Tag Archives: ધ પ્રોફેટ

(ઘર) વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૭)-ખલિલ જિબ્રાન

મિત્રો, નમસ્કાર. આજે ફરી આપણી ખલિલ જિબ્રાન કૃત “વિદાય વેળાએ” શ્રેણીને આગળ વધારીએ. આજે વાત કરીશું “ઘર” વિશે.
એક કડિયો આગળ આવીને બોલે છે કે, અમને ઘરો બાંધવા વિશે સમજાવો. અને તે કારણે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ચાલો આજે ’ઘર’ પરત્વે થોડું ચિંતન કરીએ.

“શહેરની અંદર ઘર બાંધતા પહેલાં જંગલમાં તમારી કલ્પનાઓની એક કુંજ તૈયાર કરો.
કારણ, જેમ સાંજ પડ્યે તમે ઘર તરફ પગલાં માંડો છો, તેમ જ અતિ દૂર અને એકાકી એવો તમારા અંતરનો પ્રવાસી પણ કરે છે.”

“તમારું ઘર એ તમારું વિરાટ શરીર છે.”

“એ સૂર્યમાં વધે છે અને રાતની શાંતિમાં નિદ્રા લે છે; અને એ પણ સ્વપ્નરહિત નથી. શું તમારું ઘર સ્વપ્નાં જોતું નથી ? અને સ્વપ્નમાં શહેર છોડી વનમાં કે પર્વતશિખરે જતું નથી ?”
(ઘરો બાંધ્યા તે પહેલાં તમારું શહેર એક મોટું વન કે ટેકરી જ હતું. વન અને ટેકરીઓ જ ઘરની જન્મભૂમિ હોઇ જેમ આત્મા પોતાની જન્મભૂમિનું (અનંત તત્ત્વનું) સ્વપ્ન જુએ તેમ ઘર તેમનું સ્વપ્ન જુએ. — અનુ.)

“ઇચ્છા તો એવી થાય છે કે તમારાં ઘરોને મારા હાથમાં એકઠાં કરી, ખેડુ જેમ બીને વેરે છે, તેમ એ બધાંને જંગલ અને મેદાનમાં વેરી શકતો હૌં તો કેવું સારું !”

“ખીણો જ તમારી પોળો હોય, અને હરિયાળી કેડીઓ જ તમારી ગલીઓ હોય, અને તમારે દ્રાક્ષની કુંજોમાં થઇને જ એકબીજાને મળવા જવું પડતું હોય, અને પૃથ્વીની સોડમથી તમારાં કપડાંને સુવાસિત કરીને જ ફરવું પડતું હોય તો કેવું સારું !”

“બીકના માર્યા તમારા પૂર્વજોએ તમને બહુ જ નજીક એકઠા કરી મૂક્યા છે.”

“હું પૂછું છું કે આ ઘરોમાં તમે શું રાખ્યું છે ? અને બારણાઓને તાળાં મારી તમે શું સાચવ્યા કરો છો ?
શાંતિ – તમારી શક્તિને પ્રગટ કરનારી મૂંગી પ્રેરણા – શું તેમાં છે ?
કે, સ્મૃતિઓ – કલ્પનાનાં શિખરો પર ચડી જનારી તેજસ્વી પગથીઓ – શું તેમાં ભરી છે ?
કે, કાષ્ઠ અને પથ્થરની કળામાંથી પવિત્ર ગિરિશિખર પર હૃદયને પહોંચાડનાર સૌંદર્ય શું તેમાં રાખેલું છે ?”

“કે, શું તેમાં માત્ર સગવડો, અને તૃષ્ણા જ છે – કે જે લુચ્ચાઈથી તમારા ઘરમાં પહેલાં પરોણા તરિકે દાખલ થાય છે, અને પછી કુટુંબી બને છે, અને પછી ધણી થઇ બેસે છે ?
…એના હાથ જોકે રેશમના છે, છતાં તેનું હૃદય લોખંડનું છે.”

“સાચે જ, સગવડોની તૃષ્ણા આત્માની ભાવનાઓનું ખૂન કરે છે,..”

આ બધા વાક્યોને વધુ સમજવા, સમજાવવા પડે તેવું લાગે છે ? અહીં વાત માત્ર ઈંટ-પથ્થરની બનેલી દિવાલોની નથી, માણસ માણસ વચ્ચે અને માણસ તથા કુદરત વચ્ચે ચણાયેલી દિવાલોની પણ છે. અરે સ્વયં માણસ અને તેના દિવ્ય આત્મા વચ્ચે ચણાયેલી દિવાલની વાત છે. એક સમજવા જેવી વાત એ પણ આવી કે બીકના માર્યા આપણા પૂર્વજોએ આપણને એક જગ્યાએ એકઠ્ઠા કરી મુક્યા, શહેરો,ઘરો જેવા વાડાઓમાં પુર્યા. અર્થાત આપણી આ નિકટતા બીકની મારી પેદા થયેલી નિકટતા બની છે. ખરેખર તો નિકટતાનું કારણ પ્રેમ હોવું જોઇએ. (જો કે અહીં જીબ્રાન એવું સ્પષ્ટ નથી કરતા પરંતુ મને એવો ભાવાર્થ સમજાયો છે)

છેલ્લી બે કડીઓમાં જુઓ કે જેને બંગલો, વધુને વધુ આલીશાન બંગલો, ફાઇવસ્ટાર જમણ કે ડીઝાઇનર વસ્ત્રો જેવી મોંઘીદાટ સગવડોની તૃષ્ણા ન હોય તેને લાંચ કે ભ્રષ્ટાચાર કરવાની શી જરૂર પડવાની ? આપ હજુ આગળ વિચારી શકો છો ! 

“પણ હે અનંત આકાશનાં બાળકો, શાંતિમાં અશાંત રહેનારાંઓ, તમે પાંજરામાં પુરાઓ ના અને ગોઠમાં બંધાઓ ના.
લંગરને નહીં પણ સઢને તમારું ઘર બનાવો.”

કેટલી સુંદર વાત કરી છે, સામાન્ય રીતે ઘર આપણા માટે બંધન બની જાય છે, પાંજરૂં બની જાય છે. જેમાં અનંત આકાશમાં વિહરવાની મુળભુત ઈચ્છાવાળા આપણે આપણું મુળ સ્વરૂપ ભુલી અને પુરાઇ રહીએ છીએ. ખરેખર તો ઘર આપણને એક જગ્યાએ બાંધી રાખતું લંગર નહીં પણ પ્રગતિના પંથે દોરી જનાર સઢ સમાન બની રહેવું જોઇએ.

“બારણામાં પેસી શકો માટે તમારી પાંખો બીડવી પડે, માથું છાપરામાં ભટકાય નહીં માટે નીચું નમવું પડે, અને ભીંતો ચીરા પડી તૂટી ન પડે માટે શ્વાસ લેતાંયે ડરવું પડે – એમ ન હો.”

કદાચ કવિ એમ કહેવા માંગે છે કે ઘરને બચાવવાની ચિંતા કરવી પડે તેવું ન હોવું જોઇએ ! તમારી કલ્પનાઓ અને તમન્નાઓની પાંખો બીડવી પડે. તમારી મગરૂરીને, તમારા આત્મગૌરવને હણી અને સમજુતીઓ કરવી પડે. તમારા કંઇક કરી બતાવવાના જોમને હણી અને ક્યાંક ભંડારી દેવું પડે. માત્ર એક માની લીધેલા ઘરને બચાવવા માટે ! અહીં ઘરના અર્થમાં લગ્નજીવન, ધંધો-વ્યાપાર, નોકરી, પરિવાર, અરે આપણો એક આ નાનકડો બ્લોગ જ કલ્પી લો અને વિચારો, આપણે ક્યાંક આ બધા માની લીધેલા ’ઘરો’ને બચાવવા માટે આપણા અંતરઆત્મા સાથે વધારે પડતી સમજુતીઓ તો નથી ને કરતા ? 

“જીવતાઓ માટે મરેલાઓએ બાંધી રાખેલી કબરોમાં તમે વસો નહીં.”

આપણામાં એક કહેવત છે કે; ’બાપનાં કુવામાં ડુબી ન મરાય’ ! અહીં જિબ્રાન પણ એ મતલબનું જ કંઇક કહે છે તેવું નથી લાગતું ? અહીં ઘરનો માત્ર સ્થુળ અર્થ ન લઇએ તો કુરિવાજો, અસંબંધ પરંપરાઓ, રુઢીઓ, પ્રથાઓ, અરે આગળથી ચાલી આવતા અને ઘર કરી ગયેલા પૂર્વગ્રહો વગેરેને પણ મરેલાઓએ બાંધી રાખેલી કબર સમાન ગણી તેમાંથી છૂટકારો પામવાની વાત થતી હોય તેવું લાગે છે. હજુ થોડું આગળ વિચારો તો એક નાત-બીજી નાત, સવર્ણો-દલિતો, આ સંપ્રદાય- પેલો સંપ્રદાય, ગોધરા-અનુગોધરા, રામજન્મભૂમી-બાબરી, ભારત-પાકિસ્તાન અરે આર્ય-અનાર્ય, દેવ-દાનવ, આ શાસ્ત્ર-પેલું શાસ્ત્ર, ધર્મ-અધર્મ, આ બધી જીવતાઓ માટે મરેલાઓએ બાંધેલી કબરો નથી લાગતી શું ?  જેમાં જીવતાઓ સત્તત હોમાતા જ રહે છે, બલિ ચઢતા જ રહે છે.

“અને ભવ્ય અને સુશોભિત હોય તોયે તમારાં ઘરમાં કશું ગુપ્ત ન રાખો, અને ન તો તૃષ્ણાઓને સંઘરો.
કારણ જે અનંત તમારામાં રહે છે, તેનો વસવાટ તો આકાશના ભુવનમાં છે; પ્રભાતની ઝાકળ તેનું બારણું છે, અને રાત્રીનાં ગાન અને મૌન તેની બારીઓ છે.”

તો હે મારા વ્હાલા મિત્રો, અત્યારે એક કામ જરૂર કરજો; પ્રતિભાવ નહીં આપો તો પણ ચાલશે (અને આપશો તો હું આપનો આભારી બનીશ ખરો !) પરંતુ આપણે માની લીધેલા આ ઘરની ચાર દિવાલો વચ્ચેથી તુરંત બહાર નીકળી ખુલ્લી હવામાં બે-ચાર શ્વાસ જરૂર ભરી આવજો. બહાર નવા પર્ણ, પૂષ્પ કે ફળોથી લચી પડેલી વૃક્ષની ડાળે બેઠેલાં એકાદ મસ્તફકિર સમા પંખીનું મધૂરૂં ગાન જરૂર માણી આવજો. બે ઘડી રૂપિયા-પૈસા, ડોલર-પાઉન્ડને ભૂલી અને સામે નજરે ચઢતાં (આપને બહુ દુર ન જવું પડે તેવી આશા રાખું છું !) કુદરતનાં સૌંદર્યને આંખમાં અને તેની મદહોશ સુગંધને નાકમાં જરૂર ભરી આવશો. બસ આટલું કરશો એટલે અમારી મહેનતનું ફળ તો અમને મળી જ ગયું સમજો.

તો આમ આજે જિબ્રાને આપણને ઘરબાર વગરનાં કરી મેલ્યા ! જો કે મારી આ વાત પણ અણસમજાઇ ભરેલી ગણાય, કારણ કે અહીં ક્યાંય ઘરનો વિરોધ નથી કરાયો, ઉલ્ટું ઘરના અસ્તિત્વનો સ્વિકાર કરાયો છે. બસ માત્ર એટલું સમજવા પર ભાર મુકાયો છે કે; ઘર ક્યાં અને કેવું હોવું જોઇએ તથા ઘરમાં શું હોવું અને શું ન હોવું જોઇએ ! તો આ શ્રેણીના હવે પછીના લેખમાં આપણે જોઇશું કે તે કઇ રીતે આપણને આજ પ્રકારે “કપડાં” વિનાના કરી મેલે છે !! એક પછી એક આવરણ હટતાં જશે ત્યારે તો આપણને દેખાશે ’સત્યનો પ્રકાશ’.
આભાર.

વધુ વાંચન માટે :

* ખલિલ જિબ્રાન- અંગ્રેજી વિકિપીડિયા પર  
* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિપીડિયા પર  (પુસ્તક વિશે માહિતી)  
* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિલિવર્સ પર  (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)
* ધ પ્રોફેટ -લેબ.નેટ પર  (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)
* ધ પ્રોફેટ (પુસ્તક, કલાત્મક લખાણમાં, અંગ્રેજીમાં)