Tag Archives: શૃંગારશતક

શૃંગારશતક (૪) – ઋતુવર્ણન (ગ્રીષ્મ)

વૈશાખી વાયરા

 આપણે આ પહેલાં પણ શૃંગારશતકમાંથી વિવિધ વિષયો પરની રચનાઓ માણી છે, (પરિચય, સ્ત્રીપ્રશંસા, સંભોગવર્ણન ) 
શૃંગારશતકના ઋતુવર્ણન વિભાગમાં વિવિધ ઋતુઓનું રસિક વર્ણન કરેલ છે. પરંતુ આ વર્ણન સ્વતંત્ર ઋતુવર્ણન નથી. અહીં ૠતુઓ શૃંગારરસને પોષવા માટે તેના ઉદ્દીપનભાવ તરીકે નિરૂપવામાં આવી છે. જેમ કોઇ કુશળ ચિત્રકાર થોડી રેખાઓથી મધુર આકૃતિ દોરી આપે છે તેમ કવિ ભર્તૃહરિ કલમથી ટપકતી શબ્દાવલિથી છ ૠતુઓનું મનહર વર્ણન કરે છે. આમાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિરનું અદ્‌ભુત વર્ણન કરેલ છે. સ્વાભાવિક રીતે જ વસંત શૃંગારરસની વાહક હોવાથી તેનું વર્ણન થોડું લાંબુ થયેલ છે. આપણે અત્યારે ગ્રીષ્મઋતુનો અનુભવ કરતા હોવાથી (ભારતીય ઉપખંડમાં) અહીં ફક્ત ગ્રીષ્મઋતુ પર કવિએ લખેલાં શૃંગારરસપ્રચુર મુક્તકોનો આનંદ ઉઠાવીશું. શૃંગારશતકમાં ગ્રીષ્મનું વર્ણન કરતા ત્રણ મુક્તકો મળી આવે છે. આમતો વસંત અને વર્ષા પર ઘણાં રસિક કાવ્યો કે રચનાઓ આપણાં સાહિત્યમાં મળે છે, પરંતુ ગ્રીષ્મ વિશે બહુ બહુતો આપણે શાળામાં “ઉનાળાની બપોર” નામનો નિબંધ લખતા ! તેથી વિશેષ બહુ ભેજું ખપાવ્યું નથી ! અને ગ્રીષ્મ એટલે તો ધોમધખતા તાપની ઋતુ, તેમાં વળી રસિકતા કે શૃંગારરસનાં દર્શન ક્યાંથી થાય ! (હા કેરીના રસના દર્શન વળી બરાબર છે !) પરંતુ અહીં કવિએ આ બળબળતા તાપમાંથી પણ શૃંગારરસ નિતાર્યો છે જે કદાચ સર્વે વાંચકોનાં મનને (અને તનને પણ !) શિતળતાનો આલ્હાદ્‌ક અનુભવ કરાવશે. (યુરોપ, અમેરિકામાં વસતા રસિકજનોએ ગ્રીષ્મનો આ શૃંગારીક લાભ મેળવવા માટે અત્યારે ભારતની મુલાકાત લેવી જોઇશે. જેઓને ભુતકાળમાં અહીંની આ ઉષ્ણતાનો અનુભવ હોય તેઓ ત્યાંની ઠંડકમાં પણ મનની કલ્પનાશીલતાને કામે લગાડી અને પ્રસ્વેદથી સ્નાન કરી શકે છે !)       
   
  

अच्छाच्छचन्दनरसार्द्रतरा मृगाक्ष्यो
धारागृहाणि कुसुमानि च कौमुदी च ।
मन्दो मरुत्सुमनस: शुचि हम्‌र्यपृष्ठं
ग्रीष्मे मदं च मदनं च विवर्धयन्ति ॥८७॥
  

સ્વચ્છ અને આછા ચંદનના લેપથી ભીની ભીની મૃગનયનીઓ, ફુવારા વાળા ભવનો, પુષ્પો તેમજ ચાંદની, મંદ મંદ પવન, માલતીની વેલીઓ અને સ્વચ્છ અગાશી; આ બધું ઉનાળામાં મદને અને મદનને (કામને) ઉદ્‌દીપિત કરે છે.  

અહીં અપાયેલાં વર્ણન એ યુગનાં છે જ્યારે આપણા બાપદાદાઓ આવી સગવડો પામવા જેટલા બડભાગી હતા ! જો કે નિરાશ થયા વગર આપણે પણ હાલનાં સંજોગ મુજબ આપણી સૃષ્ટિની રચના કરી શકીએ છીએ. જેમ કે ચંદનનો લેપ ન મળે તો ચંદનની સુગંધવાળો ટેલ્કમ પાવડર કલ્પવો ! ભવનમાં ફુવારાની રચના શક્ય ન હોય તો એક એરકુલરનો ખર્ચ કરી નાખવો ! બાકી આપ પ્રકૃતિપ્રેમી હશો તો પુષ્પો,ચાંદની, મંદ મંદ પવન અને માલતીની વેલીઓ તો લગભગ વિના ખર્ચે ઉપલબ્ધ થશે. અહીં કવિએ (કદાચ સ્વાનુભવે !) ગ્રીષ્મમાં मदं च मदनं च, મદ અને મદનને ઉદ્‌દિપ્ત કરતા કેટલાક સરળ ઉપચારો બતાવ્યા છે.
  

મારો છાંયડો (૨૫ વર્ષ પહેલાંની મહેનતનું ફળ - ટાઢક !!)

આ શાથે એક અર્થ એ પણ લઇ શકાય કે પ્રકૃતિના દરેક રૂપનો આનંદ લઇ શકાય છે, બસ લેતા આવડવો જોઇએ ! બહુ ગરમી, બહુ ગરમીની રાડો પાડી અને દુબળા થવાથી પ્રકૃતિ કંઇ પોતાની માયાજાળ સંકેલી નહીં લે ! અને આપણે ફળીમાં એકપણ વૃક્ષ રહેવા નથી દીધું, તો ભોગવવું તો પડશેજ ને ? કહે છે કે કુદરતના શબ્દકોષમાં માફી નામનો કોઇ શબ્દ નથી ! આપણે તેને પર્યાવરણમાં ખલેલરૂપી એક નાની કાંકરી મારીશું તો સામેથી કુદરતી કોપરૂપી મોટો ઢેખાળો આવશે જ ! માટે ચાલો, અન્યનાં ભલા માટે નહીં તો આપણા સ્વાર્થ માટે પણ, ઘરની આસપાસ થોડા વૃક્ષવેલાઓ વાવવાનું શરૂ કરીએ. જેથી ભર્તૃહરિ જેવા આપણા વડવાઓ જે આનંદ ગ્રીષ્મમાં માણતા તેની આપણે ફ્ક્ત કોરી કલ્પના જ કરી અને ન બેસી રહેવું પડે !! કંઇ ખોટું કહ્યું ?  

    

स्त्रजो ह्यद्यामोदा: व्यजनपवनश्चन्द्रकिरणा:
पराग: कासारो मलयरज: शीधु विशदम्‌: ।
शुचि: सौधोत्सड्ग: प्रतनु वसनं पंक्जदृशो
निदाधर्तावेतद्‌विलसति लभन्ते सुकृतिन: ॥८८॥
  

મનગમતી સુવાસવાળી પુષ્પમાળાઓ, વીંઝણાથી ઢોળાતો પવન, ચંદ્રનાં કિરણો, ફૂલની પરાગ, જલાશયો, નિર્મલ શરાબ, મહેલનો સ્વચ્છ એકાંત ઓરડો, ઓછાં વસ્ત્રો અને કમલસમાન નેત્રવાળી સુંદરીઓ; ઉનાળાની ઋતુ આવે ત્યારે આ બધું ભાગ્યશાળીઓને મળે છે.  

અહીં ભાગ્યશાળીની કેવી વ્યાખ્યા કરી છે ! અને આવા ભાગ્યશાળી થવું તો કોને નહીં ગમે ? જો કે મારી આદત મુજબ અહીં આપેલ વ્યાખ્યાને સમય પ્રમાણે થોડી ફેરવવાની કોશિશ કરૂં છું;
* મનગમતી સુવાસવાળી પુષ્પમાળાઓ = માળીને ત્યાં મળશે, નહીં તો અત્તરથી કામ ચલાવવું !
* વીંઝણાથી ઢોળાતો પવન = એરકુલર કે પોસાણ હોય તો એ.સી., બાકી અમે પણ ’ઠંડો’ પવન વાય તેવા પંખાઓ વેંચીએ છીએ !!
* ચંદ્રના કિરણો = અંધારીયાપક્ષમાં (કૃષ્ણપક્ષ) ટ્યુબલાઇટ કે CFLથી કામ ચલાવવું !
* ફૂલની પરાગ = એ તો ફળીમાં કે કુંડામાં થોડાં ફૂલઝાડ વાવવા પડે, બાકી ફૂલનાં બે-ચાર ભિંતચિત્રો લગાવવા !
* જલાશયો = આપણા ગુજરાતમાં થોડા સમયથી ’ચેકડેમો’ બાબતે જાગૃતિ આવી છે, તળાવો ઉંડા કરવાની પ્રવૃતિ પણ સારી એવી ચાલે છે એથી હજુ પણ ક્યાંક ક્યાંક જળાશયોમાં પાણી જોવા મળે છે. જો કે આપણે તો બાથરૂમનાં બે ચક્કર વધુ મારી અને કામ રોળવવું (’ત્રણ વાર નહાવું, એક વાર ખાવું’ એ કદાચ આ ગ્રીષ્મઋતુ માટે જ હશે ?)
* નિર્મલ શરાબ = અમારા એક મિત્રનાં જણાવ્યા મુજબ અહીં ’રેડવાઇન’ સૌથી સારૂં કામ આપશે !! પરંતુ આપ જો ગુજરાતમાં વસતા હો તો ખસ કે વરિયાળી શરબતને ઉત્તમ સમજવું !!
* મહેલનો સ્વચ્છ એકાંત ઓરડો = અરે ભાઇ, દુ:ખી ન થવું ! આપણી તુટેલ ફુટેલ ઝુંપડી પણ આપણે માટે મહેલથી ઓછી નથી. હા, સ્વચ્છતા આપણા હાથમાં છે અને એકાંત ઇશ્વરનાં હાથમાં છે 🙂 (અચાનક મહેમાનો ન ત્રાટકે તેવી શુભેચ્છા !)
** અને હવે છેલ્લી એક બાબતે કોઇ બાંધછોડ શક્ય નથી !!! 🙂 ભાગ્યશાળી ગણાવા માટે થોડી મહેનત તો આપે પણ કરવી જોઇએને !!!
  

    

सुधाशुभ्रं धाम स्फुरदमलरश्मि: शशधर:
प्रियावक्त्राम्भोजं मलयरजरजश्चाति सुरभि ।
स्त्रजो हृद्यामोदास्तदिदमखिलं रागिणि जने
करोत्यन्त: क्षोभं न तु विषयसंसर्गविमुखे ॥८९॥
  

અમૃતનાં જેવું ધોળું ભવન, નિર્મલ કિરણો રેલાવતો ચંદ્રમા, પ્રિયતમાના મુખરૂપી કમળ, અત્યંત સુવાસિત ચંદનનો લેપ, મનગમતી અને મહેંકતી પુષ્પમાળાઓ; આ બધું પ્રેમી લોકોના અંતરમાં ક્ષોભ જન્માવે છે. પરંતુ વિષયોના મોહથી મુક્ત હોય તેવા ને તેની અસર નથી થતી.   

 
 
 
 
 

ગ્રીષ્મમાં સાગરકાંઠે (વિરાટ પ્રકૃતિ)

અને આ એક શ્લોકને કારણે ભર્તૃહરિ એ ભર્તૃહરિ છે ! શૃંગારરસ આટલો ઉછાળા મારતો હોય ત્યારે તેનાં મનના એક ખુણામાંથી વૈરાગ્યનો તણખો પણ ઝરે. આ ઉપર વર્ણવેલું બધું જ પ્રેમીજનોનાં અંતરમાં વિષય (અહીં ક્ષોભનો અર્થ વિષય, રાગ તેવો કરેલ છે) ઉત્પન્ન કરે છે. પરંતુ જેઓ વિષયોનાં મોહથી મુક્ત બની ગયા હોય તેમને આ ઋતુઓની કશી અસર થતી નથી. આવા લોકો માટે જ નિર્વિકાર શબ્દ વપરાયો હશે. આ પણ મનની એક દશા છે, જીવનના બધા જ ભોગો ભોગવી લીધા પછી કદાચ આ જ્ઞાન પણ લાધતું હશે. કોને ખબર, ત્યારની વાત ત્યારે, અત્યારે તો આપને આ રસિકવર્ણન દ્વારા થોડી શીતળતાનો અનુભવ થયો હોય તો ભર્તૃહરિનો આભાર જરૂર માનશોજી.  

   

ભર્તૃહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:  

ભરથરી-on wikipedia  

* ભરથરી (કવિ)-on wikipedia  

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia  

* શૃંગારશતક-સંસ્કૃતમાં (pdf)