Tag Archives: પ્રેમ

ચિત્રકથા – બોગનવેલ

મિત્રો, નમસ્કાર.
સૌ પ્રથમ એક ચિત્ર અને એક નાનકડી, નગણ્ય, નકામી વાત ! અમારા ઘરની ડેલી પર વર્ષોથી બોગનવેલ (Bougainvillea , bɡɨnˈvɪliə) શોભાયમાન છે. (ટૂંક સમય પૂરતું કહો કે, ’હતી !’) વર્ષોથી જરૂર પ્રમાણે તેમાં કાટછાંટ તો થતી રહે પરંતુ આ વખતે તેનાં જાડા ડાળાંનો વજન ડેલી પરની કમાન માટે વધારે પડતો હોય તેમ લાગતાં તેને છેક થડમાંથી કાપી નાંખવાનું નક્કી કરાયું. આ દુષ્કૃત્ય કરવાનું હંમેશની જેમ મારા ભાગે જ આવ્યું. ગત રવિવારે આ સુંદર મજાની વેલ, તેમાં ખીલેલા ગુલાબી ફૂલોનાં નયનરમ્ય ગુચ્છા સમેત ધરાશાયી કરી દેવાઈ. જો કે ઝાડપાન સાથે થોડો ઘણો પનારો હોવાથી મને તો એ ખબર હતી કે થડિયાં પાસેથી બે-ત્રણ જાડા ડાળાંનાં ઠૂંઠા એમ જ રાખી દેવાય એટલે થોડા સમયમાં ત્યાંથી નવી કૂંપળો ફૂટે અને થોડા માસમાં તો વળી વેલ હતી તેવી લીલીછમ (અને ફૂલગુલાબી પણ !) થઈ જાય. પણ બાળકોએ તો બહારથી સૂકું દેખાતું થડનું ઠૂંઠું જોઈ અને જાણે એક સ્વજનનાં ગયા જેટલું દુઃખ અનુભવ્યું. (બાળકો? એમાં એક હવે ઇજનેર છે અને એક હવે કૉલેજમાં જશે ! પણ તોયે એ લોકોની છોકરમત નથી ગઈ ! અને તેમનાં મનોભાવની આવી જાણો મને હજુ તેમનાં રોતલ થતાં કે પછી ખિલખિલાટ હસતાં ચહેરા જોઈ ને થઈ જાય છે !)

કુહાડે કેર કર્યો એ પહેલાં…

…અને પછી ! (વાંક કુહાડાનો ? પણ હાથ કોના હતા ?)

હવે આ ઘટનાનાં પાંચ દહાડા પછીની વાત (એટલે કે ગઈકાલની). સવારનાં પહોરમાં, મારે ઊઠવાનાં બે કલાક પહેલાં જ, ધરતીકંપ થયો હોય તેવા હો હલ્લા સાથે મને ખળભળાવી અને ઊઠાડી દેવામાં આવ્યો. આંખો પણ ચોળી શકું એ પહેલાં તો શબ્દશઃ ધકેલીને ડેલીએ ખડો કરી દેવાયો. બાળકોનાં મોંમાં તો જાણે ગુલાબજાંબુ ઠાંસ્યા હોય તેવો આનંદ દેખાતો હતો. પ્રથમ તો મને એમ થયું કે સવારનાં અખબારોમાં પેટ્રોલનાં ભાવ રૂ|.પાંચ/લિટર થઈ ગયાનાં સમાચાર છે કે શું ?! પછી થયું એ તો ’માત્ર’ આપણી ચિંતા, બાળકોને એમાં શું લાગેવળગે ! પણ પછી બાળકોએ પેલાં બોગનવેલનાં ઠૂંઠામાં તાજાં જ ફૂટેલા કોંટા દેખાડ્યા ત્યારે વાત સમઝમાં આવી. હું પણ, ભલે માત્ર એક ક્ષણ માટે, પેટ્રોલનાં ભાવ જેવા અટપટાં પ્રશ્નો વિસારીને હરખની હેલીમાં નાહ્યો ! ખરે જ નાહ્યો. કેમ કે, એટલી વારમાં તો આકાશમાર્ગે જતું એક વાદળ પણ નવી કૂંપળ ફૂટ્યાનો હરખ વરસાવતું ગયું. આ ફોટો ખેંચવાનું તો છેક બપોરે ઓસાણ આવ્યું. પછી તો સાંજ સુધી આડોશ પાડોશનાં લોકો, મારાં ધારવા પ્રમાણે એમને પણ અમારી બોગનવેલ કપાવાનું દુઃખ તો હશે જ, બોગનવેલ ફરી ફૂટી તેનો હરખ કરવા અને નવી કૂંપળો ફૂટી તે જોવા આવતા રહ્યા. (પાડોશીઓ  ’બોગનવેલ વાળી ડેલી છે એ ઘર !’ એમ કહી અમારી ઓળખ આપે.)

“Life finds a way” – જીંદગી જગ્યા બનાવી લે છે.

તો કદાચ દિવાળી આવતાં આવતાં તો અમારી કપાઈ ગયેલી ઓળખ અમને પાછી મળી જશે ! પણ એક વાત ચોક્કસ છે કે, પ્રેમ તો કાંટાળી બોગનવેલ સાથે પણ થઈ જાય છે ! ખબર નહિ માણસોને જ અંદરો અંદર શું કાંટા વાગે છે !!!

વાત તો કરવાની હતી “આરણ્યક“ની. પણ હવે આરણ્યકમાંથી સ_રસ અવતરણ આવતા લેખમાં. ત્યાં સુધીમાં સૌને પહેલાં વરસાદમાં મન ભરીને પલળવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થાય તેવી હાર્દિક શુભકામના.

અને હા, હમણાં જાણવા મળ્યું કે આજે તો ’ફાધર્સ ડે’ છે. તો આ  લખનારો પણ ફાધર જ છે ને !! કે પછી આજે માત્ર ફાધર વિશે જ લખવું જરૂરી ગણાય ? તો અ બીગ સો…રી ! કેમ કે મારા ફાધરે મને લાંબીલચક યાદી બને તેવું કશું નથી આપ્યું ! સિવાય કે, પ્રામાણિકતા અને પ્રકૃતિપ્રેમ. બાય ધ વે, આ બોગનવેલ એમણે વાવી ત્યારે તેમાં પ્રથમ કૂંપળ ફૂટતી જોઈને જેટલો હું ખુશ થયેલો, ફરી મારાં બાળકો પણ એટલાં જ ખુશ થયા ! (અને દાદાએ આજે એ વાતની યાદ પણ અપાવી !)  બસ આ, બાપ પાસેથી મળેલો ખુશીનો વારસો બાળકોને સોંપવાનું યાદ કરાવતો, દિવસ એટલે પણ ’ફાધર્સ ડે’ ! સૌને હાર્દિક શુભકામનાઓ.