Tag Archives: સંસ્કૃત

શું ગુરુ વિના મુક્તિ નથી ?

નમસ્કાર મિત્રો, આમતો પ્રસંગોચિત લેખ લખવાનું ભાગ્યે જ બને છે, આ ગુરુપૂર્ણિમા આવી અને ગઇ. ગુરુ વિષયક ઢગલો એક સાહિત્ય વાંચવા સાંભળવા મળ્યું. સારૂં છે. મેં પણ ઘણું વાંચ્યું, મહદાંશે, શ્રી.યશવંતભાઇના શબ્દોમાં કહું તો; એક બાજુનો પવન જ વાતો રહે !! ગુરુના ચાહકો ગુરુના વખાણના ઢગલે ઢગલા કરશે અને વિરોધીઓ વિરોધના બ્યુગલો ફૂંકશે ! જો કે આપણને એમાં પણ કશો છોછ ન હોવો જોઇએ, સૌ પોતાની માન્યતા પ્રમાણે વર્તવા માટે છૂટમાં હોય છે. આજે મારે વાત કરવી છે મને જરા વધુ ગમી ગયેલા એક પુસ્તકની. જેનો ઉલ્લેખ અગાઉના “મારા પ્રતિભાવો” શ્રેણીના લેખમાં આપે વાંચ્યો હતો.

ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત, સ્વામી રામસુખદાસજીએ લખેલી, ૬૦ પાનાની, આ નાનકડી પુસ્તિકા છે “શું ગુરુ વિના મુક્તિ નથી ?”  આ પુસ્તિકાનું મુલ્ય માત્ર ૫|- રૂ. છે. પણ ખરે જ વાંચવા જેવું છે. ખાસ તો એ માટે કે તેમાં પરંપરાગત ઢબે ન તો વખાણ છે, ન વખોડવાનું. મારે અને સૌએ સહમત હોવું કે બધું માન્ય જ કરવું તેવો કોઇ આગ્રહ પણ નથી, પરંતુ જ્યારે લેખકશ્રી આધ્યાત્મજગતના એક સન્માનપાત્ર વિદ્વાન હોય ત્યારે થોડું વિચારવા યોગ્ય તો જરૂર લાગે. તો અહીં રજુ કરીશ આ પુસ્તિકાના માત્ર કેટલાક સમયોચિત્ત ફકરાઓ જે સૌને કદાચ વિચારવા માટે ઉપયોગી જણાશે. (મૂળ હિન્દી પુસ્તકનું ગુજરાતી ભાષાંતર શ્રી રજનીભાઇ (હરિ ૐ આશ્રમવાળા)એ કરેલું છે.)

સૌ પ્રથમ વાંચીએ ’નમ્ર નિવેદન’ના કેટલાક અંશ, જે મૂળ વિષયને સમજવાની ભૂમિકારૂપ બનશે.
“ગુરુના વિષે મારા વિચારોને ઊંડાણથી ન સમજવાને કારણે કેટલાક લોકો કહી દે છે કે હું ગુરુની નિંદા યા ખંડન કરું છું. એ બિલકુલ ખોટી વાત છે. હું ગુરુની નિંદા નથી કરતો, બલકે પાખંડની નિંદા કરું છું……..ગુરુજનો પ્રત્યે મારા મનમાં ઘણો આદરભાવ છે…પરંતુ જે લોકો ગુરુ બનીને લોકોને ઠગે છે, તેમની પ્રશંસા કેવી રીતે થશે? તેમની તો નિંદા જ થશે.

હાલના સમયમાં સાચા ગુરુ મળવા ઘણું દુર્લભ બની રહ્યું છે. દંભ-પાખંડ દિવસે દિવસે વધતા જ રહ્યા છે. એટલા માટે શાસ્ત્રોએ અગાઉથી જ કળિયુગમાં દંભી-પાખંડી ગુરુઓના અસ્તિત્વની વાત કહી દીધી છે જેથી લોકો ચેતી જાય.

આ પુસ્તકમાં અમે ’ગુરુગીતા’ના કેટલાક શ્લોક પણ પ્રમાણ સ્વરૂપે લીધા છે. પરંતુ ઘણી શોધ કરવા છતાં પણ અમને એ ખબર નથી પડી શકી કે ’ગુરુગીતા’નો આધાર શું છે ? એની રચના કોણે કરી છે ? ગુરુગીતાના અંતમાં તેને ’સ્કંદપુરાણ’માંથી લેવામાં આવી છે એવું બતાવવામાં આવ્યું છે. પણ સ્કંદપુરાણની કોઇ પ્રતમાં અમને ગુરુગીતા મળી નથી. અનેક સ્થાનોથી પ્રકાશિત ગુરુગીતામાં પણ એકબીજા વચ્ચે ફેર માલૂમ પડે છે. જો કોઇ વિદ્વાન આ વિષયમાં જાણતા હોય તો સૂચિત કરવાની કૃપા કરવી”

આમ આપણે જોઇ શકીશું કે હાલમાં જે ગુરુમહાત્મયની વાતો કહેવાય છે તે મોટાભાગે તો ’ગુરુગીતા’ આધારીત છે. અને સ્વયં ગુરુગીતા પ્રશ્નના વર્તુળમાં છે ! ટુંકમાં અસાંદર્ભિક છે તેથી તેને સાવ લોઢામાં લીટો ના જ ગણી શકાય. આગળ સ્વામીજી “ગુરુ” વિષયે જે શાસ્ત્રોક્ત વિશ્લેષણ આપે છે તેનો ટુંકસાર આપણે જાણીશું.

“કોઇ વિષયમાં આપણને જેનાથી જ્ઞાનરૂપી પ્રકાશ મળે, આપણો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય, તે વિષયમાં તે આપણો ગુરુ છે.”  —  આ એક ગુરુપદની સર્વસામાન્ય વ્યાખ્યા થઇ ગણાય. અહીં ’કોઇ વિષય’ કહેતાં આપણે બધાજ ક્ષેત્ર, જે શિક્ષણનું હોય, વ્યાપાર વિષયક હોય, કલાનું હોય કે અન્ય કોઇપણ, નો સમાવેશ થાય છે. અત્યારના સંદર્ભે આપણે અધ્યાત્મ વિષયના ગુરુ બાબતે પરસ્પર વિવાદી ચર્ચાઓ વધુ ચાલે છે તે જોતા એ ગુરુ વિષયક ચર્ચા જ કરીશું. (પુસ્તક પણ એ વિષયને જ સ્પર્શે છે) “ગુરુ આપણો સંબંધ ભગવાનની સાથે જોડી દે છે, તો ગુરુનું કામ થઈ ગયું. આશય એ છે કે ગુરુનું કામ મનુષ્યને ભગવાન સન્મુખ કરવાનું છે. મનુષ્યને પોતાની સન્મુખ કરવા, પોતાની સાથે સંબંધ જોડવો ગુરુનું કામ નથી. એવી જ રીતે આપણું કામ પણ ભગવાન સાથે સંબંધ જોડવાનું છે. ગુરુની સાથે નહીં. ….ભગવાનની સાથે તો આપણો સંબંધ સદાથી અને સ્વતઃસ્વાભાવિક છે; કેમ કે આપણે ભગવાનના સનાતન અંશ છીએ_ ’મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ’ (ગીતા ૧૫/૭), ’ઈશ્વર અંશ જીવ અબિનાસી’ (માનસ ઉત્તર, ૧૧૭/૧). ગુરુ માત્ર તે ભુલાયેલા સંબંધની યાદ કરાવે છે, કોઇ નવો સંબંધ નથી જોડતા.”

“જેને કોઇની પણ ગરજ નથી હોતી, તે જ ખરેખર ગુરુ હોય છે. ….જે સાચા સંત-મહાત્મા હોય છે, તેમને ગુરુ બનવાનો શોખ નથી હોતો, પરંતુ દુનિયાના ઉદ્ધારનો શોખ હોય છે….જેને ગુરુ બનવાનો શોખ છે, તે જ એવો પ્રચાર કરે છે કે ગુરુ બનાવવા ઘણા જરૂરી છે, ગુરુ વિના મુક્તિ નથી થતી વગેરે વગેરે.”

“ભગવાનને બદલે પોતાની પૂજા કરાવવી પાખંડીઓનું કામ છે. …. આ સિદ્ધાંત છે કે બીજાઓને કમજોર બનાવે છે, તે જાતે કમજોર હોય છે. જે બીજાઓને સમર્થ બનાવે છે તે પોતે સમર્થ હોય છે. જે બીજાઓને ચેલા બનાવે છે, તે સમર્થ નથી હોતો. જે ગુરુ હોય છે તે બીજાને પણ ગુરુ બનાવે છે. ….અર્જુન તો પોતાને ભગવાનનો શિષ્ય માને છે__’શિષ્યસ્તેઙ્હં શાધિ માં ત્વાં પ્રપન્નમ્‌’ (ગીતા ૨/૭), પણ ભગવાન પોતાને ગુરુ ન માનીને મિત્ર જ માને છે__’ભક્તોઙસિ મે સખા ચેતિ’ (ગીતા ૪/૩), ’ઇષ્ટોઙસિ’ (ગીતા ૧૮/૬૪). ઊપનિષદોમાં પણ ભગવાને જીવને મિત્ર ગણાવ્યો છે__’દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનં વૃક્ષં પરિષસ્વજાતે |’ (મુંડક ૩/૧/૧, શ્વેતાશ્વર ૪/૬). અર્થાત, સદા સાથે રહેવાવાળા તથા પરસ્પર મિત્રભાવ રાખવાવાળા બે પક્ષી-જીવાત્મા અને પરમાત્મા એક જ વૃક્ષ – શરીરનો આશ્રય લઈને રહે છે.”

“શાસ્ત્રોમાં ગુરુનો ઘણો મહિમા ગવાયો છે. પરંતુ તે મહિમા સચ્ચાઈનો છે, દંભ-પાખંડનો નથી. આજકાલ દંભ-પાખંડ ખુબ થઈ ગયો છે અને વધતો જઈ રહ્યો છે. કોણ સારો છે અને કોણ ખરાબ__એની જલદી ખબર પડતી નથી. જે બૂરાઈના રૂપમાં આવે છે, તેને દૂર કરવી સહેલી છે. પરંતુ બૂરાઈ ભલાઈના રૂપમાં આવે છે. તેને દૂર કરવી ઘણું કઠણ છે. સીતાજીની સામે રાવણ, રાજા પ્રતાપભાનુની સામે કપટમુનિ અને હનુમાનજીની સામે કાલનેમિ આવ્યો, તો તેઓ તેમને ઓળખી શક્યા નહીં. તેમના ચક્કરમાં આવી ગયા; કેમ કે તેમનો વેશ સાધુઓનો હતો.

શાસ્ત્રોમાં આવેલો ગુરુ-મહિમા યોગ્ય હોવા છતાં પણ હાલમાં પ્રચારને યોગ્ય નથી. કારણ કે આજકાલ દંભી-પાખંડી લોકો ગુરુ-મહિમાના સહારે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. ….કોઈ ગુરુ જાતે જ ગુરુ-મહિમાની વાતો કહે છે, ગુરુ-મહિમાનાં પુસ્તકોનો પ્રચાર કરે છે, તો એનાથી સિદ્ધ થાય છે કે તેના મનમાં ગુરુ બનવાની ઇચ્છા છે. જેની અંદર ગુરુ બનવાની ઇચ્છા હોય છે, તેનાથી બીજાઓનું ભલું નથી થઈ શકતું. એટલા માટે હું ગુરુનો નિષેધ નથી કરતો, પરંતુ પાખંડનો વિરોધ કરું છું.”

“ગુરુ બનાવવાથી કલ્યાણ નથી થતું, પરંતુ ગુરુની વાત માનવાથી કલ્યાણ થાય છે; કેમ કે ગુરુ શબ્દ હોય છે, શરીર નહીં__
’જો તૂ ચેલા દેહ કો, દેહ ખેહ કી ખાન |
જો તૂ ચેલા સબદ કો, સબદ બ્રહ્મ કર માન ||’
ગુરુ શરીર નથી હોતા અને શરીર ગુરુ નથી હોતું__’ન મર્ત્યબુદ્ધયાસૂયેત’ (શ્રીમદ ભા. ૧૧/૧૭/૨૭). વ્યક્તિમાં શ્રદ્ધા-વિશ્વાસ કરવાને બદલે ભગવાનમાં શ્રદ્ધા-વિશ્વાસ કરવાથી વધારે લાભ થશે. ….એટલા માટે જે ગુરુ પોતાનામાં વિશ્વાસ કરાવે છે, પોતાની સેવા કરાવે છે, પોતાના નામનો જપ કરાવડાવે છે, પોતાના રૂપનું (ફોટા વગેરે) ધ્યાન કરાવે છે, પોતાની પૂજા કરાવે છે, પોતાનું એંઠું આપે છે, પોતાના ચરણ ધોવડાવે છે, તે પતનની તરફ લઈ જવાવાળું છે. તેનાથી સાવધાન રહેવું જોઈએ.”

“તમે વિચારો, જે લોકોએ ગુરુ બનાવ્યા છે, શું તેમનું બધાનું કલ્યાણ થઈ ગયું ? તેમને તત્વજ્ઞાન થઈ ગયું ? ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ ? જીવન્મુક્તિ થઈ ગઈ ? કોઇને થઈ હોય તો ઘણા આનંદની વાત છે, પણ અમને વિશ્વાસ નથી થતો. ….વિચારો કે ગુરુ બનાવવા માત્રથી વધારે લાભ થાય છે કે સત્સંગ કરવાથી ? ગુરુજી આપણું કલ્યાણ કરી દેશે__એવો ભાવ હોવાથી પોતાના સાધનમાં ઢીલાશ આવી જાય છે. (તાત્પર્ય, કર્તવ્યવિમૂખ થઈ અને ગુરુના સહારે બેસી રહે છે, આ પેલું ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જશેની માન્યતાએ પાપ કરવાનું સાહસ વધી જાય તેના જેવું થયું ! વાં.). ….ગુરુ બનાવવાવાળાઓમાં કોઈ ખાસ પરિવર્તન નથી દેખાતું. માત્ર એક વહેમ થઈ જાય છે કે અમે ગુરુ બનાવી લીધા, એના સિવાય બીજું કાંઈ નથી થતું. એટલા માટે ગુરુ બનાવવાથી મુક્તિ થઈ જાય છે__એ નિયમ છે જ નહીં.”

“ગીતાએ પ્રાણીમાત્રના હિતમાં પ્રીતિની વાત કહી છે__’સર્વભૂતહિતે રતાઃ’ (ગીતા ૫/૨૫, ૧૨/૪). સાચા સંતોની દૃષ્ટિ પ્રાણીઓના હિતની તરફ રહે છે, તેમને પોતાના તરફ ખેંચવાની નહીં. તેઓ ન તો કોઈને પોતાનો ચેલો બનાવે છે, ન પોતાની ટોળી બનાવે છે અને ન કોઈ પાસેથી કંઈ લે છે. બલકે બીજાઓનું કલ્યાણ કેવી રીતે થાય__એ તરફ દૃષ્ટિ રાખે છે અને ફક્ત શિષ્યોને માટે જ નહીં, બલકે પ્રાણીમાત્રના કલ્યાણને માટે ભગવાનને પ્રાર્થના કરે છે__
’સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ |
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્વિદ્‌ દુઃખભાગ્ભવેત્‌ ||’….
સાધુ થવા માત્રથી કલ્યાણ નથી થતું. મેં ખુદ સાધુ થઈને જોયું છે. એટલા માટે પોતાનું કલ્યાણ ચાહવાવાળાઓએ કોઈ મનુષ્યના ચક્કરમાં નહીં આવવું જોઇએ, કોઈને ગુરુ નહિ બનાવવા જોઈએ.” (હાલના અર્થમાં. વાં.)

“વાસ્તવમાં કલ્યાણ, મુક્તિ, તત્વજ્ઞાન, પરમાત્મપ્રાપ્તિ ગુરુને આધીન નથી. જો ગુરુ બનાવ્યા વિના તત્વજ્ઞાન નથી થતું તો સૃષ્ટિમાં જે સૌથી પહેલો ગુરુ થયો હશે તેને તત્વજ્ઞાન કેવી રીતે થયું ? જો કોઈ મનુષ્યને ગુરુ બનાવ્યા વિના તેને તત્વજ્ઞાન થઈ ગયું તો એનાથી સિદ્ધ થયું કે કોઈ મનુષ્યને ગુરુ વિના પણ જગદ્‌ગુરુ ભગવાનની કૃપાથી તત્વજ્ઞાન થઈ શકે છે. પણ આજકાલ તો એવી પ્રથા ચાલી છે કે પહેલાં ચેલા બનો, ગુરુમંત્ર લો, પછી ઉપદેશ દઈશું. ….સૌથી શ્રેષ્ઠ સંત તેઓ હોય છે, જેમનામાં મતભેદ નથી હોતો એટલે કે દ્વૈત, અદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત વગેરે કોઇ એક મતનો આગ્રહ નથી હોતો. એટલા માટે સાધકને માટે સૌથી ઉત્તમ વાત એ જ છે કે તે સાચા દિલથી ભગવાનમાં લાગી જાય. કોઈ વ્યક્તિને ન પકડીને પરમાત્માને પકડો. વ્યક્તિમાં પૂર્ણતા નથી હોતી. પૂર્ણતા પરમાત્મામાં હોય છે.
’તેષાં સતતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્‌ |
દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ||
તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમઃ |
નાશ્યામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ||’ (ગીતા ૧૦/૧૦,૧૧)”

અને અહીં હવે સ્વામીજી એક ગુરુની ઓળખ આપે છે જે આપણે ગત લેખમાં (મારા પ્રતિભાવો પર) ટુંકમાં જોઈ ગયા છીએ. પ્રશ્ન એ છે કે મનુષ્યનો જન્મજાત ગુરુ કોણ ? જવાબ છે; “વિવેક”. આ સંદર્ભમાં વાંચો થોડું વધુ.
“એક માર્મિક વાત છે કે જગદ્‌ગુરુ ભગવાન પોતાની પ્રાપ્તિને માટે મનુષ્ય-શરીર આપે છે તો સાથે વિવેકરૂપી ગુરુ પણ આપે છે. ભગવાન અધૂરું કામ નથી કરતા. ….તેઓ મનુષ્યને વિવેક-રૂપી ગુરુ આપે છે, જેનાથી તે સત્‌ અને અસત્‌, કર્તવ્ય અને અકર્તવ્ય, યોગ્ય અને અયોગ્ય વગેરેને જાણી શકે છે. આ વિવેકથી ચડિયાતો કોઈ ગુરુ નથી. જે પોતાના વિવેકનો આદર કરે છે, તેને પોતાના કલ્યાણ માટે બહારના ગુરુની જરૂરત નથી પડતી. જે પોતાના વિવેકનો આદર નથી કરતો, તે બહારના ગુરુ બનાવીને પણ પોતાનું કલ્યાણ નથી કરી શકતો.

મનુષ્ય વિવેકને જેટલું-જેટલું મહત્વ આપે છે, તેને કામમાં લાવે છે, તેટલો-તેટલો તેનો વિવેક વધતો જાય છે અને વધતાં-વધતાં એ જ વિવેક તત્વજ્ઞાનમાં પરિણત થઈ જાય છે. વિવેકનો આદર ગુરુ બનાવવાથી નથી થતો, બલકે સત્સંગથી થાય છે__’બિનુ સતસંગ બિબેક ન હોઈ’ (માનસ, બાલ ૩/૪). ….તેથી જ્યાં સારો સત્સંગ મળે, પોતાના ઉદ્ધારની વાત મળે, ત્યાં સત્સંગ કરવો જોઈએ, પણ બને ત્યાં સુધી, ગુરુ-શિષ્યનો સંબંધ નહિ જોડવો જોઈએ. ….ગુરુ એવા બનાવવા જોઈએ કે ગુરુને ખબર જ ન પડે કે કોઈ મારો ચેલો છે !”

અહીં આપણે આગળ પણ જોઈ ગયા તે “વિવેક”ની ભ.ગો.મં.ના આધારે લીધેલી વ્યાખ્યા પૂનઃ જોઈ જઈએ;
* વિવેક : ખરું ખોટું જાણવાની શક્તિ; સારાસાર સમજવાની બુદ્ધિ; સદસદ્ વિચાર; સમજશક્તિ; બુદ્ધિતારતમ્ય. ચાતુર્ય; ડહાપણ. બોધ; જ્ઞાન. (ભ.ગો.મં.)

સંપૂર્ણ પુસ્તકના ભાવાર્થરૂપે કહીએ તો, મનુષ્યના કલ્યાણની પ્રાપ્તિનું કારણ તેની પોતાની “લગની” જ છે. સ્વામીજી અહીં આ વિષયે જે સમજાવવા માંગે છે તેને ટુંકમાં જોઈ જઈએ તો;
“ગીતામાં સ્પષ્ટ કહ્યું છે__
ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્‌ |
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ || (ગીતા ૬/૫)
’પોતાના દ્વારા પોતાનો ઉદ્ધાર કરવો, પોતાનું પતન ન કરવું; કેમ કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે.’
તાત્પર્ય છે કે પોતાના ઉદ્ધાર અને પતનમાં મનુષ્ય પોતે જ કારણ છે, બીજું કોઈ નથી. ….એટલા માટે પોતાના કલ્યાણને માટે બીજાની જરૂરત નથી. ….ખરેખર તો મનુષ્ય પોતે જ પોતાનો ગુરુ છે__’આત્મનો ગુરુરાત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ’ (શ્રીમદ્‌ભા ૧૧/૭/૨૦). એટલા માટે ઉપદેશ પોતાને જ દેવો. બીજામાં કમી ન જોઈને પોતાનામાં જ કમી જોવી અને તેને દૂર કરવા ચેષ્ટા કરવી. તે પોતે જ પોતાનો ગુરુ બને, પોતે જ પોતાનો નેતા બને અને પોતે જ પોતાનો શાસક બને. તાત્પર્ય થયું કે વાસ્તવમાં કલ્યાણ ન ગુરુથી થાય છે અને ન ઈશ્વરથી થાય છે, બલકે આપણી સાચી લગનીથી થાય છે. પોતાની લગનીના વિના ભગવાન પણ કલ્યાણ નથી કરી શકતા. જો કરી દેતા તો આપણે આજ સુધી કલ્યાણથી વંચિત કેમ રહેત ? ….આમ કલ્યાણની પ્રાપ્તિ ન ગુરુને આધીન છે, ન સંત-મહાત્માઓને આધીન છે અને ન ભગવાનને આધીન છે. એ તો પોતાને જ આધીન છે. ….મા ગમે તેટલી દયાળુ કેમ ન હોય, પણ તમારી ભૂખ નહિ હોય તો તે ભોજન કેવી રીતે કરાવશે ? એવી જ રીતે તમારામાં તમારા કલ્યાણની ઉત્કંઠા ન હોય તો ભગવાન પરમ દયાળુ હોવા છતાં પણ શું કરશે ?”

આ ઉપરાંત પુસ્તકના અંતે થોડી વિષયોચિત પ્રશ્નોત્તરી છે જેમાં પણ સરવાળે ઉપર પ્રમાણેનો ભાવાર્થ મળે છે. સમગ્ર વિચાર સાથે સહમત થવું, ન થવું એ આપના વિવેક પર આધારિત છે પરંતુ “ગુરુ” વિષયે મનોમંથનમાં આ એક વિચાર પણ ઉપયોગી જરૂર લાગશે એ આશયે અહીં થોડું લખ્યું છે. વધુ જીજ્ઞાસા જાગે તો પુસ્તક મેળવી અને વાંચવા જેવું છે. આભાર.

** ઓનલાઈન પુસ્તક મંગાવવા માટેની કડી 

** અહીં આ સંપૂર્ણ પુસ્તક વાંચી શકો છો