નીતિશતક (૩) – સજ્જનતા (૧)


નમસ્કાર, આજે ફરી નીતિશતક. આગળ આપણે નીતિશતકમાં મૂર્ખતાઅને દુર્જનતા પરના થોડા સુભાષિતો અને તેના પરની ટિપ્પણીઓ જોઇ. આમતો સમગ્ર નીતિશતકમાં વિવિધ માનવીય સ્વભાવોનું જ નિરૂપણ કરાયું છે. અને આમ જોઇએ તો દરેક માનવીમાં ક્યાંક ને ક્યાંક આ બધા ગુણ-અવગુણ છુપાયેલા મળશે જ. કોઇ પણ વ્યક્તિ સંપૂર્ણ મૂર્ખ કે જ્ઞાની, સંપૂર્ણ દુર્જન કે સજ્જન હોતી નથી જ. હા, સમાન સ્થિતિમાં કોનો કેવો ગુણ પ્રગટ થાય છે તે પર તે વ્યક્તિનું મુલ્યાંકન થાય છે.  તો આવો આજે આપણે આ સુંદર શતકમા વર્ણવેલા કેટલાક સજ્જનતાનાં ગુણો, સજ્જન કેવો હોવો જોઇએ તેનું વર્ણન, સજ્જન કેમ થવાય તેની થોડી શિખામણો, વગેરે પર વિચાર કરીએ. એક ખાસ બાબત પણ અહીં જોવા મળે છે. આ પુસ્તકમાં લગભગ ૨૫ જેટલા શ્ર્લોક સજ્જન પ્રસંશાને લગતા છે!  એટલેકે અન્ય તમામ ગુણો વિષયક શ્ર્લોક કરતા વધુ. અર્થાત, શતકકારે પણ સજ્જનતાના ગુણ પર સૌથી વધુ ભાર મુક્યો છે, અથવા તો, શતકકારને આ ગુણ સૌથી વધુ દેખાયો છે. આ પૃથ્વિના પટ પર સજ્જનતાની કોઇ ખોટ નથી!  ભલે આપણને ચારે તરફ હાહાકાર, ભ્રષ્ટાચાર, દુર્ગુણો, દુર્જનતા વગેરે વધુ નજરે ચઢતા હોય. પરંતુ તેના હાકલા-પડકારાઓની પાછળ, એથી પણ ક્યાંય વધુ પ્રમાણમાં, સજ્જનતા હજુ સમાજમાં છે જ. જેનું પ્રમાણ આ વિકટ પરિસ્થિતિઓમાં ટકી રહેલો સમાજ પોતે જ છે.  

તો ચાલો, સમાજના આ સૌથી મોટા ગુણની આપણે પણ થોડી પ્રસંશા કરી લઇએ.  

जाड्यं धियो हरति सिञ्चति वाचि सत्यं

मानोन्नतिं दिशति पापमपाकरोति।

चेत: प्रसादयति दिक्षु तनोति कीर्तिं सत्संगति:

कथय किं न करोति पुंसाम्।।२३।।

” બુદ્ધિની જડતા હરી લે છે, વાણીમાં સત્ય અર્પે છે. સ્વમાનની ઉન્નતિ બતાવે છે, પાપને દૂર કરે છે અને દિશાઓમાં કીર્તિ ફેલાવે છે. સત્સંગ, (સજ્જનોનો સંગ) કહો મનુષ્યોને શું નથી આપતો ?”

 સત્‌+સંગ, સારા લોકોનો સંગ, સજ્જનોનો સંગ, એક અર્થમાં સત્યનો સંગ, મનુષ્યને બુદ્ધિમાન, સત્યવચની, સ્વમાની, પાપરહિત અને કીર્તિવાન બનાવે છે.  

प्राणाघातान्निवृत्ति: परधनहरणे संयम: सत्यवाक्यं

काले शक्त्या प्रदानं युवतिजनकथामूकभाव: परेषाम्।

तृष्णास्रोतोविभङ्गो गुरुषु च विनय: सर्वभूतानुकम्पा

सामान्य: सर्वशास्त्रेष्वनुपहतविधि: श्रेयसामेष पन्था:।।२६।।

” પ્રાણીઓની (જીવની) હિંસા ન કરવી, પારકાનું ધન પડાવી લેવામાં સંયમ રાખવો, સત્ય વચન બોલવું, સમયે સમયે શક્તિ મુજબ દાન આપવું, પરસ્ત્રીઓ (પરાઇ યુવતીઓ) વિશેની ચર્ચામાં મૌન રાખવું, તૃષ્ણાના પ્રવાહને તોડવો, વડીલો પ્રત્યે વિનય દાખવવો અને બધાં પ્રાણીઓ (સમગ્ર જીવ) પ્રત્યે દયા રાખવી – બધા શાસ્ત્રોમાં વણતૂટ્યે વિધાન પામેલો આ કલ્યાણનો સર્વસામાન્ય માર્ગ છે.”

 આ શ્લોકમાં સર્વજનસાધારણ અને સર્વધર્મસંમત માર્ગ દર્શાવ્યો છે. અનેક શાસ્ત્રોના અભ્યાસ, ગહન ચિંતન અને વિશાળ જીવનદર્શનનો ભર્તૃહરિના અનુભવનો નીચોડ અહીં રજુ થાય છે. તત્વજ્ઞાનનાં ગુંચવાડાઓ ન સમજાય તો પણ કાંઇ નહીં, માણસના અચૂક શ્રેય માટેનો,  સ્થળ, કાળ અને ધર્મથી પર એવો ઉકેલ અહીં દર્શાવ્યો છે.

સુખના બે પ્રકાર, પ્રેય અને શ્રેય. પોતાના સુખે સુખી એટલે પ્રેય. અને આત્માને જે પ્રિય લાગે તે શ્રેય. અહીં પરમ શ્રેયની અનુભુતિની ખાત્રી આપેલી છે. પોતાનું પેટ ભરવા માટે બીજાની, તન કે મનથી, હિંસા ન કરો. પોતાનું ઘર ભરવા માટે બીજાનું ઘર ન લૂંટો. ધન કમાવા માટે જુઠું ન બોલો. બધું ન આપી દો પણ શક્તિપ્રમાણે થોડું તો જરૂર આપો. પરસ્ત્રીની ચર્ચા ન કરો, તૃષ્ણા છોડો, અને પ્રાણીમાત્ર પર દયા દાખવો. આ બધા શ્રેય માર્ગના સોપાનો છે.

प्रारभ्यते न खलु विघ्नभयेन नीचै: प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्या:।

विघ्नै: पुन: पुनरपि प्रतिहन्यमाना: प्रारभ्यतुत्तमजना: न परित्यजन्ति।।२७।।

” નીચ કોટિના લોકો વિઘ્નના ડરથી (કાર્યની) શરૂઆત કરતા નથી, મધ્યમ કોટિના લોકો શરૂ કરીને વિઘ્નોથી હેરાન થતાં રોકાઇ જાય છે. વારંવાર વિઘ્નોથી પ્રહાર પામવા છતાં ઉત્તમ લોકો શરૂ કરી (કાર્ય)ને ત્યજતા નથી.”  

 અહીં વધુ ન કહેતા આપણી એક જાણીતી ઉક્તિ યાદ કરાવું, ’કરતા જાળ કરોળીયો…’

ક્યાંક વાંચેલું કે આપને કોઇ કહે કે હું જીંદગીમાં કદી નિષ્ફળ ગયો જ નથી, તો સમજજો કે તેણે કદી કશું કામ કર્યું જ નથી !  થોમ્સ આલ્વા એડિસનનું પ્રખ્યાત અવતરણ છે કે :

“If I find 10,000 ways something won’t work, I haven’t failed. I am not discouraged, because every wrong attempt discarded is another step forward”.

असन्तो नाभ्यर्थ्या: सुहृदपि न याच्य: कृशधन:

प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेऽप्यसुकरम्।

विपद्युच्चै: स्थेयं पदमनुविधेयं च महतां सतां

केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम्।।२८।।

” દુષ્ટ લોકો પાસે યાચના ન કરવી, પૈસેટકે ઘસાઇ ગયેલા ગરીબ મિત્ર પાસે (ધનની) માંગણી ન કરવી, ન્યાયપૂર્ણ વ્યવહારમાં પ્રીતિ રાખવી, પ્રાણ નાશ પામે તો પણ પાપકર્મ ન કરવું, આપત્તિમાં પણ ઉન્નત રહેવું, મોટાઓના (મહાન લોકોના) માર્ગને અનુસરવું – તલવારની ધાર પર ચાલવા જેવું આ વિકટ વ્રત સજ્જનોને કોણે ઉપદેશ્યું હશે ?”

 “પૈસેટકે ઘસાઇ ગયેલા ગરીબ મિત્ર પાસે (ધનની) માંગણી ન કરવી” –  બસ એક આટલી સજ્જનતા મારી સાથે દાખવવા સર્વે સજ્જનમિત્રોને હાર્દિક અપીલ 😀

क्षुत्क्षामोऽपि जराकृशोऽपि शिथिलप्राणोऽपि कष्टां दशा-

मापन्नोऽपि विपन्नदीधितिरपि प्राणेषु नश्यत्स्वपि।

मत्तेभेन्द्रविभिन्नकुम्भकवलग्रासैकबद्धस्पृह:

किं जीर्णं तृणमत्ति मानमहतामग्रेसर: केसरी।।२९।।

” ભૂખથી સુકાયેલો, ઘડપણથી કૃશ થયેલો, શિથિલ શક્તિવાળો (અશક્ત), કષ્ટદાઇ દશા પામેલો, નિસ્તેજ અને પ્રાણ નીકળવાની તૈયારીમાં હોય તો પણ, મદોન્મત્ત ગજરાજોનાં ચીરી નાખેલા લમણાંનો કોળિયો કરવાની કામનાવાળો અને સ્વમાની સિંહ શું સૂકું ઘાસ ખાય ખરો ?” 

 અહીં કદાચ સંસ્કારની વાત કરેલી છે. જન્મથી જેવા સંસ્કાર હોય તે પ્રમાણે પ્રાણી વર્તન કરે છે. જેમ સિંહ સૂકું (જો કે લીલું પણ) ઘાસ ખાવા કરતા તો મૃત્યુને વરવું વધુ પસંદ કરે છે. તેમ સજ્જનો પણ કોઇ પણ વિકટ સ્થિતિમાં પોતાની સજ્જનતા ત્યજતા નથી.

કોઇ લોકસાહિત્યકારે કહેલી વાર્તા યાદ આવે છે. એક દહાડો ક્યાંક વગડામાં બળદ અને ગધેડો એકઠા મળ્યા, ગધેડાએ બળદને કહ્યું ’જો તો ખરો, કામ કરી કરીને તારી હાલત સાવ ખરાબ થઇ ગઇ છે, મને પણ મારો માલિક બહુ કામ કરાવતો, પરંતુ હવે મેં બુદ્ધિ વાપરીને કામને ટાણે જ દાંડાઇ કરવી શરૂ કરી દીધી. બસ મારો માલિક હવે કંટાળીને મને કશા કામે લગાવતો જ નથી. હરીફરીને મોજ કરૂં છું. તું પણ આમ કરવા માંડ તો સુખી થઇશ.’

ત્યારે બળદે જવાબ આપ્યો ’ વાત તો બરાબર છે, પરંતુ તારી માતા કોણ ? ગધેડી ! અને મારી માતા ? ગાય ! જેને સૌ કોઇ માતા તરીકે પૂજે છે. અમે જો ખરે ટાણે કામ ન કરીએને તો અમારી માતાનું નામ બોળાય. માટે પ્રાણ જાય તો ભલે પણ અમારાથી દાંડાઇ ન થાય’

બસ આ છે સંસ્કાર. જે ક્યારેય લુપ્ત થતા નથી.

परिवर्तिनि संसारे मृत: को वा न जायते |

स जातो येन जातेन याति वंश: समुन्नतिम् ।।३२।।

” આ પરિવર્તનશીલ સંસારમાં કયો મૃત્યુ પામેલો મનુષ્ય ફરી જન્મતો નથી ? પરંતુ જેના જન્મવાથી વંશની ઉન્‌નતિ થાય તેને જ ખરેખર જન્મેલો કહેવાય.”

એક દુહો યાદ આવે છે તો ભેગાભેગ લખી જ નાખું :

                                           ’જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શુર | 

                                        નહીં તો રહેજે વાંઝણી, (તારૂં) મત ગુમાવીશ નૂર’ ||

એક ટુચકો પણ કહી જ દઉં : એક બાપાને પાંચ દિકરા હતા, એક સાંજે ઉદાસ ચહેરે ગામના ચોરે બેઠા હતા, ત્યાંથી નીકળતા એક માણસે પુછ્યું ’ કેમ બાપા, ઉદાસ છો ? તમારે શું દુ:ખ ફાટી પડ્યું છે ? ભગવાને પાંચ પાંચ દિકરા આપ્યા છે’  બાપા બોલ્યા : ’ભાઇ, કોઇ એક સારો દિકરો આપવા તૈયાર હોય તો કે‘જો ! બદલામાં આ પાંચે પાંચ આપવા તૈયાર છું !’ 

कुसुमस्तबकस्येव द्वयी वृत्तिर्मनस्विन:।

मूर्ध्नि वा सर्वलोकस्य शीर्यते वन एव वा।।३३।।

” ફુલોના ગુચ્છની માફક સ્વાભિમાની વ્યક્તિની બે અવસ્થા હોય છે – (કાં તો) તે બધા લોકોના મસ્તક પર (વિરાજે છે) અથવા વનમાં જ ખરી જાય.”

 અહીં સ્વાભિમાની સજ્જનોની બે પ્રકારની સ્થિતિની વાત પુષ્પના પ્રતિક દ્વારા કરાઇ છે. એક રીતે એમ પણ કહી શકાય કે સ્વાભિમાની લોકો, સજ્જનો, કોઇ પોતાને મસ્તકે ધારણ કરે કે ન કરે, અર્થાત સન્માન કરે કે ન કરે, તેની ચિંતા કર્યા વગર પોતાની સુવાસ ફેલાવતાજ રહે છે.

ભગવદ્‌ગીતાનો ’કર્મણ્યે વાધિકારસ્તે….’ અહીં ફરી યાદ આવે છે.

તો મિત્રો આજે આટલું જ. નીતિશતકમાં સજ્જનો વિશે ઘણું કહેવાયું છે. હજુ પણ આપણે તે બાબતે આગળ જોઇશું જ. અત્યારે આટલા ઉપદેશ પર વિચાર કરી અને આપણું સ્થાન ચોક્કસ કરવાનો અને યોગ્ય લાગે તો થોડું ગ્રહણ કરી વર્તનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તેટલીજ પ્રાથનાસહ: આભાર. 

                                                                                                             (…..અપૂર્ણ)

ભર્તુહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:

ભરથરી-on wikipedia

* ભરથરી (કવિ)-on wikipedia

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia

* નીતિશતક (સંસ્કૃતમાં) – વિકિસ્ત્રોત પર

8 responses to “નીતિશતક (૩) – સજ્જનતા (૧)

  1. શ્રી અશોકભાઈ,

    ભર્તૃહરિના આ શતકો તેમણે કેટલું ઉંડુ ચિંતન કર્યુ હશે તે વિચાર કરતા કરી દે છે. આપણી સંસ્કૃતિમાં કેટકેટલા મહાન વિચારકો થઈ ગયા છે, તેમના આવા અદભુત માર્ગદર્શનો આપણે જીવનમાં ઉતારશુ તો જરૂર આપણામાં રહેલ દુર્જનતા ઘટશે અને સજ્જનતા પ્રગટશે તેમ મને લાગે છે.

    Like

    • ખરી વાત છે, અતુલભાઇ. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે આપણે, આપણાજ વારસાને બહુ ગંભીરતાથી નથી લેતા. એ ખરૂં કે દરેક સંસ્કૃતિઓમાં મહાનત્તમ ગુણો સમાયેલા હોય છે. અને સારૂં નરસું પણ બધે જ મળવાનું. મારી અંગત વિચારધારા એવી છે કે પ્રથમ આપણે, કોઇ પણ પૂર્વગ્રહ વગર, આપણામાં (આપણી સંસ્કૃતિમાં) રહેલા સારા નરસા પાસાઓને, આપણા પૂર્વજોના ચિંતનને, સમજીએ. પછી તેમાંથી કશું સારૂં લાગે તો સ્વિકારીએ, બાકી કાંઇ એ લોકો લાકડી લઇને જબરજસ્તીથી એમની વાત મનાવવા આવતાતો નથી જ ! આભાર.

      Like

  2. જય માતાજી…અશોકભાઈ,

    તમારા બન્ને મિત્રોની વાત સાચી છે. કારણકે, વિશ્વનાં કેટલાયે મહાનુભાવોએ પોતાના જીવનનાં અનુભવોનો નિચોડ આપણને ઉપયોગી થાય તે માટે પુસ્તકો દ્વારા મુકતા ગયા છે.. પણ આપણે તો માણસ છીએને! એટલે કોઈનું માનવામાં અહંમ અને અભિમાન આડા આવે છે. નહીતર તો આપણો બેડો પાર થઈ જાય… મે એક વાત સાંભળેલી છે કે, ભર્તૃહરિએ જે આ બધા શતકો લખ્યા ત્યારે તેઓએ ભુખ્યા રહીને સ્મશાનમાં લખેલા છે.. સાચુ તો જે હોય તે, પણ તેઓનો વૈરાગ પરાકાષ્ઠાએ હતો. તેમા ના નહીં ભાઇ. બાકી તો જેને જેને અનુસરવુ હોય તે અનુસરે બાકી તો બોલો, જય સીતારામ…

    Like

    • જય માતાજી, બાપુ. આભાર. બીજું કે, ભર્તૃહરિએ ત્રણ શતક લખ્યા છે. ક્રમ પ્રમાણે, નીતિ, શૃંગાર અને વૈરાગ્ય. કેટલાક વિદ્વાનો શૃંગારશતકની રચના પ્રથમ થયાનું માને છે. જેમાં પ્રથમ, નીતિશતકમાં ધર્મ અને અર્થ. શૃંગારશતકમાં કામ અને વૈરાગ્યશતકમાં મોક્ષ કે યોગનું મહાત્મય બતાવેલું છે. જો કે તેમણે આ શતકો ક્યાં લખેલાં તે બાબતે કશો ઉલ્લેખ મળતો નથી. પરંતુ એમ માની શકાય કે વૈરાગ્યશતક કદાચ તેમણે વૈરાગ્ય ઉત્પન્ન થયા પછીનું લખેલું હશે.
      એક યોગાનુયોગ કેવો થાય છે તે જોયું !! ’ધર્મ’ અને ‘અર્થ’ સમજાય પછી જ ‘કામ’ સમજવામાં સરળતા રહે છે તેવું ક્રમને જોતા નથી લાગતું ? અને ‘કામ’ પછી સીધો ‘વૈરાગ્ય’, ’મોક્ષ’ !!! એ કોઇ અજાણી વાત નથી. આભાર.

      Like

  3. પિંગબેક: નીતિશતક (૩) – સજ્જનતા (૨) « વાંચનયાત્રા

  4. પિંગબેક: નીતિશતક (૩) – સજ્જનતા (૩) « વાંચનયાત્રા

  5. પિંગબેક: નીતિશતક (૩) – સજ્જનતા (૩) « વાંચનયાત્રા

  6. પિંગબેક: નીતિશતક (૪) – વિદ્યા « વાંચનયાત્રા

Leave a reply to જીતેન્દ્રસિંહ ચૌહાણ જવાબ રદ કરો