નમસ્કાર મિત્રો.
મકર સંકાંતિ અને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ. કમૂરતાં ઉતરી ગયા અને હવે સૌનાં ભાગમાં યથાશક્તિ લગ્નામંત્રણો આવી જાય, લગ્નભોજમાં મઘમઘતી મીઠાઈઓ અને ફળફળતાં ફરસાણનો સંયોગ થાય તેવી અંતરની શુભેચ્છા !
સંક્રાંતિકાળે સામાન્ય રીતે પતંગની સહેલ મણાય છે. અમોને બાપ જન્મારે પતંગની કન્ના (કે કન્યા ?!) બાંધતા પણ આવડી નહિ. પણ સહેલ કરતાં તો આવડી જ છે. અને જૂનાણે પડ્યાં હોઈએ, સામો જ ગરવો ગઢ ગિરનાર, ગળાનાં સમ દઈ દઈને કસુંબાના ઘૂંટ ભરાવતા કો‘ક પોરહીલા જજમાન જેવો, ’એ..આવો ! એ…હાલ્યા આવો ! એ…વયા આવો મારો બાપ ! ગામ છોને પતંગની સહેલ માણે આપણે આયાં જંગલમાં મંગલ કરીએ. આજ સપરમાં દાડે અગાશિયું માથે તો મનખનો મેળો ભરાણો છે પણ કો‘ક આ ગલઢેરા દાદાનાં સૂના પડેલાં ખોળાનેય ખૂંદો તો લે‘ર આવે. મારા બાપ ખાલી હાથે વયા આવો. દાદો મલક આખાને ધરવ કરાવી દ્યે એટલી સોંજ રાખીને બેઠો છે. બસ હાલ્યા આવો.’ આમ નોતરાં દઈ દઈને બોલાવતો હોય તંયે ઈ ગરવાનો ખાંડી જેવડો ખોળો મેલીને ખોબા જેવડી અગાશીએ તો કેમ કરીને ‘દિ જાય !
આ સાદ સાંભળ્યો અમારા રાજુભાઈએ, જેઠાભાઈએ, નાગાભાઈએ, અમોએ અને ગામડેથી એક મે‘માન શહેરની સેર કરવા આવેલો એનેય જંગલની લે‘ર કરવા ભેળો બાંધ્યો ! ખરેખર ખાલી હાથે જ ઉપડ્યા ! હવે ઝાઝી વાતુનાં ગાડાં ભરાય. એક ભૂલ થઈ ગઈ ઈ માફ કરો તો બાકી બધુંય એયને જમાવટ વાળું જ હતું ! હું આપણાં મુન્શીને વખત-કવખત તઈડકાવે રાખું કે “કૅમેરો” ભેળો લેતા કાંઉ સરપ કરડે છે ! પણ આજ સપરમા દા‘ડે ઈ સરપ મને જ કરડ્યો ! ખાલી હાથે જાવું ઈ લાયમાં કૅમેરો ભુલાઈ ગયો !! ઈ તો ભલું થાય મોબાઈલ વાળાઓનું કે હવે, જેવા તેવા તો જેવા તેવા પણ, ભેળા કૅમેરા આપવા માંડ્યા છે. બે‘ક માટીયુનાં મોબાઈલમાં આ સગવડ હતી (આપણામાં તો ઈય ન મળે !). તો લ્યો હવે આ મોબાઈલ ફોટાઓની મોજ માણો અને જાણો કે અમોએ કેવી સહેલ કરી !

ગિરનારનો ખોળો ! આ પંથ છે શૂરાનો, નહિ કાયરનું કામ !!
જૂનાણેથી ભેંસાણ વાળા મારગે લગભગ ૨૨ કિ.મી.નો પંથ કાપો એટલે મેંદપરા ગામ આવે. ગામનાં પાદરમાંથી જ જમણી કોરા હેઠાં ઊતરતા મારગે હંકારી મેલો એટલે ૩ કિ.મી. છેટે માલીડા ગામ. ગામ સોંસરવું નીકળ્યા ભેળું ગિરનારની વનરાઈમાં પૂગી જવાશે. ક્યાંક સપાટ તો ક્યાંક ખરબચડો રસ્તો આવે, પણ વાહનને કશું ભો જેવું નઈ ! બીજા ચારેક કિ.મી. જતાં રાજાશાહી જમાનાની યાદ અપાવતો પુરાતન ’કોઠો’ (ગઢની રાંગમાં ગોળ બાંધકામ હોય ઈ ’કોઠો’ કે‘વાય) કળાશે. ઈ કોઠાને ’પાટવડ કોઠો’ એવા નામે ઓળખવામાં આવે છે. અહીંથી ગિરનાર અભયારણ્યની હદ, બાકાયદા, ચાલુ થાય અને ત્યાં વનવિભાગનું ચેકપોસ્ટ પણ છે. મંજૂરી લઈને, વનવિભાગનાં નિયમાનુસાર, પ્રવેશ પામી શકાય. પણ અમે તો પહેલાં પેટપૂજાનાં બંદોબસ્તમાં પડ્યા. ધાર માથે એક અવધૂત બાવાજીનું ઝૂંપડું હતું. ફરવા વાળા ઘણાં લોકો અહીં આવતા હોય અને સાથે જરૂરી માલસામાન પણ લાવતા હોય છે. રાંધે, ખાય અને વધ્યો સામાન બાવાજીને ભળાવતા જાય ! આવો જમા પડેલો રંધોપનો સઘળો સામાન બાવાજીએ અમને આપ્યો. કહ્યું, આમાંથી જે રાંધવું હોય તે જાતે રાંધો, અને મોજથી ખાવ. આમ, સંક્રાંતિના દહાડે, દાન આપવાને બદલે અમે દાન લીધું ! સામે ચારણનો નેસડો હતો, એના મોભીએ ખાટલા ઢાળી બેસાડ્યા, બપોરા કરવા તાણ કરી, પણ અમે જાતે રાંધી ખાવાનો રસ લૂંટવા માંગતા હતા તે સવિનય ના પાડી. (ખાનગી વાત એ છે કે, બાવાજીની ઝૂંપડીએ રવાનો લોટ અને ઘીનું તપેલું અમોને સાદ દેતું હતું !) જો કે એક બોઘડું છાસનાં દાનનો લાભ તો તેમને પણ આપ્યો જ ! જુઓ આ રંગત :
- રોટલી માટે લોટ ચળાઇ રહ્યો છે. આમે ખાખીઓને ચાળી ચાળીને સારો માલ તારવવાની ફાવટ સારી હોય !
- લોટ તૈયાર છે. રાજુભાઈ અને છતે લૂગડે ’નાગા’ભાઈ !
- આ અમારો એક્સપર્ટ વણનારો. જેઠાલાલા ! (ઘરે પણ આ જ કામ હોંકે !!)
- રોટલી પાકી રહી છે. અમારા વડીલ, વિદ્વાન મિત્ર રાજુભાઈને કાચા-પાકાનું જ્ઞાન ઘણું !
- આ હજુ શીખાઉ કલાકાર છે ! નામે તો નરોમાં ઇન્દ્ર પણ અમે લૂગડાં વિનાનો કરી નાખ્યો !!
- આ આવ્યા શાકનાં એક્સપર્ટ કલાકાર ! ધોવું, છોલવું, સુધારવું, વઘારવું અને ચોડવવું. આ છે શાકકલા !
- તો લ્યો, અમો સ્પેશિયલ બેંગન, બટાટા, ટોમેટાનું મસાલેદાર શાક તૈયાર.
- ભજીયા પણ ગરમા ગરમ ઉતરવા લાગ્યા, જરા ચાખી તો લો મુખ્ય રસોયાજી, ’પરફેક્ટ !’
- અને આ આજની ખાસ વાનગી. ઘીથી લચપચતો, કાજુ, બદામ, એલચી, કિસમીસથી લબાલબ ભરેલો શીરો ! (જેના સારૂ તો અમે શ્રાવક થયા !!)
એ..ય..ને, ખાઈ પરવારી પછી ઊપડ્યા અભયારણ્યની ચોકીએ. વિધિવત્ મંજૂરી લઈ આગળ ધપ્યા. ચોમાસામાં તો આમાં ક્યાંય માથુંય ન ગરે ! પણ દિવાળી પછી વનવિભાગ રસ્તાઓ સમરાવે અને ઝાડીઝાંખરા ચોખ્ખા કરી મારગ ચાલેબલ બનાવે. આમે ઓણ વરસ નબળું તે મોટી વનરાઈ લીલી ખરી, બાકી ઝાડી ઝાંખરાં તો માંડ્યા સુકાવા. પાણી પણ ક્યાંય વેતીયાણ ન મળે. ક્યાંક ક્યાંક ઘુંના ભર્યા હોય ઈ થી જનાવરની તરસ છીપે. આ મારગે પ્રથમ સૂરજકુંડ આવે અને પછી આવે સરકડીયા હનુમાન. ઈ થી આગળ પરિક્રમાના મારગે ચઢીને માળવેલા કે જીણાબાવાની મઢીએ જઈ શકાય પણ ડુંગરની ધાર પર ચઢાણ એકદમ આકરું પડે. વાહન ચાલવાનો તો સવાલ જ નહિ. વળી સાંજે ૬ વાગ્યા પછી જંગલમાં રખડવાની મનાઈ પણ છે. તેથી સરકડીયા સુધી જઈ અમો પાછાં ફર્યા. થોડા ચિત્રો એ જગ્યાના :
- સૂરજકુંડ.
- કુંડમાં, સાત ઘોડાના રથ પર સવાર સૂર્યદેવ.
- સૂરજકુંડ નજીક મંદિર.
- સૂરજકુંડ, વડલો.
- સૂરજકુંડ, ખોખડધજ આમલી.
- સૂરજકુંડ. માહિતી પાટિયું.
- મારગના એક અવેળે પાણી પીવા આવેલી નીલગાય.
- સરકડીયા, ચેતવણી પાટિયું.
- સરકડીયા હનુમાન.
- જંગલ મધ્યે નીલગાયોનું ટોળું.
- આ વળી ફોટો પડાવવાનું શોખીન !
- ’રાધા ક્યું ગોરી, મેં ક્યું કાલા !’ – ટીંબરવો અને પીપર એકાકાર થઈ ગયા છે. પ્રકૃતિપ્રેમ.
તંયે લ્યો રામ રામ. તમો પણ ફરી ફરીને થાક્યા હશો ! જરાક વિસામો લ્યો, પોરો ખાવ, પછી પાછાં ઊપડશું કો‘ક નવા ઠેકાણે. આવજો. ધન્યવાદ.
==આ પણ જુઓ==
* મકર સંક્રાંતિ (વિકિપીડિયા ગુજ. પર)
* Makar Sankranti (વિકિપીડિયા અંગ્રેજી પર)