ડાયરો-૧


મિત્રો, નમસ્કાર.
આ વળી શું નવું ગતકડું કર્યું ? ’ડાયરો’ ? આવો પ્રશ્ન સૌ પ્રથમ તો સૌ કરશે ! (મોટાભાગે તો મનમાં જ કરશે !) આમે અમે અવનવા પ્રયોગ કરવા માટે ટેવાયેલા છીએ (’મારા પ્રતિભાવો’ જેવો એક પ્રયોગ ના કર્યો ?) આ પ્રકારે અમે અમારી જાતને ’પ્રયોગશીલ’માં ખપાવી શકીએ એ પણ એક લાભ ! કાઠીયાવાડીઓની પ્રકૃતિથી વાકેફ સર્વજનો જાણતા જ હશે કે ’ડાયરાઓ’ આ લોકોના લોહીમાં ભળેલા હોય છે. ’ડાયરા’ની પણ એક અનેરી સંસ્કૃતિ છે અથવા કહો કે એ અનેરી સંસ્કૃતિના સંવાહકો જ છે. કાંઠાળ વિસ્તારમાં, લોકબોલીમાં, “દાયરો” એમ બોલાય છે. જો કે આપણે શુદ્ધ શબ્દ ડાયરો જ વાપરીશું. ભ.ગો.મં.માં ’ડાયરો’ના કેટલાક રસપ્રદ અર્થ આપ્યા છે. જે અહીં જોઈ શકશો. અમારા એક કવિએ લખ્યું છે;
’નિશદિન જામે દાયરા, સદાય લીલા લ્હેર,
સોહાય હસતાં મુખડાં, એ મરદ ખરા છે મેર.’
આ જો કે અમારા કવિએ લખ્યું તેથી અમારા સમાજનો નામોલ્લેખ કર્યો, બાકી લાગુ સર્વને પડે છે. મારૂં એમ કહેવું નથી કે અન્ય પ્રદેશોમાં સાવ લાકડીઓ લઈ અને પાછળ દોડતા હશે ! પરંતુ ’સીદીભાઇને સીદકાં વ્હાલા’ એ ન્યાયે અમને અમારા ભાણાનો લાડુ મોટો દેખાતો હોય તેમ પણ બને ! અને જાતઅનુભવીઓના જણાવ્યા પ્રમાણે એ વાતમાં થોડો દમ પણ છે કે મહેમાનગતીની ખરી મજા માણવી હોય તો કાઠીયાવાડ જાવું. કહ્યું છે ને;
’કાઠીયાવાડમાં કો‘ક દિ તું ભુલો પડ્ય ભગવાન,
અને થાજે મારો મે‘માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા.’

કહેવાનો અર્થ કે અમારે તો એકાદો મે‘માન આવે એટલે સમજો ગોળનું ગાડું મળ્યું ! અને અહીંતો અમસ્તાએ સાંજ પડી નથી કે, ચાર મિત્રો મળ્યા નથી ને સમજો ડાયરો મંડાયો જ. ડાયરો એટલે કંઈ સાજિંદાઓ, કલાકારો સ્ટેજ પર જમાવે અને ભજન, ગીત કે વાર્તાઓ વગેરે કરે એ જ નહીં, બે-ચાર મિત્રો મળે અને અલક મલકની વાતો માંડે તે પણ ખરો. આમાં વિષયવસ્તુનું ખાસ કશું બંધન ના હોય, ક્યાંથી ઉપડ્યા અને ક્યાં પહોંચ્યા તેનું કશું ઠેકાણું પણ ના હોય ! બસ વાતે વાત ભળે. એક કલાકારની બહુ પ્રસિદ્ધ રચના યાદ આવે છે;

એક નાનકડા કસ્બામાં પાસેના ગામડેથી હટાણું કરવા (હટાણું=ખરીદી) કોઈ ગ્રામજન સાંઢિયો લઈ (સાંઢિયો=ઊંટ) આવેલો તે બજારમાં, મારગ પાસે, સાંઢિયો જૂકારી (બેસાડી) અને આસપાસની હાટમાં હટાણું કરવા ગયો અને એક અવસ્થાએ પહોંચેલા ડોશીમાં (અમારે ૭૫-૮૦ આસપાસ પહોંચેલાને અવસ્થાએ પહોંચેલા કહે !) બજારેથી નિકળ્યા. આ જૂકારેલો સાંઢિયો જોયોને ડોશીમાંને વળી ખબર નહીં શી કમત (કુમતિ) સુજી, તે વિચાર કર્યો કે માળું છકડામાં બેસી લીધું, બસમાં બેસી લીધું, ટ્રેનમાં એ બેસ્યા, ફટફટીયામાં (બાઈક યુ નો !!) પણ બેસી લીધું પણ આ સાંઢિયાની સવારી કોઈ દા‘ડો કરી નથી ! લાવને આજ તો આ સાંઢિયા માથે પણ બેસી જ લઉં ! ખાલી માથે બેસીને તરત ઉતરી જઇશ, એમ તો થાય કે જિંદગીમાં એક વાર સાંઢિયે પણ બેઠી ખરી !! (શાહબુદ્દિનભાઇ કહે છે ને કે, બુદ્ધિશાળી માણસો વિચાર કરે અને મૂર્ખાઓ તૂરંત અમલ કરે !) માજીએ પણ તૂર્ત અમલ કર્યો ! થોડી મહેનતે સાંઢિયા પર સવાર તો થયા પણ સાંઢિયાનો સ્વભાવ કે જેવો અસવાર માથે પલાણે એટલે તુરંત ગાંગરીને ઊભો થાય ! અને થયો !! માંડ્યો પદડક પદડક કરતો ઊભી બજારે ભાગવા 🙂 લોકોને તો કૌતૂક થયું, કોઈએ પૂછ્યું માજી આમ સાંઢિયે ચઢીને ક્યાં ચાલ્યા ? માજી કહે: દિકરા, આજે નક્કિ નથી, ક્યાં પહોંચાય !

મોરલ ઓફ ધ સ્ટોરી; આ અમારા ડાયરાઓનું પણ આમ સાંઢિયે ચઢ્યા જેવું જ હોય છે ! નક્કિ ના હોય ક્યાં પહોંચીએ ! અને આમાં પણ પાછું કંઇ બ્રેક જેવું તો હોય નહીં ! જો કે સાવ નાથ-મોરડા વનાનાં હરાયા ઢોર જેવું પણ ના હોય (ડાયરો આવા અઘરા શબ્દોનો મેળ તો બેસાડી લેશે ને ? બાકી આજૂબાજૂ પૂછપરછ કરતું રે‘વું હોં, ડાયરાની એજ તો મજા છે !) કહે છે ને જીવની દોરી શિવને હાથ એમ આપણા આ ડાયરાની દોરી રસોડામાં હોય છે ! પાટલા મંડાઈ જાય એટલે મંડે સબોસબ ખેંચાવા !! ’એ બાબલાનાં બાપા, સાંભળો છો ?’ આટલું કહેણ થતાં તો જેમ સતાધારમાં હરીહરની હાકલ પડે અને ભુખ્યા બાવાઓનું ધણ વછૂટે એમ ડાયરાવીરો માંડે ભાગવા !! પેટ પહેલાં ભાઈ !

તો આપણે મુળે તો જાણકારી મેળવતા હતા આ ’ડાયરા’ની પ્રકૃતિની. આમાં જેમ વિષય વસ્તુનું ઝાઝેરૂં મહત્વ ન હોય તેમ ખાસ કશું ગંભીરતાથી પણ લેવાનું ના હોય. કારણ ડાયરો પાછો હોય બહુ સમજદાર ! (આ જે ચાર-પાંચ કે પચાસ મિત્રો મળીને ગામગપાટા હાંકતા હોય તેને માટે જ  ’ડાયરો’ શબ્દ વપરાશે.) એકા‘દો આવી ને ઘરવાળીની કે આ પરણવાની કમત કોણે સૂઝાડી એવી વાતે બળાપો કાઢવા માંડે એટલે એ નારીજાતિનો કે લગ્નપ્રથાનો વિરોધી છે એવું કોઈ માની ના લે, ડાયરો એટલું જરૂર સમજી જાય કે આજે આવડો આ ઘરેથી બરાબરનો ઠમઠોરાઈને આવ્યો છે !! બચારાને જરા શાતા આપો, કાલે અમથુંએ ઘીનાં ઠામમાં ઘી પડી જવાનું છે ને આવડો આ જ કથા માંડશે કે: ’મારી ઝમકુ જેવી લાપશી ગામમાં કોઈ ના બનાવી શકે ! આ આપણી ચેલેન્જ છે !’  પણ બસ મૌજ બહુ આવે. અલકમલકનું જાણવા મળે અને જેને ઓટલે જમાવી હોઈ એના રસોડામાં રામ વસે તો કદાચ એકાદ વાર ચા-પાણીની જોગવાઈ પણ થઈ જાય 🙂

તો જમાવશું આવો ડાયરો ? કો‘ક દાડો અમારી ડેલીએ તો કો‘ક દાડો તમારે ઓટલે, ગામના ચોરે કે પછી પાદરે પણ એકઠ્ઠા મળી શકાય. તો આવતા રહેજો,
’મે‘માનોને માન દીલ ભરી દીધાં નહીં,
એ મેડી નહીં મસાણ, સાચું સોરઠીયો ભણે.’... તો અમારી કને જે ટાઢો ટુકડો (અહીં કાલીઘેલી, આવડે એવી વાતો !) હશે તેનાંથી આપની આગતા સ્વાગતા કરીશું, હૈયે હરખાશું ને લ્હેર કરીશું ! આમે શું ભેગું બાંધી જાવું છે ? (તારે તો ઘણુંય બાંધવું છે ’મારવાડી’, પણ અમે બાંધવા દ‘યે તંયે ને ?! – ભાઈ શકિલ મુન્શી ઊવાચ: )

“એ…….સાંભળો છો ????”
“બસ આ આવ્યો, જરા કૉમ્પ્યુટર બંધ કરી લઉં !!”

47 responses to “ડાયરો-૧

  1. એય…રામરામ… હ્‍ઉ ભાઇયુંને! (બેનું તો નઈં જ હોય!)

    Like

    • (બેનું તો નઈં જ હોય!)….
      ખરી વાત, આમ તો આપણે ઉલ્લેખ્યો એ ડાયરામાં બહેનો નથી હોતી ! પણ હવે એકવસમી સદીમાં બહેનો આમાં ભાગ ન લે તો તેને પુરુષ સમોવડી ગણાવાનો શો હક્ક ?!

      Like

      • શ્રી અશોકભાઇ,

        આપનો ડાયરો તો બરોબર જામ્યો છે ને…વાહ! મજા આવી. આપની વાત સાચી છે ૨૧મી સદીમાં બહેનો ડાયરામાં પણ સામેલ થઇ શકે છે. અને સુરેશભાઇના જણાવ્યા મુજબ ફેસબુક અને બ્લોગિંગ, ઓરકુટ વગેરેઆ આજના ડાયરા જ છે. એમાં બહેનો હોય જ છે.

        આ વિષય પર એક વાત હમણાં થોડા દિવસ પહેલાં એક યુવાને ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટની સાથે જ લખ્યું કે ફેસબુક પર સ્ત્રીઓ શા માટે આવે છે. ત્યારે મારે કહેવું પડ્યું કે એટલો જ વાંધો હોય તો પહેલાં બહેનોને રીકવેસ્ટ ના મોકલાય અને માર્ક ઝુબેરને કહેવાનું કે ફેસબુકને માત્ર ભાઇઓ માટે જ એવું રાખે. જુઓ હજુ પણ આવું વિચારનારા યુવાનો આજે પણ છે.

        Like

  2. આ બ્લોગિંગ , ફેસબુક વિ. ડાયરા જ છે ને?
    લો! સનેડો… વસંતતિલકામાં !!

    સર્વાંગ સ્નેહ શુભનો નથી કો સીમાડો.
    પાયા સમો જીવનનો સ્વજનો ! સનેડો.

    http://kaavyasoor.wordpress.com/2007/02/14/sanedo_suresh/

    Like

  3. આદરણીય અશોકભાઈ,
    ડાયરાની અનેરી વાતો જાણવા મળી. થોડા મિત્રો હોવાથી લગારેક મઝા કાઠીયાવાડમાં
    માણવા મળી છે.એટલું તો ખરું કે ખવડાવે શીખંડ પૂરી પણ કહે રોટલા પાણી કરીને
    જાજો. કદાચ આવો સ્નેહ ગુજરાત કે ભારતના બીજા પ્રાંતમાં માણવા ના જ મળે.
    એટલે જ પ્રભુ અને દેવ દેવીઓ ત્યાંજ વસ્યાં છે મારા બાપલીયા. ખમ્મા ખમ્મા

    Like

  4. એ ડાયરાને રામ રામ :
    ને જરા પગતાણ્ય હોય તો અમને ય બૂંગણ માથે ઘડીક બેહવા દેજો બાપલા.

    Like

    • ડાયરામાં પગતાણ્ય કંઈ બૂંગણની ના મપાય ! હૈયામાં જગા હોય એટલે હાંઉ ! આમેય ભાવનગરી વનાનો ડાયરો તો જાણે ખાંડ વનાની ચા !!

      Like

      • કાઠીયાવાડીને કદાચ ફળીયામાં તાણ્ય પડે પણ દલડામાં કોઈ ’દિ નો પડે – ખાંડ ની કે’તા હો તો બોરી લેતો આવું પણ એક હરતે – મને મોળી ચા પાવાની ! અરે કલાકે કલાકે એકાદ અડાળી પાહો તો યે હાલશે. અને તમે બોઉ ઉપાધી નો કરતા અમારા બૂન ના હાથના ઘડેલા રોટલા ને તીખુ તમતમતું શાક અને હારોહાર છાશું ગટગટાવતા અલક મલકની વાતો કરતાં જાહુ – અને હુવામાં તો એવું સે ને કે ફળીયામાં ખાટલા માથે પડ્યા રેહુ અને કદાચ રાત વરતના વળી મેઘો મંડાય તો ઓહરી માં ગરકી જાશું – બાપલાં અમારી જરાય ચંત્યા ન કરતાં અમે જરાય ભારે નહીં પડીએ.

        Like

  5. (હવે કાઠિયાવાડી જેવી કાઠિયાવાડી નહીં આવડે એટલે ગુજરાતીમાં લખું છું તે કાઠિયાવાડીમાં ટ્રાન્સલેટ કરી લેજો!),
    ભઈલા, હું થ્યું સોનિયાબુનનું? કે હવે રાહુલભૈયા જ રાજ કરવાના?

    Like

    • ભગવાન સોનિયાબુનને સો વરહનાં કરે, મને ઓહાણ છે ત્યાં લગી કુંવરને પાટે બેહાડવાનાં બાના કંઈ આજકાલનાં થોડાં છે ! મંદવાડથી મોટું બાનું ક્યું ? આ બાને કુંવર બે‘ય પાટે બેહી જાય તો ના નહીં !!!
      (ઓહાણ=ઓસાણ=યાદ, બાનું=બહાનું, બે‘ય પાટ=દિલ્હીની અને મંડપની)

      Like

  6. રંગ સારો જમાઇવો છે કશું કતો ચોક્કસ નવું ભણવા મળે છે બાપલિયા…

    Like

  7. ડાયરા એ રંગ રાખ્યો હોં બાપલા… 🙂
    “ડાયરો” એ તો કાઠિયાવાડની ઓળખ છે ભાઇ.!!!
    જુઓ ને, અહીં પણ કેટલો સરસ મજાનો ડાયરો જામ્યો છે.! 😉

    Like

  8. મને આકાશવાણી રાજકોટનો પેલો ગમનો ચોરો યદ આવી ગયો જે હું ન ભૂલતો હોઉં તો સાંજે 7-20 આવતો હતો..
    અમને એ ટાઈમ (અને ‘અટાણે’ પણ) કંઇ હમજ ન પડે પણ “એ રામ રામ…” સાંભલીને મજો મજો પડી જતો હો ભાઈલા !
    હાલો તંઇ ઠપકારતા રે’જો આમને આમ !

    Like

    • આકાશવાણી રાજકોટની વાત નીકળી છે તો એ વખતે ગુજરાતમાં ત્રણ સ્ટેશન – અમદાવાદ-વડોદરા અને ભુજ (મારું મૂળ સ્ટેશન, જ્યાંથી આકાશવાણીમાં ઘુસવા મળ્યું). આમાં રાજકોટની જુદી જ છાપ. ભુજ તો નાનું પણ રાજકોટવાળા અમદાવાદ સાથે હરીફાઈ કરે. એમાં મળ્યા, હેમુ ગઢવી, (ડાયરો હોય અને ગઢવીને યાદ ન કરો?), ચન્દ્રકાન્ત વ્યાસ… ગામડેગામડે ફરીને લોકગીતો એકઠાં કર્યાં, સાંભળ્યાં, રેકૉર્ડ કર્યાં…ને હેમુભાઈ અને દીનાબેન ગાંધર્વ્ના કંઠમાં મઢ્યાં. આવી સરકારી નોકરી કરનારા પણ ગયા! અને કેટલાયે સંગીતકારો. એનાઉંસરો પણ ગજબના. સુભાષ દેસાઇ (મારા ગુરુ અને મિત્ર), ભરત-રેણુ યાજ્ઞિક, દેવેન, કેશવાલા, ભારતીબેન વ્યાસ… વાહ, ગામનો ચોરો, ગાતાં સરવાણ અને અનેક એવા કાર્યક્રમો…હવે તો રેડિયો ગયો, માત્ર સંભારણાં રહ્યાં.

      Like

      • આભાર, દીપકભાઈ. મારા બાળપણનાં દિવસોમાં યાદ છે, સવાર આકાશવાણી રાજકોટ પર (લગભગ ૬-૦૫ થી) આવતા પ્રાચિન ભજનથી થતી. સાંજે અડકો-દડકો એવો કંઈ મજાનો કાર્યક્રમ આવતો (જેમાં નાનીબહેન-મોટીબહેન આવતા) તેની સિગ્નેચર ટ્યુન આજે પણ યાદ છે અને ગમે છે. તે સાંભળીને ઊંઘવાનું. (ત્યારે તો વહેલા ઊંઘી જતા !!!) પછી તો સાંજનો યુવવાણી, આ ગામનો ચોરો (જેમાં ખેતિ વિષયક વાતો આવતી એવું સ્મરણ છે) પાકું યાદ નથી પણ ગાતા સરવાણમાં જ કદાચ ’જીથરો ભાભો’ આવતો. (સ્વ.કાનજી ભુટા) રાજકોટ પર અઠવાડીએ બે દિવસ (બુધવાર અને ?) લાગલગાટ ’જીથરો ભાભો’ને વર્ષો સુધી માણ્યા છે.આજે પણ એ ’હફ કરૂં ને ડફ મરે’ મોં પર મુશ્કાન લાવી દે છે. બપોરનો ફૌજી ભાઈઓ માટેનો કાર્યક્રમ (જેમાં હીન્દી ગાયનો, માંગ પ્રમાણે આવતાં) બહુ પ્રિય કાર્યક્રમ હતો. આપે સાચું કહ્યું, હવે માત્ર સંભારણા રહ્યાં, રેડિયો તો મારા ઘરમાંએ નથી !! (ફરી લાવીશ, કંઈક યાદ તાજી થાય) આપનો ખુબ આભાર.

        Like

  9. ઓહ. આભાર અશોકભાઈ, અહી ડાયરો જમાવવા બદલ. અને અમને લેડીઝને આદરથી અહી વાર્તાલાપમાં સામેલ કરવા બદલ.
    તો ચાલો, હું એક ટોપિકની શરૂઆત કરું.
    મારો બહુ ગમતો વિષય શિક્ષણ વ્યવસ્થા થી.

    આપ સૌ વિચારક છો. ટેકનોલોજીનો ઉપયોગ કરો છો. અમુક હદ સુધી સર્જક, વિવેચક, સંવેદનશીલ ભેજાબાજો છો.

    તો, સૌ મિત્રોને એમના વિચારો શેર કરવા આમંત્રણ છે કે તેઓ વર્તમાન શિક્ષણ વધુ ગુણવત્તાવાળું, સુલભ બને એ માટે શું વિચારે છે?
    અથવા તો શિક્ષણ વ્યવસ્થાના કેટલાક દુષણો માટે શું ઉપાયો વિચારે છે?

    Time starts now 🙂

    Like

    • ડાયરાના નીતિનિયમો તો બહુ ખબર નથી (અનુભવમાં નથી), પણ જે તે ટોપિક પર , ઉપાય તરીકે નવા વિચારો જાણવા મળે એ હેતુથી આપણે
      ડાયરાને સરસ, હેતુલક્ષી બનાવી શકીએ. ખરું ને?

      Like

    • પહેલાં તો બહેન, એ કહો કે ભૂતકાળમાં શિક્ષણ વધુ ગુણવત્તાવાળું અને સુલભ હતું ખરૂં?
      ‘સુલભ’ શબ્દ ‘ગુણવત્તા’નો પર્યાય નથી, એ તો માનો છો ને?
      પહેલાં શિક્ષણ એક વર્ગ માટે હતું; સુલભ નહોતું. એની ગુણવત્તા પણ એ વર્ગની જરૂરિયાતો પ્રમાણે નક્કી થઈ હતી.
      આજે શિક્ષણ વધારે સુલભ છે. એની ગુણવત્તા કોઈ એક વર્ગને ધ્યાનમાં રાખીને નક્કી નથી થઈ. એ ટલે જ આજે શૂદ્રો. દલિતો પણ શિક્ષણ લેતા થયા છે.
      શિક્ષણની ગુણવત્તા વિશેની કાગારોળ પણ એ જ વર્ગ કરે છે, જેના હાથમાં પહેલાં સમાજ પર નિયંત્રણ રાખવાના બધા અધિકારો હતા.

      Like

      • અરે, સાહેબ, આપની પાસેથી વધુ વિચારોની આશા હતી. જુઓ, આપણે ત્યાં નાત, જાતના ભેદ ભુલાવીને એક વખત વિચારો, કે આજની શિક્ષણ વ્યવસ્થાનું જે તે દુષણ ટ્યુશન અને ડોનેશન અને તેમ છતાં, ગાંડા જેવી દોડ, તો એ વિષે, આપ શું વિચારો છો, કે કોઈ બદલાવ, કેવો હોવો જોઈએ.

        Like

        • હીરલબહેન, હવે તમે આજની સ્પેસિફિક સમસ્યાઓ પર આવ્યાં, તે સારૂં થયું. આ સમસ્યાઓને પણ વર્ણવ્યવસ્થા સાથે સંબંધ છે પરંતુ એના વિશે હું હમણાં ચર્ચા નહીં કરૂં.
          ડૉનેશનો અને ટ્યૂશનોની સમસ્યા છે જ, અને તે એટલા માટે કે ડૉનેશનો પૈસાવાળા આપી શકે અને આપને, ઑબીસી કે દલિતોને અનામત મળે ત્યારે બહુ બોલીએ છીએ પણ ડૉનેશનો સામે નથી બોલતા. મૅરિટ ન હોય તો પણ પૈસાના જોરે ડૉટાર કે ઍંજીનિયર બની શકાતું હોય તો શિક્ષણની માત્ર ગુણવત્તા જ નહીં, એનાં મૂલ્યો પણ બદલાઈ જાય. ડિગ્રી મેળવવા માટૅ ‘મહેનત’ અને બુદ્ધિ-કૌશલ’ ઇન્વેસ્ટ કરીને કોઈ કમાય તે મહેનત અને બુદ્ધિને મહત્વની મૂડી માને પણ જેણે આ બે નહીં ,પરંતુ, ત્રીજી વસ્તુ, – ‘ધન’ ઇન્વેસ્ટ કર્યું હોય એ મહેનત અને બુદ્ધિને શી રીતે મહત્વની માનવાનો છે? આમ મૂલ્યો બદલાઈ જાય છે.
          ટ્યૂશન આ ધનજનિત સમસ્યાનો ભાગ છે.

          Like

      • ચાલો કેટલાક પ્રશ્નો વિચારીએ.
        ૧) ટ્યુશન,
        ૨) ડોનેશન,
        ૩) કેળવણી માટે શું ઉપાયો થી શકે?
        ૪) ગામડાઓમાં અને ગવર્મેન્ટ શાળાઓમાં સારા શિક્ષકોનિ અથવા તો શિક્ષકોનિ અછત.
        ૫) જે તે ધોરણ સાથે જે તે વિષય વસ્તુ કે ટોપિકનું બંધન શું ઈન્ટરનેટ યુગમાં પરિવર્તન પામશે એવું નથી લાગતું?
        ૬) ઈન્ટરનેટ યુગમાં માહિતીનો જે પ્રકારે ખડકલો છે તેમાં યોગ્ય , યોગ્યની કેળવણી શું શાળાના અભ્યાસક્રમમાં હવે જરૂરી નથી લગતી?
        ૭) શું ઉચ્ચવર્ગના બધાને જ સારી શાળાઓમાં એડમીશન શક્ય બને છે?
        વેગેરે વગેરે.

        Like

        • correcting grammer.

          ૩) કેળવણી માટે શું ઉપાયો થઇ શકે?
          ૪) ગામડાઓમાં અને ગવર્મેન્ટ શાળાઓમાં સારા શિક્ષકો નથી અથવા તો શિક્ષકોની અછત.
          ૬) ઈન્ટરનેટ યુગમાં માહિતીનો જે પ્રકારે ખડકલો છે તેમાં યોગ્ય , અયોગ્યની કેળવણી શું શાળાના અભ્યાસક્રમમાં હવે જરૂરી નથી લગતી?
          કઇ રીતે આ શક્ય બને?

          Like

  10. ડાયરો હવે ખરેખરો રંગ પકડતો જાય છે – હજુ આમાં બે દિગ્ગજોની ખોટ વર્તાય છે.
    ૧. યશવંતભાઈ
    ૨. રાઓલજી

    Like

  11. એ…સૌ ડાયરાને રામરામ…નમસ્કાર.
    સૌ પ્રથમ તો શ્રી હિરલબહેન અને શ્રી મિતાબહેન ડાયરામાં પધાર્યા, અન્ય બહેનો પણ માત્ર વાંચક તરીકે પધાર્યા હશે જ, સૌ બહેનોનું ડાયરા વતી હું સ્વાગત કરૂં છું.

    હિરલબહેને ડાયરાને ચર્ચા માટે “શિક્ષણ” વિષય આપ્યો, આભાર. આ વિષયે હું પણ મારી વાત રાખીશ જ. સૌ મિત્રોને પણ નિમંત્રણ છે. આગળના ભાગોમાં પણ આપણે આમ જ (એટલે કે સૌ પ્રથમ મુળલેખમાં જ) ટુંકમાં એકાદ-બે વિષય રાખીશું જ જેથી સૌ મિત્રોને વાત મુકવાનો પાયો (બેઝ) મળે. સુંદર વિચાર.

    હિરલબહેને મુદ્દાસર આપેલા એકાદ-બે પ્રશ્ન વિશે હું પણ થોડું જણાવવાની રજા લઉં.
    ટ્યુશન અને ડૉનેશન. મને લાગે છે ટ્યુશનની પ્રથા સાવ નવી નથી ! (આમ તો ભણાવવું એ જ ’ટ્યુશન’ !) પરંતુ આપણે હાલનાં પ્રસ્તુત અર્થમાં જ લઈશું તો વધુ પૈસા ખર્ચી અને શાળા શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીને અપાવાતું શિક્ષણ એવો અર્થ પણ નિકળે. આમ તો આ સ્વૈચ્છીક હોય છે પરંતુ જ્યારે શાળામાં કશું જ (કે જરૂરીયાત જેટલું તો નહીં જ) ભણાવવામાં ના આવે ત્યારે ફરજીયાત બોજ બની જાય છે. પછી સંપન્ન અને પહોંચી ન વળનાર (આર્થીક રીતે) એવો ભેદ રહેતો નથી. મા-બાપે પેટે પાટા બાંધીને પણ બાળકને ટ્યુશન કરાવવા પડે છે. એક ઉપાય છે વધારાનું શિક્ષણ મા-બાપ જાતે આપે, પરંતુ તે માટે તેઓ કદાચ (શિક્ષિત હોય તો પણ) અમૂક હદ સુધી જ લાયકાત ધરાવતા હોય અમૂક ધોરણ (જેમ કે SSC અને ઉપર) પછી તો એ શક્ય લાગતું નથી. છતાં માત્ર માવતરની દેખાદેખી કે બાળકને, અન્ય કરતાં, વધુ બુદ્ધિશાળી બનાવવાની લ્હાયમાં બાલમંદિરથી જ ટ્યુશનના રવાડે ચઢી જવું એ મને તો સાવ બીનજરૂરી લાગે છે. (મારા બન્ને બાળકોએ SSC સુધી ટ્યુશનનો ’ટ’ પણ જાણ્યો ન હતો !!) છતાં, જ્યાં સુધી શાળાઓના સમયમાં જ જરૂરી અભ્યાસ કરાવવો જ એવી જાગૃતિ, સૌ માં, નહીં આવે ત્યાં સુધી ખર્ચાળ ટ્યુશનોની પ્રથા બંધ નહીં થાય.

    થોડું ડૉનેશન પર પણ બોલું, આમ તો આ શબ્દનો અર્થ પણ સ્વૈચ્છીક “દાન” એવો રહે પરંતુ શિક્ષણનાં સંદર્ભે એ કેટલું ’સ્વૈચ્છીક’ છે એ સૌ જાણે છે !! વાત નાના પાયે જ કરીશ, બાળકને, પ્રાથમિક શિક્ષણ માટે, સરકારી શાળામાં બેસાડવામાં કશું જ ડૉનેશન કે ભારે ફી આપવી પડતી નથી, છતાં ભાગ્યે જ કોઈ, સામાન્ય સંપન્ન એવા પણ, એ માટે તૈયાર થશે !! કદાચ સરકારી શાળાઓના શિક્ષણ સ્તર પર શંકા રહેવી એ એક કારણ અને આથી પોતાની (માની લીધેલી !) સામાજીક પૉઝીશનમાં પંચર ! પડી જશે તો ? એ બીજું કારણ હોઈ શકે ? સરકારી શાળાઓ ઉપલબ્ધ નથી એ વાત, ગુજરાત પુરતી તો, સ્વિકાર્ય નથી લાગતી. હજુ આગળ વિચારીશું જ, બહેનશ્રી હિરલજીએ આપેલા મુદ્દાઓ અહીં અને આગળ પણ ચર્ચીશું જ. આભાર.

    Like

    • હું તો સરકારી સ્કૂલ, હાઇ સ્કૂલ અને કૉલેજમાં જ ભણ્યો છું. એ જમાનામાં ખાનગી શાળાઓની પ્રેસ્ટિજ નહોતી. ધીમે ધીમે ઉલ્ટું થઈ ગયું.
      આજે પણ માબાપ જાણે છે કે પૂરતી યોગ્યતાવાળા શિક્ષકો સરકારી સ્કૂલોમાં જ હોય છે, પ્રાઇવેટમાં નહીં. (આ દિલ્હીનો અનુભવ કહું છું, તમારો અનુભવ જુદો હોઈ શકે). પણ, સરકારી સ્કૂલમાં કેમ બેસાડાય? ત્યાં આ ક્વૉલિફાઇડ ટીચરો હાજ્ર જ નથી હોતા. બધા પ્રાઇવેટ સ્કૂલોનાં બાળકોને ટ્યૂશન આપવામાં જ વ્યસ્ત હોય છે!
      ગુંચવાડો આપણે ધારીએ છીએ તેના કરતાં વધારે છે.

      Like

    • શ્રી દીપકભાઈએ કહ્યું કે ‘‘સુલભ’ શબ્દ ‘ગુણવત્તા’નો પર્યાય નથી, એ તો માનો છો ને?”
      હું માનું છું કે પર્યાય બની શકે છે. ૨૧મી સદીમાં એ શક્ય છે. ગુગલ, વિકિપીડિયા એ ‘સુલભ અને ગુણવત્તા’ એક સાથે છે તેમ બતાવે છે.
      તો શિક્ષણમાં પણ એ શક્ય છે. (કદાચ આજે એ નથી પણ આવતીકાલે બની શકે છે.)

      પણ ત્યાં પણ લિમીટેશન છે. દીપકભાઈએ સરસ કીધું કે માતા-પિતા માટે ખાસ કોર્સીસ ઘઢવા પડશે.
      જો કે મને એક વાત નથી સમજાતી કે આપણે ત્યાં શાળા કે કોલેજના નામ સાથે જે તે વ્યક્તિની લાયકાત કે માપ પણ જોડી દેવામાં આવે છે.
      ૨+૨ = ૪ સરવાળાનો દાખલો તો બધે જ એક સરખો શીખવવામાં આવે છે. તો આવું કેમ બને છે?
      શ્રી અશોકભાઈ અને શ્રી શકીલભાઈ, આપે પણ સરસ વાત/વ્યથા કહી. જો આપણે જાગ્રત રહીશું તો ‘શાળા માટે લોન લેવા વારો નહિ આવે’
      ઉપાયો હશે જ અને આપણે વિચારવા જોઈએ. શું કહો છો?

      —-
      new topics are also good topics to discuss….but aatle thi aatku aaje to.. 🙂

      Like

      • જો કે મને એક વાત નથી સમજાતી કે આપણે ત્યાં શાળા કે કોલેજના નામ સાથે જે તે વ્યક્તિની લાયકાત કે માપ પણ જોડી દેવામાં આવે છે.
        just correcting
        >>મેરીટથી એડમીશન હોય તો સાચે જ સારી વાત છે, પણ ડોનેશનથી કે એન. આર. આઈ સીટ પર એડમીશન હોય તો પણ …????

        Like

        • તમારી બન્ને કૉમેન્ટનો પ્રતિભાવ આપું છું. ઇંટરનેટ ઍક્સટેન્સિવ (વિસ્તીર્ણ) છે, ઇન્ટેન્સિવ (સઘન) નથી. એટલે કે એ એટલું બધું સુલભ છે કે જેને જે ઠીક લાગે તે એના પર કઈં પણ ‘લાદી’ શકે છે. (વચ્ચેથી, ડાયરાને પૂછી લઉ- આ લખતાં ચમકારો થયો કે ‘લાદ’ અને ‘લોડ’ એક માના બે દીકરા છે કે શું -વિખૂટા પડૅલા- અમર, અકબર. ઍન્થની જેમ?). આમાંથી નીરક્ષીર ન્યાયે જ એનો ઉપયોગ થઈ શકે, તે સિવાય તો ભટક્યા કરો અને ખોટે રસ્તે જ ચડી જાઓ. આમ ગુણવત્તા ઇંટરનેટમાંથી મેળવવા માટે તમારે એનાથી અલગ થવું પડે.
          બીજી વાત. મેરિટ અને એન. આર. આઇ. સીટ કે ડોનેશનની. આ તો માત્ર ધંધો છે. પૈસા વાલાના ‘આરક્ષણ’ સામે તો કોઈ કદી બોલતું નથી.

          Like

  12. બે બે બહેનોએ ડાયરામાં ભાગ લીધો તેથી ઘણો આનંદ થાય છે.

    Like

  13. એવી વાણી બોલ્યે કે, મનનો ભાર ખોવાય;
    આપણું તન શીતળ કરે, બીજાંને સુખ થાય [કબીર]
    હંધાય ભાયુ બેનું કેમ છો મજામાં, “ડાયરો” જમાવ્યો ભાઇ,
    અશોક”જી” આપને તો રોજ સાંજે દુકાને “ડાયરા”,ની જમાવટ હોય છે, [જે માં હું ફોન દ્વારા સામેલ થાઉ છુ જ] હવે આ બ્લોગ પર પણ જમાવટ કરી છે,ઉત્તમ વિચાર વિમર્શ વાંચવા,સમજવા મળશે,
    “શિક્ષણ વ્યવસ્થા” જંગલમાં લાગેલા “દવ” ની જેમ દિવસે દિવસે “વકરતી” જાય છે,જેના માટે કોઈ જવાબદારી લેવા ત્યાર નથી,સરકાર નવા નવા અખતરા કરી અભ્યાસક્રમ માં બદલાવ કરે છે,સરકારી શાળાઓ “જુના નેતાઓ” ના લાગેલા “બાવલા[પૂતળા]” ની જેમ ઊભી છે જેની કોઈને દરકાર નથી, અને ખાનગી શાળાઓ દિવસે દિવસે ડબલ થતી જાય છે.
    સરકારી શિક્ષકો નો ઉપયોગ “ગરીબ વિધાર્થીઓ” ને “શિક્ષણ” આપવા કરતા “વસ્તિ ગણતરી” અને “ઓળખપત્રો” આપવા જેવા ઘેર ઘેર ફરવા ના કામ માં થાય છે, શહેર/ગામ માં “ટપાલી” કમ “શિક્ષકો” વધારે દેખાય છે.
    [ભેળ બની ગઈ ને ભય “ડાયરા” માં તો આવું જ હોય, કોઈ વિષય પર જાજુ જ્ઞાન નહી હોય તો પણ મારા જેવા ને “જેલવા” પડશે]
    છે…લ્લે… હવે થોડા વર્ષો પછી બાળકો ને પ્રાથમિક “શિક્ષણ” આપવા પણ “લોન” લેવી પડશે !
    [ભાઈ અશોક”જી” એક નમ્ર સૂચન હવે પછી નો ડાયરા નો વિષય “ભષ્ટાચાર” બની શકે તો લેવો આ “શિક્ષણ” પર ચર્ચા પુરી થયા પછી]

    Like

  14. પિંગબેક: ડાયરો-૧ | | GujaratiLinks.comGujaratiLinks.com

  15. મને એમ હતું કે અહીં દરેકના અનુભવો છે એમના સંતાનોના શિક્ષણ માટેની તકલીફો વિષે તો ઉપાયો તરીકે સૌ જાગ્રત નાગરીકો પાસેથી કંઈક જાણવા મળશે.
    પણ માંડ ૧-૨ કમેન્ટ મળી કે જેઓ ટ્યુશન કે ડોનેશનને દુષણ એવું વિચારે છે.
    કદાચ, હું જેને દુષણ સમજુ છું તેને મોટાભાગે બધા ‘ઇન્વેસ્ટમેન્ટ’ જ સમજે છે તેમ જણાય છે. અને એટલે ખાસ કોઈ કમેન્ટ જણાઈ નહિ??????
    એની વે, જૂની પેઢી જો નવી પેઢીની તકલીફો દુર કરવા પોતાના નિવૃત્તિ ના સમયમાં વિચારશીલ/કાર્યશીલ બને તો હજુ પણ ઘણા બદલાવ શક્ય છે.
    કદાચ હું વધારે પડતી આશાવાદી છું ???????

    Like

    • આપનો મુદ્દો વ્યાજબી છે પણ ચર્ચા માટેનું સ્થળ ખોટું છે. આવી ચર્ચા કરવી હોય તો જે તે વિષય પર પોસ્ટ મુકીને ચર્ચા માટે ઈચ્છુક લોકોને આમંત્રીત કરવા જોઈએ. ડાયરામાં અલક મલકની વાતું હોય વળી હળવો મુડ હોય. ગંભીર ચર્ચાઓ ડાયરામાં થતી નથી હોતી.

      Like

    • હિરલબહેન, આપ આશાવાદી જ રહો !!! માતાઓ આશા છોડી દેશે ત્યારે આ ધરતિ પણ ભાર ધારણ કરવાનું છોડી દેશે ! હું શ્રી અતુલભાઈની, ગંભીરચર્ચા ન થઈ શકે તે વાત સાથે નમ્રતાથી અસહમત થઈશ. (અરે અમે ઘણી વખત અહિંસાની ચર્ચા કરતાં કરતાં હિંસા પર ઉતરી પડેલા છીએ !હા એ હિંસા હદ ન વળોટે એટલી હળવાશ ડાયરામાં હોય !) અને દિપકભાઈની વાતને સમર્થન આપીશ. (એટલે આમાં કંઈ પક્ષાપક્ષી જેવું નથી પણ એક મુદ્દા પુરતો જ આ મત ગણવો !!) જો કે આ એક નવો કૉન્સેપ્ટ છે એટલે તુરંત સેટ ના પણ થાય, પણ એ મુજબ આપે ઉઠાવેલો મુદ્દો યોગ્ય અને યોગ્ય જગ્યાએ જ છે. કદાચ વિચારવલોણાં ધીમાં-ઝડપી ફરતા રહે પણ અંતે આછુંપાતળુંએ માખણ તો નિકળે જ. ભલે દેખાતા ન હોય પરંતુ બે વાતનાં છેડા ક્યાંક જઈને એકબીજાને મળતા જરૂર હોય છે. શિક્ષણ વિષયક પ્રશ્નો ઊઠે તેનો એક છેડો ભ્રષ્ટાચારને પણ મળે છે. આપે ઈન્ટરનેટ અને શિક્ષણને સાંકળવાનો વિચાર આપ્યો તે હજુ આગળ વધારવા જેવો, પ્રમાણમાં બહુ ઓછો વિચારાયેલો મુદ્દો છે જ. તેની સારાસાર પર પણ ચર્ચાઓ થશે. બહેન આપે એક જ ડાયરામાં મને દશ ડાયરા યોજી શકાય તેટલા નવિનતાપૂર્ણ વિચારો આપી દીધા છે. આપને આ કંઈ સાવ અસ્થાને ગયેલું કામ લાગે છે. એક વિચાર આખી દૂનિયા બદલી નાંખે છે. અને આ તો શક્તિનો વિચાર, એક બીજમાંથી હજાર બીજ બનાવી શકે, માટે કહ્યું કે આશાવાદી રહો !

      આજે આ સાંકળમાં એક કડી વધુ જોડીને, સાંપ્રત સમયને અનૂકુલ થોડા વિચાર ડાયરા સમક્ષ રજુ કર્યા છે. નવો લેખ ભ્રષ્ટાચાર, દેશપ્રેમ, સેવા, શિક્ષણ જેવા મુદ્દાઓ લઈને હમણાં જ આવશે. કિંતુ, પરંતુ, યંતુ…તેમાંયે એ ઉપરાંતના બહાર પડી શકતા મુદ્દાઓ પણ ઉખેળી તો શકાય જ. મેં થોડો પ્રયત્ન કર્યો છે, આપ સૌ પણ, અહીંની જેમ જ, વલોણાની દોરી ખેંચવા મદદ કરશો તો આગળ કહ્યું તેમ આછૂંપાતળું માખણ અવશ્ય નિકળશે. આભાર.

      Like

      • કોઈ પણ વિષય પર ગંભીર ચર્ચા કરવી હોય તો તે માટે તે વિષય પર પહેલા એકાગ્રતથી ચિંતન કરવું પડે – હવે હળવો મુડ અને હળવાશ અનુભવવા જ્યારે આવ્યા હોઈએ તેવે વખતે આખો દિવસ કારણ વગર માથે ભાર લઈને ફરતા મારી જેવા લોકોને ફરી પાછી ગંભીર અને મગજની નસો ખેંચાઈ જાય એવી બાબત પર વિચારણા કરવાનું આવે તો તે બોજારૂપ લાગે એટલે મેં કહ્યું કે ગંભીર ચર્ચાઓ માટે ડાયરો અનુકુળ નથી.

        ગંભીર ચર્ચા હું જેટલા ડાયરામાં ગયો છું ત્યાં મે થતા નથી જોઈ – પણ એકવસમી સદીમાં જેમ બહેનો આનંદથી ડાયરામાં ભાગ લઈ શકે તેમ ગંભીર ચર્ચાઓ કરે તો મને કાઈ વાંધો નથી. મારાથી નથી થઈ શકતી એટલી હું મારા પુરતી મારી મર્યાદા કબુલીશ 🙂

        અશોકભાઈ સાથે સહમત –
        શક્તિનો વિચાર, એક બીજમાંથી હજાર બીજ બનાવી શકે, માટે કહ્યું કે આશાવાદી રહો !

        Like

  16. અતુલભાઈની વાતમાં જોડું છું. ડાયરામાં એજન્ડા ન હોય. વળી વાત ક્યાંથી શરૂ થઈને ક્યાં પહોંચશે તે પણ કઈં નક્કી ન હોય. એટલે જ મેં સોનિયા ગાંધી, રાજકોટ આકાશવાણી વગેરે વાતોથી શરૂ કર્યું.

    Like

      • સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ તમને પણ.
        શિક્ષણની બાબતમાં મને લાગે ચે કે પહેલી જરૂર તો કદાચ માબાપને સુધારવાની છે. માતાપિતા એમની અધૂરી ઇચ્છાઓ બાળકો મારફતે પૂરી કરવા માગતાં હોય, એટલે એમને બાળક માટે ‘ટૉપ પોઝીશન’થી ઓછું કઈં જોઇએ જ નહીં! એટલે બાલક પર ટઊશનો લાદી દે છે. બાળકનો અભિપ્રાય લેશો તો એ શું ટ્યૂશનની તરફેણ કરશે? આ ઉંદર દોડનાં કારણો આર્થિક છે.રોજગારની તીવ્ર હરીફાઈને કારણે માબાપ ઇચ્છે છે કે એમનાં બાળક પાસે બધાં શસ્ત્રો હોય, જેથી એ લડાઈમાં હારે નહીં! આમ, અમુક અંશે તો માબાપ પણ વિક્ટિમ છે.
        પરંતુ, જ્યારે માબાપ જૂએ કે ક્રિકેટમાં પૈસા છે , તો બાળકને ક્રિકેટ અકાદમીમાં મોકલે, પછી જુએ કે પ્લેબૅક સિંગર્સ બહુ કમાય છે તો સંગીત શીખવવા લઈ જાય…આ સ્થિતિમાં માબાપ કલ્પ્રિટ છે. એટલા માટે નહીં કે બાળક્ને એ આમથી તેમ દોડાવે છે (પોતે પ્ણ બિચારાં દોડાદોડ કરે જ છે) પણ એટલા મા્ટે કલ્પ્રિટ છે કે બાળકની રમત પણ એ લોકો નક્કી કરે છે. આમ ખેલ પણ એના ઉપર લદાય છે.

        Like

  17. પિંગબેક: ડાયરો-૨ (“આઝાદી અમર રહો”) | વાંચનયાત્રા

  18. પિંગબેક: ડાયરો-૨ (“આઝાદી અમર રહો”) | વાંચનયાત્રા

  19. Dear friends, You all are most welcome to share your ideas on
    ઈ – વિદ્યાલય: ભારતની સૌ પ્રથમ વર્ચ્યુઅલ શાળા
    visit http://www.hirals.wordpress.com

    Like

  20. પિંગબેક: ડાયરો – કેશુના બાપનું કારજ | વાંચનયાત્રા

Leave a comment