પ્રેમનો રંગ,રાધાને સંગ-ગીતગોવિંદમ્‌


Image from giirvaani.net

મિત્રો, નમસ્કાર.
સૌ પ્રથમ તો આભાર એ સૌ મિત્રોનો જેમણે અગાઉના લેખમાં ગીતગોવિંદ પર થોડી કુતુહલપ્રેરક ચર્ચાઓ કરી અને અમને આ રચનાની થોડી પ્રાથમિક જાણકારી મેળવવા પ્રેરણા આપી. જયદેવ દ્વારા લગભગ ૮૦૦ વર્ષ પહેલાં રચાયેલી આ કૃતિ લાગે છે કે દરેક કાળે વધતી-ઓછી ચર્ચામાં તો રહી જ છે. ઘણા વિદ્વાનોએ તે પર ટીકાઓ પણ લખેલી છે. હાલમાં ગીતગોવિંદ ગ્રંથ પર લખાયેલી છ ટીકાઓ વિધ્યમાન છે. જે રસમંજરી, રસિકપ્રિયા, સંજીવની, પદઘોતનિકા, બાલબોધિની તથા દીપિકા છે. (અહીં ટીકા કહેતાં વિવેચન એવો અર્થ થાય, આપણે હવે જેમ વિરોધના અર્થમાં લઇએ છીએ તે માત્ર નહીં) અત્યારે પણ મેં ઘણે સ્થળે આ કૃતિ વિશે સારી-નરસી વાર્તાઓ વાંચી-સાંભળી છે. કિંતુ, મોટાભાગની ચર્ચા તો, કોઇપણ વિવાદાસ્પદ બનેલી કૃતિની માફક જ, મુળ કૃતિને વાંચ્યા-જાણ્યા વિના સૂનિકહી નાં આધારે જ ચાલતી રહેતી હોય છે ! અમુક બાબતો તો આપણે એટલી બધી વખત સાંભળી હોય કે એ અને માત્ર એ જ સત્ય હશે તેમ માનવા લાગીએ ! પરંતુ ક્યારેક એવું નથી પણ હોતું !!

હું ખાસ તો ગીતગોવિંદમાં એ શોધવા બેઠો હતો કે ગીતગોવિંદનો નાયક કૃષ્ણ બાળક છે ? ગીતગોવિંદની નાયીકા રાધા પરણેલી સ્ત્રી છે ? ગીતગોવિંદમાં ક્યાંય રાધા-કૃષ્ણની આયુ વિશે કોઇ ઉલ્લેખ છે ? ગીતગોવિંદ માત્ર શૃંગારરસ ધરાવતું જ કાવ્ય છે ? હાલના સમયે પણ પ્રાસંગીક ખરૂં કે ? પણ એ બધું થાળીમાં પડેલા રસગુલ્લાનો રસાસ્વાદ માણવાને બદલે રસગુલ્લાની રેસિપિ શોધવા પ્રવૃત થવા જેવું થયું ! એક આડવાત, અમારી નિયમિત યોજાતી ભજીયાપાર્ટીમાં (હવે તો એ દિવસો ગયા !) ભરેલા મરચાંનું ભજીયું જોઇ હું એ વિચારમાં મગ્ન થઇ જતો કે, સાલું તડ નહીંતર તીનું કશું નહીં અને માંહે આવડું આ મરચું કેમ કરીને ઘુસી ગયું હશે ?!! અને આપણા મુન્શીજી સહિતના અન્ય મિત્રો આંખો મીંચી ભજીયા પર ઝપટ બોલાવી દેતા 🙂 જો કે છેલ્લે વધ્યા ઘટ્યા, ઠરી ગયેલા, મેથીના ગોટા મારા ભાગે વધતા ખરા ! આપણે ગોટા ઠરવાની રાહ નથી જોવી, સીધી રસગુલ્લા ઉપર જ ઝપટ બોલાવીએ !

આ કૃતિનો રસાસ્વાદ કરાવવો કે પરિચય કરાવવો એ તો કોઇ વિદ્વાનનું કામ, પરંતુ ’ન મામા કરતાં કાણો મામો શું ખોટો’ એ ન્યાયે આપણે તો પ્રાથમિક પરિચય કેળવવાની નાનકડી કોશિશ કરીશું. બાકી તો સમયાનૂકુલતા મુજબ સૌ પોતાની રીતે વાંચે અને પોતાની સમજ અનૂસાર સમજે તે અધિક ઉત્તમ થશે. (આ “વાંચનયાત્રા” છે એ ન ભુલાય !)

અહીં પ્રથમ આપણે કવિશ્રી જયદેવ વિશે જાણીએ તો, જયદેવ પશ્ચિમ બંગાળના વીરભૂમિ જીલ્લામાં, અજય નદીના ઉત્તરભાગમાં સ્થિત કેન્દુબિલ્વ (કેન્દુલી) નામક ગામમાં જનમ્યા હતા. પિતાનું નામ ભોજદેવ અને માતાનું નામ વામાદેવી. બંગાધિપતિ મહારાજ લક્ષમણસેનના દરબારના પ્રસિદ્ધ પાંચ રત્નોમાંના એક ગણાતા. જયદેવનો સમય આશરે બારમી શતાબ્દિનો ગણાયો છે. તેમની આ રચના ગીતગોવિંદ બાર સર્ગ (પ્રકરણ)માં વહેંચાયેલું કાવ્ય છે. જે નીચે મુજબ છે.

૧ સર્ગ – સામોદ-દામોદરઃ
૨ સર્ગ – અક્લેશ કેશવઃ
૩ સર્ગ – મુગ્ધ મધુસૂદનઃ
૪ સર્ગ – સ્નિગ્ધ-મધુસૂદનઃ
૫ સર્ગ – સકાંક્ષ-પુંડરીકાક્ષઃ
૬ સર્ગ – ધૃષ્ટ-વૈકુંઠઃ
૭ સર્ગ – નાગર-નારાયણઃ
૮ સર્ગ – વિલક્ષ-લક્ષ્મીપતિઃ
૯ સર્ગ – મુગ્ધ-મુકુન્દઃ
૧૦ સર્ગ – મુગ્ધ-માધવઃ
૧૧ સર્ગ – સ્વાનન્દ-ગોવિન્દઃ
૧૨ સર્ગ – સુપ્રીત-પીતામ્બરઃ

આ દરેક સર્ગમાં અષ્ટક પ્રકારે ગીત આવેલા છે જે કુલ ૨૪ છે, આ ૨૪ ગીત મળી અને રચાય છે ’ગીતગોવિંદ’.

* ગીતગોવિંદ

मेघैर्मेदुरमम्बरम् वनभुवः श्यामास्तमालद्रुमैः
नक्तम् भीरुरयम् त्वमेव तदिमम् राधे गृहम् प्रापय।
इत्थम् नन्दनिदेशितश्चलितयोः प्रत्यध्वकुञ्जद्रुमम्
राधामाधवयोर्जयन्ति यमुनाकूले रहःकेलयः॥ १-१

આ વસ્તુનિર્દેશાત્મક મંગલાચરણ છે. જેમાં આશીર્વાદ અને નમસ્કાર પણ છે. અહીં ’નન્દ’ (અહીં નન્દનો અર્થ કૃષ્ણના પિતા પણ થાય અને અમુકે એક સખી તેવો પણ કર્યો તો કોઇકે ’નન્દનિદેશિતઃ’ એટલે આનંદમગ્નની પ્રેરણાથી એમ પણ કર્યો) રાધાને કહે છે કે આ રાત અંધારી થઇ અને ઘનઘોર વન છે તેથી તું ’ભીરુ’ કૃષ્ણને લઇ ઘરે જા. અહીં કૃષ્ણ ’ભીરુ’ છે ! શા માટે છે ? તે પર પણ ઘણી રસમય ચર્ચાઓ થાય છે. અને ’ગૃહમ પ્રાપય’નો ઘરે લઇ જા થી કરી ગૃહસ્થ બનાવ એવો અર્થ પણ કરાય છે. જે અર્થ કરો તે,કવિ એ સૂચવે છે કે આ કાવ્યનો વિષય રાધા-માધવની આનંદદાયક કામકેલિ-લીલા છે. (આ પ્રથા સારી ! અનુકરણીય ગણાય, પછી ’હે માં ! માતાજી !! કરવા કરતાં દરવાજે જ પાટીયું હોય તેથી ન ફાવતું હોય તે વાંચીને જ ઘુસવાનું માંડી વાળે !! આપણા હાલનાં ચલચિત્રોના A સર્ટિફીકેટ જેવું જ સમજોને !)

वाचः पल्लवयत्युमापतिधरः सन्दर्भशुद्धिम् गिराम्
जानीते जयदेव एव शरणः श्लाघ्यो दुरूहद्रुते।
शृङ्गारोत्तरसत्प्रमेयरचनैराचार्यगोवर्धन
स्पर्धी कोऽपि न विश्रुतः श्रुतिधरो धोयी कविक्ष्मापतिः॥ १-४
અહીં જયદેવ અગાઉના ઘણા કવિઓની પ્રશસ્તિ કરી અને કહે છે કે તેઓની રચના પણ સર્વગુણસંપન્ન ન થઇ શકી તો આ જયદેવનું કાવ્ય પણ સર્વગુણસંપન્ન તો ક્યાંથી હોય ?

ત્યાર પછી પ્રથમ અષ્ટપદી (ગીત)માં જયદેવ દશાવતારનું સ્મરણ ટુંકમાં કરે છે.
प्रलयपयोधिजले धृतवानसि वेदम् । विहितवहित्रचरित्रमखेदम्॥
केशवाधृतमीनशरीर जयजगदीशहरे॥ अ प १-१ વગેરે

ત્યાર પછી નવ શ્લોકના મંગલાચરણમાં તેઓ ઈશ્વરના ગુણગાન કરે છે. અને છેલ્લે વાંચકોને પણ આશીર્વાદ પાઠવે છે. આ આશીર્વાદ કેવા રસિક છે ! વાંચો;
पद्मापयोधरतटीपरिरम्भलग्न काश्मीरमुद्रितमुरो मधुसूदनस्य ।
व्यक्तानुरागमिव खेलदनङ्गखेद स्वेदांबुपूरमनुपूरयतु प्रियम् वः॥ १-६
– જ્યારે કૃષ્ણ પોતાની પ્રિયતમાને આલિંગન કરે છે ત્યારે પ્રિયતમાના સ્તનોના પ્રાન્ત-ભાગ સુધી (ક્વિલેજમાં) લાગેલા કુમકુમ-કેશર દ્રવ્યની છાપ કૃષ્ણના વૃક્ષસ્થળ પર પણ અંકિત થઇ જાય છે. કૃષ્ણનું આવું કેશરરંજીત વૃક્ષસ્થલ આપના (આપણા બધાના) મનોરથો પૂર્ણ કરો.  (અનુરાગનો વર્ણ રક્તવર્ણ ગણાયો છે, કેસર-કુમકુમના ઉલ્લેખ વડે અહીં કૃષ્ણના અનુરાગને પામવાની વાત છે)

ગીતગોવિંદમાં રાધાજીમાં આઠ પ્રકારના નાયિકા લક્ષણનું વર્ણન બતાવી રાધિકાને સર્વનાયિકા શિરોમણિ દર્શાવાયા છે. આ આઠ નાયિકા લક્ષણ એટલે;
૧- અભિસારિકા,
૨- વાસકસજ્જા
૩- ઉત્કણ્ઠિતા
૪- ખણ્ડિતા
૫- વિપ્રલબ્ધા
૬- કલહાન્તરિતા
૭- પ્રેષિત-ભર્ત્તૃકા
૮- સ્વાધીન ભર્ત્તૃકા

** અને હવે અહીંથી ખરેખર શરૂઆત થાય છે કાવ્યની નાયિકાના મનોભાવોના વર્ણનની. જ્યાં વસંતકાળે નાયિકા માધવના વિરહમાં છે અને તેની સખી તેની સાથે વાર્તાલાપ માંડે છે.
અહીં પદની શરૂઆત જુઓ;
वसन्ते वासन्तीकुसुमसुकुमारैरवयवैः અહીં નાયિકાનાં અંગો પુષ્પ સમાન કોમલ સુકુમાર હોવાનું કહ્યું છે.

ત્યાર પછી ત્રીજી અષ્ટપદીના પ્રથમ પદમાં કહે છે;
ललितलवङ्गलतापरिशीलनकोमलमलयसमीरे ।
मधुकरनिकरकरम्बितकोकिलकूजितकुञ्जकुटीरे ।
विहरति हरिरिह सरसवसन्ते ।
नृत्यति युवतिजनेन समम् सखि विरहिजनस्य दुरन्ते ॥ ३-१
અહીં કૃષ્ણ બાળક હોવાનો તો સવાલ જ નથી ઉત્પન્ન થતો !! કારણ સખી રાધિકાને કહે છે: હે પ્રિય સખી, આ વસંતકાળ વિરહીજનો માટે અત્યંત દુઃખદાયી છે. અહીં સુંદર વર્ણન છે અને અંતે કહે છે કે હરિ (નાયક) તો કોઇ ભાગ્યવતી યુવતી સંગ વિહાર અને પ્રેમનૃત્ય કરે છે. આ ત્રીજી અષ્ટપદીના તમામ શ્લોકમાં વસંત અને વસંતમાં વિરહનું અદ્‌ભુત વર્ણન જોવા મળે છે.

अनेकनारीपरिरम्भसम्भ्रम स्फुरन्मनोहारिविलासलालसम् ।
रारिमारादुपदर्शयन्त्यसौ सखी समक्षम् पुनराह राधिकाम्॥
અને હવે સખી, ચોથી અષ્ટપદીની શરૂઆતના શ્લોકમાં, કૃષ્ણને શોધી કાઢે છે, જે અનેક ગોપકન્યાઓ સાથે પ્રમોદવિલાસમાં નિમગ્ન છે ! સખી રાધિકાજીને સંતાઇને હવે આગળનું દૃષ્ય બતાવે છે.

चन्दनचर्चितनीलकलेवरपीतवसनवनमाली ।
केलिचलन्मणिकुण्डलमण्डितगण्डयुगस्मितशाली ।
हरिरिहमुग्धवधूनिकरे विलासिनि विलसति केलिपरे ।। अ प ४-१
અહીં સખી રાધાને કહે છે: જો રાધા, પીળાવસ્ત્ર પહેરેલા, પોતાના શ્યામ અંગો પર ચંદનનો લેપ કરેલા, કાનમાં કુંડલધારી, જેના લલાટની શોભા અદ્‌ભુત છે એવા વગેરે વગેરે, ટુંકમાં અતિસુંદર દેખાતા, હરિ મુગ્ધ સુંદરીસમુહ સાથે આનંદમગ્ન બની વિહાર કરી રહ્યા છે. રાસ રમી રહ્યા છે. (સાદો અર્થ)

ત્યાર બાદ આ અષ્ટપદીમાં(ગીતમાં) ગોપાંગનાઓ અને કૃષ્ણના વિહારનું તથા રાસનું રસિક, સુંદર વર્ણન છે. અને પ્રથમ સર્ગ અહીં સમાપ્ત થાય છે.

** બીજા સર્ગની શરૂઆતમાં રાધાજી, કૃષ્ણને અન્ય ગોપીઓ સાથે સ્નેહમય વિહાર કરતા જોઇ પોતાનું કોઇ વૈશિષ્ટ્ય ન હોવાનું જાણી (કહો કે સ્ત્રી સહજ ઈર્ષાભાવે !) અહીંથી દુર લતાકુંજમાં પોતાની સખી સાથે છૂપાઇ જાય છે. અને ત્યાં ઉદાસ થઇ સખીને પોતાના મનની ગોપનિય વાતો કહેવા લાગે છે.

રાધાજીને એવો અહંકાર હતો કે હું અને માત્ર હું જ કૃષ્ણની અધિકપ્રિય સખી છું ! પરંતુ આજે કૃષ્ણએ તેના પ્રત્યે કોઇ વિશિષ્ટભાવ ન દર્શાવ્યાને કારણે અથવા અન્ય સખીઓ સાથે પણ સમાનભાવે ક્રિડા કરતા હોવાનું નિહાળી, ઈર્ષાવશ અન્યત્ર એક કુંજમાં ચાલી જાય છે. અહીંના આ ભાવને મધ્યમાં રાખી નરસિંહ મહેતાનું એક પદ “નાગર નંદજીના લાલ…રાસ રમંતા મારી નથડી ખોવાણી” એ પર વિચાર કરશો તો નરસિંહના સીધાસાદા પદનું એક ગોપીત રહસ્ય ઉજાગર થશે. વિચારો !!!

અને હવે અહીં પાંચમી અષ્ટપદી (આમતો આ દરેક અષ્ટપદી એક સ્વતંત્ર ગીત છે) શરૂ થાય છે.

संचलदधरसुधामधुरध्वनिमुखरितमोहनवंशम् ।
चलितदृगंचलचंचलमौलिकपोलविलोलवतंसम् ।
रासे हरिमिह विहितविलासम् स्मरति मनो मम कृतपरिहासम् ॥ अ प ५-१

રાધા સખીને કહે છે કે: હે સખી, એટલા આશ્ચર્યની વાત છે કે કૃષ્ણ મને છોડી અન્ય ગોપીઓ સાથે રાસલીલા કરી રહ્યા છે છતાં મારૂં મન વારંવાર તેને જ યાદ કરી રહ્યું છે… અને આ આખા ગીતમાં (હવેથી આપણે આ વિવિધ અષ્ટપદીઓને ગીત તરીકે જ ઓળખાવીશું) રાધાજી પોતાની સખી સમક્ષ કૃષ્ણના પોતાને ગમતા એવા વિવિધ શૃંગારો અને દેખાવનું સુંદર વર્ણન કરે છે કે આવા કૃષ્ણનું મને સ્મરણ થાય છે. જેમ કે; સજલમેઘ સમાન શ્યામ વર્ણવાળા, કોમલ લાલ લાલ અધર વાળા, તેના હાથ,પગ,હૃદયસ્થળના આભૂષણોના ઉજાસથી અંધારૂં દુર થાય છે તેવા, કપાળે ચંદનનું તિલક કરનારા, પીતામ્બરધારી વગેરે વગેરે.

અહીંથી આગળ;
गणयति गुणग्रामम् भामम् भ्रमादपि नेहते ।
वहति च परितोषम् दोषम् विमुञ्चति दूरतः ।
युवतिषु वलस्तृष्णे कृष्णे विहारिणि माम् विना
पुनरपि मनो वामम् कामम् करोति करोमि किम्॥

અને સખી જ્યારે કહે છે કે: કૃષ્ણએ તારો પરિત્યાગ કર્યો છતાં તું શા માટે કૃષ્ણના પ્રેમમાં આટલી વ્યાકુળ છો ? ત્યારે રાધા કહે છે: કૃષ્ણ મને ત્યાગી અન્ય યુવતિઓ સાથે અતિશય અનુરાગપૂર્વક મજાથી વિહાર કરે છે તે જોઇ ખરેખર તો તેના પ્રતિ અનુરાગ બતાવવો વ્યર્થ છે, છતાં, હું શું કરૂં ? તેના પ્રત્યેની મારી પ્રબળ આસક્તિ દુર જ નથી થતી. હું તો તેના ગુણોની જ ગણના કરૂં છું, તેના દોષોને ન નિહાળી સંતોષનો જ અનુભવ કરૂં છું. મને તેના પ્રતિ ક્રોધ નથી આવતો, હે સખી, મારાથી એ ભુલાવ્યા ભુલાતા નથી ! હું શું કરૂં ? (વિશ્વભરની પ્રેમીકાઓ, પત્નિઓ (જે હજુ પણ પ્રેમિકા હોય તો !) આમાંથી થોડો ધડો લો !! બહેનો, ચિંતા નકો ! પ્રેમીઓ, પતિઓએ શું ધડો લેવો તે પણ આગળ આવશે જ !)

હવે છઠ્ઠું ગીત :
निभृतनिकुञ्जगृहम् गतयानिशिरहसिनिलीयवसन्तम् ।
चकितविलोकितसकलदिशा रतिरभसभरेणहसन्तम् ।
सखि हे केशिमथनमुदारम् ।
रमय मया सह मदनमनोरथभावितया सविकारम् धृवम्॥ ६-१

અહીં રાધા પોતાની સખીને કૃષ્ણ સાથેના પ્રથમ મિલનની વાતો કહી, પોતાનામાં ઉત્પન્ન  કામજવર વિશે કહી, અને વિનવે છે કે હે સખી તું મારો કૃષ્ણ સાથે ફરી મેળાપ કરાવી દે. આ આખા ગીતમાં રાધા-કૃષ્ણના પ્રથમના મિલનનું અદ્‌ભુત વર્ણન રાધાના મુખે કરાયું છે. આ બીજું પદ જ જુઓ;

प्रथमसमागमलज्जितया पटुचाटुशतैरनुकूलम् ।
मृदुमधुरस्मितभाषितया शिथिलीकृतजघनदुकूलम् ।
सखि … सविकारम्॥ अ प ६-२   

અહીં સ્પષ્ટતયા કૃષ્ણ પ્રવિણ અને પુખ્ત છે. રાધા લજ્જાથી શરમાય છે અને કૃષ્ણ અનેક પ્રકારના અનુનય-વિનયયુક્ત વચનો દ્વારા તેની લજ્જા દુર કરવા પ્રયત્ન કરે છે, કૃષ્ણ અહીં વાક્‌પટ્ટુતા બતાવે છે. અને એ યાદ રહે કે આ પણ રાધા દ્વારા થતું અગાઉની ક્રિડાનું વર્ણન છે. (આ ગીતગોવિંદ નું વાંચન પ્રેમ ઇચ્છુક, લગ્ન ઇચ્છુક, દરેક યુવાએ કરવું જોઇએ ! અરે તેના અધ્યાત્મિક અર્થ ન કરો તો પણ તેનું વ્યવહારિક જ્ઞાન અદ્‌ભુત છે, આ એક સંપૂર્ણ પ્રેક્ટિકલ કાવ્ય છે, હાય…હાય, હોય…હોય, અને છી….છી !નાં ચોંચલાવેડા આમાં નથી ! એવું મારૂં માનવું છે !! હા આનો સ_રસ થયેલો ગુજરાતી અનુવાદ શોધવો જરૂરી.)

અને આ બીજા સર્ગના અંતભાગે અન્ય ગોપીઓ સાથે વિહાર કરતા કૃષ્ણને પણ રાધા યાદ આવે છે. તેને પણ થાય છે કે ’રાધા જેવું બીજું કોઇ નહીં’. અને તે સાથે હવે ત્રીજો સર્ગ શરૂ થાય છે. જેમાં આપણે રાધા વિરહમાં કૃષ્ણની શું સ્થિતિ થઇ તે જોઇશું. પણ અત્યારે નહીં ! પછી !! (એટલે કે મિત્રોની સાથે સલાહસૂચન કરીને ! મેં તો મારી રીતે બાફવાનું શરૂ કર્યું પછી ઉંધું બફાયું હોય તો નાહક લાપશી ને બદલે ભૈડકું થાય ને તમારે શરમેધરમે ખાધે રાખવું પડે !! કે ખોટી વાત ?)

અમુક મિત્રોએ સવાલ ઉઠાવ્યા, અમુકે ઉઠાવ્યા નહીં હોય પરંતુ મનમાં ઉઠ્યા જરૂર હશે, કે આ ’ગીતગોવિંદ’ ખરેખર છે શું ? માન્યતા છે તે અનુસાર બાલકૃષ્ણ અને પરણેલી રાધાના પ્રણયસંબંધનું વર્ણન કરતું કાવ્ય છે ? કોઇ બિભત્સ કાવ્ય છે ? માત્ર શૃંગાર કાવ્ય જ છે ? તેનો રચનાકાર કોઇ મનોરોગી હશે ? આવા ઘણા ઘણા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. પરંતુ મારે ઉત્તર આપવાનું કોઇ કારણ નથી ! આ “વાંચનયાત્રા” છે, જાતે જ વાંચી નાંખવાનું અને નક્કિ કરી લેવાનું !! એક વાત સ્પષ્ટ કરૂં, ગીતગોવિંદમાં ક્યાંય રાધા પરણેલા કે કૃષ્ણ બાળક હોવાનો કે કૃષ્ણની કે રાધાની ઉંમર આટલી કે તેટલી હોવાનો ઉલ્લેખ નથી. ગીતગોવિંદના નાયક નાયિકા પુખ્ત છે, સમજદાર છે અને, ત્યારના પણ (એટલે કે રચનાકારના અને રચનાના નાયકના ) અને અત્યારના પણ, કાનૂન કે કાળ અનુસાર કશી ગેરકાનૂની પ્રવૃતિ નથી કરતાં તેની હું ખાતરી આપું છું ! યોર ઓનર !! માટે વિના સંકોચ વાંચો, સમજો અને આનંદ તો ભરપુર લો. હા શૃંગારરસનું પ્રાબલ્ય જરૂર છે પણ એ વિના જ જેને ચલાવી લેવું હોય તેને માટે આપણી પાસે હજુ ભર્તૃહરિનું ’વૈરાગ્ય શતક’ ઇન પાઇપ છે જ અને ગીરનારમાં ઘણી ગુફાઓ પણ હજુ પ્રતિક્ષારત છે 🙂 વેલકમ !!

(નોંધ: આ લેખમાંના સંસ્કૃત શ્લોક “giirvaani.net” પરથી લીધેલ છે, અહીં આપને આ આખું કાવ્ય, અંગ્રેજી ભાષાંતર સાથે વાંચવા મળશે.)

17 responses to “પ્રેમનો રંગ,રાધાને સંગ-ગીતગોવિંદમ્‌

  1. હજી આગળ લખવાના છો ને? રાહ જોઈએ છીએ.

    Like

  2. પ્રથમતો આપેજ લખેલું કે કૃષ્ણ ૧૧ વર્ષે ગોકુલ છોડી મથુરા ગયા પછી ફરી કદી પાછા આવ્યા નથી.તો નક્કી કરો કે કૃષ્ણ મથુરા ગયા ત્યારે કંસ વધ કર્યો ત્યારે કેવડા હતા.યુવાન હતા તો પછી કોઈ સવાલજ ના રહે.જયદેવ કવિ છે.કોઈ ઇતિહાસકાર નથી.કવિએ બંનેને પુખ્ત બનાવી દીધા.આનો અર્થ એનાથી તે ઐતિહાસિક તથ્ય છે.જ્યાં ન પહોચે રવિ ત્યાં પહોચે કવિ અમસ્તું નથી કહ્યું.

    Like

    • આભાર, ભુપેન્દ્રસિંહજી.
      અમુક સંદર્ભ ધ્યાને લેતાં એ પણ ખરૂં હોઇ શકે, પરંતુ એ ઈતિહાસનો વિષય છે. અને હું પણ એ જણાવવા માંગુ છું કે જયદેવ કોઇ ઈતિહાસકાર નથી કે ગીતગોવિંદ કોઇ ઈતિહાસનું પુસ્તક નથી (કે ન ધાર્મિક પુસ્તક છે) એ માત્ર એક સાહિત્યરચના છે. જેને સાહિત્યના સંદર્ભે જ વાંચવી-સમજવી કે વિવેચવી યોગ્ય ગણાય. આ પુસ્તકમાં પણ ક્યાંય એવો દાવો નથી કરાયો કે આવી કોઇ ઘટના બની હશે ! આમે જયદેવે તો આ છેક બારમી શતાબ્દીમાં લખ્યું જે કૃષ્ણ પછી ઘણા હજાર વર્ષ પછી આવે છે.

      અગાઉ કહેવાયેલું તેમ, રાધા-કૃષ્ણની વાતો જયદેવની પણ પહેલાંની હોવા સંભવ છે. જયદેવે આ રચના કરી ત્યારના સમયમાં શૃંગારીક સાહિત્યનો કોઇ છોછ નહીં હોય. અને સર્જકો પોતાની રચના લોકભોગ્ય બને તે માટે જે તે સમયે વધુ ચલણમાં હોય તેવા પાત્રોને પ્રથમ પસંદગી આપે તે તો સામાન્ય બાબત છે. દિપકભાઇએ કહેલું તેમ પતિ-પત્નીનું પ્રેમકાવ્ય કંઇ લોકોમાં ઉત્સાહ ન જગાવે !! તે માટે પ્રેમી-પ્રેમીકાની રચના જ કરવી પડે !! (TRPનું મહત્વ તો દરેક સમયે સરખું જ હોય !) વધુ થોડું આ લેખમાળામાં આગળ લખીશ જ. કહ્યું છે ને; ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર.

      અંતે, મેં કહેલી દરેક વાત બાબતે: કોઇએ (લગભગ વિનોબાજીએ) કહેલું કે ’હું જરાએ ભરોસાપાત્ર નથી !’ ગાંધીજીએ પણ અલગ રીતે પણ એ અર્થનું જ કહેલું, કેમ કે વિજ્ઞાન પણ સાક્ષી આપશે કે આ જગતમાં કશું જ એક સરખું રહેતું નથી. ક્ષણે ક્ષણે બદલાવ આવે છે. તેમ વિચારો કે કથનમાં પણ બદલાવ આવતો જ રહે (આવવા જોઇએ જ ! બાકી તો રુઢીચુસ્તતા અને ખુલ્લું મન એ શબ્દોનો અર્થ શું ?) સંદર્ભ બદલે તેમ માહિતી પણ બદલે. આ બાબતે પણ આગળ આપની સાથે જ જરા ઊંડાણપૂર્વક વાત કરીશ. (અત્યારે વિજળીરાણી રીસાયા છે અને પાવર સપ્લાયે બીપ-બીપ ચાલુ કર્યું છે તેથી અહીં અટકું) આભાર.

      Like

  3. અશોક”જી” ખૂબ સરસ માહિતી સભર લેખ,ગીતગોવિંદ ની ખૂબ નજદીક લઈ જઈ રસાસ્વાદ “વાંચનયાત્રા” કરાવી [શુ “ડૂબકી”લગાવવા ની ઇચ્છા છે?!]
    “જી”ભજિયા પાર્ટી યાદ કરવા બદલ આભાર,[બે પ્લેટ ભજિયા નો બીલ કોણ આપશે?] લેખ વાંચી પ્રથમ ભજિયા ખાવા જવું પડ્યું. ૯/૬ થી ૧૨/૬ ના જૂનાગઢ આવું છુ ભજિયા પાર્ટી ની ગોઠવણ કરી રાખજે.[ને હવે આંખો મીંચી ભજિયા પર ઝપટ બોલાવ જે!]
    મુખ્ય વાત “ગીતગોવિંદ” કૃતિ છે તો એક કાવ્ય એટલે કવિ ની “કલ્પના”ઓ, આડેપાટે ચડાવવા માં કવિઓ ને કોઈ ના પહોંચે! સીવાય કવિ! [ગુરુજી સાથે સહમત]
    સ_રસ પંચ “શૃંગારરસનું પ્રાબલ્ય જરૂર છે પણ એ વિના જ જેને ચલાવી લેવું હોય તેને માટે આપણી પાસે હજુ ભર્તૃહરિનું ’વૈરાગ્ય શતક’ ઇન પાઇપ છે જ અને ગીરનારમાં ઘણી ગુફાઓ પણ હજુ પ્રતિક્ષારત છે વેલકમ !!!

    Like

    • આભાર, ભાઇ.
      ’બીલ ભરવાની જવાબદારી લેખકની રહેશે નહીં !!’ સારૂં છે કે મેં એરબસ A-320 પર લેખ ના લખ્યો 🙂 બીજું કવિઓ આડેપાટે ના ચઢાવે, વિચારવંત બનવાની તક પણ આપે, મનોરંજન પણ કરે, ક્યાંક સમાજ સુધારણામાં પણ ભાગ લે, ટુંકમાં કવિઓમાં બહુ સારી શક્તિ સમાયેલી હોય છે. અન્ડરએસ્ટિમેટ ના કર બાકી ’હલવાઇ’ જઇશ !!

      બાકી તારા માનમાં ભજીયાપાર્ટી પાકી, જા લહેર કર !!

      Like

      • “આભાર” ભાઈ ભજીયા પાર્ટી નો સમય તારીખ પણ લખવી હતી ને ! જે થી બધા લાભ લઈ શકે !? એરબસ A-320 પર લેખ લખતા પહેલા બ્લેંક ચેક લખી રાખ જે![ફક્ત signature સાથે]
        મેં કવિની “કલ્પનાઓ” વિશે ટિપ્પણી કરેલી, કવિઓ ની “શક્તિ” થી અજાણ નથી.
        બાકી કવિતાઓ વાંચી લખી ને “હલવાઈ”તો ગયો છું ! ૧૩૯ મહિના પહેલા ૪ નવેમ્બર ના રોજ [આપે ખૂબ ઉત્સાહ થી ફસાવ્યો ! ન બચાવ્યો!ન બચાવ્યો!]

        Like

  4. અરે અશોકભાઈ, તમે કદી ઉલ્લેખ કર્યો નહી કે તમે ભજીયાના શોખિન છો અને મરચાંનાં ભજીયા અન્ય મિત્રોને હોંશેહોંશે ખાવાનો માર્ગ મોકળો કરી આપો છો. શકીલભાઈની પાછળ હું પણ લાઈનમાં ઉભો રહી જઉં છું. ઓગષ્ટમાં અમદાવાદ આવં ત્યારે આ વખતે જુનાગઢના મરચાનાં ભજીયા તમારી અને અન્ય વિકિમિત્રોની સાથે પાકા. અને ભાઈ, ભજીયાતો અમારા અમદાવાદમાં પણ રાયપુર ભજીયાવાળા જેવા કોઈ બનાવી ના શકે, તો બોલો અમદાવાદના ચાખશો કે જુનાગઢના?

    અને આભાર આ સુંદર લેખ માટે, ગીતગોવિંદની પ્રિન્ટ કાઢી લીધી છે અને આજથી જ તેનું વાંચન શરૂ.

    ઉપર બેઠા-બેઠા જયદેવ તમારો પાડ જરૂર માનતા હશે કે તમે તેમના માથેથી આળ ઉતાર્યું. થોડું-ઘણું વાંચીને પાછો આવીશ.

    Like

    • આને કહેવાય હરખની હેલી !! અરે ભાઇ જુનાગઢમાં હું ભજીયા ખવડાવીશ અને અમદાવાદમાં આપ ખવડાવજો ! (ડબલ ધમાકા ! ડબલ ફાયદા !)

      હા, ગીતગોવિંદ વાંચીને કશુંક ઉપયોગી માર્ગદર્શન જરૂર કરશો. ભ‘ઇ જયદેવના પેગડામાં મુજ ગરીબનો પગ થોડો હોય ! ક્યાં એ મોટા ગજાના કવિ અને ક્યાં અમે !! હા આભાર તો આપણે જયદેવનો માનવો રહ્યો કે ’પ્રેમશાસ્ત્ર’ની આંટીધુંટી આટલી રસિકપણે આપણને સમજાવી ગયા ! પુરું વાંચી નાંખશો એટલે કહેશો કે વાત તો સાચી !
      આભાર, ધવલભાઇ.

      Like

  5. અશોકભાઇ ખૂબ ખૂબ સરસ જાણકારી ગીતગોવિદમ વિશે.

    હમણાંથી બ્લોગમાં મેથીના ગોટા અને ભજિયાં તેય મરચાંના બહુ વાંચવામાં આવ્યાં.(ખાસ આપ બીમારીમાંથી ઉઠ્યા પછી જ). બીમારીમાં ખૂબ પરેજી પાળી લાગે છે(તીખું ખાવનું મન થાય જ). લેખ વાંચ્યો તરત ઉલ્લેખ કરવાનું મન થયેલ. પણ લેખ આડે પાટે ચડી જશે એમ માનીને ના કર્યો. પણ શકીલભાઇનો અને ધવલભાઇનો પ્રતિભાવ વાંચીને ઉલ્લેખ કર્યો. સારૂં છે ચાલો આજકાલ એ બહાને ભજિયાંનો ઉપાડ વધશે. મને લાગે છે કે એકાદ સ્પેશ્યલ લેખ પણ ભજિયાં પાર્ટી વિશે લખાશે.

    Like

    • આભાર, મિતાબહેન.
      સાચી વાત ! આ પેલી સ્પ્રિંગ ઈફેક્ટ જેવું થયું ! જેમ દબાવો તેમ વધુ જોરથી ઉછળે. અને આમે હવે વાદળાં ઘેરાવા લાગ્યા છે તેથી ભજીયા વધુ યાદ આવે !! આગળ પર એકાદ ભજીયા પાર્ટીનો સચિત્ર અહેવાલ જ મુકીશું ! (જેથી બાકાત રહી ગયેલા અન્ય મિત્રો પોતાના જીવ બાળવા બદલ ભરી ભરીને અમને ધોકાવી શકે 🙂 )

      આપને આ લેખ પસંદ આવ્યો તે બદલ પણ આભાર. ક્યાંય અનુચિત વાત જણાય તો ટકોરવાનું પણ ભુલશો નહીં.

      Like

  6. શ્રી અશોકભાઈ

    મને તો આ બધું પલ્લે નહિં પડે 🙂

    હું તો વૈરાગ્ય શતકની રાહ જોઈશ 😛

    Like

  7. ગીતગોવિદમ વિશે ખૂબ સરસ જાણકારી સુંદર લેખ આપવા માટે આભાર .

    Like

  8. શ્રી પારૂબહેન, યશવંતભાઇ, વિનયભાઇ, રાજનીભાઇ તથા સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર.

    Like

  9. અશોકભાઈ, મને ભજીયા ખુબ ગમ્યા…..હો…..!!!

    Like

  10. પિંગબેક: પ્રેમનો રંગ, રાધાને સંગ – ગીતગોવિંદમ્‌ (૩) | વાંચનયાત્રા

Leave a comment