Tag Archives: સંસ્કૃતિ

ડાયરો-૧

મિત્રો, નમસ્કાર.
આ વળી શું નવું ગતકડું કર્યું ? ’ડાયરો’ ? આવો પ્રશ્ન સૌ પ્રથમ તો સૌ કરશે ! (મોટાભાગે તો મનમાં જ કરશે !) આમે અમે અવનવા પ્રયોગ કરવા માટે ટેવાયેલા છીએ (’મારા પ્રતિભાવો’ જેવો એક પ્રયોગ ના કર્યો ?) આ પ્રકારે અમે અમારી જાતને ’પ્રયોગશીલ’માં ખપાવી શકીએ એ પણ એક લાભ ! કાઠીયાવાડીઓની પ્રકૃતિથી વાકેફ સર્વજનો જાણતા જ હશે કે ’ડાયરાઓ’ આ લોકોના લોહીમાં ભળેલા હોય છે. ’ડાયરા’ની પણ એક અનેરી સંસ્કૃતિ છે અથવા કહો કે એ અનેરી સંસ્કૃતિના સંવાહકો જ છે. કાંઠાળ વિસ્તારમાં, લોકબોલીમાં, “દાયરો” એમ બોલાય છે. જો કે આપણે શુદ્ધ શબ્દ ડાયરો જ વાપરીશું. ભ.ગો.મં.માં ’ડાયરો’ના કેટલાક રસપ્રદ અર્થ આપ્યા છે. જે અહીં જોઈ શકશો. અમારા એક કવિએ લખ્યું છે;
’નિશદિન જામે દાયરા, સદાય લીલા લ્હેર,
સોહાય હસતાં મુખડાં, એ મરદ ખરા છે મેર.’
આ જો કે અમારા કવિએ લખ્યું તેથી અમારા સમાજનો નામોલ્લેખ કર્યો, બાકી લાગુ સર્વને પડે છે. મારૂં એમ કહેવું નથી કે અન્ય પ્રદેશોમાં સાવ લાકડીઓ લઈ અને પાછળ દોડતા હશે ! પરંતુ ’સીદીભાઇને સીદકાં વ્હાલા’ એ ન્યાયે અમને અમારા ભાણાનો લાડુ મોટો દેખાતો હોય તેમ પણ બને ! અને જાતઅનુભવીઓના જણાવ્યા પ્રમાણે એ વાતમાં થોડો દમ પણ છે કે મહેમાનગતીની ખરી મજા માણવી હોય તો કાઠીયાવાડ જાવું. કહ્યું છે ને;
’કાઠીયાવાડમાં કો‘ક દિ તું ભુલો પડ્ય ભગવાન,
અને થાજે મારો મે‘માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા.’

કહેવાનો અર્થ કે અમારે તો એકાદો મે‘માન આવે એટલે સમજો ગોળનું ગાડું મળ્યું ! અને અહીંતો અમસ્તાએ સાંજ પડી નથી કે, ચાર મિત્રો મળ્યા નથી ને સમજો ડાયરો મંડાયો જ. ડાયરો એટલે કંઈ સાજિંદાઓ, કલાકારો સ્ટેજ પર જમાવે અને ભજન, ગીત કે વાર્તાઓ વગેરે કરે એ જ નહીં, બે-ચાર મિત્રો મળે અને અલક મલકની વાતો માંડે તે પણ ખરો. આમાં વિષયવસ્તુનું ખાસ કશું બંધન ના હોય, ક્યાંથી ઉપડ્યા અને ક્યાં પહોંચ્યા તેનું કશું ઠેકાણું પણ ના હોય ! બસ વાતે વાત ભળે. એક કલાકારની બહુ પ્રસિદ્ધ રચના યાદ આવે છે;

એક નાનકડા કસ્બામાં પાસેના ગામડેથી હટાણું કરવા (હટાણું=ખરીદી) કોઈ ગ્રામજન સાંઢિયો લઈ (સાંઢિયો=ઊંટ) આવેલો તે બજારમાં, મારગ પાસે, સાંઢિયો જૂકારી (બેસાડી) અને આસપાસની હાટમાં હટાણું કરવા ગયો અને એક અવસ્થાએ પહોંચેલા ડોશીમાં (અમારે ૭૫-૮૦ આસપાસ પહોંચેલાને અવસ્થાએ પહોંચેલા કહે !) બજારેથી નિકળ્યા. આ જૂકારેલો સાંઢિયો જોયોને ડોશીમાંને વળી ખબર નહીં શી કમત (કુમતિ) સુજી, તે વિચાર કર્યો કે માળું છકડામાં બેસી લીધું, બસમાં બેસી લીધું, ટ્રેનમાં એ બેસ્યા, ફટફટીયામાં (બાઈક યુ નો !!) પણ બેસી લીધું પણ આ સાંઢિયાની સવારી કોઈ દા‘ડો કરી નથી ! લાવને આજ તો આ સાંઢિયા માથે પણ બેસી જ લઉં ! ખાલી માથે બેસીને તરત ઉતરી જઇશ, એમ તો થાય કે જિંદગીમાં એક વાર સાંઢિયે પણ બેઠી ખરી !! (શાહબુદ્દિનભાઇ કહે છે ને કે, બુદ્ધિશાળી માણસો વિચાર કરે અને મૂર્ખાઓ તૂરંત અમલ કરે !) માજીએ પણ તૂર્ત અમલ કર્યો ! થોડી મહેનતે સાંઢિયા પર સવાર તો થયા પણ સાંઢિયાનો સ્વભાવ કે જેવો અસવાર માથે પલાણે એટલે તુરંત ગાંગરીને ઊભો થાય ! અને થયો !! માંડ્યો પદડક પદડક કરતો ઊભી બજારે ભાગવા 🙂 લોકોને તો કૌતૂક થયું, કોઈએ પૂછ્યું માજી આમ સાંઢિયે ચઢીને ક્યાં ચાલ્યા ? માજી કહે: દિકરા, આજે નક્કિ નથી, ક્યાં પહોંચાય !

મોરલ ઓફ ધ સ્ટોરી; આ અમારા ડાયરાઓનું પણ આમ સાંઢિયે ચઢ્યા જેવું જ હોય છે ! નક્કિ ના હોય ક્યાં પહોંચીએ ! અને આમાં પણ પાછું કંઇ બ્રેક જેવું તો હોય નહીં ! જો કે સાવ નાથ-મોરડા વનાનાં હરાયા ઢોર જેવું પણ ના હોય (ડાયરો આવા અઘરા શબ્દોનો મેળ તો બેસાડી લેશે ને ? બાકી આજૂબાજૂ પૂછપરછ કરતું રે‘વું હોં, ડાયરાની એજ તો મજા છે !) કહે છે ને જીવની દોરી શિવને હાથ એમ આપણા આ ડાયરાની દોરી રસોડામાં હોય છે ! પાટલા મંડાઈ જાય એટલે મંડે સબોસબ ખેંચાવા !! ’એ બાબલાનાં બાપા, સાંભળો છો ?’ આટલું કહેણ થતાં તો જેમ સતાધારમાં હરીહરની હાકલ પડે અને ભુખ્યા બાવાઓનું ધણ વછૂટે એમ ડાયરાવીરો માંડે ભાગવા !! પેટ પહેલાં ભાઈ !

તો આપણે મુળે તો જાણકારી મેળવતા હતા આ ’ડાયરા’ની પ્રકૃતિની. આમાં જેમ વિષય વસ્તુનું ઝાઝેરૂં મહત્વ ન હોય તેમ ખાસ કશું ગંભીરતાથી પણ લેવાનું ના હોય. કારણ ડાયરો પાછો હોય બહુ સમજદાર ! (આ જે ચાર-પાંચ કે પચાસ મિત્રો મળીને ગામગપાટા હાંકતા હોય તેને માટે જ  ’ડાયરો’ શબ્દ વપરાશે.) એકા‘દો આવી ને ઘરવાળીની કે આ પરણવાની કમત કોણે સૂઝાડી એવી વાતે બળાપો કાઢવા માંડે એટલે એ નારીજાતિનો કે લગ્નપ્રથાનો વિરોધી છે એવું કોઈ માની ના લે, ડાયરો એટલું જરૂર સમજી જાય કે આજે આવડો આ ઘરેથી બરાબરનો ઠમઠોરાઈને આવ્યો છે !! બચારાને જરા શાતા આપો, કાલે અમથુંએ ઘીનાં ઠામમાં ઘી પડી જવાનું છે ને આવડો આ જ કથા માંડશે કે: ’મારી ઝમકુ જેવી લાપશી ગામમાં કોઈ ના બનાવી શકે ! આ આપણી ચેલેન્જ છે !’  પણ બસ મૌજ બહુ આવે. અલકમલકનું જાણવા મળે અને જેને ઓટલે જમાવી હોઈ એના રસોડામાં રામ વસે તો કદાચ એકાદ વાર ચા-પાણીની જોગવાઈ પણ થઈ જાય 🙂

તો જમાવશું આવો ડાયરો ? કો‘ક દાડો અમારી ડેલીએ તો કો‘ક દાડો તમારે ઓટલે, ગામના ચોરે કે પછી પાદરે પણ એકઠ્ઠા મળી શકાય. તો આવતા રહેજો,
’મે‘માનોને માન દીલ ભરી દીધાં નહીં,
એ મેડી નહીં મસાણ, સાચું સોરઠીયો ભણે.’... તો અમારી કને જે ટાઢો ટુકડો (અહીં કાલીઘેલી, આવડે એવી વાતો !) હશે તેનાંથી આપની આગતા સ્વાગતા કરીશું, હૈયે હરખાશું ને લ્હેર કરીશું ! આમે શું ભેગું બાંધી જાવું છે ? (તારે તો ઘણુંય બાંધવું છે ’મારવાડી’, પણ અમે બાંધવા દ‘યે તંયે ને ?! – ભાઈ શકિલ મુન્શી ઊવાચ: )

“એ…….સાંભળો છો ????”
“બસ આ આવ્યો, જરા કૉમ્પ્યુટર બંધ કરી લઉં !!”