Tag Archives: છપ્પા

અખાની વાણી (૨)-અખો અને તેનું કાવ્ય

“અખો અને તેનું કાવ્ય” નિબંધ શ્રી અખંડાનંદજી સંપાદિત “અખાની વાણી” પુસ્તકમાં પ્રસિદ્ધ થયેલ છે.

શ્રીયુત નર્મદાશંકર દેવશંકર મહેતાએ સંવત ૧૯૫૯, અષાઢ સુદ ૮ ના દિવસે ’ગુર્જર સાક્ષર જયંતિ’ નિમિત્તે મળેલી સભામાં આ નિબંધ વાંચેલો. જયેષ્ઠ માસના “વસંત” (આ એક મેગેઝિન હતું) માં તેઓનો આ નિબંધ પ્રસિદ્ધ થયેલો.

અખાનાં સાહિત્યનો અને તે બહાને આપણને તો તે સમયનાં ગુજરાતી સાહિત્યનો થોડો પરિચય મળે તે આશયથી આ નિબંધનાં અમુક રસપ્રદ અંશો અહીં સાભાર રજુ કરું છું.

સર્વ ભાષામાં ગદ્ય કરતાં પદ્યનો આરંભ પ્રથમ થયેલો હોય છે તેજ ન્યાયે આપણી ગુર્જરી ભાષામાં પણ કાવ્યોની પ્રતીતિ પ્રથમ થયેલી છે. ગુજરાતી કાવ્યનાં વિકાસક્રમનાં ત્રણ પગથીઆં છે.

(૧) પ્રાચીન કાવ્ય; જેની સાદી શોભા આદિ કવિ નરસિંહ મહેતામાં, ભક્ત કવિ વિષ્ણુદાસ તથા ભાલણમાં, અને કેટલાક જૈની કવિઓમાં ઝળકે છે.

(૨) મધ્યકાલીન કાવ્ય; જેમાં કથારસમાં નિપુણ શામળ, સર્વરસચતુર પ્રેમાનંદ, તત્વવિચારમાં કુશળ અખો, ભોજો, ધીરો તથા પ્રીતમ, અને શૃંગારરસિક દયારામની કૃતિઓ પ્રધાનપદ ભોગવે છે.

(૩) અર્વાચીન કાવ્યનો આરંભ કવિ દલપતરામથી થાય છે. આ છેલ્લા સમયમાં પશ્ચિમનાં વિચારોની છાયાની સંક્રાન્તિ થયેલી અનુભવાય છે,અને તેની શાથે આપણી વૃદ્ધ માતૃભાષા સંસ્કૃતના અભ્યાસના ફળરૂપે વાણીની વિશુદ્ધિ પણ અધિક પ્રવેશ પામેલી જણાય છે. આ સમયના કેટલાક તારાઓ નર્મદાશંકર, બાલાશંકર, આદિ અસ્ત થયા છે, અને ક્ષિતિજ ઉપર અન્ય ઝળકે પણ છે.

 મધ્યકાલીન કવિઓમાંના અખાની ગુજરાતી ભાષામાં જે ચમત્કૃતિ છે તે અન્યમાં નથી

અખાને કવિ ગણવો, ભક્ત ગણવો,  તત્વવિચારક ગણવો, કે તત્વજ્ઞ ગણવો એ સંબંધમાં ઘણા મતભેદ પરીક્ષકની વૃત્તિમાં આવતા હોવા સંભવ છે. જેઓ શબ્દ તથા અર્થના અલંકારમાંજ કાવ્યનો આત્મા આવી ઠર્યો એમ માને છે તેમને અખો કવિરૂપે લાગવાનો નહીં; પણ નિર્દોષ શબ્દ વડે કોઇ પણ અંગી રસની નિષ્પત્તિ કરવામાં કાવ્યનું રહસ્ય રહ્યું છે એવું જેઓ માને છે તેને તો અખો નિ:સંશય કવિરૂપે ભાસવાનો. જે રસની નિષ્પત્તિ કરવાનો આશય હોય તે રસની નિષ્પત્તિ થવા સારૂ જે શબ્દનું, અર્થનું, વર્ણનું, ભાવનું ઔચિત્ય જોઇએ તે ઔચિત્ય જેમાં સ્ફુરે છે તે શબ્દરચનાજ કાવ્ય છે, અને તેવા ઔચિત્યવાળીજ અખાની રચના છે એમ પ્રત્યેક વિચારકને જણાશે. આ ઔચિત્યને કાવ્યનો આત્મા ગણી વેદકાલીન મંત્રદ્રષ્ટાને પણ કવિ કહેવાની પ્રથા સંસ્કૃત ભાષામાં ચાલે છે; કેમકે તેઓ ’ક્રાંતદર્શી’  એટલેકે વિશ્વદ્રષ્ટિ વાળા હતા.

  જે કાવ્યથી માત્ર સાંસારિક રસનો અનુભવ થાય છે, પણ અંત:કરણમાં બોધની છાયા પડતી નથી; તે કાવ્ય પ્રજાની નૈતિક ઉન્નતિમાં કાંઇ પણ ઉપયોગનાં નથી. જેમ વસ્ત્રાલંકારમાં વનિતાનું સૌંદર્ય નથી પણ તેના અંગ-ઉપાંગોમાં ઝળકતા લાવણ્યમાંજ સૌંદર્ય છે, તેમ શબ્દ તથા અર્થના અલંકારમાં કાવ્યનું કાવ્યત્વ નથી પણ શબ્દાર્થને પડદે રહેલા બોધમય રસમાં કાવ્યત્વ છે.

આચાર શુદ્ધ વિચારના ફળરૂપ હોવો જોઇએ, તે વિના મૃત શરીરતુલ્ય ગણાવો જોઇએ, એ સિદ્ધ કરવા તેનો ખાસ આગ્રહ છે. આચારનું વાસ્તવ સ્વરૂપ વર્ણવતા અખો કહે છે:-

“ઇશ્વર જાણે તે આચાર, એ તો છે ઉપલો ઉપચાર;

“મીઠાં મૌડાં માન્યા દ્રાખ, અન્ન નોય અનમાની રાખ;

“સોનામુખી સોનું નવ થાય, અખા આંધળીને પાથરતાં વાણું વાય;”

જેવી રીતે વિચારશૂન્ય આચાર કામનો નથી, તેવી રીતે દંભ તથા અભિમાન શાથેનો તત્વવિચાર પણ નિરુપયોગી છે.

ફલોદયમાં જેમ અજ્ઞાન વિરોધી છે તેમ જ્ઞાનનું અભિમાન પણ વિરોધી છે. બન્નેનાં ત્યાગની મોક્ષના ઉદયમાં જરૂર છે.

અખાના અભિપ્રાય પ્રમાણે તત્વવિદ્યાના ઉદયમાં વિઘ્ન નાખનારા મુખ્ય દોષો :

(૧) વગર વિચારે ધર્મના બાહ્ય આચારને વળગી રહેવાપણું.

(૨) દાંભિક વર્તન.

(૩) પાંડિત્યનું મિથ્યાભિમાન.

(૪) શાસ્ત્ર તથા અનુભવરૂપ ચક્ષુવાળા મહાત્માના ઉપદેશ પ્રતિ અલક્ષ.

એ ચાર છે.

પરમાત્માના તથા પોતાના વાસ્તવ અભેદને વિચારદ્વારા જાણી પરમ તત્વ પ્રતિ પરમ પ્રીતિના પ્રવાહને ચલાવવો એજ સત્ય ભક્તિ છે. વેદાંતશાસ્ત્રમાં પણ આજ પ્રકારની ભક્તિને ઇષ્ટ ગણી છે:-

आत्मरूपानुसंधानं भक्तिरित्यमिधीयते ।

स्वस्वरुपानुसंधानं भक्तिरित्यपरे जगु: ॥     (વિવેકચૂડામણિ)

અખાના સિદ્ધાંતમાં ભક્તિનો, જ્ઞાનનો અને વૈરાગ્યનો સદા સર્વદા અવિરોધ છે. સ્વરૂપના અજ્ઞાનને વશ વર્તનારા તથા સંપ્રદાયના સંકુચિત ધર્મોમાં શાસ્ત્રનું સમગ્ર રહસ્ય માનનારા દુરાગ્રહી પુરુષોએ આ ત્રણ સાધનોનો વિરોધ ઉપજાવી સામાન્ય બુદ્ધિવાળાને સુમાર્ગે વહન થવામાં ઘણા પ્રતિબંધો ઉપજાવ્યા છે.

અખો કહે છે કે:

“ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય, પદાર્થ એક, ત્રણ નામ વિભાગ;

“તેને અજાણ્યો કહે જુજવા, સમજ્યાને તે એકજ હુવા.

“અનુભવતા જાણી જે ભેદ, ભક્તિ જ્ઞાન અખા નિર્વેદ;

“જગ્ત ભાવ રદેથી ગયો, ત્યારે ત્યાં વૈરાગ્યજ થયો.

“જ્યાં જુવે હરિ દ્રષ્ટિ પડે, ત્યારે ભક્તિ શરાડે ચઢે;

“દ્વૈતભાવ અખા જ્યારે ગયું, ત્રણ પ્રકારે જ્ઞાનજ થયું.

બુદ્ધિની પરમ શુદ્ધિ થયા પછી જીવ, ઇશ્વર તથા જગતના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અથવા ’સુઝ’ સહજ પ્રકટે છે.

મિત્રો, અખાની વાણીનાં વધુ ચમકારા આગળ ઉપર મળતાજ રહેશે. જેમાં હવે મુખ્યત્વે જાણીતા, અજાણ્યા છપ્પાઓ, કે જે મને હાલના સમયમાં પણ એકદમ હીટ અને ફીટ જણાય છે, તે આપવાનો પ્રયત્ન કરીશજ. પરંતુ આ જ્ઞાન,વૈરાગ્ય વગેરેની શાથે શાથે આપણું સાહિત્ય અન્ય પણ કેટલાયે રસોથી સભર છે. તો હવે પછીની પોસ્ટમાં આપણે અંદાજે ૧૫૦૦-૧૬૦૦ વર્ષ પહેલા શૃંગાર રસની શું સ્થિતિ હતી તે માણવાનો પ્રયાસ કરીશું.  “ભર્તુહરિ” , કે જે ક્યારેક ’ભરથરી’ તરીકે પણ ઓળખાય છે, જે શતકત્રયનાં રચેતા છે, (નીતિશતક, શૃંગારશતક અને વૈરાગ્યશતક) તેમનાં સુવિખ્યાત “શૃંગારશતક” નાં મુક્તકો માણવા ગમશેજ. (વડિલોએ નાક ચડાવવું નહીં 🙂 સીધું વાંચી જ નાખવું !! આમે વસંતરૂતુનું આગમન થઇ ચુક્યું છે.)   અસ્તુ.

અખાના છપ્પા સહીતની અન્ય કૃતિઓ અહીં વાંચો :

* વિકિસ્રોત-અખાની રચનાઓ

* વિકિપીડિયા-અખો