Tag Archives: “મારા પ્રતિભાવો”

મારા પ્રતિભાવો – ગુજરાતીઓ, આપણે નિષ્ક્રીયતા સિવાય કશું જ ગુમાવવાનું નથી !! (via NET-ગુર્જરી)

સહયોગીઓ,

નેટ પર લખનારાં ગુજરાતીઓ ભવિષ્યમાં પ્રિન્ટ મીડિયાથી આગળ નીકળી જાય એટલો વ્યાપ, એટલી સુવિધા, એટલી ધગશ હવે સર્વત્ર જોવા મળે છે….ઘણા સમયથી મારા મનમાં રમી રહેલી વાત આજે આપ સૌ સમક્ષ મૂકીને મારી ફરજ બજાવી રહ્યો છું. આ વાતને વ્યાપક બનાવીને વધુમાં વધુ વાચકો સમક્ષ મુકીને મદદરૂપ બનશો એવી આશા સાથે એક ડ્રાફ્ટ રજૂ કરું છું.

***********************************

સૌ પ્રથમ તો એક સમૂહરૂપે આપણે સૌ એક બનીએ તે જરૂરી હોઈ એક નેટમંડળ બનાવવાની કાર્યવાહી થવી જરૂરી ગણાય. આને માટે જરૂરી મંડળના બંધારણ જેવી એક નોંધ પણ તૈયાર કરવી જ રહી. એક આછી રૂપરેખા આ પ્રમાણે છે…

આગળ વાંચો: (NET-ગુર્જરી, જુ.ભાઈ)

મારો પ્રતિભાવ:

અત્યોત્તમ વિચાર.
આપે જણાવ્યા એવાં, દરેક પ્રકાર દીઠ, મોટા મંડળ બનાવવાની સૌ પ્રથમ શરૂઆત કોઈ વધુ અનુભવી (સિનિયર) મિત્ર કરે. અન્ય મિત્રો પોતપોતાના પ્રકાર પ્રમાણે (પસંદગી કાં તો સભ્યશ્રી સ્વૈચ્છીક કરે અથવા રચનાકાર કે જૂથ બ્લોગ અને વ્યક્તીનું આકલન કરી તેને આમંત્રે) તેમાં જોડાય. આ મંડળે નેટ પર કાર્ય માટે પોતાનું યોગદાન નક્કી કરવું, માર્ગદર્શક ઢાંચો બનાવવો, વગેરે કાર્ય પ્રથમ કરવા પડશે. સૌ પ્રથમ બધાં એકબીજાનાં ક્ષેત્રમાં પણ મદદ કરે, અન્ય મંડળનો ઢાંચો ઉપયોગી જણાય તેટલો અપનાવે. અને એમ પોતાનાં કાર્યક્ષેત્રનું માળખું તૈયાર થાય.

ઉદાહરણ રૂપે, (આ તો મને સૂઝે છે એવું માત્ર, નમ્રતાથી, સૌ સમક્ષ મેલવા પ્રયાસ કરૂં છું) જૂથ ૫, “ગુજરાતી સાહિત્ય કે ભાષાને લગતી માહિતીને સૌ કોઈને માટે ઉપલબ્ધ કરાવી રહેલાં જાણકારોનું જૂથ;” તેનાં સભ્યશ્રીઓ, પોતાના સમયે, અન્ય બ્લૉગ્સનાં લખાણને ભાષા કે સાહિત્યનાં વિષયે ચકાસે (જેમાં તેઓની માસ્ટરી હોવાની), જરૂરી ફેરબદલ માટે માર્ગદર્શન આપે, ભારપૂર્વક આગ્રહ પણ કરી શકે, અને આ બાબતે કોઈને પણ ટકોરવામાં અંગત ક્ષોભ કે અસમંજસ ન અનુભવે (કેમ કે, ત્યાં તેઓ વ્યક્તિગત નહિ, જે તે મંડળ વતી પોતાની ફરજ બજાવતા ગણાય). અને મદદ માંગનાર અન્યત્ર કાર્યરત મિત્રોને, આ વિષયે જરૂર પડે ત્યારે, પોતાનાં મંડળનાં સભ્યશ્રીઓ સાથે મસલત કરી જરૂરી મદદ પુરી પાડે. (જેમ કે, દા.ત. જણાવું તો, અમોએ વિકિસ્રોત પર ચઢાવવા માટે, પ્રકાશનાધિકારમુક્ત એવું કોઈ સારૂં ગુજરાતી પુસ્તક, જે હાલ નેટ પર ન હોય, ઉપલબ્ધ કરાવવા જુ.ભાઈને વિનંતી કરેલી છે. આવું મંડળ હોય તો આ વિનંતી મંડળને થઈ શકે અને મંડળ પાસે એક માંગો તો એક હજાર હાજર એવી સંભાવના બની શકે !)

તકનિકી જૂથનાં સભ્યો, સૌ પ્રથમ ઓછામાં ઓછું એ માર્ગદર્શન કરે કે કઈ રીતે દરેક મંડળનો એક અલગથી બ્લૉગ બનાવી શકાય અને તેનાં જે તે જૂથનાં સભ્યશ્રીઓ પોતપોતાનાં કાર્યક્ષેત્રને લગતું લખાણ, ચર્ચા વગેરે કરી શકે. (મને બહુ ખ્યાલ નથી પણ દરેક સભ્ય પોતાનાં બ્લૉગ પર લોગઈન થઈને આવા સહિયારા બ્લૉગ પર આપોઆપ કાર્ય કરી શકે તેવી સગવડ સંભવ થઈ શકે છે.) આવા સહિયારા, જૂથના, મંડળના બ્લૉગ પર અંગત કશું ન મેલતાં માત્ર પોતાનાં કાર્યક્ષેત્રને લગતી સૌ ઉપયોગી, કે બહુ ઉપયોગી, બાબતો જ રાખવી. (જેમ કે, જે તે જૂથની, નેટ દ્વારા કે રૂબરૂ, બેઠક મળે તેનો અહેવાલ. બેઠકમાં કયા મુદ્દાઓ ચર્ચાયા તેની વિગતો, સમસ્યા, સમાધાન, વ.વ.)

હાલ આ એક વિચાર સૂઝ્યો. વધુ માટે સૌ વિચારીશું. પણ એક વિનંતી કરીશ. આ જૂથ ૫ (વડીલ જૂથ) પોતાનાં કાર્યક્ષેત્ર માટે શરૂઆત કરી જ દે. માન.જુ.ભાઈ જ પોતાના અનુભવે જે કેટલાંક મિત્રોને, જેઓ ભાષા, વ્યાકરણ, જોડણી, સાહિત્ય વગેરે વિષયે જરૂરી યોગ્યતા ધરાવતા જણાતા હોય, આમંત્રી અને જૂથ બનાવે. એ મિત્રો મળી, ભલે કંઈક કાચુંપાકું, બંધારણ બનાવે, એટલે આપોઆપ અન્ય જૂથની રચના કરવા જે તે ક્ષેત્રનાં મિત્રોને ચાનક ચડશે અને માર્ગદર્શન પણ મળશે. મને જો કે જૂથ ૪ માં સૂચવાયો છે, યોગ્ય રીતે જ સૂચવાયો હશે, એ પ્રકારનાં કાર્યક્ષેત્રમાં વધુ અનુભવી એવા કોઈ મિત્ર (જેમ કે વિનયભાઈ) કૃપયા શરૂઆત કરે. જૂથ, તેનું કાર્ય અને તેની ચર્ચા માટે બ્લૉગ બનાવવાનો વિચાર યોગ્ય જણાય તો બ્લૉગ બનાવી જ કાઢે. અન્યથા, ત્યાં સુધી, જુ.ભાઈનાં આ લેખનાં પાને વિકલ્પો વિશે ચર્ચા કરીએ. આ માત્ર નમ્ર વિનંતી અને વિચાર છે. ધન્યવાદ.

નોંધ: જો કે આ મારો પ્રથમ પ્રતિભાવ હતો, એ પહેલાં અને પછી પણ ઘણાં સરસ પ્રસ્તાવો આવ્યા છે અને હવે લગભગ એક ચોક્કસ નિર્ણયાત્મક ભૂમિકાએ કાર્ય પહોંચવા લાગ્યું છે. નક્કર કાર્યવાહી પણ થવા લાગી છે. આપ પણ આપનાં વિચારો અને આ સંગઠન કાર્યમાં શું યોગદાન આપવા ધારો છો તે બાબતે ઉપરોક્ત લેખ પર જણાવશોજી. ત્યાંથી આપને વખતો વખત અપડેટ્સ પણ મળતાં રહેશે. ’આપણી ભાષા’ પ્રત્યે પ્રેમભાવ ધરાવતા સૌ સંપર્કમાં રહેશો.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”