયાણીએ  રાંધણીયામાં ચૂલો ચેતાવ્યોને આંહી મા‘રાજ અને ભગતે સત્સંગ માંડ્યો.

હવે આવડા આ ફક્કડને તો કંઈ સત્સંગ બત્સંગમાં ઝાઝું મગજ ખુંતે નહિ તી બેઠો બેઠો રાંધણીયેથી હંભળાતા રોટલાનાં ટપાકા ગણે ! એક રોટલો થ્યો, બે રોટલા થ્યા, ને ઘર ધણીયાણીએ અવાજ દીધો કે, હાલો મા‘રાજ જમવા. ભગત-ભગતાણી ક્યે કે તમે પે‘લાં જમી લ્યો, અમારે તો મે‘માન જમે પછી જમવાનું નિમ છે. બેઉ બેઠા, થાળીમાં એક એક રોટલો આવ્યો, આ ફક્કડ ચેલાને ખબર કે રોટલા બે થયા છે. જો અમે દાબી જાહું તો આ ધણી-ધણીયાણી ભૂખા રેહે. તી અડધો રોટલો કાપીને પાછો મેલી દીધો. હવે પેલા મા‘રાજને તો આવું ગનાન કોઈ દિ આવેલું જ નહિ ! આ ચેલાનો પાછો મેલેલો અડધો રોટલોય ઈ દાબી ગ્યા !! ભગત કહે કે રાતવેળા છે, ફળીયામાં ખાટલા ઢાળીને નિંદર કરો, સવારે મારગ જાલજો. તે મા‘રાજ અને ચેલાએ લંબાવ્યું. મા‘રાજને તો મજાનો દોઢ રોટલો પેટમાં પડી ગયેલો તે ઘારણ વળી ગ્યું પણ આ ફક્કડ ચેલાને કેમે કરી નીંદર ન આવે. વિચારે ચઢ્યો કે ભારે કરી, આજ મારે વાંકે આ ગરીબ બચાડાં ભૂખ્યા રહ્યા. આણે અમ સાટુ આટલું કર્યું તો લાવ આનેય ચાર-છ મહિનાનાં દાણાપાણીનો જોગ કરતો જાંઉ ! મેં તો જીંદગીભર આવા ધંધા જ કર્યા છે, એકસઠ ભેગી બાસઠ, શું ફરક પડે ?!

તે ચેલો અરધ રાતે ઉપડ્યો, જાણતલ તો ખરો જ, ગામનાં શાહુકારની દુકાનનાં ખપેડા ફાડીને હાથ ચઢ્યો એટલો દાણો ઉપાડ્યો ને ભગતની ઓશરીમાં ખડકી દીધો. પછી વિચાર્યું કે સવારે ચોરીની ખબર તો થશે, સિપાઈ સપરાનાં ધાડા છૂટશે, આ ભગત ઉપર તો કોઈને શંકા નહિ જાય પણ અમ બે અજાણ્યાને જોહે તો વે‘માશે. ઉઠાડ્યા મા‘રાજ ને અને કહે કે, ચાલો.
મા‘રાજ કહે, હજી તો અરધરાત થઈ છે, સવાર તો થાવા દે.
ચેલાએ માંડીને વાત કીધી, કહ્યું કે, હવે રોકાવામાં માલ નથી, સિપાયુનાં હાથે જલાહું તો વાંહા કાબરા થાંહે ! અને મા‘રાજે મારગ ઝાલ્યો !

મા‘રાજ વિચાર કરે કે આ માળો સુધરવાનો નથી ! આને ભેળો ન રખાય. આ કો‘ક દહાડો મારોય વાંહો ભંગવશે ! તે મા‘રાજ કહે, ચેલાજી, હવે તમે ઉગમણે જાવ અને હું આથમણે, આપણાં મારગ નોખા.
ચેલો કહે, એમ નો હાલે ! હું પાપ ધોવા તો તમ જેવા ગનાનીની હારે થ્યો છું, પાપ ન ધોવાય ત્યાં લગી કેડો ન મેલું !
મા‘રાજે આ લપ છોડાવવા એક ઉપાય કર્યો. હાથમાં વર્ષોથી એક સૂકા લાકડાનો દંડૂકો રાખતા તે ચેલાને આપ્યો અને કહે, આ પવિત્ર દંડૂકો તને આપું છું. જે દિ તારા બધાય પાપ ધોવાઈ જાહે તે દિ આ લાકડાનાં દંડૂકાને કોંટા ફૂટશે ! ઈ પાછો લીલો થાહે ! અને જે દિ એમ થાય તે દિ મારી પાહે પાછો આવજે. મા‘રાજે વિચાર કર્યો કે આ સૂકા ઠૂંઠાને કોઈ દિ કોંટા ફૂટે નહિ ને મારે આ લપનો પનારો ટળે !

ફક્કડ ચેલો તો દંડૂકો લઈને પડ્યો પંથે. અરધાક દિ નો પંથ કર્યો હશે ત્યાં મારગમાં એક નદીનો સૂકો પટ આવ્યો, ગામ સામે કાંઠે ને સિમાડો નદીને આ કાંઠે હશે તે ખેડુ બધાં પાકેલો દાણોપાણીને નિરણપૂળાનાં ગાડા ભરી નદીનાં પટ સોંસરવા ગાડુ હાંકી ગામમાં ગરે. હવે બરાબર નદીનો પટ ચઢતાં, ચડાશ ઉપર જ, ગામધણીએ કર નાકું કરેલું ને દાણી બેસાડ્યો. એય પુરા દિ નો હશે તે ગાડા ઢાળ માથે રોકાવીને દાણ ભરાવડાવે. નદીનાં પટમાંથી ઢાળ ચઢવાનાં મારગે ગાડાની હાર થયેલી ને બળદુ બચાડા ઊભાઊભા ટૂંપાય.
આ ફક્કડ ચેલાએ તાલ જોયો પણ રે‘વાણું નહિ તી જઈને દાણીને કહે કે, ભાઈ આ બળદુ બચાડા ઢાળ માથે ટૂંપાય છે તે ગાડા થોડા આગળ વધારીને, સમતળ ભોમ માથે ઊભાડી પછી દાણ ઉઘરાવો તો વાંધો શું છે ?
દાણી વળી રાજનો માણહ, સત્તાનાં મદમાં મસ્ત થયેલો તે આવા ફક્કડની સાચી સલાહેય શેવાનો કાને ધરે ! બહુ સમજાવ્યો, ખેડુઓએ પણ કીધું કે, મા‘રાજ અમેય વરહો વરહ કાકલુદીઓ કરીને થાક્યા છીએ પણ આ દાણી એક નો બે નથી થાતો.

અંતે ભાઈ આ ફક્કડ જાત માથે જઈને ઊભો ! વિચાર્યું કે હવે બાંસઠ ભેગી ત્રેસઠ. હાથમાં બાવાજીનો આપેલો ધોકો હતો ઈ સોઈઝાટકીને ઠોક્યો દાણીનાં માથામાં. પણ દાણીને ચઉદ બ્રહ્માંડનાં દર્શન કરાવી દીધાં હોં !

પણ પછી તો બે વાતુ બની; ખેડુ ને બળદુને કાયમની શાંતિ થઈ ગઈ અને ઓલા સૂકા લાકડાનાં દંડૂકામાં લીલાછમ કોંટા ફૂટ્યા !!

20 responses to “બોધકથા-પાપ પુણ્ય

  1. નમસ્તે ..! આપના અંદાજ મુજબ કાઠીયાવાડી લ્હેકા માં વાંચવાની મઝા આવી
    આમ જ કલમ થી આંખો ને ગમતુ ભાણુ અમ સુધી પીરસતા રહેશો
    ધન્યવાદ

    Like

  2. પાપ અને પૂણ્યની આટલી સાદી અને સીધી – ગળે શીરો ઊતરી જાય એવી – વાર્તા પહેલી જ વાંચી. ઢગલાબંધ ઉપદેશો અને ગનાનની વાત્યૂં કરતાં સાચી વાત લાગી.

    અને કોણ જાણે કેમ – ‘વેડનસ ડે’ – મારી માનિતી ફિલમ યાદ આવી ગઈ. કાયદો હાથમાં લેનાર સાચા માણસની વાત.
    ———
    અમૂક કાઠિયાવાડી શબ્દ ન સમજાણા; પણ મુદ્દો સમજાઈ ગયો.

    Like

    • શ્રી.સુરેશભાઈ, આભાર.
      આ તો દાદા ધૂળિયા મનેખુની ધૂળ જેવી વાતુ કેવાય ! ગનાનીની વાતુ હામે નો ટકે પણ માલીપા ગનાન ઠાંહોઠાંહ ભરેલું હોય !! ગોતતા આવડવું જોયેં. ગામઠી કે અભણ કે અર્ધભણ લોકો ભારે ભરખમ વાતુમાં ન સમજતા તી આવી બોધકથાઓની રચના થઈ હશે. આમાં ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી સદ્‌ભાવના હશે ! અને હા, કૃપયા ન સમજાયેલા શબ્દોની આછેરી યાદી આપો તો અર્થ કરવાની મજા પડે. (આ આતા ક્યાં ખોવાયા ?! ઈ લગભગ બથાંયનાં અરથ કાઢે દેહે !!) આભાર.

      (મનેખ=માનસ, જનસમૂહ. માલીપા=અંદર; માલીકોર; અંદરની બાજુએ. ગોતવું=શોધવું.)

      Like

  3. હું પાપ ને હું પુણ્ય – જાજુ ગુરુજી ભલે વિશાર્યા કરે. અહીં યા તો ધોકા મારે લીલા કોટા ઉગાડે ઈ – જણ હાચો !

    હવે ગુરુજીનો મરો થાવાનો – આ ફક્કડ પાછો પુગશે ગુરુજી કણે – લીલા કોટા ફુટેલો ધોકો લઈને જ સ્તો વળી 🙂

    Like

  4. ઓલા સૂકા લાકડાનાં દંડૂકામાં લીલાછમ કોંટા ફૂટ્યા !! વાહ સર_સ “બોધકથા”,
    જેઠા ભગત કથા કહી કઈ કને ગયા ?
    ભાગ-૨ પણ સંભળાવો અને ચેલાશ્રીને પણ કથા લખવા વિનંતી !

    Like

  5. બહુજ મજાની વાત હતી .મને વિચાર આવે છેકે ગામોગામ આવા ફક્કડની જરૂર છે .આવા ફક્કડ ની થપ્પડ પડે તો ઘણો સુધારો થાય
    આતો (હિંમતલાલ અતાઈ ) કીનો જાહે આં નો આં સે થોડાક દિ harath (સોરઠ ) માં મેમાન ગતિ માણે આવ્યો .

    Like

  6. ૬૧..

    ૬૨..માં દાણો ઉપાડ્યો ને ભગતની ઓશરીમાં ખડકી દીધો.

    ૬૩.. દાણીને ચઉદ બ્રહ્માંડનાં દર્શન કરાવી દીધાં.

    ૬૪..

    Like

  7. Ashokbhai ……….. nice artical …in original style keep writing …… DILSE

    Like

  8. પિંગબેક: » બોધકથા-પાપ પુણ્ય » GujaratiLinks.com

  9. આદરણીય શ્રી અશોકભાઈ,

    વાહ સાહેબ વાહ ,ધન્ય છે સોરઠની ધરાને જ્યાં હુકાં લાકડાને પણ

    લીલા કાંટા ફૂટે. રોટલા પાણી ખુબ પ્રેમથી આપે કરવ્યા ખુબ મોવણ

    નાખીને બોધ કથાના મીઠા રોટલાનો થાળ પીરસી દીધો બાપલીયા.

    સંત શૂરા ને સાવજ એટલે સોરઠના.

    Like

  10. કાઠિયાવાડ અને તેમાં પણ સોરઠની બોલી, મીઠી જ હોય ભાઈ ! ખૂબજ સુંદર લેહ્કા અને ટેહ્કા સાથે સુંદર બોધ સાથી ની વાતો જાણવાની મોજ પડી…

    ધન્યવાદ !

    Like

  11. શ્રી. મિતાબહેન, હિમાંશુભાઈ, પંચમભાઈ, ગોવીંદભાઈ, દીપકભાઈ, ધવલભાઈ તથા સર્વે વાચક-પ્રતિભાવક મિત્રોનો હાર્દિક આભાર.

    અને લો, અમારી પણ એક બોધકથા ચાલી તે આજે બીજી ઠપકારી છે ! જરા નજર નાંખશોજી ! આભાર.

    Like

Leave a comment