Tag Archives: હાસ્યલેખ

ગાદીપુરાણ – દ્વિતીયોધ્યાય

(ખાસ સૂચના : આ લેખમાળામાં ઉલ્લેખીત વૈદકીય બાબતોને ગંભીરતાથી કે સંદર્ભ તરીકે ન લેતા માત્ર હળવા હાસ્ય પ્રયોજનાર્થે જ લેવા. લખનાર શરીર વિજ્ઞાન કે વૈદકશાસ્ત્રોનો જરા પણ જાણકાર નથી.)

‘અથ વાંચનયાત્રા બ્લૉગે ગાદીપુરાણે દ્વિતીયોધ્યાય’

પ્રથમ અધ્યાયમાં આપણે ગાદીપુરાણનો મહિમા અને પ્રસ્તાવના પર ચિંતન કર્યું. આજે આપણે ગાદી ખસવાનાં કારણોની યથામતિ સમીક્ષા કરીશું. જો કે કારણોનો ક્રમ માણસે માણસે અલગ હોવા સંભાવના ખરી પણ મહત્વનાં કારણો તો આદિઅનાદિકાળથી એના એ જ હોવાનું જણાય છે. અંગત રીતે, મારા દાખલામાં, પ્રથમ અને મહત્વનું કારણ ખોળી કઢાયું એ છે ‘કમ્પ્યુટર’ ! જી હા. જો કે ન્યાય ખાતર એમ કહેવું પડે કે કમ્પ્યુટર પરોક્ષ કારણ ખરું બાકી પ્રત્યક્ષ કારણ તો કમ્પ્યુટર સામે શોભાયમાન એવી આપણી ગાદી (કમ્પ્યુટર ચેર) ગણાય. એ ગાદી આપણાં શારીરિક બંધારણને અનૂકુળ ન હોય (કે આપણે એ ગાદીને અનુકૂળ ન હોઈએ !) તો ગાદી ખસવાની સંભાવના સર્વાધિક રહે છે. મુમુક્ષોએ માત્ર કમ્પ્યુટર સામે સ્થિત ગાદીનાં અનુકૂલન વિશે ઊંડાણપૂર્વક જાણવું હોય તો ‘અહીં’ કે ‘અહીં’ ક્લિકી અને માહિતીયાત્રા કરી શકે છે. અન્ય પ્રકારની ગાદીઓના અનુકૂલન વિશે જિજ્ઞાસા જાગે તો ગાંધીનગર કે દિલ્હીની ટિકિટ સત્વરે કપાવવી !!

બીજું કારણ આવે દ્વિચક્રી વાહનચાલનનો અતિરેક. અહીં પણ ન્યાય ખાતર એટલું કહેવું પડે કે, બે પૈડાં વાળા વાહનો તો પરોક્ષ કારણ છે, મુખ્ય કારણ છે મોહમાયા ! એમ કહો કે રસ્તાઓની સંભાળ રાખવાની જેની જવાબદારી છે એ જીવોનો માયામોહ ! અને એમાં વળી ભળે અબૂધ અને અજ્ઞાની જીવની ગંતવ્યસ્થાને શિઘ્રાતિશિઘ્ર પહોંચવાની ઉતાવળ. આપણે ત્યાં કહેવત છે કે, ‘ઉતાવળા સો બહાવરાં, ધીરા સો ગંભીર’. જીવની ગંતવ્યસ્થાને પહોંચવાની તીવ્ર લાલસા અને મારગમાં એ જીવને રોકી પાડવાનાં ઈરાદે મોં ફાડીને પડેલાં, આસુરીવૃત્તિના પ્રતીક સમા ખાડાઓ. સફર સફરીંગ થઈ જાય ! ગાદી ખસવાનો યોગ અહીં રચાય છે. ઇતિહાસ સાક્ષી છે કે ક્યારેક તો ગાદી પામવાની ઉતાવળ ગાદી ખસવાનું કારણ બની બેસે છે ! અગાઉનાં સઘળા સત્‌શાસ્ત્રોએ ઇચ્છાને દુઃખનું કારણ ગણાવી છે. સંભવ છે કે એ દુઃખ ગાદી ખસવારૂપે પ્રગટે ! આથી મુમુક્ષોએ ‘ઝડપની મઝા, મોતની સજા’ એવું સરકારી સૂત્ર યાદ રાખવું અને પોતાની ગાદી બચાવવી.

વાત કરીએ ત્રીજા કારણની, તો એ છે અયોગ્ય શારીરિક છટા. કેટલાંક નિષ્ણાંતોના જણાવ્યાનૂસાર ઊઠવા, બેસવા, ચાલવા, લોટવા જેવી ક્રિયાઓમાં શારીરિક છટા (પોશ્ચર) યોગ્ય ઢબનું ન હોય તો મણકાઓને ખોટી તાણ પડે અને ગાદી ખસી શકે છે. ટટ્ટાર બેસવું નહિ, ટુંટીયું વળીને સૂવું, કમરથી ઝૂકીને વજન ઉપાડવું, ડોક સતત ઝૂકાયેલી રાખવી જેવા ખોટી શારીરિક છટા નૂકશાનકારક છે. ગરદનનાં દાખલામાં જ લઈએ તો, કોઈ કવિ સરસ લખી ગયા છે કે, ‘સર કટા શકતે હૈ લેકિન સર ઝૂકા શકતે નહિ..’ (આ ગીતમાં “આઝાદી”ની જગ્યાએ “આ ગાદી” લગાડી ગાવ !). વારંવાર સર ઝુકાવવાની (કુ)ટેવ ગાદી માટે જોખમી છે ! કળિકાળમાં ભારતવર્ષની એક સરકારના ‘સરદાર’ની આવી કુટેવ તેની ગાદીનો ભોગ લેશે એવો શાસ્ત્રોનો વરતારો છે !!

જો કે શાસ્ત્રો ગૂઢ હોય છે. અહીં પણ સર ઝુકાવવાને ‘નમ્રતા’ના પર્યાયરૂપે અને સર ઊઠાવવાને ‘વાવડા (વાતપ્રકોપ !)’ના પર્યાયરૂપે સમજવાની ભૂલ ન કરવી. અન્યથા સર ઝુકાવનારની ગાદી તો ખસશે જ પણ સર ઊઠાવનારનાં ભાગે કશું નહિ આવે ! બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવ્યો એ પંચતંત્રી કથા તો સૌને યાદ હોય જ. (અહીં મૂળ વાત મણકાની ગાદીની છે એટલે ચોખવટ કે, દાક્તરોએ આ “ફાવેલા” તરીકે પોતાને ન જોડવા !!)

હવે ચોથા કારણ પર ચિંતન કરીએ તો, ખાન-પાનની કુટેવો પણ ક્યારેક પ્રત્યક્ષપણે તો ક્યારેક પરોક્ષપણે ગાદીને ઘસારો પહોંચાડે છે (સં:આયુર્વેદ). મારી અલ્પ જાણકારી અનુસાર શરીરમાં વાયુનો પ્રકોપ ગાદી ખસવા માટે કારણભૂત બની શકે છે. જ્યારે મનુષ્યનાં દેહમાં વાતપ્રકોપ ઉદ્‍ભવે છે ત્યારે દેહની વિવિધ ગાદીઓ ખસવાનો યોગ સર્જાય છે. વાતપ્રકોપ મગજમાં ઉદ્‍ભવે ત્યારે દેહની બહારની વિવિધ ગાદીઓ ખસવાનો યોગ બની શકે છે. એક કાઠિયાવાડી રૂ.પ્ર. વડે આ ઘટનાને “બહુ વાવડો ભરાઈ ગયો છે” એમ કહી દર્શાવાય છે. આ જૂઓને, અમારી મણકાની ગાદી શરીરમાં ભરાયેલા ‘વાવડા’એ ખેસવી જ્યારે મગજમાં એવો વાવડો ભરાયો હતો કે જાણે બ્લૉગજગતે, વિકિજગતે, સંપૂર્ણ નેટજગતે અમારા વિના ઘોર અંધાર પથરાઈ જશે ! બસ, વાવડો ભરાયો અને ગાદી ખસી ! ત્રણ ત્રણ મહિના થઈ ગયા, નેટજગતને તો જવા દો આ અમારા બ્લૉગને પણ અમારા વિના અણોહરૂં ન લાગ્યું, બોલો ! જો કે ગાદી ખસે છે ત્યારે પગ ફરી ધરતી પર આવી જાય છે. પણ એ મુદ્દો આપણે ગાદી ખસવાનાં લાભાલાભ વાળા અધ્યાયમાં વિગતે વિચારશું. અત્યારે તો એટલું જ વિચારવાનું કે ખાન-પાનની કુટેવોથી સાવધાન રહેવું. ક્યારેક અબજો અને કરોડોનું નહીં, કેટલાક લાખનું ખાવું પણ ગાદી ખસવા માટે કારણભૂત બની શકે છે ! જો કે આ બાબત વ્યક્તિ વ્યક્તિએ અલગ હોય છે. સરવાળે જીવ કેટલું ખાય છે એ કરતાં શું અને કેટલું પચાવી (કે છુપાવી !) શકે છે એના પર ગાદીના ટકી રહેવાનો આધાર હોય છે.

આટલાં મુખ્ય કારણો ઉપરાંત, ક્ષમતા કરતાં વધુ બોજો ઢસડવો, વિસામો લીધા વગર નીચું ઘાલીને સતત કામ કરવું, સૂતા સૂતા વાંચવું કે ટી.વી. જોવું, પોતાની ક્ષમતા કરતાં મોટું ઓશીકું કે બે ઓશીકાં રાખવા, વધુ પડતી પોચટ પથારીમાં પડ્યા રહેવું, કસરત કે કસરતની ગરજ સારે એવા શારીરિક કામ તજીને સાવ આરામપ્રિય બની રહેવું અર્થાત્, સદા રંગરાગમાં રમમાણ રહેવું વગેરે વગેરે પણ ગાદી ખસવાનાં નાના-નાના કારણો મનાય છે. ક્યારેક એકાદ મોટા કારણને બદલે આવા નાના-નાના કારણોનો સરવાળો પણ ગાદીની બાદબાકી કરી નાખે છે. માટે હે જીવ ! સાવધાન ! જગતમાં ગાદી છે તો સઘળું છે, ગાદી ગઈ એટલે સ્વયં તારી ગલીનું કૂતરું પણ તને જોઈ પૂંછડી પટપટાવશે નહિ ! માટે મોહ, માયા, લાલચ, ખાનપાનના ધખારા જેવા સઘળા દુર્ગુણ ત્યજી અને એકમાત્ર ગાદીને ભજ ! ગાદી સાજી હશે તો સઘળો સંસાર તારા ચરણોમાં હશે. અન્યથા તું વૈદ અને દાક્તરનાં ચરણ પખાળતો થઈ જઈશ ! સઘળા જીવ આ થોડા કારણોને ઘણાં કરી વાંચજો, વંચાવજો, સમજજો, સમજાવજો. તમારી ગાદી સલામત રહેશે.

‘ઇતિ વાંચનયાત્રા બ્લૉગે ગાદીપુરાણે દ્વિતીયોધ્યાય’