Tag Archives: સમાજ

ડાયરો – મળવા જેવા માણસો

મિત્રો, નમસ્કાર.

ડાયરાની શરૂઆતમાં એક (કે બે-ત્રણ-ચાર !) ચોખવટ; ‘હમણાં કેમ દેખાતા નથી ?’ એ પ્રશ્ન અમાન્ય ઠરશે ! મેં અદૃશ્ય થવાની શુદ્ધ વૈજ્ઞાનિક ફોર્મ્યુલા શોધી કાઢી છે ! 🙂 હવે બીજી (ચોખવટ જ !), આ ડાયરો કોઈની બદબોઈ કરવાના ઇરાદે કે માઠું લગાડવાના ઇરાદે ભર્યો નથી. જેમને પણ અહીં યાદ કરાયા તે બધાં મારા મિત્રો જ છે અને વળી સમજદાર પણ છે (લ્યો બોલો !). એટલે કોઈ માઠું લગાડશે નહિ.

તો, વાત છે માન. પી.કે.દાવડા સાહેબની, એમણે એવો (સુ)વિચાર કીધો કે આ વિશાળ બ્રહ્માંડમાં પરસ્પર માત્ર નામ કે કામથી ઓળખતા હોય એવા તો ઘણાં હશે. પણ જરા ઊંડાણે જઈ પરસ્પરની ઊંડેરી ઓળખાણ કેળવવાનો પ્રયાસ કરીએ તો ઓળખાણ હીરાની ખાણ બની જાય. જો કે માત્ર ઓળખાણ કરાવવી એ એક વાત છે અને “મળવા જેવા” એવો અભિપ્રાય આપવો એ અલગ વાત છે. માત્ર ઓળખ તો કોઈક ટી.વી. કાર્યક્રમનો પેલો બિહામણો યજમાન, બિહામણા અવાજ અને અંદાજમાં, ‘ઓળખી લો આ #$@%&#….ને’ એમ કહીને પણ કરાવે જ છે ને ? પણ એવા ઓળખીતાને મળવાની આપણી તો હિંમત ન ચાલે ! અહીં તો દાવડા સાહેબે પોતાના ઉમદા તોલમાપે તોલીને કેટલાંક મહાનુભાવોને “મળવા જેવા” તરીકે ઓળખાવ્યા છે. મારા મતે દાવડા સાહેબે આ શ્રેણી માટે જે અંગત તોલમાપ ઘડ્યા હશે, શરતો બાંધી હશે, તેમાંની પહેલી શરત એ જ હશે કે, “મળવા જેવા”ની વ્યાખ્યામાં ફીટ બેસવા માટે “માણસ” હોવું ફરજીયાત છે ! (અને આ શરત જ સૌથી અઘરી ગણાય !)

ડાયરાની શૈલીમાં કહું તો, ગધેડાને કદી કહેવું નથી પડતું કે ‘ગધેડો થા !’ કે ભેંશને કદી કહેવું નથી પડતું કે ‘ભેંશ થા !’ માણસ સિવાયના કોઈ જનાવરને કહેવું પડતું નથી કે તું જે છે તે થા. એક માણસને વારંવાર કહેવું પડે છે કે, ‘માણસ થા ! માણસ થા !’ અહીં દાવડા સાહેબે આપણને “માણસો”ની ઓળખાણ કરાવી છે. એમાં વિધવિધ ક્ષેત્રનાં, આપણ સૌ માટે સહજ એવા સારા-નરસા સંજોગોમાંથી પસાર થયેલાં, છતાં માણસ બની રહેલાં, સામાન્ય અને એટલે જ અસામાન્ય અને આપણાં જેવા એટલે જ આપણાં લાગતા માણસોની ઓળખાણ કરાવી છે. અને હજુ આગળ પણ કરાવતા રહેશે. આ “મળવા જેવા માણસો”ને અહીં મળ્યા પછી આપણને પણ એમના જીવનમાંથી બે નવી વાતુ શીખવા મળશે, પ્રેરણા મળશે. અને એ જ તો મોટી વાત છે.

અને લ્યો ! મને તો પ્રેરણા મળી પણ ગઈ ! આ તો તમે સંધાય ભાગ્યશાળી છો કે “મળવા જેવા માણસો”નો પરિચય દાવડા સાહેબ જેવા વિદ્વાન અને સજ્જન માણસ કનેથી માણવા મળ્યો. બાકી મેં તો મારા એક મિત્રને પૂછ્યું કે: ‘તું મળવા જેવા માણસની યાદીમાં કોને ગણે ?’ તો જવાબ મળ્યો કે, ‘હું તો ન મળવા જેવા માણસોની યાદી બનાવું અને એમાં સૌથી ઉપર ઉઘરાણી વાળાઓને રાખું !’ ઉફ …! જો કે આ પરથી મને વિચાર આવ્યો કે, કોને ‘મળવા જેવા’ ગણવા અને કોને ‘ન મળવા જેવા’ એ બાબત સાપેક્ષ બની જાય છે.  પરિસ્થિતિ પ્રમાણે રાજકારણીથી લઈ ગુંડા-મવાલી (ભાષાશાસ્ત્રીઓએ અહીં પુનરુક્તિદોષ ધ્યાને આણવો નહિ !!) સુધીનાં સૌ મળવા જેવા ગણાઈ શકે ! તમે ક્યાં અને કેવા સલવાણા છો એ પર બધો આધાર છે ! પણ મેં કહ્યું ને, તમે ભાગ્યશાળી છો (ભલે હું ભાગ્યવેતા ન હોય). અહીં આપને ખરેખરા મળવા જેવા માણસોનો મેળાપ જ થશે. એક વખત મળો તો ખરા. ‘માણસજાત’ પ્રત્યે (પણ) માન થઈ જશે.

લ્યો તંઈ, વળી ભેળા થાહું ક્યાંક દમદાર ડાયરામાં. ન્યાં લગણ સૌ ડાયરાને ઝાઝેરા રામ રામ ને સીતારામ.