Tag Archives: મહાત્મા ગાંધી

મારા પ્રતિભાવો – Satyavachan (2) (via મારી બારી)

સત્ય અઘરૂં છે અને એને વ્યક્ત કરવા માટે ભાષા પૂરતી નથી. આપણે ગયા અઠવાડિયે આ દૃષ્ટિએ ચર્ચા કરી હતી. સત્યનો આધાર બાહ્ય જગતમાં હોય છે. સત્ય પોતે વાક્યનો ગુણ નથી. શ્રી જુગલકિશોરભાઇએ એના પર પોતાનો પ્રતિભાવ આપતાં એ વાતને સમર્થન આપ્યું કે વાક્ય વ્યાકરણના નિયમ પ્રમાણે બને છે અને અસત્ય પણ વ્યક્ત થઈ શકે. એમાં આગળ જતાં ફરી એ વાત પર ભાર મૂકીએ કે જે અશક્ય હોય તે પણ વાક્યમાં શક્ય જણાય. “પાંચ પગવાળી કાળી ગાય” અને “ઈશ્વર સૃષ્ટિનો સર્જનહાર છે” એ વાક્યો વ્યાકરણ પ્ર … Read More
via- મારી બારી—દીપકભાઈ ધોળકીયા

મારો પ્રતિભાવ:

‘સત્ય એટલે પારદર્શકતા’ — દી.
’સત્ય અઘરું નથી પણ તેને સમજાવવું અઘરું છે !!’ — જુ.
’જે વાક્યનો અર્થ હંમેશા તેવો ને તેવો જ રહે તે વાક્યને સત્ય વચન કહી શકાય.’ — અ.
અને અંતે આપનું ’આપણે કદીયે સંપૂર્ણ મૌલિક નથી હોતા.’

આ વલોણાની છાસ પર તરી આવેલું માખણ છે. ખાસ તો આપના વિચારપ્રેરક લેખ (૧-૨) અને ઉમદા પ્રતિભાવો હજુ ઘૂંટું છું. રાજેશભાઈ માટે ’સત્ય’ એટલે ’માત્ર તેનો ધર્મ જ’ એવી કોઈક વ્યાખ્યા લાગે છે. એ માનવા માટે તેઓ સ્વતંત્ર છે ! અન્ય લોકો માટે પણ એમ હોઈ શકે છે. એક મિત્રએ આ ચર્ચાને જ નકામી ઠેરવી અને ’ચર્ચા કરનાર માં કોઈ એમ નથી કહેતું કે હવે આજથી હું સત્યવાદી’ એવું કહી ઘણોજ ઉમદા વિચાર રજુ કર્યો પરંતુ વ્યવહારીક રીતે જોઈએ તો આ સ્થળ જ ચર્ચા અને વિચારનું હોય, ધારોકે હું જ એમ કહી દઉં કે : ચાલો આજથી હું “સત્યવાદી” !! તો તેનું મહત્વ શું ? અને મારી વાતને માનવાનું કોઈ કારણ ખરૂં ? (એમ તો અસત્ય આચરનાર પણ પોતાનું આચરણ તે જ સત્ય એવો આગ્રહ ક્યાં નથી રાખતા !) તો ભુપેન્દ્રસિંહજીએ ઉલ્લેખ કર્યો તેમ, અને મેં મારા બ્લોગની પ્રસ્તાવનામાં પણ લખેલું તેમ ’સત્ય સાપેક્ષ હોય છે’ તે વાત વધુ વ્યવહારૂ લાગે છે. મારા દ્વારા મનાતું એ જ સત્ય એવું ના હોઈ શકે. હું આજથી સત્યનું આચરણ જ કરીશ એમ કહી દેવું પુરતું બનશે ? હું મને જે સત્ય લાગે છે તેનું આચરણ કરતો હોઉં પણ હું જેને સત્ય માનું છું તે જ અન્યનાં દૃષ્ટિકોણથી કદાચ અસત્ય પણ હોઈ શકે. મારી તો ક્ષમતા નથી તેથી હું પણ આ વિષયે ગાંધીજીએ આપેલું એક પ્રવચન, ૩૧-૧૨-૧૯૩૧નાં યંગ ઇન્ડિયામાં આવેલું, જે ’સત્ય એ જ ઈશ્વર છે’ (નવજીવન પ્રકાશન – નવે.૧૯૭૭)માં પ્રકાશિત થયેલું છે તેના, આપણા વિષયને લાગુ પડતા, થોડા અંશ જોઇએ (વધુ એ પુસ્તકમાં વાંચવા વિનંતી). જે કદાચ આ વિચારવલોણાને ઊર્જા આપશે.

” સત્ય પાસે પહોંચવાનો માર્ગ પ્રેમનો છે. પણ પ્રેમ માટે કાંઈ નહીં તો અંગ્રેજીમાં વપરાતા ’લવ’ શબ્દના અનેક અર્થો થાય છે…..પણ સત્યની બાબતમાં આવો બેવડો અર્થ થતો મારા જોવામાં આવ્યો નથી. અને ઈશ્વરનો ઇન્કાર કરનારા નાસ્તિકોએ સુધ્ધાં સત્યની જરૂર અથવા તેનું સામર્થ્ય સ્વીકારવામાં સંકોચ બતાવ્યો નથી. પણ સત્યની ખોજ માટેની તેમની ધગશમાં નાસ્તિકો ખુદ ઈશ્વરનો ઇન્કાર કરતાં પણ અચકાયા નથી. અને મને લાગે છે તેમની દૃષ્ટિથી તેમની વાત ખોટીયે નથી. એટલે આ રીતે દલીલ અથવા તર્ક ચલાવીને હું જોઈ શક્યો કે ઈશ્વર સત્ય છે એમ કહેવાને બદલે મારે સત્ય એ જ ઈશ્વર છે એમ કહેવું જોઈએ…..આ ઉપરાંત લાખો લોકોએ ઈશ્વરનું નામ લઈ તેને નામે વર્ણવી ન શકાય એવા અત્યાચારો કર્યા છે તે મુશ્કેલીનો વિચાર કરો. વિજ્ઞાનવેત્તાઓ ઘણી વાર સત્યને નામે ક્રૂરપણે નથી વર્તતા એવું નથી…..આમ ઈશ્વરનું તમે ગમે તે રીતે વર્ણન કરો તોયે તેમાં અનેક મુશ્કેલીઓ આડી આવ્યા વગર રહેતી નથી. પણ માણસનું મન એક અધૂરું સાધન છે અને જેને ઓળખવાને માણસની શક્તિ નથી એવા પરમ પદાર્થ તથા પરમ તત્વનો વિચાર કરતાં તે મર્યાદાઓ નડ્યા વગર રહેતી નથી…..

ત્યારે હવે સત્ય શું છે ? એ સવાલ થયો. સવાલ સાચે જ અઘરો છે પણ તમારા અંતરમાંનો અવાજ કહે છે તે સત્ય એવો જવાબ આપી એ સવાલનો મેં ઉકેલ કાઢ્યો છે. તો પછી તમે પૂછશો કે જુદા જુદા લોકો જુદાં જુદાં અને એકબીજાથી વિરોધી સત્યો કેમ વિચારાતા હશે ? પણ વધારે વિચાર કરતાં સમજાશે કે માણસનું મન અસંખ્ય જુદાં જુદાં માધ્યમ મારફતે કાર્ય કરે છે અને બધાયે લોકોને માટે મનનો વિકાસ સરખો કે એક જ પ્રકારનો થયો નથી; તેથી આપોઆપ એવું અનુમાન ફલિત થાય છે કે એકને માટે સત્ય હોય તે બીજાને માટે અસત્ય હોય;….વિજ્ઞાનના પ્રયોગો કરવાને માટે વિજ્ઞાનની તાલીમનો અભ્યાસક્રમ અનિવાર્ય છે તે્વી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રયોગ કરવાનો અધિકાર મેળવનારને માટે યમનિયમોનું કડક પાલન આવશ્યક છે. એથી, હરેક માણસે પોતાના અંતરના અવાજની વાત કરતાં પહેલાં પોતાની મર્યાદા સમજી લેવી જોઈએ…..આ પ્રયોગો કરનાર લોકો જાણે છે કે હરેક માણસ ઊઠીને અંતઃકરણના અવાજને સાંભળવાનો દાવો કરે છે એ વાત બરાબર નથી એટલું કહેવું પૂરતું થશે…..જેનામાં સંપૂર્ણપણે નમ્રતાનું ભાન જાગ્યું નથી તે કોઈથી સત્યની શોધ થઈ શકવાની નથી. સત્યના સમુદ્રની સપાટીની ઉપર સફળપણે તરવું હોય તો તમારે શૂન્ય બની જવું જોઈએ. આ અત્યંત આકર્ષક માર્ગે આથી વધારે આજે હું આગળ વધી શકું એમ નથી.”

‘સત્ય એટલે પારદર્શકતા’ એ વિચાર ગમ્યો, પરંતુ આપ એ વિચાર પર હજુ વધુ પ્રકાશ પાડશો તેવી આશા રાખું છું. (એટલે કે ભાગ-૩ ની રાહમાં) આભાર.

Dipak Dholakia
અશોકભાઈ,
તમે ગાંધીજીનું અવતરણ આપ્યું તે પછી કઈં પણ કહેવું મારા માતે અઘરૂં બની ગયું છે. કારણ કે ગાંધીજીની ભાષાની સાદાઈ ક્યામ્થી લાવવી? બીજી વાત. એ માનસ તો સત્ય જીવ્યો, હું તો કદાચ બૌદ્ધિક ખેલ કરૂં છું. તમે પારદર્શકતા એટલે સત્ય એ્નાવા મારા તારણ વિશે પ્રકાશ પાડવા કહ્યું છે, પણ મેં લેખના અંતે કહ્યું છે કે “આપણે એમ માની લઇએ કે ‘સત્ય એટલે પારદર્શકતા’. કોણ જાણે મને તો એમ જ લાગે છે… માત્ર લાગે છે, પાકી ખબર નથી.”
મને ખબર હોત તો હું ગુરુ બની ન ગયો હોત કે આવો, સત્ય મારી પાસે છે. હું તમેન સત્યવદી બનાવીશ, જેમ ભાઈ હરેશ આશા રાખે છે. મને પોતાને એમ લાગે છે કે સત્ય અને સત્યવાદી હોવું એટલે શું, એ જ નક્કી ન કરી શકતા હોઇએ તો શી રીતે સત્યવાદી બની શકીએ? ભાષા તો સત્યને વ્યક્ત કરી શકતી નથી અને આપને હજી ભાષા મારફતે સત્યના અર્થો શોધવા મથીએ છીએ. મને ગાંધીજીના જીવનમાં પારદર્શકતા જણાઈ એટલે આપણા સહવિચાર માટે મેં “એ જ તો સત્ય નથી ને?” એ ફૉર્મમાં માત્ર રજૂઆત કરી છે.. પ્રોસેસ આગળ વધે તો કઈંક ખબર પડે.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”