ડાયરો – વ્યસનથી છેટા સારા !


એ…રામ રામ ડાયરાને.
મિત્રો ’મહેર એકતા’ માટે વર્ષ ૨૦૧૨ના કેલેન્ડરની ડિઝાઇન બનાવતો હતો, આ વર્ષ માટે અમે થીમ રાખી છે તહેવાર અને ઉત્સવ, આ માટે અમારું ફોટો કલેક્શન ફંફોળતો હતો ત્યાં “હુક્કો” (જેને  ’હોકો’ પણ કહે છે)નું ચિત્ર મળ્યું, જે રામભાઈએ ગતવર્ષે બહુ બધાં ગામડાઓની મુલાકાત કરી અને પ્રયત્નપૂર્વક એકઠ્ઠા કરેલા ચિત્રસંપૂટના ભાગરૂપ છે. આ પરંપરાગત હોકો જોઈ અને અમને તેની આસપાસ વણાયેલી બે-ચાર વાતો રજૂ કરવાનો ઊજમ ઊપડ્યો છે ! તો લ્યો શરૂઆત હોકાથી કરીએ.

હોકો, હુક્કો

હવે “હોકો” કે “હુક્કો” વિષયક જ્ઞાનપ્રદ કે જાણવા જેવી વાતો તો આપને વિકિપિડીયા જેવા માધ્યમથી મળી આવશે, અહીં આપણે થોડી આડીતેડી વાતો કરીશું (જે ત્યાં નહીં મળે !). હોકાનું નામ પડે એટલે એક હાસ્યકારનો જાણીતો ટુચકો યાદ આવે; એક જણો હોકામાં લાંબી નળી ભરાવી, હોકો છેક ફળિયામાં અને પોતે અંદરનાં ઓરડામાં, ઢોલીયે (મોટો ખાટલો, લાકડાનો પલંગ U C !) પડ્યો પડ્યો કશ લગાવતો હતો (દમ મારો દમ !), મારા જેવો એકાદ મિત્ર જઈ ચઢ્યો તે આ જોઈ જરા નવાઈ પામ્યો, કહે: ’અલ્યા આ શું ? આટલી લાંબી નળી ?’ પેલો કહે : ’શાણા માણસો કહી ગયા છે કે વ્યસનથી છેટા સારા !!!

હવે જોકે એ પરંપરાગત હોકા રહ્યા નથી, અમે તો જાતે અનુભવ્યું છે કે હોકા શોખીન આતાઓ (વડીલો) કેટલા પ્રયત્નપૂર્વક આ હોકાનું જતન કરતા, એ માટેની બજર (ગડાકુ, તંબાકુ અને ગોળ) કેળવતા, ભરતા, દેતવા પેટાવતા, પાણી બદલાવતા, સાફી બાંધતા અને પછી કશ લગાવતા પણ જાણે સારાય બ્રહ્માંડનું રાજ એમના પ.પૂ.પિતાશ્રીને નામે જ ન ચઢેલું હોય એવો નિજાનંદ એમના મુખમંડળ પર પ્રકટ થતો ! હવે એ દિવસો ગયા, જો કે, જોયું નથી પણ સાંભળ્યું છે કે, આજકાલ મોટા મોટા શહેરોમાં, સરકારની મંજૂરી પ્રાપ્ત, હુક્કાબાર ખુલવા લાગ્યા છે, તેમાં વિવિધ પ્રકારના સ્વાદ, સુગંધ રેલાવતા હુક્કાઓનો દમ મારી શકાય છે. જો કે આતાઓએ પાંચ વરસે ન ખરચ્યા હોય એટલા રોકડા અહીં એક-બે કશ ખેંચવાના બેસે છે ! આખી વાતમાં મને નવાઈ એક જ વાતની લાગી કે બીડી,તંબાકુ વગેરે પર ’આરોગ્યને હાનિકારક’ ચિતરાવતી અને વ્યસન મુક્તિના ઢોલ નગારાં પિટાવતી સરકારો જ આવા નવીન ગતકડાંઓને કાયદેસરની મંજૂરીઓ આપે છે ! કદાચ થાક્યો પાક્યો કોઈ મજૂર થાક હળવો કરવા બીડી ફૂંકે તેને જ વ્યસન ગણાતું હશે. હજારો રૂપિયા ખર્ચી, એ.સી. બારમાં બેસી, કરાતું હુક્કાપાન એ આધુનિક લાઈફસ્ટાઈલ ગણાતું હશે ! રામ જાણે, અમને તો આવું ’સુધરવું’ કદી સમજાયું જ નથી !!

આ હોકાની વાત નીકળી તો અગાઉ પણ ડાયરામાં જેને યાદ કરેલા એ ’જીથરા ભાભા’ યાદ આવ્યા. એક સમયે કાનજીબાપાની (કાનજી ભૂટા બારોટ), આકાશવાણી પરની, બહુ પ્રખ્યાત એ વાર્તામાં હોકાનાં મહાત્મયનાં કેટલાક દુહા છે જે સાભાર, ડાયરાના મનોરંજન અર્થે ઠપકારૂં છું.

’આવ્ય હોકા દલરંજણા, સેણું સીંધા સેણ,
તુજ વિણ ઘડી ન ચાલતું, મને ઝાંખા લાગે નેણ.’

’આ દુનિયામાં દોઉ વડા, એક હોકોને હાથી,
હાથી તો સોજરો મરળી, હોકો સેલરો સાથી.’

’હોકા વાળા ચઢીયાતા, બીજા હાલે પાળા,
સારું માણસ સાદ કરે, એ આવજે હોકાવાળા.’   
(આ દુહાઓમાં મનેય બધું તો નથી સમજાયું અને સાંભળીને લખ્યા છે તેથી કોઈ ઉચ્ચારભેદ જણાય તો જાણકાર મિત્ર સુધારે તેવી વિનંતી)

આપણે ત્યાં કેટલીક કહેવતો પણ હોકાને યાદ કરે છે, એમાંની એક ’હોકાની કાચલી જેવું મોં’ અમે બહુ સાંભળેલી કહેવત છે ! (ટેસ્ટમાં ઓછા માર્કસ આવ્યા હોય અને મોં લટકાડી, ગંભીર વદને ઘરમાં પ્રવેશ લઈએ એટલે પ્રથમ આ સાંભળવા મળે !) તે ઉપરાંત ’હોકો ભરીને હાલવું’ અર્થાત અંતિમ ઘડીઓ ગણાવી. હોકો શબ્દનો એક અર્થ જ મૂર્ખ, અક્કલ વિનાનો એવો થાય છે. ’હુક્કા પાણી બંધ કરવા’ નો અર્થ નાત બહાર કાઢવું કે વહેવાર બંધ કરવો તેમ થાય છે.

તો આ વાત હતી હોકાની, હવે તો બીડીયું રહી છે. સિગાર-સિગરેટ વળી સ્ટેટસ સિમ્બોલ ગણાય ! અમ જેવા ગામડિયાથી એવી હાઈ સ્ટેટસની વાતોની ટીકા ટિપ્પણ ન થાય ! કે ખોટી વાત ? વળી અમને તુલસીદાસ યાદ આવ્યા (મુન્શીજી, આ વાત તુલસીદાસજીની જ ને ? ખોટું હોય તો બેશરમ બની સુધારવું હો 🙂 ) જેણે કહેલું ’સમરથ કો નહીં દોષ ગુંસાઈ’. એટલે સિગાર, સિગરેટની લહેજત માણતા મોટા માણસોએ મનમાં ન આણવું !! તો બીડીના પણ ફાયદા ઘણાં છે ! (આવું એક મિત્ર પાસેથી સાંભળ્યું છે) કહે છે કે સુતમમાં બીડી પીનારાઓને (ચેઇન સ્મોકર U C!) કદી વૃદ્ધાવસ્થા ન આવે, તેને ઘરે કદી ખાતર ન પડે  (ચોરી ન થાય) અને કૂતરું કદી ના કરડે ! માનવામાં ના આવ્યું ? અરે ભાઈ ભલું હોય તો ભરી જવાનીમાં જ કેન્સર ફેન્સરની ઝપટે ચઢી જાય. બીડી પીનારાને જેમ રાત ઢળે તેમ ધાંસોરો ઊપડે, રાત આખી ખોં ખોં કરીને જાગતો કાઢે આમાં બચારા ચોરને તો ખાતર પાડવાનો મોકો જ ના મળે ! અને કશ ખેંચી ખેંચીને શરીર તો એટલું ખોખલું થઈ ગયું હોય કે હાલવા માટે લાકડીનાં ટેકા વગર ના ચાલે, હવે કયા કૂતરાની માઠી બેઠી હોય કે હાથમાં લાકડી જોયા પછી વાંસે પડે !! (અને આમે આવડા આ ખખડેલાને બટકું ભરીને કૂતરો કાઢી પણ શું લે ? ભલું હોય તો દાંત સીધો હાડકે જ ચોંટે !)

આ બીડીયું ફૂંકનારાઓનું પણ એક લોકસાહિત્યકારે સ_રસ અવલોકન કર્યું છે. આ વર્ગમાં પણ ’દો તરહ કે લોગ હોતે હૈ’. એક વર્ગ એવો હોય છે જે બીડીની નવી જૂડી (બંડલ) લે, તેને ખોલે અને પછી બધી જ બીડીનું ઠમઠોરી ઠમઠોરીને નિરીક્ષણ કરે, પછી ઝૂડીમાંની સાવ ભંગાર બીડી, નબળી બીડી, હોય તે કાઢી અને સળગાવે ! આમ તે છેક સુધી શોધી શોધીને ભંગાર બીડી જ પીતો રહે ! બીજો વર્ગ એવો હોય છે જે નવી જૂડી ખોલી અને તેમાંથી સારામાં સારી બીડી શોધી સળગાવે, તેના ભાગે અંત સુધી સારામાં સારી બીડી જ આવે છે ! હવે ચતૂરનર (નારીઓ પણ !) વિચાર કરજો, બીડીની જૂડી એની એ જ હોય છે પણ એકનાં ભાગે અંત સુધી નબળી બીડી જ રહે છે અને બીજાને ભાગે છેક સુધી સારામાં સારી બીડી જ રહે છે ! આમાંથી માનવ મન, દૃષ્ટિકોણ, હકારાત્મકતા, નકારાત્મકતા જેવા જેવા મનોવૈજ્ઞાનિક, આધ્યાત્મિક, સામાજિક, આર્થિક, સૈધાંતિક વગેરે વગેરે વિષયો બાબતનું અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમ લાગ્યું હોય તો એટલાં પૂરતું પણ બીડીઓનું આભારી રહેવું રહ્યું !

આમ તો વિષય ’વ્યસન’નો રાખ્યો પણ આપણે હાલ તો બધા વ્યસનોને ન્યાય આપવો નથી અને ઇરાદો પણ કંઈ વ્યસનમુક્તિનું આંદોલન ચલાવવાનો નથી ! આમે કોઈ મહાપુરુષ કહી ગયા છે કે ગોળ ન ખાવાની સલાહ આપનારે પ્રથમ જાતે ગોળ ખાવો બંધ કરવો જોઈએ, તો અમે પણ કંઈ દૂધે ધોયેલા તો નથી જ (હવે ભલે કંઈક સુધર્યા હોઈએ !) પણ વાત છે માત્ર વિચાર કરવાની (જે સાવ મફત છે !), વિચાર્યું હોય તો કો‘ક દા‘ડો વરતવા થાય. તો આ બહાને હોકા અને બીડીયુંના અનુભવોનું (અર્થાત્ જાણકારીમાં હોય તેવા અન્યનાં અનુભવોનું !) વર્ણન કે તેને લગતી વાતો, દુહાઓ, ગીતો કે વિચારો વગેરે વગેરે ડાયરામાં સહર્ષ આવકાર્ય છે. હવે હું બંધ થાઉ, આપ ચાલુ કરો !! (હોકોને બીડીયું નહીં, ચર્ચા 🙂 )

24 responses to “ડાયરો – વ્યસનથી છેટા સારા !

  1. હમણાં જ હાથમાં ચપટી તમાકુ અને ચૂનો લીધાં છે, એટલે પછી આવું છુ. પાછી ટીવી પર મધર ઇંડિયા પણ ચાલુ છે. એટલે હુક્કા મા્ટે. પછી આવીશ. દેવતા તૈયાર રાખજો!

    Like

    • અમે વાટ નિહાળીશું ! હુક્કો સળગતો રાખીશું 🙂
      આપે ’દેવતા’ શબ્દ વાપર્યો જેનો એક અર્થ ’અગ્નિ’ પણ થાય છે પરંતુ સામાન્યપણે મેં જોયું છે કે ’હુક્કા’નાં અગ્નિનાં સંદર્ભે લોકો ’દેતવા’ શબ્દ જ વાપરે છે. (જેનો એક માત્ર અર્થ અગ્નિ થાય છે, કદાચ એમ હશે કે વ્યસન સંબંધી કાર્યોમાં અન્ય પવિત્ર અર્થ પણ ધરાવતો ’દેવતા’ શબ્દ વળી ક્યાં વાપરવો !!!)

      આપનું આ ’તમાકુ ચૂનો’ અમને તો મજાક જ લાગ્યું અને કદાચ મજાક ન હોય તો પછી આપની સત્યપરાયણતાને સલામ. આવજો. આભાર.

      Like

      • અશોકભાઈ,
        વ્યસન તો વ્યસન છે! બસ, ૩૦-૪૦ દિવસમાં આ વ્યસનની ૩૭મી વર્ષગાંઠ ઊજવવાનો છું!
        હુક્કા માટે માત્ર “દેતવા” વપરાય છે તે આજે જાણ્યું. પરંતુ, “દેવતા” કરતાં એ અલગ છે એવું દેખાડવા માટે નહીં. ભાષામાં એવું બનતું હોય છે કે ઉચ્ચારો સ્થાન બદલી લે. ગુજરાતીમાં બીજા કોઈ શબ્દ અત્યારે યાદ નથી આવતા, પર્મ્તુ, હિન્દીમાં ’લખન‍ઉ”ને ’નખલ‍‍ઉ” અને ’મતલબ’ને ’મતબલ’ કહેનારા છે. જો કે બહુ મોટા ભાગના લોકો આવો ઉચ્ચાર ન કરતા હોય તો એ સ્ટૅન્ડર્ડ ભાષામાં સ્થાન ન પામે અને પ્રાદેશિક બની રહે, પરંતુ ભાષાની શોભા જરૂર વધારે. બોલાય તે ભાષા.

        Like

        • સાચું કહ્યું દીપકભાઈ, ’વ્યસન તો વ્યસન છે !’ લગભગ તો માર્ક ટ્વેઈને કહેલી (સિગરેટના વ્યસન બાબતે) એક વાત યાદ આવી, તેઓએ કહેલું કે: ’કોણ કહે છે સિગરેટ (નું વ્યસન) ના છોડી શકાય ? મેં પોતે વીશેક વખત તો સિગરેટ છોડી દીધેલી છે !!’ (અર્થાત જેટલી વખત છોડી એટલી વખત પાછી વળગી છે 🙂 )

          શબ્દો વિશે સારું જાણવા મળ્યું, જો કે ક્યારેક લોકબોલીમાં અપ્રભંશ કે ઉચ્ચારભેદથી જ નહીં પણ ચોક્કસ ભાવનાને લઈને (કહો કે મનને મનાવવા !) પણ સમયાનૂસાર વિવિધ શબ્દ વપરાતા હોવાનું જાણ્યું છે. જેમ કે કાઠીયાવાડીનો જ દાખલો આપું તો અહીં કોઈ સારા પ્રસંગ (જેમ કે લગ્ન) માટે રસોઈ બનાવવા બળતણ માટે લવાતા લાકડાંને ’લાકડાં’ કહેવાને બદલે ’મગબાફણાં’ કે ’ઈંધણાં’ કહેવાય છે. (લાકડાં શબ્દ સાથે સ્મશાન અને દાહ જોડાયા હોય એ એકમાત્ર કારણ !) આવા અન્ય શબ્દો પણ મળી આવશે. જો કે આ દેવતા-દેતવા બાબતે મેં માત્ર કટાક્ષયુક્ત ધારણા કરેલી પરંતુ આપનું તારણ વધુ યોગ્ય લાગે છે.

          Like

        • દેવતાનું દેતવા એટલે સળગતો કોલસો, અંગારો. સૌરાષ્ટ્રમાં વરસાદનો ઉચ્ચાર વહરાદ પણ થાય છે ને ફેરફારનો ફારફેર !

          અમારી પહેલાના જમાનામાં (મને ૬૮મું હાલે છે) ભુદેવોને ચોખ્ખા ઘીના લાડવા બારેમાસ મળતા રહેતા. બીજાના ઘેર જઈને, માનભેર ખાવાના હોય એટલે પછી લાડવાની સંખ્યાનું નક્કી નહીં. પણ તમાકુ, કહેવાય છે કે આ ઘીને પચાવવાનું પવીત્ર કાર્ય કરતી ને ભુદેવોને કેન્સલ થવાની બીક લાગતી નહીં. હથેળીમાં તમાકુ ને ચુનો મસળતા ભુદેવોનાં દૃષ્યો હજી નજરે તરે છે. બે બાજુ ઢાંકણા વાળી તમાકુની પીત્તળની ડબ્બી પણ સાંસ્કૃતીક વારસામાં બચા/તાવવા જેવી ચીજ છે.

          આજે આ વિષય છેડીને અશોકભાઈએ સવારને સુગંધાવી દીધી ! નાનપણમાં આ ટૅસડો ક્યારે કરેલો. મને ખાસ યાદ આવે છે બે દૃષ્યો –

          ઘેર દરજી બેસાડ્યો હોય તેની બીડીની પહેલી રાખ ખરતાં થોડી વાર લાગે ત્યાં સુધીમાં જે મૂળ ડીઝાઈન રાખના સ્વરૂપે ચોંટી રહી હોય (તેને ફૂલું કહેવાય)તે જોવાની મને મજા પડતી ! ને બીજું તે ભજન મંડળીઓમાં વહેલી સવાર સુધી ભજનોની રમઝટ વચ્ચે ચલમ ફરતી હોય તે !! એમાં કેટલાક શોખીનો તો એવો ‘કસ’ મારે કે ચલમ ઉપર અડધી વહેંતનો ભડકો (અગનઝાળ) થાય ! ‘ભાયડાના ભડાકા’ એ શબ્દપ્રયોગની જેમ ભાયડાના ભડકા એવું કોઈએ શોધેલું નહીં ! (હું બહુ નાનો પડું ને !)

          બીડી વાળવાની કળા પણ બહુ જોયેલી છે. બીડી વાળવાવાળાની આંગળીનો એક નખ સહેજ મોટો હોય. બીડીને વાળીને છેલ્લે જે બંધ વાળવામાં આવે તે આ નખથી ! આ છેલ્લા બંધની ડિઝાઈન મજાની હોય છે જે ફુલું ખરતાં પહેલાં રાખ રૂપે ચોંટેલું રહે.

          બીડીયું વાળનારની સ્ટાઈલોય યાદ છે…માથું ને શરીર આખું હલાવતા જાય ને પાંદડાની ભૂંગળીમાં અડધી ઢોળાતી જાય એમ તમાકુ ભરીને ગોળ વાળતા જાય !

          Like

          • ખુબ આભાર શ્રી.જુગલકીશોરભાઈ,
            આપ ડાયરે પધાર્યા તો બે નવી વાતો જાણવા મળી. ફોટોગ્રાફી નિમિત્તે ફરવામાં એક બાવાજી ભટકાયા હતા તે કહે હું ચલમનો ભડકો કરૂં તેનો ફોટો પાડ્ય ! એ ફોટો પાડવાની લાયમાં ધૂમાડાનાં એવા ગોટેગોટા થયા કે હું ને મારો કેમેરો બેય ઠસકે ચઢી ગયા 🙂 જો કે ભડકાનો ફોટો તો ના આવ્યો પણ બાવાજી, ચલમ અને ધૂમાડાનાં ગોટાઓ મસ્ત ઝડપાયેલા. ક્યારેક ડાયરાને એ ફોટો પણ બતાવીશ. આભાર.

            Like

  2. હોકાયંત્ર અને હોકાનો સંબંધ ગોતી કાઢો.

    Like

    • આભાર, શ્રી.સુરેશભાઈ,
      આ ’હોમવર્ક’ ઠીક આપ્યું ! ભ.ગો.મં. ફંફોળતા જાણવા મળ્યું કે ’હોકાયંત્ર શબ્દમાં હોકાની વ્યુત્પત્તિ લોહકા-લોહોકા-લ્હોકા-હોકા એમ છે. લોહકા શબ્દ યંત્ર પહેલાં મૂક્યો છે. લોહકાનું અપભ્રંશ લોહોકા થયું છે; તેમાંથી લ્હોકા અને આખરે હોકા થયું. લ્હોક શબ્દનો અર્થ લોહાવાળું અથવા જેમાં લોહચુંબકનો ગુણ છે તે વાળું થાય છે.’ (સંદર્ભ) તદ્‌ઉપરાંત માત્ર ’હોકો’ શબ્દ પણ ’હોકાયંત્ર’ માટે વપરાય છે. હોકોની વ્યુત્પત્તિ હુક્કો અર્થાત ’દાબડો’ (નાની પેટી ?) એવો પણ જણાવ્યો છે. સૌના લાભાર્થે આપ પણ આ વિષયે વધુ પ્રકાશ પાડશો તેવી વિનંતી. આભાર

      Like

  3. આજકાલ મોટા મોટા શહેરોમાં, સરકારની મંજૂરી પ્રાપ્ત, હુક્કાબાર ખુલવા લાગ્યા છે,બીડી,તંબાકુ વગેરે પર ’આરોગ્યને હાનિકારક’ ચિતરાવતી અને વ્યસન મુક્તિના ઢોલ નગારાં પિટાવતી સરકારો જ આવા નવીન ગતકડાંઓને કાયદેસરની મંજૂરીઓ આપે છે! કદાચ થાક્યો પાક્યો કોઈ મજૂર થાક હળવો કરવા બીડી ફૂંકે તેને જ વ્યસન ગણાતું હશે. …. so very true .. such things really scare us …specially teenagers fall pray of it.

    Like

    • આભાર પારૂબહેન,
      હા એ વાત પાછી ચિંતાની ખરી જ કે કિશોરો પણ આવી લતે વળગે છે અને મંજૂરી આપનાર સરકાર કે હુક્કાબાર ચલાવનાર કોઈ જરૂરી શરતોના પાલન પર ધ્યાન આપવા સક્ષમ નથી કે (કમાણીનીં લહાયમાં) ધ્યાન આપવા માંગતા નથી ! થોડો સમય પહેલાં, લગભગ સુરત ખાતે, આવા એક હુક્કાબારમાં ગેરકાયદે ધૂમ્રપાન કરતો કિશોર, પકડાવાના ડરે, ભાગવા ગયો અને અકસ્માતે જીવ ખોયાનો કિસ્સો બન્યો હતો.

      Like

  4. ભાઈ ખૂબ મજાનો લેખ.સરકારની મંજૂરી વડે જ બીડી,સિગારેટના કારખાના ધમધમતા હોય છે.આ નિકોટીનમાં સોજા ઉતારવાનો ગુણ હોય છે.પણ એકોઈ ડોક્ટર અલ્પ પ્રમાણમાં મેડીસીન તરીકે આપે ત્યારે.બીડી હોય કે કોઈપણ વ્યસન, બ્રેઈનમાં એનું એક રિસેપ્ટર સેન્ટર ઉભું થઇ જતું હોય છે.દરેક વ્યસનના અલગ રિસેપ્ટર સેન્ટર ઉભા થઇ જતા હોય છે,અને આ સેન્ટર જે તે વ્યસનની માંગ કર્યા કરતા હોય છે.બ્રેઇનને નિકોટીનની આદત પડી જાય એટલે પેલું રિસેપ્ટર સેન્ટર સમયે સમયે નિકોટીન માંગતું હોય છે,અનેઆમ માણસ નિયમિત એની માંગ પૂરી કરતો થઇ જાય છે.અને વ્યસન છોડી શકતો નથી.હવે તમે મક્કમમન ધરાવતા હોય તો જ બ્રેઈન માંગે ત્યારે તેની માંગ પૂરી ના કરીને વ્યસન મુક્ત થઇ શકો બાકી નહિ.ચા નું પણ આવુંજ સમજવું.સિગરેટ,બીડીનું નિકોટીન સીધું શ્વાસ દ્વારા ફેફ્સમાં જઈને લોહીમાં ભળતું હોય છેઅને તે દ્વારા બ્રેઈનમાં પહોચતું હોય છે..ચુના તમાકુનું પેટમાં જઈને લોહીમાં ભળીને બ્રેઈનમાં જતું હોય છે.તમાકુનું નિકોટીન જલ્દી એમાંથી છુટું પડે તે માટે ચૂનો ભેળવવો પડતો હોય છે.
    હવે વૈજ્ઞાનિકોએ આ રિસેપ્ટર સેન્ટર ઉપર કોઈ માસ્ક જેવું લાગી જાય જેથી એના વ્યસન માંગતા સંદેશા બંધ થઇ જાય તેવી દવા શોધી કાઢી છે.એવું ક્યાંક વાંચેલું છે.પણ મન મક્કમ રાખીને રિસેપ્ટર સેન્ટર બંધ કરી શકાય છે.હુક્કો પીવા માટે આવડત જોઈએ જે શીખી શકાય તેવી જ હોય છે,બાકી જોરથી કસ ખેંચો અને એનું પાણી મોમાં આવી જાય તો થઇ રહ્યું.
    મેં લગભગ બાધા વ્યસન કરેલા છે અને કોઈ વ્યસન મારે છે નહિ.જુનાગઢ આવીશ તો હુકો જરૂર પીવાનો અને દિલ્હી જઈશ તો તમાકુ ચૂનો પણ ખાવાનો.

    Like

    • આભાર બાપુ,
      અર્થાત આપને તો જુનાગઢ પધારો કે દિલ્હી, બધા હાથમાં લાડુ જ લાડુ !! જો કે મારા મગજમાં એવું ઠસેલું હતું કે દિલ્હીમાં લોકો માત્ર કરોડો કે અબજોના મોઢે રૂપિયા જ ખાતા હશે 🙂 આપે આ દવા બાબતે વાત કરી તો યાદ આવ્યું, આપણાં જેઠાભાઈને તમાકુ ચાવવાનનું વ્યસન છોડવા માટે દાક્તરે આવી જ કોઈ દવા આપેલી. જ્યારે તલપ જાગે ત્યારે એક ગોળી મોં માં ચગળવાની, થોડા દહાડા પછી તલપ લાગે જ નહીં. જો કે મન મક્કમ કરી શકાય અને કુટુંબ-મિત્રોનો મનોવૈજ્ઞાનિક ઢબે ટેકો હોય તો વગર દવાએ પણ ભારેમાં ભારે વ્યસન છોડી શકાય છે તેનો દાખલો તો મારે બીજે ક્યાંય શોધવા જવું જ પડે તેમ નથી ! મેં ચા અને તંબાકુ ફૂંકવાનું વ્યસન આમ જ છોડેલું, હવે જો કે કૉફી વળગી છે ! પણ પછી એક વાર્તાએ યાદ આવે છે જે ડાયરા સમક્ષ રજૂ કરૂં ;

      એક જણ ભગવાનને વિનવતો કે હે પ્રભો મને ૨૦૦ વર્ષનું આયુષ્ય આપ ! પ્રભુએ વળી ટેસમાં હશે તે પ્રસન્ન થઈ ગયા, કહે તારી ડિમાન્ડ સ્વિકારૂં ખરો પણ પહેલાં એ કહે તું શરાબ, ડ્રગ્સ, સિગરેટ, તંબાકુ આવું કોઈ વ્યસન ધરાવે છે ? પેલો કહે, અરે પ્રભુ આ શું બોલ્યા ! મેં તો આજ દિન સુધીમાં કદી સામાન્ય ચા જેવું વ્યસન પણ કર્યું નથી. એકદમ સીધી લીટીનો જીવ છું ! પ્રભુ કહે, બેટા ! તો પછી તું ૨૦૦ વર્ષ સુધી કરીશ શું ?! રે‘વા દે, નાહકનો દુઃખી થઈ જઈશ, આ ડિમાન્ડ નામંજૂર !!

      Like

    • કોઈની હેડકી બંધ ન થતી હોય ત્યારે એ વ્યક્તીને કોઈ ખતરનાક સમાચાર આપવાથી તે ઘડીભર અવાક્ થઈ જાય તો હેડકી તરત બંધ થઈ જાય છે. આ પ્રયોગ મેં ઘણી વાર કર્યો છે. મને પોતાને હેડકી આવવી શરુ થાય કે તરત જ મનને કહી દઉં કે હવે પછી એક પણ હેડકી ના જોઈએ ! અને ખરેખર ન જ આવે.

      આનું કારણ પણ બાપુ કહે છે તેમ પેલી ખણ આપતી વૃત્તિને એકદમ રોકી દેવાની હોય છે. વિનોબાજીએ કહેલું એક વાક્ય વ્યસન માટેનું બહુ ચોટદાર છેઃ

      “જેના વિના ખૂબ સારી રીતે ચાલે તે વસ્તુ વિના જરાય ન ચાલે તેનું નામ વ્યસન !”

      Like

  5. અમારે ત્યાં પણ મગબાફણાં કહે છે અને તે પણ તમે જે ભેદ દેખાડ્યો તે જ કારણે. એ જ રીતે, દીવો કદી હોલવાઈ ગયો એમ ન કહેવાય. એ માત્ર મૃત્યુ વખતે જ વપરાય. બાકી દીવો મંગળ થાય કે રાત થાય.

    શિશુનું મૃત્યુ થાય તો પાછું વળી ગયું કહેવાય.

    આપણે ઉચ્ચારોની ઉલટફેરની વાત કરતા હતા, તેમાં મને યાદ આવ્યું નામ – બજરંગ. આ શબ્દ મૂળ તો વજ્રાંગ છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં આહિરો (આયરો કે ભરવાડોમાં) વરજાંગ નામ મળે છે એ પણ વજ્રાંગના ઉચ્ચારોની ઉલટફેરનું ફળ છે.

    Like

  6. આદરણીય શ્રી અશોકભાઈ,

    ગ્રામ્ય જીવન અને આદતોનું વિગતવાર દાખલા સાથે આબેહુબ વર્ણન કર્યું છે.

    હોકો એક જુના જમાનાના વડીલો એક સિમ્બોલ હતું. આજે સરકારી મંજુરીની

    આડમાં નવયુવાનો હોકાબારમાં ખોટી કુટેવો તરફ વળ્યા છે.

    ખુબ સરસ અને માર્મિક લેખ.

    Like

  7. શ્રી.અશોક”જી”,
    “વ્યસનથી છેટા સારા” ? આ બ્લોગેરીયા થી દૂર રહેવાની કોશિશ કરી પણ નાકામ !
    જો ભાઈ વ્યસન સારા અને ખરાબ બે પ્રકાર ના હોય શકે. રોજ ઊઠી ને “છાંપુ”વાંચવું “ટી.વી.” જોવું, બ્લોગીંગ કરવું પણ વ્યસન જ છે પણ એના થી “છેટા” કેમ રહી શકાય ? એક ભાઈએ થોડા સમય પહેલા ડાયરા ના[વાંચનયાત્રા] વ્યસન થી દૂર રહેવા નો “ઇલાજ” આપને પૂછેલો, [આવા હજારો લાખો ઉદા.આપી શકાય]
    માટે ટાઈટલ આ મુજબ હોવું જોઈએ “ખરાબ વ્યસન થી છેટા સારા !” [આ મારી મંદબુધ્ધી ની ઉપજ છે ખોટી પણ હોય ! ચર્ચા ને અવકાશ છે, વધુ તો બુધ્ધીશાળી વર્ગ નક્કી કરે કે પછી ’સમરથ કો નહીં દોષ ગુંસાઈ’.]
    હા..હા..હા………[કેમ ખિજાયો ડોળા કેમ કાઢે છે]
    બાકી તો ખૂબ જ સરસ,સુંદર લેખ અને “બીડી ની જૂડી” નુ મનોવિજ્ઞાન શાહબુદ્દીનભાઈ એ કહેલુ એવું યાદ આવે છે.
    પાછા કબિર ને યાદ કરી યે
    તિનકા કબહુઁ ના નિંદિયે, જો પાઁવ તલે હોય |
    કબહુઁ ઉડ઼ આઁખો પડ઼ે, પીર ઘાનેરી હોય ||

    Like

    • ભાઈ શકિલ, આભાર,
      હા એ વાત ખરી, વ્યસન સારા-નરસાં બન્ને પ્રકારનાં હોઈ શકે. જો કે આપણે સામાન્ય રીતે નઠારા પ્રકારના વળગણને જ વ્યસનમાં ઉલ્લેખીએ છીએ. (એટલે ’ખરાબ વ્યસન’ એમ ના લખ્યું !) જો કે તારી મંદબુદ્ધી અનુસાર ’ “ખરાબ” વ્યસનથી છેટા સારા’ એનો ડીપલી ઘૂસકે વિચાર કરીએ તો, તારે એકલાએ જુનાગઢ ભાગી આવવું જોઈએ 😉 (જો કે હવે ઈવડા ઈ તારી ધોલાઇ ન કરતાં હોય અને “સારા” થઈ ગયા હોય તો આવી કશી જરૂર નહીં 😮 ) કબિરે કહ્યું ’તિનકા કબહુઁ ના નિંદિયે’ પણ મને યાદ ન રહ્યું અને આ ભુલ થઈ ગઈ ! જોઈએ હવે ’કબહુઁ ઉડ઼ આઁખો પડ઼ે’ છે !!! હા…હા…હા !

      Like

  8. ડાયરા નેએક જાણકારી આપી દઉં જે લખવાની રહી ગયેલી
    સીગારેટ કરતાં હુક્કો વધુ ખતરનાક:
    આજકાલ યુવાનોમાં હુક્કાનું પ્રચલન વધી રહ્યું છે. પરંતુ તેનો ઉપયોગ કરવો સિગરેટ કરતાં પણ વધુ ખતરનાક છે. મેટ્રો હોસ્પિટલ્સ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન પુરુષોત્તમ લાલે જણાવ્યું કે યુવાનોમાં એ ખોટી માન્યતા છે કે હુક્કો તથા અન્ય વોટર પાઈપ પીવી સીગારેટ કરતાં વધુ સુરક્ષિત છે. પરંતુ ઇન્સ્ટિટ્યૂટના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે એક કલાકના હુક્કા સેશન દરમિયાન એક સીગારેટ ની સરખામણીએ લગભગ ૨૦૦ ગણો વધુ ધુમાડો અને ૭૦ ગણું વધુ નિકોટીન શરીરમાં જાય છે.[કોપી+પેસ્ટ]
    http://www.divyabhaskar.co.in/article/SAU-576629-1019732.html

    Like

    • ચલમનું કપડું (ડાયરામાં ફરતું ફરતું મેલું ઘાણ ને પીળુંપચ થઈ ગયેલું) જેને સાફી કહે છે તે ધુમાડાના નુકસાનથી બચાવે છે એવો બચાવ ચલમુંના શોખીનો કરતા હોય છે !

      Like

  9. આદરણીયશ્રી. અશોકભાઈ

    પત્ની કહે…..,

    ” મારા ખાતર નહિ તો,

    તારા ખાતર વ્યસન પર મુકો કાતર “

    Like

Leave a reply to અશોક મોઢવાડીયા જવાબ રદ કરો