Tag Archives: નીતિશતક

નીતિશતક (૩) – સજ્જનતા (૩)

 

નીતિશતક (૩) – સજ્જનતા (૧)  અને નીતિશતક (૩) – સજ્જનતા (૨) નાં અનુસંધાને આજે આ લેખમાળાનો ત્રીજો અને છેલ્લો લેખ અહીં પ્રસ્તુત છે. આશા છે સૌ કોઇને આમાંથી પોતાને લાયક જ્ઞાન મળી રહેશે, આભાર.  

भवन्ति नम्रास्तरव: फलोद्गमै: नवाम्बुभिर्भूमिविलम्बिनो घना:।

अनुद्धता: सत्पुरुषा: समृद्धिभि: स्वभाव एवैष परोपकारिणाम्।।७१।।

ફળ આવે છે ત્યારે વૃક્ષો નીચાં ઝુકે છે. નવા પાણીથી વાદળો જમીન પર ઝળુંબે છે. સજ્જનો સમૃદ્ધિથી ઉદ્ધત બનતા નથી (નમ્ર, વિનયી બને છે). પરોપકારી મનુષ્યનો આ જ સ્વભાવ છે.

 નમ્રતા એ કુદરતી ગુણ છે. જેમ જેમ સત્તા, સંપતિ, જ્ઞાન કે કીર્તિ વધતા જાય છે તેમતેમ સજ્જનો નમ્ર થતા જાય છે. અહીં ’ક્ષમા વિરસ્ય ભૂષણમ’ પણ યાદ આવે છે.

આ શ્લોક કાલિદાસના શાકુન્તલનાં પાંચમાં અંકમાં પણ જોવા મળે છે, અન્ય પણ ઘણા શ્લોક આમ જોવા મળે છે, આ કારણોથી અમુક શ્લોકનાં કર્તૃત્વ બાબતે વિદ્વાનોના વિચાર વિમર્શ ચાલુ રહે છે. પરંતુ તે આપણો વિષય ન હોય, આપણે તો ટપટપ છોડી અને રોટલાથી કામ રાખીએ !!! 

श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कणेन।

विभाति काय: करुणापराणां परोपकारैर्न तु चन्दनेन।।७२।।

દયાળુ પુરુષોના કાન શાસ્ત્રોના શ્રવણથી શોભે છે, કુંડળથી નહીં; તેમના હાથ દાન (આપવાથી) શોભે છે, કંકણથી નહીં; તેમનો દેહ પરોપકારના કાર્યોથી શોભે છે, ચંદનથી નહીં.  

બાહ્યાચાર કે બાહ્યસૌંદર્ય કરતા સદ્‌ગુણોથી વ્યક્તિ વધુ શોભે છે તેમ કહેવાનો  આ પ્રયાસ છે. 

पापान्निवारयति योजयते हिताय

गुह्यञ्च गूहति गुणान्प्रकटीकरोति।

आपद्गतञ्च न जहाति ददाति काले

सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्त:।।७३।।

પાપી કાર્યોમાંથી (પાપકર્મોથી) વારે છે અને હિતકારક કાર્યોમાં પરોવે છે, છુપાવવા લાયક બાબત છુપાવે છે અને ગુણોને પ્રગટ કરે છે, આફતના વખતે છોડી જતો નથી અને વખત આવ્યે (ધન વગેરે) આપે છે. — આ સારા મિત્રનું લક્ષણ (છે તેમ) સજ્જનો જણાવે છે. 

 

पद्माकरं दिनकरो विकचीकरोति

चन्द्रो विकासयति कैरवचक्रवालम्।

नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति

सन्त: स्वयं परहिताभिहिताभियोगा:।।७४।।

કહ્યા વિના સૂર્ય કમળોને ખિલવે છે, ચંદ્ર પોયણીના સમૂહને વિકસિત કરે છે, વાદળ વગર માંગ્યે પણ જળ આપે છે. (આમ) સજ્જનો પોતે જ પારકાના હિત માટે ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરનારા હોય છે.

 

क्षीरेणात्मगतोदकाय हि गुणा दत्ता: पुरा तेऽखिला:

क्षीरे तापमवेक्ष्य तेन पयसा स्वात्मा कृशानौ हुत:।

गन्तुं पावकमुन्मनस्तदभवद्दृष्ट्वा तु मित्रापदं

युक्तं तेन जलेन शाम्यति सतां मैत्री पुनस्त्वीदृशी।।७६।।

પહેલાં તો દૂધે પોતામાં રહેલાં પાણીને  (પોતાના) પેલા બધા ગુણ આપી દીધા. તે પાણીએ દૂધને તાપ લાગતો જોઇને પોતાની જાતને અગ્નિમાં હોમી દીધી. મિત્રની તે આફત જોઇને તે (દૂધ) અગ્નિમાં (કૂદી) પડવા તલપાપડ બની ગયું. છેવટે પેલા પાણી શાથે તે જોડાયું ત્યારે શાન્ત પડ્યું. સજ્જનોની મૈત્રી આવી હોય છે. 

 

અહીં મિત્રતાનો ઉત્તમ આદર્શ દૂધ અને પાણીનાં ઉદાહરણ દ્વારા આપ્યો છે. અહીં સાચા મિત્રને દૂધ અને સામાપક્ષે રહેનારને પાણી કહેલ છે. જેમ દૂધમાં પાણી ભળે એટલે તેને પણ દૂધનાં ઉત્તમ ગુણો (અને ભાવ પણ 🙂 ) અને ઉચ્ચ દરજ્જો મળી જાય છે. હવે દૂધ જ્યારે વિપત્તિમાં આવે છે, એટલે કે તાપ પર ચડે છે, ત્યારે દૂધને આંચ ન આવે તે માટે પાણી પોતે વરાળરૂપે ઉડવા માંડી મિત્રતાનું ઋણ ચુકવે છે. સામે પક્ષે દૂધ પણ કેવું છે ? તે મિત્રને (પાણીને) વરાળ થતું બચાવવા માટે સ્વયં આગમાં ઝંપલાવવા માંડે છે (ઉભરો આવે છે). અને જ્યારે તેનો પાણી શાથે ફરી સંયોગ થાય છે (એટલે કે ઉભરાતા દૂધમાં થોડું પાણી નાખવામાં આવે છે) ત્યારે જ શાંત થાય છે. અહીં દુધ ગરમ કરવાથી ઉભરાય છે તેવી એક સામાન્ય ઘટનામાંથી ભર્તૃહરિએ કેવો સુંદર બોધ તારવ્યો છે !  (હવે દૂધવાળા ભૈયાઓ  આમાંથી બોધ તારવીને ક્યાંક વધુ પાણી ન ઠપકારતા થાય તો સારૂં 🙂 ) 

तृष्णां छिन्धि भज क्षमां जहि मदं पापे रतिं मा कृथा:

सत्यं ब्रूह्यनुयाहि साधुपदवीं सेवस्व विद्वज्जनान्।

मान्यान्मानय विद्विषोऽप्यनुनय प्रख्यापय स्वान्गुणान्-

कीर्तिं पालय दु:खिते कुरु दयामेतत्सतां लक्षणम्।।७८।।

તૃષ્ણાને છેદી નાખ, ક્ષમા અપનાવ, અહંકારને માર, પાપમાં આસક્તિ ન રાખીશ, સાચું બોલ, સજ્જનોના માર્ગને અનુસર, વિદ્વાન માણસોનું સેવન કર, માનનીય વ્યક્તિઓને માન આપ, શત્રુઓને પણ સમજાવી લે, પોતાના ગુણોને પ્રગટ કર, કીર્તિ જાળવી રાખ, દુ:ખિયાંઓ પર દયા કર. સજ્જનોનું આ લક્ષણ છે.

 

मनसि वचसि काये पुण्यपीयूषपूर्णा-

स्त्रिभुवनमुपकारश्रेणिभि: प्रीणयन्त:।

परगुणपरमाणून्पर्वतीकृत्य नित्यं

निजहृदि विकसन्त: सन्ति सन्त: कियन्त:।।७९।।

મન, વચન અને દેહમાં પુણ્યરૂપી અમૃતથી ભરપૂર, ઉપકારોની પરંપરાથી ત્રણેય ભુવનોને પ્રસન્ન કરતા, પારકાના પરમાણુ જેવા ગુણને હંમેશાં પર્વત જેવા (મહાન) કરીને પોતાના હૃદયમાં આનંદ પામતા સજ્જનો કેટલા હશે ?    

અન્યનાં નાના ગુણને પણ મોટો માની આનંદમાં રહેવું, ગુણગ્રાહી બનવું તે સજ્જનોનું લક્ષણ છે. પરંતુ આવા સજ્જનો શતકકારનાં સમયમાં પણ બહુ ઓછા જ જોવા મળતા હશે ! એવું અહીં સમજાય છે.  

किं तेन हेमगिरिणा रजताद्रिणा वा यत्राश्रिताश्च तरवस्तरवस्त एव।

मन्यामहे मलयमेव यदाश्रयेण कङ्कोलनिम्बकुटजा अपि चन्दना: स्यु:।।८०।।

જેના આશ્રયે રહેલાં પેલા વૃક્ષો (જેવાં ને તેવાં) વૃક્ષો જ રહે છે એવા પેલા સુવર્ણના (મેરુ) પર્વત કે ચાંદીના (કૈલાસ) પર્વતનો શો લાભ છે ? જેનો આશ્રય લેવાથી કંકોલ, લીમડો અને કુટજનાં (વૃક્ષો) પણ, ચંદન થઇ જાય છે તે મલયપર્વતને જ અમે (ઉત્તમ) માનીએ છીએ. 

અહીં જે તે સમયની માન્યતા પ્રમાણે ઉદાહરણ આપવામાં આવેલ છે, શબ્દાર્થમાં ન જતાં સાર ગ્રહણ કરવા વિનંતી. મુળ વાત તો એ છે કે જેનો સંગ જીવનમાં ઉત્તમતા ન લાવી શકે તેઓ સોના કે ચાંદી જેવા મુલ્યવાન ગણાતા હોય તો પણ શું કામનું !

छिन्नोऽपि रोहति तरु: क्षीणोऽप्युपचीयते पुनश्चन्द्र:।

इति विमृशन्त: सन्त: संतप्यन्ते न ते विपदा।।८७।।

કપાવા છતાં વૃક્ષ ફરીથી ઊગે છે. ક્ષીણ થયેલો ચંદ્ર પણ ફરીથી ઊગે છે. આ પ્રમાણે વિચારતા સજ્જનો આફતોથી ઘેરાયેલા હોય તો પણ સંસારમાં સંતાપ અનુભવતા નથી.

વિપત્તિમાં ધીરજ રાખવાથી ઘોર આફતમાંથી પણ ઉગારો થાય છે, કારણકે દુ:ખ કાયમ હોતું નથી. વૃક્ષ અને ચંદ્રને અહીં ઉદાહરણ તરીકે લઇ, કુદરતનો આ ક્રમ સમજાવ્યો છે. રાખમાંથી ફરી બેઠા થતાં ફિનિક્સ પક્ષીની દંતકથા પણ યાદ આવે છે. કંઇ કેટલી નિષ્ફળતાઓ પછી પણ હિંમત ન હારનારા અને અંતે સફળતા મેળવનારા વિરલાઓનાં હજારો દ્ર્ષ્ટાંત મળી આવે છે. હમણાં પરીક્ષાઓનાં પરિણામની ઋતુ આવશે !  સૌ વિદ્યાર્થી મિત્રોને સાફલ્યની શુભેચ્છા. અને આ એક શ્લોક વેકેશનમાં પાકો કરી લેવા અનુરોધ !  

આ શાથે નીતિશતકમાં ’સજ્જનતા’ પર વિચાર વર્ણવતા સુભાષિતો અહીં સમાપ્ત થાય છે, આગળ આપણે એક નવો જ વિચાર જોઇશું, પ્રસ્તુત વિષય પર આપના વિચારો આવકાર્ય છે, આભાર.  

ભર્તુહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:

ભરથરી-on wikipedia

* ભરથરી (કવિ)-on wikipedia

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia

* નીતિશતક (સંસ્કૃતમાં) – વિકિસ્ત્રોત પર