Tag Archives: પ્રસ્તાવના

સહાયવૃતિ (વિકાસનું એક તત્વ) – અનુવાદકનું નિવેદન

મિત્રો, નમસ્કાર.

આ પુસ્તકમાં અગાઉ આપણે કાકાસાહેબ દ્વારા લખાયેલો ’આવકાર’ વાંચ્યો, આજે અનુવાદકશ્રીનું નિવેદન લઈએ. બેઠેબેઠું લેવા કરતાં સંક્ષેપમાં સાર જોઈશું કારણ આ નિવેદન ૧૨ પાનાં જેટલું ફેલાયેલું હોય શબ્દશઃ અહીં સમાવવું અઘરું પડશે. તો, ભાવાર્થમાં ફરક ના પડે તેનું ધ્યાન રાખતાં ટૂંકમાં જોઈએ, અનુવાદકશ્રી (નરહરિ દ્વા.પરીખ)નું નિવેદન.

*****

ક્રૉપોટ્‌કિને પોતાની અસાધારણ વિદ્વતા, બુદ્ધિમત્તા અને પ્રતિભાને લીધે ભૂસ્તરવિદ્યા, સંગીત, કળા, સમાજશાસ્ત્ર, ફિલસૂફી વગેરે વિષયોમાં તે તે કાળના પારંગતોનો આદર મેળવ્યો. તેઓ સાત ભાષાઓ બોલવામાં સ્વભાષા જેટલું જ પ્રભુત્વ ધરાવતા તથા ઉત્તમ રીતે જાણવાની દૃષ્ટિએ તો વીસ ભાષાના ધણી કહેવાય. રશિયાના અમીરકુળમાં જન્મેલા અને યુરોપભરમાં વિદ્યાવિભૂતિ તરીકે ખ્યાતિ પામેલા ક્રૉપોટ્‌કિન અને કારીગરોની હાલત, ખેડુતોની દુર્દશા, લોકસ્થિતિ વગેરેનો અભ્યાસ કરી, ચોપાનિયાં લખી, સૌને રશિયાની ક્રાન્તિ માટે તૈયાર કરનાર ગુપ્ત વ્યક્તિ એ બંન્ને એક જ હતા તેવી ત્યારે કોઈને જાણ ન હતી. સત્તાધારીઓએ આ ક્રાન્તિકારી ગુપ્ત વ્યક્તિને શોધવા ભારે પ્રયત્ન કરેલો પરંતુ ભૂગોળપરિષદ, પ્રાણીશાસ્ત્રમંડળ વગેરે સંસ્થામાં રચ્યાપચ્યા રહેનાર ક્રૉપોટ્‌કિન એ એજ હશે તેવી કોને શંકા જાય ! (અર્થાત તેઓ માત્ર વાતશૂરા જ ન હતા, નક્કર કામગીરીઓ પણ કરી બતાવી હતી. – વાં.) શાસ્ત્રીય શોધખોળ અને તાત્ત્વિક ચિંતન માટે શાંતિ અને નિવૃતિવાળું જીવન હોવું જોઈએ એમ ઘણા પંડિતો કહે છે, એ માન્યતા ક્રૉપોટ્‌કિને ખોટી પાડી.

પછીથી સાઈબીરિયા અને ફ્રાન્સની જેલોમાં, બહુ જ નાની જગ્યામાં, ફૂલઝાડ વાવી તેમણે પ્રયોગો શરૂ કરેલા. કૃમિ, કીટક, પશુ, પક્ષી જે કંઇ આસપાસ દેખાય તેના પર આ પ્રયોગવીરની ભેદક દૃષ્ટિ પહોંચવાની જ. સાથે સાથે નીચોવાયેલા માનવ વર્ગોનું દુઃખ દૂર કેમ કરાય એ વિષે ચિંતન અને યોજનાઓ પણ એ ઉપજાઉ ભેજામાં ચાલવાનાં જ. વધુ તેમની આત્મકથામાંથી સૌને જાણવા મળશે.

પ્રખ્યાત જીવનશાસ્ત્રી ડાર્વિનના વિકાસવાદની સમાજ ઉપર જે અસર થઈ તેનું એકાંગીપણું અને ભયાનકપણું દૂર કરવા માટે ક્રૉપોટ્‌કિને ’મ્યુચ્યુઅલ એઈડ’ અથવા ’સહાયવૃત્તિ’ એ ચોપડી લખી. મૂળ વિકાસવાદ શું કહે છે, ડાર્વિનનો સિદ્ધાંત શો હતો, લોકોએ એ સમજવામાં કઈ ભૂલ કરી, એમાંથી કયા અનર્થો નીકળ્યા અને લોકોની સમાજધર્મની આખી કલ્પના જ કેમ ભ્રષ્ટ થઈ, એ બધું જાણ્યા વગર સહાયવૃત્તિનું પ્રયોજન અને તેની વિચારદિશા ધ્યાનમાં નહીં આવે. જો કે એ જાણવું એ પણ એક નવા પુસ્તક જેટલું થશે તેથી અહીં માત્ર ટુંકમાં જોઈએ.

પ્રથમ એમ લાગતું હતું કે નવ લાખ કે ચોરાસી લાખ જે કંઈ પ્રાણીઓની યોનિઓ છે એ પ્રથમથી ઈશ્વરે એવી જ પેદા કરી અને એમનો જીવનક્રમ પરાપૂર્વથી એવો ને એવો જ ચાલતો આવેલો છે. પ્રાણીઓની યોનિઓ અગણિત છે એ જેટલું ખરું છે તેટલું જ અમુક અમુક યોનિઓમાં સામ્ય છે એ પણ ખરું છે. એ સામ્યની પરંપરા અથવા શ્રેણી જોઈ શોધક લોકોને શંકા ગઈ કે આમાં કંઈક ગૂઢ ભેદ હોવો જોઈએ. જેમ જેમ ખોરાકની અને રહેણી વગેરેની સગવડો, અગવડો બદલાતી ગઈ તેમ તેમ એક જ જાતિનાં પ્રાણીઓમાં ફેર પડતો ગયો અને એ રીતે એકમાંથી અનેક યોનિઓ પેદા થઈ. આ સિદ્ધાંતની પ્રત્યક્ષ તપાસ કરી અને પુરાવો રજૂ કરનાર ડાર્વિન પહેલો હતો. તેમણે પ્રતિપાદન કર્યું છે કે વનસ્પતિની તેમજ પ્રાણીઓની દરેક જાતિઓ કુદરત પોષી શકે તે કરતાં વધારે સંતતિને જન્મ આપે છે, અને જીવવાનાં પૂરતાં સાધનને આભાવે તેમાંના જે, પોતાના બીજાં બંધુઓ કરતાં વધારે બળવાન અને કુદરતની કઠોરતા અથવા વિષમ પરિસ્થિતિ સામે ટકવાની વધારે લાયકાતવાળાં હોય છે તેમને જ પ્રકૃતિ પસંદ કરે છે, જીવવા દે છે. જીવતાં રહેલાં પ્રાણીઓના આ ગુણો તેમની પ્રજામાં ઊતરે છે. એટલે બીજી પેઢી બળવાન અને વધુ લાયકાતવાળાં પ્રાણીઓની હોઈ, પહેલી પેઢી કરતાં વધારે ચડિયાતી થાય છે. આમ પેઢી દર પેઢી પ્રગતિકારક ફેરફાર થતા જ જાય છે. અને કાળે કરીને મૂળ પ્રાણીની શરીરરચના, બુદ્ધિશક્તિ વગેરેમાં એટલું બધું રૂપાન્તર થઈ જાય છે કે તે એક નવા જ પ્રકારનું પ્રાણી બની જાય છે. આમ એક યોનિમાંથી અનેક યોનિઓનો ઉદ્‌ભવ થાય છે.

The modern theory of natural selection derives...

Image via Wikipedia Darwin

આ નિયમને પ્રકૃતિની વરણી કે  કુદરતની ચાળણી (Natural Selection), જીવન કલહ (Struggle for existence) તથા યોગ્યતમનો નિસ્તાર અથવા સર્વશ્રેષ્ઠનો ટકાવ (Survival of the fittest) એ નામો ડાર્વિને આપ્યાં છે. તેણે આ શબ્દો તેના સંકુચિત અર્થમાં નહિ, પણ વિશાળ અને શાસ્ત્રીય અર્થમાં વાપર્યા છે. તેણે સૂચવ્યું છે કે જેઓ શરીરે વધારેમાં વધારે જોરાવર હોય અથવા સ્વભાવે વધારેમાં વધારે ધૂર્ત હોય તેમને જ વધુમાં વધુ લાયક ગણવાં જોઈએ નહીં; પરંતુ જેઓ સમાજના શ્રેયની ખાતર એકબીજાને મદદ કરવાને માટે વધુમાં વધુ સારી રીતે સંગઠીત થઈ શકે તે પ્રાણીઓને જ સર્વશ્રેષ્ઠ ગણવાં જોઈએ. ડાર્વિને આવું લખ્યું ખરું, પણ આગળ ઉપર તે ચાતરી ગયો છે. જે પુસ્તકમાં આ શબ્દો તેણે લખ્યા છે તે જ પુસ્તકમાં તે પાછું કહે છે કે શરીરે અને મને જેઓ નબળાં છે તેમને આપણા સભ્ય સમાજોમાં નભાવવાં એ પણ અગવડભરેલું છે. વળી કહે છે કે બીજાં પ્રાણીઓની માફક મનુષ્ય પણ અતિ પ્રજનનને પરિણામે જ આગળ વધ્યો છે. વસ્તી વધી પડે ત્યારે જ જીવનકલહનો કાનૂન કામ કરે છે અને સમાજમાં જે સર્વશ્રેષ્ઠ હોય તે કુદરતની ચાળણીમાં ચળાતો ચળાતો ટકી રહે છે. અને એ પ્રક્રિયાથી જ મનુષ્યજાતિ દિનપ્રતિદિન આગળ વધતી જાય છે. તે જોતાં હજી પણ વધુ પ્રગતિ થવા માટે મનુષ્યસમાજમાં ઘોર જીવનકલહનું તત્વ ચાલુ રહેવું જોઈએ. સૌની વચ્ચે ખુલ્લી હરીફાઈ હોવી જોઈએ અને વધુ લાયક માણસો ઉપર કાયદા કે સામાજિક રિવાજોનાં બંધનો ન મુકાવાં જોઈએ. વળી સબળી જાતિઓ નબળી જાતિઓ ઉપર ચડી બેસતી આવી છે એમ ઇતિહાસ બતાવે છે, તેમાં તથા આજે પણ સુધરેલી ગણાતી જાતિઓ જંગલી જાતિઓને ખાતી જાય છે (ખતમ કરે છે), તેમાં પ્રકૃતિની વરણીનો કાનૂન જ પ્રવર્તે છે.

આ કાનૂનનો વિનિયોગ સામાજિક પ્રશ્નોની બાબતમાં બહુ કાળજીપૂર્વક કરવા વિષે ડાર્વિને ચેતવણી આપ્યા છતાં, તેના ઉપરના શબ્દોને લીધે તેના અનુયાયીઓએ વધારે પડતાં વ્યાપક અનુમાનો કાઢ્યાં છે. અને તે કાનૂનને અનુસરીને કેટલાકોએ તો સમાજમાં ચાલતા અન્યાયો અને જુલમોનો પણ બચાવ કર્યો છે.

તેઓ કહેવા લાગ્યા : જે લાયક છે તે જ વિગ્રહને અંતે ટકે છે. લાયકાત સિદ્ધ કરવાનો ઉપાય વિગ્રહ જ છે. વિગ્રહ (કત્લેઆમ જ કહો ને – વાં) ચાલુ હશે તો જ નબળા અને નાલાયકોનું નીંદણ (નાશ) થઈ સારા લોકો ટકવાના છે. નહિ તો નાલાયકોનો જ વિસ્તાર વધશે અને લાયક લોકો ગૂંગળાઈ જશે. (ઈરાક, લિબિયા કે અન્ય દેશોનું ખનીજ તેલ કે આફ્રિકનદેશોની ખનીજ સંપદા આવા ’નાલાયકો’ વાપરી ના ખાય અને ’લાયકો’ને જ પારકી સંપદા પર અમનચમનનો અધિકાર હોવો જોઈએ, તેઓ ગૂંગળાવા ના જોઈએ, તેથી આપણે આ બધા પ્રદેશોમાં નિતનવા “વિગ્રહો” જોઈએ છીએ ! જેને “ક્રાંતિ”ના રૂપાળાં નામો અપાય છે પરંતુ મુળમાં આ ડાર્વિનવાદી બચાવ જ !! – વાં.) તેમણે છડેચોક જાહેર કર્યું કે નબળાની દયા ખાવી, એમને ટકાવવાનો પ્રયત્ન કરવો એમાં પ્રગતિનો વિરોધ છે, કુદરતનો દ્રોહ છે. દુનિયા સમર્થો માટે છે. સમર્થો પૃથ્વીના અધિકારી છે. તેઓ જે કહે છે તે જ કુદરતને ઇષ્ટ છે, જગતના ભલાનું છે, એટલે સુધી વિચારની દોડ ચાલી. ન્યાય અન્યાય, ધર્મ અધર્મની આખી કલ્પના ઊંધી વળી અને દુનિયાના ડાહ્યા ગણાતા લોકો બળિયા લોકોનો બચાવ કરવા બહાર પડ્યા. (આ શબ્દો અનુવાદકશ્રીએ સને:૧૯૩૪-૩૫માં લખ્યા હશે, આજે પણ કેટલા પ્રસ્તુત છે !! – વાં.)

વિકાસવાદનો આવો દુરુપયોગ થતો જોઈ વિજ્ઞાનશાસ્ત્રના ઊંડા અભ્યાસી ક્રૉપોટ્‌કિનને થયું કે આ એકાંગીવાદનો અને એના દુરુપયોગનો વિરોધ કરવો જ જોઈએ અને તે પણ ડાર્વિન જેટલી જ શાસ્ત્રીયતાથી. એણે પણ કુદરતનું ખૂબ નિરીક્ષણ કર્યું હતું. પ્રાણીઓમાં પોતાના અપત્યો પ્રત્યે વાત્સલ્યભાવ હોય છે, અપત્યરક્ષણ અને સંગોપનવૃતિ જન્મસિદ્ધ હોય છે, એ તો ખરું જ. પણ એક જ કોટિમાં, એક જ જાતનાં પ્રાણીઓમાં, એકબીજાને મદદ કરવાની, એકબીજાને નભાવવા – ટકાવવાની જન્મસિદ્ધ લાગણી હોય છે, એ આખી પ્રાણીસૃષ્ટિમાં સાચું છે, એમ એણે પુરાવા સાથે બતાવ્યું. જે પ્રાણીઓ ટક્યાં છે તે, વિગ્રહની ચાળણીને લીધે શક્તિમાનોનો સંગ્રહ થાય છે એ કારણે નહિ પણ જીવન ગુજારવામાં અને કુદરત સામે ટકાવ કરવામાં તેઓ એકબીજાને મદદ કરે છે, તે માટે છે, એ એણે બતાવ્યું. એકબીજા માટે ખમવાની (સહન કરવાની, સહવાની) આ વૃત્તિ એ જ મુખ્યત્વે સામાજિક વૃત્તિ છે. એ જ્યાં નથી, જ્યાં નર્યો સ્વાર્થ અને વિગ્રહ છે, ત્યાં આખી જાતિ ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે, એમ ક્રૉપોટ્‌કિને સિદ્ધ કરી આપ્યું.

કુદરતમાં વિગ્રહ પણ છે અને સંધિ પણ છે, કલહ પણ છે અને પરસ્પર સાહાય્ય પણ છે, સંહાર છે અને સહકાર પણ છે. પણ એમાં પ્રગતિનું તત્ત્વ જેમાં વધારે દેખાઈ આવે છે તે તો સહયોગનું, પરસ્પર સહાય્યનું તત્ત્વ જ છે.

આવી રીતે ક્રૉપોટ્‌કિને સામાજિક નીતિનો પાયો મજબૂત કર્યો, માણસમાં એની માણસાઈ એ જ ઉત્તમ તત્ત્વ છે એ દાખલાદલીલથી સિદ્ધ કર્યું.  વિકાસવાદમાંથી નીપજતો, સમાજના કલ્યાણને વિઘાતક ભ્રમ દૂર કરવા માટે ક્રૉપોટ્‌કિને પ્રશ્ન ઉઠાવ્યો છે, કે સર્વશ્રેષ્ઠ કોને ગણવો ? લડી મરે એને ? કે હળીમળીને રહી જાણે એને ? તમામ જીવસૃષ્ટિને — વનસ્પતિ, પશુપંખી તથા માણસોને પોતાના જીવનનિર્વાહ માટે કુદરત સાથે સતત સંગ્રામ ચલાવવો પડે છે, એ વસ્તુ તે કબૂલ કરે છે; પણ તે કહે છે કે ગુજરાનનાં સાધનો માટે પ્રાણીઓ પોતાની અંદર અંદર હરીફાઈ કરીને લડી મરતાં હોય તેવું કવચિત જ બને છે. વળી કોઈ જગ્યાએ આવી હરીફાઈ જોવામાં આવે તો તે વિકાસનું નહિ, હ્રાસનું જ કારણ થઈ પડેલી હોય છે. જે પ્રાણીઓ મૈત્રી અને સહકારના ગુણોથી સંપન્ન હોય છે તે જ કુદરત સાથેના સંગ્રામમાં વધુ વિજયી થાય છે, તેમની જ આબાદી થાય છે, તેઓ જ લાંબુ આયુષ્ય ગાળી શકે છે. અને પરિણામે તેમની જ બુદ્ધિનો વધુ વિકાસ થાય છે. છેક કીટસૃષ્ટિથી શરૂ કરી, જંગલી લોકોમાં, બાર્બેરિયન પ્રજાઓમાં, મધ્યકાલીન સંસ્થાઓમાં તથા આધુનિક માનવસમાજોમાં પ્રવર્તતી સહાયવૃત્તિનો વિપુલ અને સમૃદ્ધ સામગ્રીથી ભરપુર, છતાં અતિશય રોચક અને બોધપ્રદ ઇતિહાસ આપીને આ વસ્તુ, આ પુસ્તકમાં, ક્રૉપોટ્‌કિને સિદ્ધ કરી છે.

સાચો ઇતિહાસ કયો કહેવાય અને કેવી રીતે લખવો જોઈએ તેનો પણ આ પુસ્તક એક ઉત્કૃષ્ટ નમૂનો છે. લેખક કહે છે કે લડાઈટંટાના વર્ણનો, મોટા વિજેતાઓનાં ચરિત્રકથનો તથા રાજાઓની વંશાવળીઓ એ કંઈ ખરો કે મહત્વનો ઇતિહાસ નથી. આપણા અત્યારના ઇતિહાસોમાં તો માનવસમાજના એક બહુ નાના વર્ગની અને તે પણ માત્ર કલેશ અને કજિયાટંટાવાળી પ્રવૃત્તિનું જ વર્ણન આવે છે. ખરેખરતો સમગ્ર માનવ ઇતિહાસકાળમાંએ એ કાળ ઘણો થોડો અને સુલેહનો, શાન્તિનો અને સુખનો કાળ ઘણો લાંબો છે. વળી આ કજિયાકંકાસોમાં સમસ્ત મનુષ્યજાતિનો બહુ નાનો વર્ગ જ રોકાયેલો હોય છે. આમવર્ગ તો લડાઈના સમયમાં પણ પોતાનું નિત્યનું મહેનતમજૂરીનું જીવન ગાળવાનું જ પસંદ કરે છે.  એટલે વિગ્રહનો ઇતિહાસ એ ખરો અને પૂરો ઇતિહાસ ન કહેવાય. પણ આમવર્ગની સામાજિક વૃત્તિઓનો, તેમની સામાજિક સંસ્થાઓનો તથા પરંપરાસ્થાપિત તેમની રૂઢિઓનો ઇતિહાસ તે ખરો અને મહત્વનો ઇતિહાસ.

અનેક રીતે આકર્ષક એવું આ પુસ્તક એક બીજી દૃષ્ટિએ પણ ખાસ અત્યારને પ્રસંગે આવકારલાયક છે. (આ સને:૧૯૩૪-૩૫ છે, યાદ રાખજો – વાં.) મધ્યવર્તી સત્તાવાળાં પ્રજાતંત્રો, સમસ્ત પ્રજાનાં સાચાં અને પૂરાં પ્રતિનિધે થઈ શકતાં નથી એ હવે સિદ્ધ થઈ ચૂક્યું છે. પ્રજાતંત્રનાં મોટા ધામ ગણાતાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ કે અમેરિકા જેવા દેશોમાં પણ આમવર્ગનું હિત સરકાર નથી સાચવતી એ વસ્તુ હવે ઉઘાડી પડી ગઈ છે. તે વખતે પ્રાચીન ગ્રામસમાજોનાં તથા મધ્યકાલીન નગરસમાજોનાં, સંઘશાસનના (Federation) તત્ત્વ ઉપર રચાયેલાં નાનાં નાનાં પ્રજાસત્તાકોનું વર્ણન આપણું ધ્યાન ખેંચે છે અને આપણામાં આશાનો સંચાર કરે છે.

પુસ્તકનો વિષય શાસ્ત્રીય છે. વિજ્ઞાનશાસ્ત્રીઓ વચ્ચે ઉદ્‌ભવેલા ’શાસ્ત્રીય’ વહેમને દૂર કરવા માટે એક સમર્થ શાસ્ત્રીએ લખેલું આ પુસ્તક છે. આ વિષયનું મહત્વ અને તેની આપણી જીવનદૃષ્ટિ ઉપર થતી અસર, એ બંન્નેનો વિચાર કરી વાચકવર્ગ ધ્યાનપૂર્વક આ ચોપડી વાંચશે અને તેના પર મનન કરશે એવી આશા રાખું છું.

*****

સંદર્ભ વાંચન :

http://en.wikipedia.org/wiki/Peter_Kropotkin  — લેખક પરિચય

મુળ અંગ્રેજી પુસ્તક (પ્રોજેક્ટ ગુટૅનબર્ગ)

(નરહરિ દ્વા.પરીખ)  — અનુવાદકશ્રી પરિચય

PDF