ચંદુની ચા(હ)


Pic Source:Web Based

આમ તો ઘણાં વર્ષ વહી ગયા પરંતુ એ ઘટના હજુ યાદ છે. એ વર્ષે હું નવરોધૂપ થયો હતો, ખાસ કશું કામ હતું નહીં, બસ પરીક્ષા માટે થોડુંઘણું વાંચન કરવાનું રહેતું. તે સરકારની એક યોજનામાં રોજમદાર તરીકે જોડાયેલો, ગામડાઓમાં, એકદમ ગરીબ અને પછાત લોકો માટે, સરકારી ખર્ચે નાના નાના મકાનો બંધાતા. મારે ભાગે શહેરથી પોણી કલાકને અંતરે આવેલા એક ગામડાની આ આવાસ યોજનાના દેખરેખકર્તા તરીકેનું કામ આવેલું. રોજ સવારે ઘેરથી જમી અને બસ પકડતો તે ગામના પાદરમાં ઊતરી ત્યાંથી લગભગ બે‘ક કિલોમીટર છેટે આવેલી આ સાઇટ પર જવાનું, ટીફીન વગેરે ફાવે નહીં તેથી સવારે જમ્યો તે છેક રાત પડે પાછાં ઘેરે પહોંચી જમવાનું. આમાં વચ્ચે ચા-પાણીની સગવડ થાય તે કેવી સોના સરીખી લાગે તે તો ભૂખ્યાજનો જાણતા જ હશે.

કામમાં આમ તો બહુ કંઈ મહેનત નહીં, બસ દરરોજ કામે આવતા શ્રમિકોની હાજરી નોંધવાની અને બાંધકામ માટે આવતા માલ-સામાનની નોંધ રાખવાની. દર અઠવાડીએ તાલુકા મથકથી શ્રમિકોના મહેનતાણાની રકમ લાવી હાજરી પ્રમાણે વહેંચવાની, જેની દફતરે નોંધ લઈ અને સામે જે તે વ્યક્તિની સહી (મોટાભાગે તો અંગૂઠાની છાપ) કરાવવાની. આમાં અમુક રકમથી વધુ હોય તો રેવન્યૂ સ્ટેમ્પ લગાવી સહી લેવાની. હવે આ લોકો પાસે તો રેવન્યૂ સ્ટેમ્પ ક્યાંથી હોય ? અમે સૂપરવાઈઝર લોકો સ્ટેમ્પ સાથે લાવતા, મારા જેવા ઘણાં એ ખર્ચ જાતે ઊઠાવતા તો અમુક લોકો ૨૦ પૈસાના એક બે રૂપિયા લઈ ટિકિટભાડુંએ કાઢી લેતા. એકંદરે આવા નાના ભ્રષ્ટાચારને બાદ કરતાં, કામ બહુ નિયમાનુસાર ચાલતું. મોટા સાહેબ, ઇજનેર સાહેબ, માયાળુ અને નીતિનિયમ પ્રમાણે ચાલનાર માણસ તે કામ ઝડપી થતું અને શ્રમિકોમાં તેમને માટે માનપાન પણ ઘણું.

આગળ વાત કરી તેમ ગામ થોડું દૂર અને ત્યાં એક નાનકડી હોટલ ખરી પણ સાઇટ પરથી આટલે દૂર ચાલીને જવાનું પોસાય નહીં અને અહીં બધા શ્રમિકો સાથે મળી ત્રણ-ચાર વખત જાતે ચા બનાવે, આ શ્રમિકો બધાં જેને આપણે પછાત કે અંત્યજ ગણીએ તે વર્ગનાં, તેઓ પોતાને વણકર વગેરેથી ઓળખાવે, મને તો ત્યારે પણ આવા કોઈ આભડછેટ વગેરેનાં સંસ્કાર મળેલા નહીં તે હું પણ તેઓના જનરલ તપેલે બનેલી ચા મજેથી ઢીંચતો ! (એય પાછી મફત !) આ પચાસેક લોકોની ચા સાથે બને તેમાં બહુ સારાવાટ તો ના મળે પણ ના મામા કરતાં કાણો મામો શું ખોટો ? તેમાં ત્યાં હાજર થયો ત્યારનો જોતો કે એક ચંદુ હતો, આ બધામાં સૌથી ગરીબ, તે ચાનું ટાણું થાય એટલે થોડે દૂર અલગ ગોઠવેલા મંગાળા (ત્રણ પથ્થર ગોઠવી રચેલો કામચલાઉ ચૂલો) પર પોતે એકલાંની ચા જાતે બનાવે અને મજેથી ઠપકારે !
એક દહાડો મેં મારા સૌ શ્રમિકોને પૂછ્યું કે, ‘આ ચંદુ કેમ આમ નોખો નોખો ચા બનાવે છે ? આપણી સાથે ભળતો નથી ? કંઈ મનદુઃખ છે કે ?’
તો એક જણ કહે, ’સાહેબ, ઈવડો ઈ ભંગી છે, ચમારકામ કરે છે, અધૂરાંમાં પુરુ ગામની ભામ રાખે છે. અમારે ચૂલે એને ન ભેળવીએ !’
મને જો કે આમાંનું કશું સમજાયું નહીં પણ એટલું સમજાયું કે તે આ લોકોથી હલકી જાતનો હોય મામલો કાં તો આભડછેટનો છે અને કાં તો તેનો ધંધો કોઈક દૃષ્ટિએ અસામાજિક પ્રકારનો હોય આ લોકો તેને દૂર રાખે છે.

પણ આ પાણી જેવી ચા અને પેલાંના મંગાળેથી રગડા જેવી ચાની ફોરમ આવે તે કયા ચા પ્રેમીનો જીવ જલાયેલો રહે ? મને અન્ય કશો છોછ તો ના મળે પણ પેલી ભામની ચોખવટ કેમે કરી થાય નહીં અને અન્ય કોઈને પૂછવામાં અજ્ઞાની હોવાનું જાહેર થાય તો સાહેબ હોવાની પોઝિશનમાં પંચર પડવાનો ભય રહે ! (આમ તો સાહેબ શેનો ? પણ આ ગરીબ લોકો વળી આટલું માનપાન આપે બાકી હું એ તેઓની જેમ રોજમદાર. તેઓ પાવડો ચલાવે અને હું પેન, બસ એટલો ફરક !)
તે એક દહાડો ચંદુને જ પૂછી લીધું કે, ’લ્યા તું ભામનો ધંધો કરે છે તે મારે જોવું જાણવું છે !’
ચંદુ મુંજાયો, કહે, ’સાહેબ તમ જેવા માણહનું એ કામ નહીં, બહુ સુગાળવું કામ કે‘વાય’.
તોયે મેં તંત લીધો કે ના ના મને તું સાથે લઈ જા તો જ હા !
અંતે થાકીને કહે કે, ’સારું, હું તમને બોલાવીશ’.

બે-ત્રણ દહાડા પછી સવારે આવ્યો તે કહે, ’સાહેબ આજે મારી ગેરહાજરી રાખજો, અને બપોરે આ રસ્તે જ થોડા આગળ ચાલ્યા આવજો તમને મારો ધંધો દેખાડવો છે’
હું તો બપોરના ખાણાની રજા પડતા વેંત જ ઊપડ્યો, એકાદ કિલોમીટર ચાલ્યો ત્યાં ચંદુ રસ્તા પર ઊભેલો, કપડા પર ઘેરા રાતાં અને ચીકણા ડાઘા ને આખો ગંધાય !
મને જરાતરા ફાળ પડી પણ હિંમત કરીને પૂછ્યું, ’અલ્યા આ શું ? કોઈનું ખૂન કરી આવ્યો કે શું ?’
તો કહે, ‘ના ના સાહેબ આ તમારે મારો ધંધો જોવો હતો ને, તે આજે જ ગામમાં એક ઢોર મરી ગયું તેને ઢસડી અહીં બાજુની ખાડમાં લાવ્યો છું અને હવે તેનું ચામડું ઊતરડું છું.’
ત્યારે મને ઝબકારો થયો કે ઓ‘તારી ! આ ભામ રાખવી અર્થાત્ ગામમાં જે ઢોર મરી જાય તેને લઈ જવું અને તેનું ચામડું વગેરે ઉપયોગી વસ્તુઓ કાઢી લઈ બાકીનો નિકાલ કરવો. જો કે મેં પણ અગાઉ વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે દેડકાઓ ચીર્યા હોય મને ખાસ અજુગતું ના લાગ્યું પણ અન્ય લોકો ચંદુને ભેળવતા શા માટે નથી તેનું કારણ (બીજું એક કારણ ! પહેલું તો તેની ગણાતી નીચાંમાં પણ નીચી જાત !) સમજાયું.

પણ મને ચંદુ સામે જે વાંધો હતો, તેના કોઈ ગેરકાનૂની વ્યવસાય હોવા અંગેનો, તે દૂર થયો. અને હવે પેલી ફર્સ્ટ ક્લાસ ચા માત્ર નાકમાં જ ભરવાથી સંતોષ માણવાપણું રહેતું ન હતું ! આથી ચંદુને કહ્યું કે હવેથી તું બે રકાબી ચા બનાવજે, દૂધ-ખાંડ-ચા વગેરેનો અડધો ખર્ચ હું આપીશ. થોડી આનાકાની પછી તે માની ગયો અને મને હવે કોંટો ચઢે તેવી ચા મળતી થઈ. પણ મારા બાકીના સાથીઓથી આ જોયું ન ગયું ! જો કે તેમને કોઈ દુર્ભાવ નહીં પણ એક સવર્ણનું ખોળિયું સાવ ચમારની ચા એ અભડાય તે કદાચ વાજબી નહીં લાગતું હોય ! (અને હું વળી સરકારમાન્ય પછાત ગણાઉ તે તેઓ નહીં જાણતા હોય અને તેઓ વળી સવર્ણલોકો જેને પછાત ગણે તે !!) તે અમારા ઇજનેર સાહેબ (જે વળી બ્રાહ્મણ) અને તાલુકાના એક મોટા સાહેબ (જેઓ વળી ગુજરાત બહારનાં ક્યાંકના બ્રાહ્મણ) અઠવાડિક મુલાકાતે આવ્યા તેમની પાસે રાવ ખાધી.
ઇજનેર સાહેબ કહે, ’કેમ અલ્યા, તું આ ચંદુની ચા પીવે છે ?’
મેં કહ્યું, ’સાહેબ, મફત નથી પીતો, ભાગે પડતા પૈસા ચૂકવું છું’
સાહેબ કહે, ’પણ આ બધા તને દરરોજ મફત ચા પિવડાવતા હતા તે નાહક શા માટે ખર્ચો કરે છે !’
મેં કહ્યું, ’સાહેબ, ચંદુ નકરા દૂધની ચા બનાવે છે અને માંહે ઘેરથી આણેલો આદુનો કટકો બટકો વગેરે નાખી બહુ તબિયતની ચા બનાવે છે’
આખરે સાહેબ પણ મારા જ ને ! લલચાયા !! કહે, ’ચંદુને કહે આજે ચાર-પાંચ રકાબી ચા બનાવે ! પૈસા થાય તે હું આપીશ, ભલે આજે તો તાલુકાના સાહેબો પણ જમાવટ વાળી ચા પીવે !’
મેં કહ્યું, ’પણ સાહેબ આ આભડછેટ ?’
સાહેબ કહે, ’મારા વાલીડાવ બધાંને આ બચાડાઓનાં લોહી ચૂસવામાં આભડછેટ નથી લાગતી અને એ જ પાણી, એ જ દૂધ, ચા-ખાંડ પણ એ જ, માત્ર તપેલું ચૂલે ચઢાવનાર હાથની આભડછેટ લાગે છે ?’
અને પછી બાકીના શ્રમિકોને પણ ચંદુની ચાના કોંટામાં આવી જબ્બર ભાષણ ઠપકારી દીધું તે પેલાંઓ પણ જરા શરમાયા. સૌ હવે પછી ચંદુને પણ ચા પીવામાં સામેલ કરવા રાજી થયા પરંતુ મેં અને ચંદુએ સાભાર અમારો નોખો ચોકો ચાલુ રાખ્યો. એકાદ વર્ષ આ પ્રોજેક્ટ ચાલ્યો પણ સાહેબ લોકોમાં ચંદુની ચા પ્રસિદ્ધ થઈ ગઈ ! (અને મારે નાહક ચા નો ખર્ચો વધ્યો તે નફામાં !)

પછી તો ચંદુ શહેરમાં આવે ત્યારે મારે ઘેરે જમવા પણ આવતો, કહે, ’સાહેબ, તમને ચા માં હું ભાગ લેતો અને તમે મને મફત જમાડો છો, એટલો તમ મોટા માણહ અને અમ ગરીબમાં ફેર !’
મેં કહ્યું, ’એવું નથી, આ આર્થિક રીતે પરવડવા, ન પરવડવાની વાત છે. તારી સ્થિતિ મુજબ તેં મારી ઘણી આગતા સ્વાગતા કરી છે, મારી સ્થિતિ મુજબ મારે કરવી જોઈએ.’
ચંદુ મહેનતુ જણ, હાથનો અને દિલનો એ ચોખ્ખો, તે પછી તો બહાર નોકરીધંધાનો મેળ પણ પડ્યો ને બે પાંદડે થયો. પણ મારા મોં માં તેની ચાનો સ્વાદ રહી ગયો છે.

(આ સત્યઘટના આધારિત છે)

36 responses to “ચંદુની ચા(હ)

  1. ==

    તો એક જણ કહે, ’સાહેબ, ઈવડો ઈ ભંગી છે, ચમારકામ કરે છે.

    અધૂરાંમાં પુરુ ગામની ભામ રાખે છે. અમારે ચૂલે એને ન ભેળવીએ !’

    ==

    ૨૬-૦૧-૧૯૫૦ના બંધારણનો અમલ થયો અને આભળછેટ નાબુદ થઈ એના પછી આ આભળછેટને લગતા બીજા દસેક કાયદા બન્યા. હજી પણ સમાચારોમાં એટ્રોસીટીના કેસો અવારનવાર આવ્યા કરે છે. આજ ખરો આંતક્વાદ કે ભૃષ્ટાચાર છે….

    Like

    • ખરી વાત છે વોરા સાહેબ.
      માણસ માણસને માત્ર નાત-જાતના ફેરે અડવાથી અભડાય તે સૌથી મોટો આતંકવાદ. જો કે ખારા સમૂદ્રમાં મીઠી વિરડીઓ પણ હોય છે. (યથાર્થમાં અને શબ્દાર્થમાં બંન્ને રીતે મેં તો જોઈ છે) સ્વચ્છતાનો આગ્રહ બરાબર છે બાકી નાત-જાતનો ફેર કે ધંધાનો ફેર સમજમાં નથી આવતો. જો ચિરફાડ જેવું સુગાળવું કામ ચંદુથી આભડછેટ માટે કારણ ગણીએ તો મારા આ ચંદુ અને કોઈ પી.એમ કરતા ડૉક્ટરના દેખીતા કામમાં શો ફેર છે ? તો ચંદુ જ શા માટે ? અને દુઃખની વાત એ પણ છે કે કુપ્રથાનો ભોગ બનનારાઓ પણ પાછા અણસમજ્યા એ પ્રથા આગળ ધપાવે રાખે છે. આ જો કે ઘણા વર્ષો પહેલાંની વાત છે, હવે આટલો બધો છોછ (ઓછામાં ઓછું શહેરોમાં તો) દેખાતો નથી. આપનો આભાર.

      Like

  2. વાહ, અશોકભાઈ, આહ અશોકભાઈ, મસ્ત મજાની ચા(હ) , અશોકભાઈ 🙂

    Like

  3. ચંદુની ચા ભાવી ગઈ. તમે તો સારું કામ કર્યું જ , પણ બ્રાહ્મણ સાહેબ માટે વધારે માન થયું. એમને હાર્દિક અભિનંદન.
    મેં પોલિસની ચા પીધી હતી, તે જાણવું હોય તો કે’જો

    Like

    • આભાર, સુરેશભાઈ.
      હમણાં કહ્યું તેમ ખારા સમૂદ્રમાં મીઠી વિરડીઓ પણ હોય છે. પ્રેરણા લેવા જેવા ઠેકાણાઓનો તોટો નથી બસ યોગ્ય ઠેકાણું મળવાનો સવાલ હોય છે. અને હા, પોલિસ ચા-પાણી કરી જાય તે તો બધાને જાણીતી વાત પણ પોલિસનીએ ચા પી નાખનારા તો વિરલા જ ગણાય ! આ તો જાણવું પડે જ ને ! થવા દો સાહેબ, એવી વિનંતી છે. આભાર.

      Like

  4. આદરણીયશ્રી. અશોકભાઈ

    તમારા ચા વાળા કાકાનો ફોટો જોઈ ચા પીવાનુ મન થયુ ભાઈ

    બીજુકે આપે સરસ વાત કરી દીધી

    માણસની નાત જાત મહત્વની નથી માણસ તેના કર્મથી જ

    મહાન છે હું આટલુ જાણું સાહેબ

    આપ સુંદર કાર્ય કરી રહ્યા છો બસ તેનો આનંદ થયો

    Like

  5. અશોકભાઈ,
    તમને સલામ, આ સત્યઘટના માટે. ખરેખર તમે જીવ્યા એ દિવસો.

    વાર્તા તરીકે ગણું તો, જે જીવનની નજીક હોય તે સારી વાર્તા. હાલમાં જ શ્રી યશવંતભાઈની વાર્તા રીડ ગુજરાતી પર આવી છે. તદ્દન સીધી સાદી વાત એમણે સીધી સાદી રીતે કહી દીધી છે. સાદાઇ પોતે જ કળા છે, જે આ ઘટનાના વિવરણમાં દેખાય છે. તમે પણ એમને મોકલી આપો. શ્રી મધુ રાયની દિ.ભા.ની કૉલમમાં જણાવ્યા પ્રમાણે (શ્રી ઉત્તમભાઈ ગજ્જરે ફૉરવર્ડ કરેલો મૅસેજ) એક વાર્તા સ્પર્ધાની વાત છે. એમને પણ મોકલી આપો. હું આને ઉચ્ચ વાર્તાની પંક્તિમાં મૂકું છું.

    Like

    • શ્રી.દીપકભાઈ, આભાર.
      પ્રથમ તો આપે કરેલા માર્ગદર્શન બદલ આભાર. હું આ વાર્તા મોકલી આપીશ.
      રહી વાત સલામનીં, તો એ તો આપ મિત્રોનો પ્રેમ અને ભલી લાગણી છે. મેં તો એક ઘટનાને, આવડ્યું તેવું, લખી સૌ મિત્રોને મારા સંસ્મરણના ભાગી બનાવવા નાનકડો પ્રયાસ કર્યો. આપને આ પ્રયાસ ગમ્યો એટલે મારે માટે તો સફળ થયો. આભાર.

      Like

  6. આપના ઉમદા સ્વભાવની ઓળખ અહીં જણાઈ આવે છે.

    Like

    • આભાર બાપુ, ગઈકાલે સાંજે સૌ્નું આભાર દર્શન કરતો હતો અને આપનો આભાર માનવા સુધી પહોંચ્યો ત્યાં ભોજનની ઘંટડી વાગી તે થયું કે હવે પેટભરીને જ બાપુનો આભાર માનું !! કિંતુ, પરંતુ, યંતુ….જો કે ૫.૩ નાં કંપને અમારે જુનાગઢનાં પ્‍હાણાંએ ના હલે 🙂 પરંતુ દુઃખની ઘડીમાંએ આનંદનો અણસારો એ વાતે મળ્યો કે ઘણાં બ્લોગમિત્રોએ ફોન કરી, છેક અમેરિકાથી શ્રી ગોવિંદભાઈ (પરાર્થે સમર્પણ) અને અન્ય મિત્રોએ પણ, અમારી સુખાકારીની ચિંતા કરી, હૂંફ આપી. ફોન લાઈનોમાં કામચલાઉ વિક્ષેપને કારણે ઘણાં મિત્રો સંપર્ક ના કરી શક્યા પરંતુ તેઓનો સદ્‌ભાવ ગુજરાત અને ગુજરાતીઓ સાથે જ રહ્યો છે તેવો માનસિક અનૂભવ અમને થયો અને હિંમતમાં રહ્યા. તો હવે કોનું ચંત્યા નકો !

      આપ જેવાના મિત્ર હોઈએ અને સ્વભાવ થોડોઘણો ઉમદા ન હોય તો તો ફટ્‌ છે અમને ! આ તો આપનો પ્રેમ છે બાપુ, આભાર.

      Like

  7. આદરણીય શ્રી અશોકભાઈ,

    સુંદર અને સચોટ સત્ય ધટના મનને સ્પર્શી જાય તેવી અનોખી વાર્તા .

    ચંદુની ચા કરતાય આપની માનવતાભરી ચાહ મુઠી ભાર ઉછેરી છે.

    માનવતાનો દીવડો પ્રગટાવી દરેકને વિચારતા કરી દે તેવી જમાવટ.

    બસ માનવ માનવને સમજે એજ ખરી માણસાઈ . આપે એ સુપેરે સિદ્ધ

    કરી બતાવ્યું છે.

    “ધન્યવાદ કે અભિનંદન શું આપું આપને

    કોઈક વાર ચંદુની ચા પણ પાજો અમને

    હતો અશોક જેણે અશોકચક્ર આપ્યું આપણને

    આ અશોકે માનવ જીવન ભણાવ્યું છે દરેકને ?

    Like

    • આભાર ગોવિંદભાઈ. હું તો શું ભણાવું ! આ ચંદુ જેવા કંઈ કેટલા મને ગુરુ મળ્યા છે જેણે મને માનવ જીવન ભણાવ્યું છે.
      અને હા, કાલે રાત્રે ગુજરાત ખળભળ્યું તેને છેક અમેરિકા બેઠા આપ સમા મિત્રોએ ચિંતા વ્યક્ત કરી, હૂંફની લાગણી દર્શાવી, માનસિક ટેકો આપ્યો તે બદલ ધન્યવાદ.

      Like

  8. શ્રી અશોકભાઇ,

    વાહ, સરસ સત્યઘટના. આપની આ સત્યઘટનાથી દસેક વર્ષ સુધી ગુજરાતના આંતરિયાળ ગામમાં ધંધાર્થે જવાના લીધે આવી જ અનુભવેલી ઘણી સત્યઘટનાઓ યાદ આવી ગઇ.

    ખૂબ જ સરસ વિચારો માણસ માણસને માત્ર નાત-જાતના ફેરે અડવાથી અભડાય તે સૌથી મોટો આતંકવાદ. સ્વચ્છતાનો આગ્રહ બરાબર છે બાકી નાત-જાતનો ફેર કે ધંધાનો ફેર સમજમાં નથી આવતો.

    અને એ પણ સાચું જ કે ખારા સમૂદ્રમાં મીઠી વિરડીઓ પણ હોય છે.

    Like

  9. આવો જ અનુભવ મને મધ્ય પ્રદેશની કોલસાની ખાણમાં કંપનીના કામે ગયો હતો ત્યારે થયો હતો. ખાણમાં મજુરો અને કર્મચારીઓ માટે કેન્ટિન હતી પણ તેની ચામાં મજા નહીં.

    એક દિવસ પાવર કટ હતો તેથી કંઈ કામ થાય નહીં. તેથી સમય પસાર કરવા ત્યાંના બધા સાહેબો ખાણની બહાર ચા પીવા નીકળ્યા. કોઈ કહે મહેમાનને (મને) પણ લઈ જઈએ. પ્રસ્તાવ મૂકાયા પછી અંદર અંદર ચર્ચા (ત્યાંની સ્થાનિક ભાષામાં) ચાલી. મને થોડું સમજાયું એટલે મેં સામેથી પૂછ્યું કે શું વાત છે? તો કહે બહારની ચા પીવા જઈ રહ્યા છીએ તે ચા વાળો હલકી જાતીનો છે! મેં કહું મને કંઈ ફરક નથી પડતો…!

    Like

    • વિનયભાઈ, બસ,તમે બોલવાનું અધ્યાહાર રાખ્યું તે કદાચ આ હતું ને, કે – ચાવાળો ભલે હોય, ચા હલકી જાતની ન હોવી જોઇએ.

      Like

    • આભાર વિનયભાઈ,
      ખરો ગુણવત્તાનો આગ્રહ આ જ હોવો જોઈએ ! દીપકભાઈએ આપનું અધ્યાહારમાં રહેલું વાક્ય પૂર્ણ કરવા કલ્પ્યું તેમ; ચા વાળાની જાત સાથે શું લેવાદેવા, ચા હલકી જાતની ન હોવી જોઈએ !! શ્રેષ્ઠતાને નાત-જાત સાથે શું લાગે વળગે ? એ તો વ્યક્તિગત આવડતનો પ્રશ્ન છે. આપે કહ્યું તે ભાવ (’મને કંઈ ફરક નથી પડતો…!’) સૌએ અનુસરવા લાયક છે, ખરેખર કૉપી-પેસ્ટ કરવા લાયક છે !! આભાર.

      Like

  10. સરસ માનવતાસભર વાર્તા.

    એક વાત કહું ? મુળ કહેવત છે કે:
    ન મામા કરતા કહેણો મામો શું ખોટો?

    એટલે કે જેને મામા ન હોય તેને કહેવાતા મામા મળે તો શું ખોટા?

    જો કે હવે કદાચ તમારી કહેવત પણ સાચી ગણાવા લાગે તો કાઈ કહેવાય નહીં 🙂

    Like

  11. ભાઇ શ્રી.અશોક”જી”,
    “ચંદુની ચા(હ)”,સર_સ કોટા વાળી રહી,બધા હાડ ચામ માસ ના બનેલા માનવી પછી ઉચ્ચ નીચ ક્યાં થી આવ્યું સમજાતું નથી.પશુ,પક્ષી ને પાળી પંપાળી શકીયે છિયે તેનો ધર્મ,જાત,નાત કોઈ પુછતુ કે જાણતું નથી પરંતુ આપણા જેવા જ માનવી ને જાત પાત ના ભેદ રાખી નીચો દેખાડીયે છિયે,શું આજ માનવતા(માણસાઇ] છે,
    – “સ્વચ્છતાનો આગ્રહ બરાબર છે બાકી નાત-જાતનો ફેર કે ધંધાનો ફેર સમજમાં નથી આવતો.”
    સાહેબ નો આ સંવાદ ખૂબ સરસ છે.
    -“મારા વાલીડાવ બધાંને આ બચાડાઓનાં લોહી ચૂસવામાં આભડછેટ નથી લાગતી અને એ જ પાણી, એ જ દૂધ, ચા-ખાંડ પણ એ જ, માત્ર તપેલું ચૂલે ચઢાવનાર હાથની આભડછેટ લાગે છે ?’
    થોડા સમય પહેલા વાંચેલા એક લેખ નો અંશ અહીં મુકુ છું
    “માણસમાં શક્તિ ઘટે તો ગ્લુકોઝના બાટલા છે; માણસમાં લોહી ઘટે તો બ્લડના બાટલા છે; પણ માણસમાં માણસાઈ ઘટે ત્યારે કોઈ બાટલા છે ?”
    – શ્રી.વલ્લભભાઈ ઈટાલીયા,http://wp.me/piMxi-n8

    Like

    • પધારો, પધારો, ભાઈ”જી”.
      મેં કું આ ચાની આટલી મોટી ચારાયણ ચાલે છે, ને આ ક્યાં ખોવાઈ ગયો 🙂 (કેમ આજે ચમચી ચમચી ચા ને બદલે આખો કપ ચા પીવડાવી દીધી ને !! હવે મારવાડીનાં કંઈક તો વખાણ કર !)
      શ્રી વલ્લભભાઈના હવાલેથી સરસ અવતરણ ટાંક્યું ભાઈ, માણસાઈના બાટલા મળતા હોય તો કેવું રૂડું ! આભાર.

      Like

  12. તમારી ચાએ તો ડાયરો જમાવ્યો ! ચા, ચંદુ અને ચૉરો ! સામાજિક અને સાહિત્યિક એમ બન્ને રીતે બહુ જ સરસ વાત કરી.

    ચાને ચાહ પણ કહે છે. ‘ચાહવું’ = આવા પ્રેમપુર્વક ચા પીવી ! એમ નવું ક્રીયાપદ બનાવી શકાય.

    Like

    • આભાર જુગલકીશોરભાઈ,
      ‘ચાહવું’ = આવા પ્રેમપુર્વક ચા પીવી ! વાહ ! આ ’ચાહવું’ કોને ન ગમે ? આભાર.

      Like

      • શ્રી જુગલભાઈ, ચાની વાત કરો તો, અમારા એક સગાને ત્યાં કથા હતી. મા’રાજ મંગલાચરણની આરતી કરાવીને શામ્ત બેઠા રહ્યા. બધાંને એમ કે તેઓ ઘરના યજમાનની રાહ જૂએ છે. એ પણ આવી ગયા. એમને પછી કોઈએ કહ્યું કે હવે બધા આવી ગયા. તો એમણે કહ્યું પણ હજી ચા નથી આવી…!
        બધા ખસિયાણા પડીને હસવા લાગ્યા તો એમણે આગળ કહ્યું કે ગીતામાં પણ ચાહનાં વખાણ છેઃ ” સર્વસ્ય ચાહં હૃદિ સંનિવિષ્ટો મત્ત સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ” – એમણે અર્થ આપ્યોઃ સર્વના હૃદયમાં ચાહ નિવાસ કરીને મત્ત બનાવે છે, જેથી સ્મૃતિ અને જ્ઞાનનો ઉદય થાય છે! એમની વિનોદવૃત્તિ ગજબની હતી. ચાહં એટલે ચ+ અહં, પણ એમણે સર્વ, હૃદિ, મત્ત, વગેરે શબ્દોનો ઉપયોગ કરીને સૌને બહુ હસાવ્યા.

        Like

  13. મારા પ્રાતઃસ્મરણીય ગુરુજી શ્રી ન. પ્ર. બુચે ચા ઉપર બહુ લખ્યું છે. એમની આ પંક્તિઓ જુઓ –

    રૂએ દુન્યા પર જો હિન્દુસ્તાં નથી તો કૈં નથી,
    ખૂબસૂરત જિસ્મ પર જો ઝાં નથી તો કૈં નથી;
    બંગલામાં બાબલાની બા નથી તો કૈં નથી,
    નિત સવારે ને બપોરે ચા નથી તો કૈં નથી !

    Like

  14. અશોકભાઈ,
    સરળ પરંતું સબળ રજૂઆત. તમારું ઉમદા આચરણ ગમ્યું. આવી અન્ય વાતો મળતી રહેશે એવી અપેક્ષા.

    Like

  15. સરસ વાત. વાંચવાની મજા આવી. અને વાતનો મર્મ પણ સરસ.

    Like

  16. પિંગબેક: ફોટો સ્ટોરી-ભજીયાપાર્ટી « શકિલ મુન્શી નો બ્લોગ

  17. આદરણીય શ્રી

    આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

    નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

    દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

    Like

  18. મેં કું આ ચાની આટલી મોટી ચારાયણ ચાલે છે…..મજા આવી…

    Like

  19. અમેરિકા માં ઘણા ગુજરાતી ઓ ફૂડ રેસ્ટોરંટ ના ધંધા માં ગ્રાહકો ને મીટ પીરસે છે,મોટેલ માં ટોઇલેટ સાફ કરે છે,બેડ બનાવે છે ,ઝાડું લગાવે છે ,મંદિરો માં દાન આપે છે ,પણ જયારે ભારત ની પવિત્ર ભૂમિ ની મુલાકાત લે, ત્યારે અસ્પૃશ્યતા નિવારણ ને ભૂલી જાય છે.

    Like

Leave a comment