Tag Archives: પ્રેમ

ચિત્રકથા – નંદ ઘેર…

નમસ્કાર મિત્રો.
સૌને હમણાં ગયેલા શ્રાવણીયા તહેવારો, રક્ષાબંધન, જન્માષ્ટમી અને ઈદની શુભકામનાઓ.

હવે સૌ પ્રથમ તો પેલી કપાયેલી (અને નવજીવન પામેલી) બોગનવેલનાં હાલચાલ જાણીએ. એ કુંપળનું પ્રગતિપત્રક અને પછી તો આસપાસની કુંપળોએ મળી સ્થાપીત કરી દીધેલી નવલી બોગનવેલ જુઓ.

અને હા, સાથે સાથે સીતાફળીમાં દુષ્કાળને ઉવેખી અને આવેલાં ટબુકડાં સીતાફળો જાણે કે સધિયારો આપે છે કે, મૂંઝાવમાં, મેઘો તો હજુ પણ વરસી શકે છે ! કહ્યું છે ને ’આભ અને ગાભની કોને ખબર પડે !’ જો કે વિજ્ઞાને હજુ પ્રથમમાં ખાસ કંઈ પ્રગતિ કર્યાનું જણાતું નથી, બાકી બીજાનો કેર તો સૌને વિદિત છે જ. જો કે વાંક વિજ્ઞાનનો નથી, પણ વાંદરાનાં હાથમાં અરીસો ધર્યાનું કુકૃત્ય તો એના નામે જ લખાયું ને ! કૂખમાં ફૂટતી કુંપળ માત્ર એક રંગસુત્રના ફેરે કૂખમાં જ મસળાય જતી હોય ત્યાં બોગનવેલની કુંપળોની તો પરવાયે કોને હોય ! પણ અહીં આપણે સૌ એકઠા મળ્યા છીએ તેને વળી ખબર નહિ કયા કારણે આવી ઝીણી ઝીણી પંચાતમાં વધુ રસ પડે છે ! કદાચ આપણે સાવ અવ્યવહારુ છીએ અથવા જમાના પ્રમાણે હજુ સુધર્યા નથી !! અને એટલે જ મને ખાત્રી છે કે મારા મિત્રોને તો આવી કુંપળકથાઓ પણ આનંદિત કરી જશે. જુઓ:


થોડા દહાડા પહેલાં આસોપાલવ માંહ્યલો ખિસકોલીનો માળો પવનનાં જોરે પડ્યો, માળામાં રહેલું બચ્ચું પછી અમારા ઘરનું સભ્ય બન્યું (ફળિયાનું તો હતું જ !). એ શું ખાશે, શું નહિ ખાય ! પાણી પીવે કે દૂધ ! તેને પોઢવા માટે પર્ણપથારી રાખવી કે ઊનના વસ્ત્રની ! જેવા અત્યંત વિકરાળ પ્રશ્નોના ઊકેલ અમે ૧ % જ્ઞાન, ૯ % ધારણા અને ૯૦ % ધારણાઓ કારગર બનતી હોવાની માન્યતાઓ વડે લાવ્યા ! જો કે અંતે બેળે બેળે ઘીનાં ઠામમાં ઘી પડી ગયું ! બચ્ચું દોડતું કૂદતું થઈ ગયું અને થોડા દહાડામાં તો તેની મમ્મી ખિસકોલી સાથે આસોપાલવની ઘટામાં માંડ્યું બલાંગુ દેવા. હજુ મરજી થાય ત્યારે ઘરમાં અને રસોડામાં આંટાફેરા કરવા આવે છે ખરું. ગમે તેમ તોય આ એનું મોસાળ તો ખરું ને !! જુઓ:


ત્યાર પછી આવ્યું વાડામાં વિયાયેલી એક સોનેરી રંગ ધરાવતી બિલાડીનું બચ્ચું. (“વિયાવું” એ કાઠિયાવાડમાં બચ્ચાને જન્મ આપવા, પ્રસૂતિ, માટે વપરાતો શબ્દ છે.) ભારે ખેપાની અને ખરે જ દુકાળિયું ! કોઈ ખાઉધરું હોય તો આપણે ત્યાં એમ કહેવાય કે ’આ દુકાળમાં જન્મેલો લાગે છે !’ (આડવાત; ખાઉધરા નેતાઓ, અધિકારીઓ, વગેરે વગેરેના જન્મ વર્ષ અને દુકાળિયાં વર્ષ સરખાવવાનો ઉદ્યમ કોઈકે કરવા જેવો છે !) તે આ બચ્ચું ખાઉધરું તો છે જ, સાથે ખિજાળ પણ એવું જ છે. પણ તેનો એક શોખ મને ભારે પસંદ આવ્યો, જેવો કેમેરો જુએ એટલે ડાહ્યું ડમરું થઈ અને જાણે પોતે કોઈ વિખ્યાત મોડૅલ હોય તેમ ગોઠવાઈ જાય છે. જુઓ:


અને હવે બે દહાડા પહેલાનાં લેટેસ્ટ ન્યૂઝ (બ્રેકિંગ ન્યૂઝ !) ફળીમાં, વાડામાં, વૃક્ષ પર, એમ બધે જન્મેલાં બચ્ચાઓ અહીં જાણે બાલાશ્રમ હોય તેમ ઘૂસ મારે છે. પણ પોતે બચ્ચું હતી ત્યારથી જ પોતાનું ઘર સમજી દિવસમાં ચાર-પાંચ વખત તો અચૂક ખબર કાઢી જતી એક મીનકીએ તો ચાર દહાડા પહેલાં સવારમાં મારા કમ્પ્યૂટર ટેબલની નીચે જ પોતાનાં બાપનું ઘર બનાવી નાખ્યું ! જો કે એ થોડી કષ્ટાતી હતી એટલે મારે તેને માથે હાથ ફેરવતાં ફેરવતાં થોડો સધિયારો આપવો પડ્યો, અને તે વિયાણી !!! સુંદર મજાનું એક બચ્ચું જનમ્યું. વસ્તીવધારાનો જુનો અને જાણીતો કકળાટ જાય તેલ લેવા ! કુદરતના ખોળે પાંગરતું એક નવા જીવનને જોવું, અનુભવવું એ સ્વર્ગસુખથી પણ અદકેરો અનુભવ છે. હશે, કો‘ક કો‘ક (ધ્યાન આપો, કો‘ક, કો‘ક લખ્યું છે !) દાક્તર કે દાયણ માટે કદાચ એ યંત્રવત્‌, નિરસ અને માત્ર બીલ બનાવવા લાયક કામ હશે. પણ જેને બીલ કરતાં દિલનું મૂલ્ય અધિક છે તેને માટે તો એ આનંદાનુભૂતિ જ રહેશે. હા, આ આખા પ્રસંગનો ગૌણ ગેરફાયદો હોય તો તે એક જ, જ્યાં સુધી એ મીનકી અને એનું બચ્ચું, સ્વમરજીથી, મારું કમ્પ્યૂટર ટેબલ છોડશે નહિ ત્યાં સુધી મારું ઘરનું કમ્પ્યૂટર બંધ રહેશે ! (આ ગૃહપ્રધાનનો ફતવો છે ! આપણે સદાથી ફતવાનાં વિરોધી અને કહો કે ક્રાંતિકારી રહ્યા તેનું કારણ, ઊંડાણ પૂર્વક તપાસ કરો તો, ગૃહપ્રધાન જ !!!) તો જુઓ આ નવી કુંપળ !

અને આ જન્મોત્સવની ઉજાણી ! નંદ ઘેર આનંદ ભયો…કહે છે કે, એ તો કણ કણમાં છે. ગોડ, ગોડ પાર્ટિકલ કે હિગ્સ બોસોન, બિલાડી માટે તો આ જ કનૈયા કુંવર ! (તા.ક. ઝબલા પ્રથા બંધ છે ! 🙂 આપનો પ્રકૃતિ પ્રત્યેનો સ્નેહભાવ એ જ બિલાડી માટે ઝબલું.) આભાર.