Tag Archives: પરીક્ષા

ડાયરો – શિક્ષણ શ્રાદ્ધ

એ રામ રામ ડાયરાને,
ઘણા દહાડે મળ્યા, હમણાં કેમના ખોવાયા હતા ? સરાદીયા ચાલતા હતા તે ખીર-પૂરીની ઝપટુ લેવામાં પડ્યા હશે કે ! ભાદરવાના તપતા દહાડાઓમાં ખીર ખાવાનું ઘણું મહત્વ છે. સૌએ પોતપોતાની મરજી-માન્યતા મુજબ ખાવી, પણ ખાવી જરૂર (અને બને તો અન્યને પણ ખવડાવવી). આ સરાદીયા આવે એટલે અમને લોકડાયરાના કલાકારોની કેટલીક વાર્તાઓ જરૂર યાદ આવે. એક આડવાત; આ કલાકારો ખરે જ ’કલાકાર’ કહેવડાવવાને લાયક ગણાય ! તેઓ એ દાક્તર છે જે વાઢ્યા વિના પરુ ખેંચી કાઢે છે, અને દર્દી ’ઓઈ…..માં’ ને બદલે ’અ..હા..હા..હા..’ એમ હસતો હસતો ઘરે જાય છે !! તો પ્રથમ એકાદ બે વાતુ આ શ્રાદ્ધ વિશે.

છોકરાઓ કલાકેકથી ખીર-પૂરી લઈને અગાશીએ ઊભા હતા, કાગડાઓ આસપાસ તો ઊડાઊડ કરતા હતા પણ આવડા આની અગાશીએ ફરકતા નહોતા ! અંતે કારણ સમજમાં આવતા મોટાભાઈએ નાનાને કહ્યું: ’બકા, ઝાઝીવાર તડકે ઊભી બા ની તબિયત બગડશે, એને હવે નીચે જઈ આરામ કરવા કહે’ 🙂

એક અગાશીએ વળી ડોશીમાં, દીકરાઓ બધા બાપાની પાછળ કાગવાસ નાંખવા ચઢેલા, એક કાગડો કા…કા… કરતો અગાશીની પાળીએ બેસે પણ ખીર-પુરી સામે નજર કરી વળી ઊડે અને બાજુની અગાશીએ ધરેલી ખીર-પૂરી ઝાપટે ! બહુ વાર આવું થયું એટલે ડોશીએ દીકરાઓને કહ્યું : ’ મને ખબર જ હતી, આવડા આ મર્યા પછીએ સુધરવાનાં નથી ! જીવતાં કદી ઘરમાં ધ્યાન નહોતું દીધું, આડોશ પાડોશમાં જ નજર રાખતા !’ 🙂

મારે પિતૃઓને ઝાઝા કનડવા નથી ! કાગડાઓને ખીર-પૂરી ખવરાવવામાંએ કશો વાંધો નથી, સાથે હાજરાહજૂર પિતૃઓને પણ પ્રેમભાવે ખવડાવવા ! શ્રદ્ધાળુઓ શ્રાદ્ધ તો રોજે રોજ કરી શકે, જીવતા જાગતા પિતૃઓને પ્રેમે ધરવવા એ પણ શ્રાદ્ધ જ છે. અને આ સરાદીયાના પંદર દહાડા એ વાતને વર્ષો વર્ષ યાદ કરાવવા અર્થે જ પ્રયોજવામાં આવ્યા છે એવું મારું નમ્ર મંતવ્ય છે.

આગળ આપણે હસતાં હસતાં રસ્તે ચઢાવવા વિશે જોયું તો ધ્યાને આવ્યું કે હમણાં હમણાંનું ઘણા મિત્રોને આ ઠીક માફક આવ્યું છે ! લોકોને પણ ઉગ્રપણે ધોકો પછાડનાર કરતાં હળવાશથી સમજાવનાર વધુ ગમે છે. અમે ભણતા (તમે પણ ભણતા કે ?) ત્યારે કયા માસ્તરો અમારા ફેવરિટ હતા તે યાદ કરીએ તો સમજાય છે કે જેઓ ગમ્મત સાથે જ્ઞાન આપી જાણતા તે વધુ પૉપ્યુલર હતા, દાંત કાઢનાર (થપ્પડ ઝીંકીને !) કરતાં દાંત કઢાવનારનાં વર્ગમાં હોંશે હોંશે જતા ! કયો વિષય એવો છે જે હળવેથી ના સમજાવી શકાય ? પણ આજકાલનાં જ્ઞાની ગુરુજનો આ વાત સમજતા લાગતા નથી ! અરે જ્ઞાનીજનોએ તો મૃત્યુને પણ બહુ મજાથી સમજાવ્યું છે પણ આજકાલનાં આ જ્ઞાનીજનોએ તો તેને સાવ મજાક બનાવી દીધું છે ! હવે એક ગંભીર વાત પણ ડાયરાને વિચારાધિન કરું.

ભાર વિનાના ભણતરના આ દોરમાં માત્ર પંદર દહાડાના સમયગાળામાં જ રાજકોટમાં સાત સહિત સૌરાષ્ટ્રનાં કુલ અગિયાર વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધો.  એકાદ બેને કોઈ અંગત કારણ હોઈ શકે પણ મહદંશે તો ભણતરનો ભાર જ કારણરૂપ નિવડ્યાનું સમજાય છે. સમાજશાસ્ત્રીઓ, શિક્ષણવિદ્દો (રાજકારણીઓનું તો નામ લેવું પણ નકામું છે ! તેઓને તો પોતાના રોટલા શેકવામાંથી કે પોતાની ભાટાઈઓ કરાવવામાંથી જ ક્યાં નવરાશ મળે છે !!) કેમ કંઈ વિચારતા નથી ? બોલતા નથી ? આ વિદ્યાર્થીઓના, વિકરાળ સમયમાંથી પસાર થઈ રહેલા સૌ સ્નેહીજનોના, દુઃખમાં અમે પણ ભાગીદાર છીએ. પાકી ગયેલા પર્ણનું ખરવું એ તો પ્રકૃતિનો નિયમ છે પણ કૂણી કૂંપળ અકાળે કરમાઈને ડાળીએથી વિખુટી પડી જાય છે તેનું દુઃખ અમે અંગતપણે પણ અનુભવ્યું છે, તેની સાંત્વના કેમ અપાય તે સમજાતું નથી. કોઈ યુવામિત્રને, કોઈ નબળી ક્ષણે, આવો નબળો વિચાર આવે તો એક શેર યાદ કર્યા જેવો છે;

અબ તો ઘબરાકે યે કહતે હૈ કી મર જાયેંગે,
મરકે ભી ચૈન ન પાયા તો કીધર જાયેંગે. — (ઈબ્રાહિમ ઝૌક)

એક અમેરિકન જનરલ હતો જેના નામે પેટન ટૅન્ક બનાવવામાં આવેલી. આ જનરલ પેટન તેના સૈનિકોને યુદ્ધમોરચે મોકલતા કહેતો કે, ’જવાનો, શહીદીનો લાભ દુઃશ્મનોને લેવા દેજો, તમે તો જીવતા જ પરત આવજો !’ આપણે તો ’જય રણછોડ’નો નારો લગાવીએ છીએ પણ તેનું હાર્દ સમજતા નથી. આજે જીવતો રહેનાર કાલે ફરી લડી અને જીત મેળવશે, મૃત્યુ આવે ત્યારે હસતાં હસતાં ગળે વળગાડવું એ વીરતા છે પણ સામેથી દોડીને મૃત્યુને ગળે વળગવું એ કાયરતા છે ! યુવાઓને અન્યાય સામે લડવા માટે સૌ પ્રથમ ટેકો ઘરેથી મળવો જોઈએ, અમુક વાતો સાંભળવામાં સારી લાગે અને સજ્જનતાનાં ધોરણ તરીકે બહુ રૂઢ પણ થઈ ચૂકી છે છતાં જરૂરી સમયે તેને અતિક્રમી જવી એ જીવનવ્યાપન માટે ઘણું જરૂરી છે. શરમ, લોકલાજ, સજ્જનતા, શાંત હોવું, ડાહ્યાં હોવું, વગેરે વગેરેની વ્યાખ્યા કરવામાં સમાજે ચૂક કરી છે. વિદ્વાનો માનશે નહીં પરંતુ આ હકીકત છે. અહીં મૂંગે મોંએ અન્યાય સહન કરનારી દીકરી ડાહી ગણાય છે અને અન્યાય સામે માથું ઊંચકનાર બેશર્મ કે મોંફાટ ગણાય છે. મને યાદ છે, ભણતો ત્યારે મારા બા કહેતા કે ક્યાંય પણ અન્યાય જણાય તો મારીને આવજે, માર ખાઈને આવતો નહીં ! યુવાઓ કે વિદ્યાર્થીઓ પોતાની નાનીમોટી, સારીનરસી, સમસ્યાઓ કાં તો સગાં મા-બાપને જણાવતા ડરશે અથવા તો તેને મા-બાપની સમજદારી, પ્રૉબ્લેમ સોલ્વ કરવાની શક્તિ, પર વિશ્વાસ રહ્યો નથી. કોઈક કોઈક ભાગ્યશાળીઓને વળી સારા સલાહકારની ગરજ સારે તેવા મિત્રો મળી રહે છે અને ખડી પડેલી ગાડી ફરી પાટે ચઢી જાય છે પણ બધા આવા ભાગ્યશાળી નથી હોતા. ક્યાંક ખાટલે જ મોટી ખોટ રહી છે.

મરવું તો કોને ગમતું હોય ? અને છતાં કોઈક એવી સ્થિતિ આવતી હશે ને જ્યાં માણસને મૃત્યુ વધુ વહાલું લાગતું હશે. આત્મહત્યાનાં પક્ષ-પ્રતિપક્ષમાં ઘણી દલીલ આપી શકાશે, પણ અફસોસ કે ટાણે એકે કામ આવતી નથી. અને એ જ દર્શાવે છે કે હજુ આપણે કંઈક ભૂલીએ છીએ, ચૂકી ગયા છીએ. વાંક કોઈ એકનો નથી, બહુ બધાના વાંકે આ સ્થિતિ આવી ઊભી છે. હવે મારે એકલાએ જ વધુ વાંકદેખુ નથી થવું, ડાયરો પણ થોડો સાથ પુરાવશે એવી આશા.

આગળ આમ તો હસતાં હસતાં રસ્તે ચઢાવનારાઓ વિશે લખવું હતું પણ હવે આજે એ શક્ય નથી, પછીના લેખમાં લેશું. આજે તો આટલું જ.