નીતિશતક (૩) – સજ્જનતા (૨)


નીતિશતક (૩) – સજ્જનતા (૧)  પછી આ બીજા ભાગમાં આપણે સજ્જનતા, તેના ગુણો અને પ્રસંશા આગળ ચલાવીએ. જાણવાનું ઘણું છે, ઘણું ગમશે ઘણું અણગમતું પણ લાગે ! મારો કોઇ આગ્રહ નથી કે આ બધા મહાપુરૂષોએ લખ્યું તે સંપૂર્ણપણે માનવું. પરંતુ તેને એક પથદર્શક ગણી અને આપણો પ્રવાસ આગળ તો ધપાવી જ શકાય. અને એ માર્ગ આપણને ગંતવ્યસ્થાન સુધી પહોંચવામાં મદદરૂપ થશે જ. ઓછામાં ઓછું અંધકારરૂપી ખાડામાં તો નહીં જ નાખે તેની મને ખાત્રી છે. તો ચાલો યાત્રામાં થોડા આગળ ધપીએ.

वाञ्छा सज्जनसङ्गमे परगुणे प्रीर्तिगुरौ नम्रता

विद्यायां व्यसनं स्वयोषिति रतिर्लोकापवादाद्भयम्।

भक्ति: शूलिनि शक्तिरात्मदमने संसर्गमुक्ति: खले

येष्वेते निवसन्ति निर्मलगुणास्तेभ्यो नरेभ्यो नम:।।६२।।

” સજ્જનોના સંગની ઇચ્છા, બીજાના ગુણો ઉપર પ્રીતિ, ગુરૂજનો-વડીલો તરફ નમ્રતા, વિદ્યાનું વ્યસન, પોતાની સ્ત્રીમાં જ પ્રેમ, લોકનિંદાનો ભય, શંકરની ભક્તિ, આત્મસંયમની શક્તિ, દુર્જનોના સંગનો ત્યાગ; આ નિર્મલ ગુણો જે મહાપુરુષોમાં હોય તેમને નમસ્કાર.”

 

અહીંથી કવિ સજ્જનોના લક્ષણ વર્ણવે છે. (આપણી ભાષા પણ કેવી કોડવર્ડ વાળી છે !! અર્થ એકજ હોવા છતાં લક્ષણ કહેતાં વાંચક સમજી જાય છે કે આ પ્રસંશા છે, અને લખણ કહેતાં વાત દુર્જનની છે તેવું સમજાય જાય છે !)

દરેકમાં આ બધા લક્ષણો હોય જ તે જરૂરી નથી, પરંતુ પહેલું અને છેલ્લું લક્ષણ હોવું આવશ્યક છે. તેમાં પણ સજ્જન સંગ કરતા પણ દુર્જન ત્યાગનું વધુ મહત્વ છે. આ દૃષ્ટિએ એમ માની શકાય કે દુર્જન ન હોવું એટલે સજ્જન હોવું, અર્થાત સમાજનું હિત કરે કે ન કરે પણ અહિત તો ન જ કરે તેને સજ્જન મહાપુરુષ ગણી વંદનીય માનવા.

विपदि धैर्यमथाभ्युदये क्षमा सदसि वाक्पटुता युधि विक्रम:।

यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम्।।६३।।

” વિપત્તિમાં ધીરજ, અભ્યુદય (ઉન્નતિ,સમૃદ્ધિ)માં ક્ષમા, સભામાં વાણીની કુશળતા, યુદ્ધમાં પરાક્રમ, કીર્તિમાં પ્રેમ, જ્ઞાનનું વ્યસન; આ બધું મહાપુરુષોને સ્વભાવથી જ સિદ્ધ હોય છે.”

 પ્રથમ સામાન્ય કોટિના સજ્જનોના ગુણ વર્ણવી કવિ આ શ્લોકમાં થોડા ઉચ્ચકોટિના સજ્જનોના ગુણ વર્ણવે છે. અહીં સામાન્ય ઉપરાંત વિશિષ્ટ પરિશ્થિતિમાં પણ જે પોતાના ગુણિયલપણાનો પરિચય કરાવે છે તેવા સજ્જનોની વાત છે. દેખીતા છ ગુણો ખરેખર તો ત્રણ જ ગુણ છે. વિપત્તિ અને ઉન્નતિ એક જ બાબતનાં બે પાસા છે, તેમાં ધીરજ અને ક્ષમા, જે પણ એકસમાન ગુણ જ છે. તે જ રીતે સદસ્‌માં વાગ્યુદ્ધ છે જ્યારે સમરમાં શસ્ત્રયુદ્ધ, આ બન્નેમાં આત્મવિશ્વાસ જરૂરી છે. તે જ રીતે કીર્તિની કામના અને જ્ઞાન માટે આસક્તિ લગભગ પરસ્પરાવલંબિત છે.

प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधि:

प्रियं कृत्वा मौनं सदसि कथनं चाप्युपकृते:।

अनुत्सेको लक्ष्म्यां निरभिभवसारा: परकथा:

सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम्।।६४।।

” ગુપ્તદાન, અતિથિનું સન્માન, (કો‘કનું) ભલું કરી અને મૌન રહેવું,  કરેલા ઉપકારની વાત જાહેરમાં ન કરવી, સંપત્તિમાં છકી ન જવું, બીજાની વાતો નિંદા વિના કરવી; કઠિન એવું આ અસિધારા (તલવારની ધાર પર ચાલવા જેવું) વ્રત સજ્જનોને (સંતોને) કોણે બતાવ્યું હશે.”

 વિપત્તિકાળમાંથી બહાર આવી અને સમૃદ્ધ થયેલા સજ્જનમાં અહીં વર્ણવેલા ગુણો સહજપણે જ આવી જાય છે. (અર્થાત જાત મહેનતે અને નીતિપૂર્વક સમૃદ્ધ થયેલા) અહીં ગુપ્તદાન, આતિથ્ય અને પરોપકારનો મહીમા પણ ખાસ ગવાયો છે.

करे श्लाघ्यस्त्याग: शिरसि गुरुपादप्रणयिता

मुखे सत्या वाणी विजयि भुजयोर्वीर्यमतुलम्।

हृदि स्वच्छा वृत्ति: श्रुतमधिगतैकव्रतफलं

विनाऽप्यैश्वर्येण प्रकृतिमहतां मण्डनमिदम्।।६५।।

” હાથથી વખાણવા લાયક ત્યાગ (દાન), મસ્તકથી ગુરુજનોના ચરણોમાં પ્રણામ, મુખથી સાચી વાણી, વિજયવંત બાહુઓનું અતુલ બળ, હ્ર્દયમાં વિશુદ્ધ વૃત્તિ અને કાનથી પ્રાપ્ત કરેલું જ્ઞાન – સમૃદ્ધિ, ઐશ્વર્ય ન હોય તો પણ મહાપુરુષોના આ સ્વાભાવિક આભૂષણો છે.”

કુદરતી રીતે જ જેઓ મહાન છે તેવા સજ્જનોની આંતરિક શોભાનાં લક્ષણો અહીં વર્ણવ્યા છે. આવા સજ્જનો પાસે ધન-સંપતી હોય કે ન હોય, તેઓ સજ્જનતાને ત્યજતા નથી. તેઓ ત્યાગ, નમ્રતા, સત્ય, પરાક્રમ અને જ્ઞાન જેવા અભૂષણો વડે શોભતા હોય છે.  

संपत्सु महतां चित्तं भवत्युत्पलकोमलम्।

आपत्सु च महाशैलशिलासंघातकर्कशम्।।६६।।

” સંપત્તિમાં મહાપુરુષોનું મન કમળ જેવું કોમળ અને આપત્તિમાં તે મોટા પર્વતની શિલા જેવું કઠોર બને છે.”

સજ્જનોનો સ્વભાવ એવો હોય છે કે તે પોતાની અવશ્થા કરતા વિપરીત વર્તન કરે છે. જેમ વૃક્ષને ફળ બેસે છે ત્યારે તે ઝુકી જાય છે તેમ, તેઓ સંપત્તિમાં (સુ:ખમાં) કોમળ, નમ્ર બને છે અને વિપત્તિમાં કઠોર બને છે. ’સુ:ખમાં છકી ન જવું અને દુ:ખમાં હિંમત ન હારવી’ – આ સજ્જનોનું જીવનસુત્ર હોય છે.

संतप्तायसि संस्थितस्य पयसो नामाऽपि न ज्ञायते

मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं राजते।

स्वात्यां सागरशुक्तिमध्यपतितं तन्मौक्तिकं जायते

प्रायेणाधममध्यमोत्तमगुण: संसर्गतो जायते।।६७।।

” તપાવેલા લોખંડ પર પડેલા જળનું નામ નિશાન પણ રહેતું નથી, તે જ જળ જો કમળનાં પાંદડા ઉપર પડે તો મોતીની જેમ શોભી ઊઠે છે. તે જ જો સ્વાતિ નક્ષત્રમાં દરિયાની છીપમાં પડશે તો સાચું મોતી બની જશે. અધમ, મધ્યમ કે ઉત્તમનો સંગ કરનારનું ઘણું કરીને આમ જ થતું હોય છે.”  

અહીં સજ્જન કેમ બનવું તેનો નિર્દેશ આપવાનો શતકકારનો પ્રયાસ છે. જળબિંદુના દષ્ટાંત વડે ’સોબત તેવી અસર’ સમજાવેલ છે. કહે છે ને ’જેવો સંગ તેવો રંગ’. આથી તો આપણે શાસ્ત્રોમાં ’સત્‌સંગ’નો ખુબ મહીમા ગવાયો છે. હા એ વાત અલગ છે કે કહેવાતા, આપવડાઇમાં રત, એવા મહાનુભાવોએ સત્‌સંગની આખી વ્યાખ્યા જ ફેરવી નાખી છે. ’સત્ય+સંગ’ ને બદલે ’અમારો સંગ’ (પછી ’અમે’ ભલે ગમે તેવા હોઇએ !!) એવો અર્થ બેસાડી માર્યો છે.  (આ સમજુતીના ચક્કરમાં અન્યની નિંદા કરી ’निरभिभवसारा: परकथा:’ નું લક્ષણ ગુમાવી અમે પણ દુર્જન થતા જઇએ છીએ 😀  )  

य: प्रीणयेत्सुचरितै: पितरं स पुत्रो

यद्भर्तुरेव हितमिच्छति तत्कलत्रम्।

तन्मित्रमापदि सुखे च समक्रियं य-

देतत्त्रयं जगति पुण्यकृतो लभन्ते।।६८।।

” જે સારા કાર્યથી પિતાને પ્રસન્ન કરે તે જ સુપુત્ર છે. જે પતિનું જ ભલું ઇચ્છે તે જ પત્ની છે.  જે દુ:ખમાં અને સુ:ખમાં એક સરખી રીતે વર્તે તે જ સાચો મિત્ર છે. જગતમાં પુણ્યશાળીઓને આ ત્રણ મળે છે.”

 અહીં પુત્ર, પત્ની અને મિત્રની વ્યાખ્યા આપી છે. પુત્ર અને મિત્રની ફરજ બાબતે તો કદાચ કોઇને વિવાદ કરવાપણું નહીં હોય. પત્ની બાબતે કદાચ વાંધો પડે !! આ શ્લોક પરની ગૃહચર્ચામાં મારે જ વાંધો પડેલો 🙂  આથી થોડું જીણું કાંતી આપું !! અહીં कलत्रम् શબ્દ છે જેનો અર્થ પત્ની તેવો થાય છે, જો કે વ્યાકરણ મુજબ આ શબ્દ નપુંસકલિંગનો છે. અહીં સ્ત્રીના પત્ની તરીકેના સંબંધને ખ્યાલમાં રાખી તેને બહેન, પુત્રી, નણંદ, ભાભી વગેરે અન્ય સંબંધોની દૃષ્ટિએ પણ વિચારીને તુલનાત્મક પસંદગી દર્શાવી છે.  વિદ્વાનોના મત અનુસાર, કહેવાનો અર્થ એ છે કે સ્ત્રીએ જ્યારે ઘણા સંબંધોમાં એક શાથે વિચારવાનું હોય ત્યારે પતિના સંદર્ભમાં અને તેની તરફેણમાં જ વિચારવું. (જો કે આવીજ પરિશ્થિતિમાં પતિએ પણ ફક્ત પત્નીની જ તરફેણમાં વિચારવું કે નહીં તે બાબતના સમાધાન અર્થે હજુ મારૂં મનોમંથન ચાલુ જ છે ! કોઇ વિદ્વાન સહાયતા કરશે ?) 

नम्रत्वेनोन्नमन्त: परगुणकथनै: स्वान्गुणान्ख्यापयन्त:

स्वार्थान्सम्पादयन्तो विततपृथुतरारम्भयत्ना: परार्थे।

क्षान्त्यैवाऽऽक्षेपरूक्षाक्षरमुखरमुखान् दुर्मुखान्दूषयन्त:

सन्त: साश्चर्यचर्या जगति बहुमता: कस्य नाभ्यर्चनीया:।।७०।।

” નમ્રતાથી ઉન્નતિ સાધનારા, બીજાના ગુણ કહીને પોતાના ગુણ જાહેર કરનારા, બીજાના માટે અનેક મહાન પ્રયત્નો કરી, પરમાર્થ કરી, પોતાનું પ્રયોજન સાધનારા, નિંદારૂપી કઠોર બોલ બોલતા મુખવાળા દુર્જનોને ક્ષમાથી જ સુધારતા – આ રીતે આશ્ચર્યકારક આચરણવાળા અને જગતમાં બહુમાનને લાયક બનેલા સજ્જનો કોને માટે પૂજનીય નથી ?”

આપણે આગળ સામાન્ય કોટિના અને થોડા ઉચ્ચ કોટિના સજ્જનોના લક્ષણો જોયા. અહીં આ સુભાષિતમાં કવિ વધુ ઉચ્ચકોટિના, સંતપુરુષોના લક્ષણોનું વર્ણન કરે છે. અહીં સંત એટલે સંસારમુક્ત સંન્યાસી નહીં પણ ગૃહસ્થ જીવન જીવી સદાચારના ઉચ્ચ નિયમોનું પાલન કરનાર પુરુષ. અહીં નમ્રતા, ક્ષમા કે પરોપકારનો ઢોંગ કે દેખાવ કરી પોતાનો સ્વાર્થ સાધનારની વાત નથી, પરંતુ નમ્રતા, પરોપકાર અને ક્ષમા જેવા ગુણો જેનામાં સહજભાવે વણાઇ ગયા છે તેવા સજ્જનોની વાત છે. અને આવા સજ્જનો સર્વત્ર પૂજનીય ગણાય છે.

આ પછીના લેખમાં સજ્જનતાને લગતા સુભાષિતોનો ત્રીજો અને છેલ્લો  ભાગ  આપણે  જોઇશું. ભાવાર્થ કે ટિપ્પણીઓ બાબતે કશી ક્ષતિ જણાય તો સુધારો સુચવવા નમ્રપણે વિનંતી છે.    

                                                                                                                (…..અપૂર્ણ)

ભર્તુહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:

ભરથરી-on wikipedia

* ભરથરી (કવિ)-on wikipedia

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia

* નીતિશતક (સંસ્કૃતમાં) – વિકિસ્ત્રોત પર

5 responses to “નીતિશતક (૩) – સજ્જનતા (૨)

  1. પિંગબેક: Tweets that mention નીતિશતક (૩) – સજ્જનતા (૨): -- Topsy.com

  2. પિંગબેક: કોપીરાઇટ (૧) « વાંચનયાત્રા

  3. પિંગબેક: નીતિશતક (૩) – સજ્જનતા (૩) « વાંચનયાત્રા

Leave a comment