અધ્યાત્મ અને ભૌતિક વિજ્ઞાન – રાજર્ષિ મુનિ


નમસ્કાર.

“અધ્યાત્મ અને ભૌતિક વિજ્ઞાન”  શ્રી રાજર્ષિ મુનિના પ્રવચનોનું શ્રી ઝીણાભાઇ દેસાઇ દ્વારા સંકલિત કરાયેલા અને શ્રી કાયાવરોહણ તીર્થ સેવા સમાજ-કાયાવરોહણ દ્વારા, ૧૯૮૬ માં, પ્રકાશિત આ પુસ્તકમાં અધ્યાત્મ અને ભૌતિક વિજ્ઞાનની સરખામણી કરાયેલ છે, ક્યાંક ભૌતિક વિજ્ઞાનનાં નિયમો ટાંકી અને અધ્યાત્મની સમજુતી અપાયેલ છે. જો કે મોટાભાગે તો વિજ્ઞાન કરતા અધ્યાત્મની મહત્તા વધારે દેખાય આવે છે. ઘણા ઉદાહરણો કે મુદ્દાઓ ગળે ઉતરવા માટે કદાચ હજુ મારું ગળું સાંકડું પડતું લાગે છે. પરંતુ વિચારવા યોગ્ય, સમજવા યોગ્ય, તો છે જ.  તો આ પુસ્તકમાંથી વિચારવા યોગ્ય અમુક વિચારો અહીં રજુ કરીશ. શાથે શાથે ક્યાંક મારા નમ્ર વિચારો પણ ઉમેરીશ, કોઇને વધુ જીજ્ઞાસા ઉપજે તો નીચે આપેલ કડી પર પુસ્તક માટે તપાસ કરે.

માનો કે આખા બ્રહ્માંડમાં ફરી વળ્યાં અને નક્કી કરી લીધું કે ભગવાન છે જ નહીં, પણ છતાં ય એ છેવટનું સત્ય નહીં હોય. કેમ ?   એક નાનકડો વિચાર કરી લઇએ. આપણું શરીર જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એમાંથી શું ચાલ્યું જાય છે ? અંદરથી હૃદય કે મગજ નીકળીને ચાલ્યું જાય છે ? ના. સ્થુળ તો બધું જેમનું તેમ રહે છે. જે ચાલ્યું જાય છે તે તો “ચૈતન્ય” ચાલ્યું જાય છે. તેને જ આપણે બીજા શબ્દોમાં ’પ્રાણ’ કહીએ છીએ.

 સિદ્ધાંત તો ફક્ત વિજ્ઞાનને સમજવા માટેનો નિયમ છે. એ કંઇ વિજ્ઞાનનું સાધન નથી, પ્રયોગ જ વિજ્ઞાનનું સાધન છે.

હું કહું તે સત્ય છે એમ પણ તમારે શા માટે માની લેવું જોઇએ ? જો તમે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતા હો તો કોઇ પણ વાતનો પ્રયોગ કર્યા વિના સ્વીકાર કે અસ્વીકાર ન કરવો જોઇએ.

મારો યોગ પ્રત્યેનો અભિગમ વૈજ્ઞાનિક છે.

આજનું વિજ્ઞાન જે શાળાઓ, કોલેજોમાં શીખવાડવામાં આવે છે તે એમ સૂચવે છે કે જે કંઇ પ્રત્યક્ષ છે તે સત્ય છે અને જે કાંઇ પ્રત્યક્ષ નથી તે અસત્ય છે. પરંતુ આ માન્યતા સંતોના-શાસ્ત્રોના મત મુજબ સત્ય નથી. આપણે જે કંઇ પ્રત્યક્ષ જોઇ-જાણી શકતા નથી એ અસત્ય છે એમ માની લેવું એ બરાબર ન કહેવાય.

વિજ્ઞાનવાદી બનવું એ કદાચ ખોટું નથી, સારું હશે, પણ સાચા અર્થમાં વિજ્ઞાનવાદી બનવું જોઇએ.

વૈજ્ઞાનિકનો અભિગમ તો એવો જ હોવો જોઇએ કે કોઇ પણ વસ્તુને સત્ય સાબિત કરવી હોય તો પણ અને કોઇ પણ વસ્તુને અસત્ય-ખોટી સાબિત કરવી હોય તો પણ પ્રયોગ કરવો જોઇએ. પ્રયોગને અંતે સત્ય છે કે અસત્ય તે આપણે નક્કી કરી શકીએ.

અંદરથી સ્ફુરે તે જ સાચું જ્ઞાન, કે જેની વિસ્મૃતિ થતી નથી. જે વિસ્મૃતિ થઇ જાય તે ફોકટિયું જ્ઞાન. તેને તો માત્ર જાણકારી, માહિતી કે ગોખણિયું જ્ઞાન જ કહી શકાય.

જ્ઞાન આત્મા શાથે સંકળાયેલું છે, શરીર શાથે નહીં. આત્મા નષ્ટ થતો નથી. આત્મા શાથે જોડાયેલું જ્ઞાન- આત્મજ્ઞાન- પણ નષ્ટ થતું નથી.

સાચું જ્ઞાન આત્મતત્વના અનુભવ દ્વારા જ સંભવી શકે. માત્ર પુસ્તકો કે ચર્ચાઓ દ્વારા માહિતી એકઠી કરવાથી કે ગોખણપટ્ટી કરવાથી ન મળી શકે. અનુભવ યુક્ત જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય માત્ર સમ્યક્‌ સાધના જ છે. અનુભવયુક્ત જ્ઞાન એટલે સત્યયુક્ત જ્ઞાન. અનુભવરહિત જ્ઞાન સત્યથી વેગળું હોઇ શકે.

તરતાં આવડતું હોય એવી વ્યક્તિને પચ્ચીસ વર્ષે પણ પાણીમાં નાંખો તો ય ડૂબે નહીં. તરે જ. અને જેણે માત્ર પુસ્તક જ વાંચ્યું છે તે પચ્ચીસ વર્ષ સુધી ગોખ્યા કરે તો પણ ડુબવાનો જ તેમ ગીતાના અઢારે અધ્યાય કંઠસ્થ કરી લીધા એટલે કંઇ ભગવાન મળી જવાના એવું નથી, એ જ્ઞાન ગોખેલું છે.

આવા ઉત્તમ અનુભવયુક્ત જ્ઞાનનો રસ્તો એટલે યોગ સાધનાનો માર્ગ. એ માર્ગે પ્રવાસ કરો તો જ સીમિત બુદ્ધિની કે તર્કની પકડમાંથી છૂટી શકાય અને તર્કવિતર્કથી છૂટકારો થાય તો જ સંશયથી છૂટી શકાય. સંશય ટળ્યો કે આવરણ હટી જવાનું અને આત્મજ્ઞાન લાધવાનું.

આપણે જોયું કે મનમાંથી સંશય ટાળવો જોઇએ. તે માટે તર્કવિતર્ક કરનારી બુદ્ધિને બંધ કરવી જોઇએ. 

ભગવાનને જોવા હોય તો પહેલા આવરણયુક્ત બુદ્ધિને તાળું મારવું પડશે. બલ્કે બુદ્ધિને આવરણરહિત અને નિર્મળ બનાવવી પડશે.

 અહીં થોડું વિચારવું પડશે !! મોટાભાગનાં ધાર્મિક વિચારોમાં આ વાત તો કહેવાતી હોય જ છે. કદાચ કહેનાર દરેકનો હેતુ સમાન નથી હોતો, પરંતુ સમજનાર અને સમજાવનાર તેનો પોતાને ફાવતો અર્થ કરી અને અનર્થ કરતા હોય છે !

વિજ્ઞાન અને ધર્મમાં કદાચ સૌથી વધુ સંઘર્ષ પણ આ બાબતનો છે. વિજ્ઞાન બુદ્ધિ ખોલવાનું કહે છે જ્યારે અહીં બુદ્ધિને તાળું મારવાનું આવે છે. કહેવાનો ભાવાર્થ એમ પણ હોઇ શકે કે કુતર્ક આધ્યાત્મના માર્ગે અડચણરૂપ પણ બનતો હોય અથવા તો દરેક વ્યક્તિ પોતે પ્રયોગ કરવા જેટલું સાહસ કે સમજણ ન પણ ધરાવતો હોય તો તેણે પોતાને જેના પર વિશ્વાસ છે તેનાં અનુભવને આધારે આગળ વધવું. 

પરંતુ કોના પર વિશ્વાસ રાખવો અને કોના પર નહીં તેટલી સમજણ તો તેમાં પોતાની જાતે જ વિકસેલી હોવી જોઇએ ને ? પરંતુ આપણે તો આટલી સમજણ ધરાવવા ઇચ્છતા માણસને પણ નાસ્તિક કે અધર્મીનું લેબલ લગાવી દઇએ છીએ. બાકી પોતાની જાતે પ્રયોગ કરનારાઓનાં વિચારોમાં તો સૌને, તે સમયે કદાચ, કહેવાતી ભારોભાર નાસ્તિકતા જ દેખાશે. પછી તે ઇન્દ્રને ભોગ ન આપવાનું સમજાવનાર કૃષ્ણ હોય કે સત્યાર્થ પ્રકાશ જેવો ગ્રંથ લખનાર મહર્ષિ દયાનંદ સરસ્વતી હોય. અને અહીં પાછી આ ધર્મની એક મહાનતા તો જુઓ કે તેની જ રૂઢિઓનો વિરોધ કરનાર એક ઇશ્વર ગણાયો અને એક મહર્ષિનું બિરૂદ પામે છે.  ખુલ્લા મનથી વધુ વિચારવા વિનંતી.

આપણી આંખોની સીમિત શક્તિને કારણે જ્યારે આપણે પ્રકાશને નથી જોઇ શકતા ત્યારે આપણે ’અંધકાર’ કહીએ છીએ.

પ્રકાશના અભાવને આપણે અંધકાર કહીએ છીએ. ખરેખર અંધકારનું અસ્તિત્વ નથી. તમે કહેશો કે અમે પ્રકાશ તો જોયો છે, પરંતુ હું કહું છું કે કોઇએ નથી જોયો. તમે ક્યારે પ્રકાશને જોયો છે ? અથવા તમે એને કઇ રીતે જોયો છે ? આપણે પ્રકાશ નથી જોતા, પ્રકાશનાં કિરણો પદાર્થ ઉપર પડીને પરિવર્તિત થાય છે એટલે એ પ્રકાશિત પદાર્થો જ આપણે જોઇએ છીએ, પ્રકાશ નહીં.

એ ખરું છે કે અનેક આશ્ચર્યજનક શોધો કરનારી માનવ બુદ્ધિ કંઇ જેવી તેવી શક્તિ ન ગણાયમ છતાં પણ તે અસીમિત ન ગણાય. બુદ્ધિ જેવીતેવી શક્તિ નથી પરંતુ તે આવરણયુક્ત હોવાને કારણે સીમિત છે તે સ્વીકારવું જ રહ્યું.

આપણે જે વાંચીયે છીએ કે સાંભળીએ છીએ તેને સમજવું એને ’જ્ઞાન’ કહીએ તો એવું બીજું કંઇક છે કે જેને આપણે ’અજ્ઞાન’ કહીએ છીએ.

કોઇ પણ વસ્તુ તમે લો તો એનો બીજો દ્વંદ્વ છે જ. જ્યાં સુધી દ્વંદ્વ છે ત્યાં સુધી એ સત્ય નથી, અસત્ય છે. સત્ય એ કે જે કાયમી સત્ય જ છે. અસત્ય જેવું કાંઇ છે જ નહીં. જે કંઇ બને છે અને જે કંઇ છે તે સત્ય જ છે. અસત્ય તો આપણી સીમિત બુદ્ધિની પેદાશ છે.

આત્મા અને પરમાત્માનું મિલન એ જ છેવટનું અને સંપૂર્ણ સત્ય છે. આ જગતમાં માત્ર એ જ જાણવા જેવું અને અનુભવવા જેવું સત્ય છે.

અહીં મૃત્યુ વિશે પણ વાત કરી હોય તેમ જણાય છે. આ બાબત ઉચ્ચ શબ્દોથી સમજાવી છે, સાદી ભાષામાં કહીએ તો મૃત્યુ એ એક જ, જીવ માટેનું, પરમ સત્ય છે. એટલે અહીં પણ આ વાત સમજાવવામાં આવી છે. મૃત્યુનું રહસ્ય જાણવાનું અધ્યાત્મ જગતમાં પણ ઘણું મહત્વ છે. ’નચિકેતા’ની કથા તો સાંભળી જ હશે, જે કહેવાય છે કે યમ પાસેથી મૃત્યુનું રહસ્ય જાણી લાવેલ.

જેમ ભૌતિક સંશોધન માટે બર્હિમુખ વિજ્ઞાન છે તેમ આધ્યાત્મિક સંશોધન માટે અંતર્મુખ વિજ્ઞાન છે.

આધુનિક જ્ઞાન-વિદ્યા આપણો સંસાર વ્યવહાર ચલાવવા માટે, આપણા જીવનનું ભરણ-પોષણ કરવા માટે, આજીવિકા ચલાવવા માટે, કમાવા માટે જરૂરી  છે. તેટલા પૂરતું શીખજો એનો વાંધો નથી. પણ એને જ છેવટનું સત્ય માની ના લેશો, એને જ સર્વસ્વ માની ન લેશો. શાથે શાથે આધ્યાત્મિક જ્ઞાન તરફ પણ મીટ માંડજો.

આ થોડા વિચારવા લાયક મુદ્દાઓ ઉપરાંત અહીં ઘણા બધા ઉદાહરણો અને દલીલો આપવામાં આવેલી છે. જે માટે ક્યાંક વિજ્ઞાન તો ક્યાંક પ્રાચિન શાસ્ત્રો કે કથાઓનો સંદર્ભ આપવામાં આવ્યો છે. ટુંકમાં કહીએ તો કોઇ પણ જગ્યાએથી, અંધશ્રદ્ધા કે અશ્રદ્ધાને નિવારીને તટસ્થ ભાવે સમજવાની કોશિશ કરીએ તો, ઉપયોગી થાય તેવું જ્ઞાન જરૂર મેળવી શકાય છે. આગળ વળી એક નવું પુસ્તક અને કંઇક નવા વિચારો લઇ ને તેને આપના સહકારથી વધુ સમજવાની કોશિશ  કરીશ. 

સૌ ને હુતાસણી અને ધુળેટીનાં રંગોત્સની હાર્દિક શુભકામના. 

 વધુ માટે :

* પુસ્તકની પૂછપરછ માટે  – (લાઇફ મિશન.ઓર્ગ)

* મૃત્યુના વિષય પર એક સરસ લેખ – સ્વર્ગારોહણ.ઓર્ગ પર

4 responses to “અધ્યાત્મ અને ભૌતિક વિજ્ઞાન – રાજર્ષિ મુનિ

  1. રાજર્ષિ મુની તેમની યોગ સાધના માટે ઘણા જાણીતા છે. અને આ યોગ વિદ્યાને તેમણે વ્યવસ્થિત રીતે ટકાવી રાખી છે. કોઈ પણ બાબત માટે સ્વયંની અનુભુતિ જ સમાધાન આપનારુ પ્રમાણ ગણાય. બાકી અનુમાન પ્રમાણ અને આગમ પ્રમાણ માર્ગદર્શક છે પણ અનુભુતી પ્રમાણ એવું પ્રમાણ છે કે જેમાં વિરોધ થવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. અને એટલે યોગીઓ આહવાન કરે છે કે સાધના કરો, અનુભવ કરો અને જાણી લ્યો. અલબત્ત ઘણીયે વાર લોકો અલ્પ અનુભુતી થી સંતોષ માની ને છેવટ સુધી પહોંચ્યા વગર પણ પાછા ફરે તેવું પણ બને તેથી સાધનામાં જ્યાં સુધી આગળ જવા માટે બીજુ કશું ન રહે ત્યાં સુધી ઉંડા ઉતરવું જોઈએ.

    Like

  2. અને હા આ રંગોત્સવના વધામણા આપવાનું તો ભુલી જ ગયો, લ્યો ત્યારે મુઠ્ઠી ભરીને પ્રેમથી ગુલાલ તમારી ઉપર છાંટી જ દઉ. જે રંગાયેલા જ છે તેને બીજો કોઈ રંગ તો ચડવાનો નથી પણ અમને તો રંગવાનો આનંદ થાય ને.

    Like

    • આભાર અતુલભાઇ, આપને પણ આ રંગભર્યા તહેવારની હાર્દિક વધાઇ. ખરું છે! અમુક રંગ એવા ચડે છે કે પછી ખોળીયું બદલાય તો પણ ઉતરતા નથી.
      “અપને હી રંગ મેં રંગ દે ચુનરિયા,
      શ્યામ પિયા મોરે રંગ દે ચુનરિયા.”
      – મીરાંબાઇ

      હોળી વિષે વિકિ પર સરસ લેખ મિત્રોએ બનાવેલો છે, વાંચવા વિનંતી કરીશ. આભાર.

      Like

  3. સોરી હો અશોકભાઈ, આટલો સુંદર, જ્ઞાનસભર લેખ મે કેમ ન વાંચ્યો એ બદલ ખેદીત છુ. પણ ત્યારે તો હુ નવોસવો હતો લગભગ ફેબ્રુઆરીમાં જ મે બ્લોગ લખવાનુ શરુ કરેલુ છે.આપનો લેખ ઉચ્ચ કોટીનો છે છતાંય http://rajeshpadaya.com/%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AA%AF%E0%AA%95%E0%AA%9C%E0%AA%BF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE/ વાંચી જવા વિનવુ છુ….

    Like

Leave a comment